કથાલોક/બે નવલકથાનાં બીજ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



બે નવલકથાનાં બીજ

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> માદામ બોવરી

આપણને જાણીને આશ્ચર્ય થાય છે કે જે નવલકથા ઉપર ગુસ્તાવ ફ્લૉબેરે ચચ્ચાર વર્ષ સુધી ઉજાગરા વેઠીને ઝીણવટભર્યું નકશીકામ કરેલું, એ ‘માદામ બોવરી’નું કથાવસ્તુ એને એક સાચી ઘટના પરથી તૈયાર સાંપડેલું. નોર્મન્ડીના ગ્રામજીવનના એકધારાપણાથી ને એની વિફળતાથી લેખકને ત્રાસ છૂટ્યો હતો. એ અર્થહીન–ઉદ્દેશહીન મધ્યમવર્ગીય જીવનનું આલેખન કોઈક કલાકૃતિમાં કરવાની એની ઝંખના હતી. દિવસોના દિવસો સુધી એ પોતાના મકાનની બારીમાંથી બહારની દુનિયાનું એકધારું નિરીક્ષણ કર્યા કરતો. એવામાં એક સ્થાનિક તબીબની પત્નીએ લગ્નબાહ્ય સંબંધોના ત્રાસથી આપઘાત કર્યો, અને અખબારોમાં પ્રગટ થયેલા એ સમાચારની કાપલી એક મિત્રે ફ્લૉબેરને બતાવી. એમાંથી લેખકે એમાં બોવરીનું વસ્તુ કાંતી કાઢ્યું. પણ ફ્લૉબેરે એ કિસ્સા ઉપરથી આજકાલની કેટલીક સત્યકથાઓ જેવી જ કૃતિ રચી હોત તો ‘માદામ બોવરી’ એક શકવર્તી નવલકથા તરીકેનું સ્થાન ભાગ્યે જ પ્રાપ્ત કરી શકી હોત. એ સત્ય ઘટનાનો ટેકો લઈને લેખકે નાયિકા એમાંના પાત્રમાં પરકાયા પ્રવેશ જેવું કર્યું. પોતાની જ સંવેદનાઓ એણે નાયિકાના જીવનમાં આત્મસાત કરી. અને પરિણામે, માદામ બોવરીનું પાત્ર એવો તો પ્રતીતિકર ઉઠાવ પામ્યું કે, કવિ બોદલેરે એ કૃતિ ઉપર વિવેચન કરતાં અનુમાન કર્યું કે, કથાનાયિકાનું આલેખન કરવામાં લેખકે–પુરુષલેખકે–સ્ત્રીપાત્રની યાતનાઓ અવશ્ય અનુભવી હશે. અને એ અનુમાન સાચું જ પડ્યું. એમાં બોવરી એ સાચે જ આપઘાત કરનાર પેલા સાચા તબીબની પત્ની ન રહી. એની વેદનાને વાચા આપવા જતાં ખુદ લેખક જ એમાં ઊપસી આવ્યો હતો. ‘માદામ બોવરી કોણ છે?’ એવા પ્રશ્નના ઉત્તરમાં ફ્લૉબેરે કબૂલ કર્યું જ, ‘માદામ બોવરી સેસ્ત મોઈ. માદામ બોવરી હું છું.’ કથાના અંતિમ ભાગમાં, નાયિકાને ઝેર આપતી વેળા, કહેવાય છે કે ખુદ લેખકની આંતરિક વેદના એવી તો પરાકાષ્ઠાએ પહોંચેલી કે, એના પોતાના હાથપગની ત્વચા ઉપર ફોલ્લા ઊઠી આવેલા.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> આના કેરેનિના

બોવરી જેવી જ, વિશ્વસાહિત્યની બીજી એક વિખ્યાત કથાનાયિકા છે આના કેરેનિના. ટૉલ્સ્ટૉયની આ કૃતિને કેટલાક વિવેચકો કસબ અને રચનાકૌશલની દૃષ્ટિએ ‘યુદ્ધ અને શાંતિ’ કરતાંય ઊંચેરું સ્થાન આપે છે. એ કથાની નાયિકા આના કેરેનિના પોતાના પતિ અને પુત્રીને ત્યજીને પ્રેમી સાથે ચાલી નીકળે છે, અને આખરે એ પ્રેમી તરફથી પણ સુખ ન સાંપડતાં કંટાળીને રેલવેના પાટા પર આપઘાત કરે છે. કથાનો આ કરુણાંત ટૉલ્સ્ટૉયને ક્યાંથી સૂઝ્યો? શાથી સૂઝ્યો? આ અંગે આજ સુધી એક માન્યતા પ્રચલિત હતી : એક સ્ત્રીએ રેલવેના પાટા ઉપર ઝંપલાવીને આપઘાત કરેલો એના પંચક્યાસમાં ટૉલ્સ્ટૉયને હાજર રહેવાનો પ્રસંગ બનેલો. એ સ્ત્રી, ટૉલ્સ્ટૉયના એક મિત્રની રખાત હતી. આ કરુણ કિસ્સાથી લેખક એવા તો હલમલી ઊઠેલા કે, એમણે આના કેરેનિનાને પણ એવી જ રીતે આપઘાત કરતી આલેખેલી. પણ આ કથાના અંત અંગે હવે એક નવો જ પ્રકાશ સાંપડે છે. થોડા સમય પહેલાં મૃત્યુ પામેલા આંગ્લ નવલકથાકાર જૉઈસ કેરીએ કેમ્બ્રિજમાં ટ્રિનિટી કૉલેજમાં આપેલાં કલાર્ક વ્યાખ્યાનો હવે પ્રગટ થયાં છે, અને એમાંથી કેરેનિનાના અંત અંગે કેટલીક વીગતો વાંચવા મળે છે. ઘણી વાર લેખકોને અમુક વિચારકણિકાનો કે કથાવસ્તુનો ઝબકારો થાય છે. ટૉલ્સ્ટૉયને કેરેનિનાના અંત વિષે આવો ઝબકારો શી રીતે થયેલો, એ અંગે લેખક કેરી, કાઉન્ટેસ ટૉલ્સ્ટૉયની ડાયરીનો હવાલો ટાંકીને જણાવે છે કે એક સવારે નવલકથાકાર ડ્રેસિંગ ગાઉન પહેરીને બેઠા હતા. એવામાં, એ પોશાક પરના ટર્કિશ ભરતકામ ઉપર એમની નજર સ્થિર થઈ. કોઈક અજાણ સ્ત્રીની કરાંગુલીઓએ કરેલો એ કસબ જોઈને લેખક એવા તો પ્રભાવિત થઈ ગયા કે, સ્ત્રીનું જીવન, સ્ત્રીનું માનસ અને સ્ત્રીનું જગત પુરુષના જીવન, માનસ અને જગતથી કેટલું બધું ભિન્ન છે, એની એમને પ્રતીતિ થઈ. આના કેરેનિનાનું જીવન એમને અકુદરતી લાગ્યું. સ્ત્રીની કામગીરી સામાજિક હોવી ઘટે; સ્ત્રીએ બહેન, પત્ની, માતા, પરિચારિકા વગેરે બનીને કુટુંબજીવનના કેન્દ્રમાં રહેવું ઘટે, ગૃહજીવનનાં મૂલ્યોની રચયિતા અને રખેવાળણ તરીકેની કામગીરી બજાવવી ઘટે. આને સામે પડછે આના કેરેનિનાએ એક પ્રેમી ખાતર પોતાના પતિનો અને પુત્રનો ત્યાગ કર્યો, તેથી વિધાતાએ એના પતિના સુખનો જ નહિ પણ એના પ્રેમીના–અને આખરે એના પોતાના–સુખનો પણ ધ્વંસ કર્યો. કેરી કહે છે કે, કથાના અંતમાં આપઘાત ટૉલ્સ્ટૉયની ફિલસૂફી સાથે બંધબેસતો હતો જ નહિ. એ સ્થૂલ અંતની પાછળ, પ્રેમનું ઘર્ષણ કરનાર બળ તરીકેની સ્ત્રીની ફરજ અને એ ફરજ પ્રત્યેની કથાનાયિકાની બેવફાઈની જ વાત ટૉલ્સ્ટૉયે કરી છે. અને એ વાત કહેવામાં એને પેલા પોશાકમાંનું ભરતકામ પ્રેરણા આપી ગયું. સર્જકને ક્યારે, શી રીતે અને ક્યાંથી પ્રેરણાનો ઝબકારો મળશે એ કોણ કહી શકે? ખુદ સર્જક પણ એ આગોતરો જાણી શકતો નથી, એટલે જ સર્જનની પ્રક્રિયા નિગૂઢ રહેવા પામે છે અને એ નિગૂઢતાને કારણે જ એનાં સર્જનો નમણાં બની રહે છે.

૧૯૫૮