કથાલોક/નવલકથાનીય પેલે પાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ખંડ પાંચમો
પ્રકીર્ણ

નવલકથાનીય પેલે પાર

કોઈ સાહિત્યકારનો લગ્નપ્રસંગ જાહેર ચર્ચાનો વિષય ભાગ્યે જ બની શકે. પણ અનેક પ્રતિબંધિત પુસ્તકોના કર્તા હેન્રી મિલરે તાજેતરમાં પ્રભુતામાં પગલાં માંડ્યાં, એ અવસરને એક અપવાદરૂપ ગણીને પણ એને મિષે મિલરની ઓળખ કરવી આવશ્યક લાગે છે. વિશ્વસાહિત્યની દુનિયામાં હેન્રી મિલર પોતે એક અનોખાઈ ધરાવતા અપવાદરૂપ સર્જક છે. કદાચ એ જ કારણે એમના છઠ્ઠા લગ્નને આટલી વિશ્વવ્યાપી પ્રસિદ્ધિ મળી રહી છે. હેન્રી મિલરનું નામ પ્રતિબંધિત પુસ્તકોના પર્યાય જેવું થઈ પડ્યું છે. ‘ટ્રોપિક ઑફ કેન્સર’, ‘ટ્રોપિક ઑફ કેપ્રિકોર્ન’ તથા ‘બ્લેક સ્પ્રીંગ’ અને ‘સેકસસ–નેકસસ–પ્લેકસસ’ કથામાળા આજ સુધી તો પેરિસના ઓબેલિસ્ક પ્રેસ સિવાય બીજા કોઈ પ્રકાશકો છાપવાની હામ નહોતા ભીડતા. અને પેરિસમાં પણ એ ગ્રંથોની ગણના બહુધા, ગંદા, પોર્નોગ્રાફિક, કામોત્તેજક અશ્લીલ સાહિત્યમાં જ થતી. તાલેવંત અમેરિકી ટુરિસ્ટો આ પુસ્તકો ચોરીછૂપીથી ખરીદીને ફ્રાન્સની બહાર લઈ જતાં, એ વડે જ અંગ્રેજીભાષી દુનિયા આ ભેદી લેખકની આછીપાતળી ઓળખાણ મેળવી શકતી. ઇંગ્લૅન્ડ–અમેરિકા સહિત અનેક યુરોપીય દેશોમાં આ પુસ્તકો પર પોલીસખાતાની તવાઈ આવેલી. આખરે, અમેરિકાના ગ્રોવ પ્રેસે ‘ટ્રોપિકસ’ ગ્રંથો પ્રગટ કરવાની હિમ્મત દાખવી અને આરૂઢ વિવેચકોએ ગંભીર અભિગમ વડે એનું મૂલ્યાંકન કર્યું ત્યારે જ મિલર એમના યથાદર્શનકોણમાં મુકાઈ શક્યા. આ દર્શનકોણ કેવો છે? આ રહ્યાં કેટલાંક મૂલ્યાંકનો : ‘મિલરે જે સિદ્ધ કર્યું છે એ વડે જ અમેરિકી સાહિત્યનો આરંભ થાય છે અને એ વડે જ એની સમાપ્તિ થાય છે’,—લોરેન્સ ડરેલ ‘અર્વાચીન સાહિત્યના ઇતિહાસની એક શકવતી ઘટના’ (ટ્રોપિક ઑફ કેન્સર)—સેમ્યુઅલ બેકેટ ‘આ યુગના કે કોઈપણ યુગના એક અત્યંત નોંધપાત્ર સાચી રીતે મૌલિક લેખક...એ શબ્દસ્વામી છે. એમનો વ્યાપ પહોળાઈમાં તેમજ ઊંડાઈમાં અજોડ છે. જે કોઈ સરકારી સેન્સરખાતું આ ગ્રંથને સ્પર્શ કરશે એ સજીવ જીવનકોષોને સ્પર્શી રહેશે. એમાંનું ઘણુંય ઘૃણાસ્પદ છતાં સુંદર છે...’ –બેન રેય રેડમેન
કવિ કાર્લ શેપિરોએ તો એટલે સુધી સૂચન કર્યું છે કે મિલરનાં લખાણોમાંથી એક અર્વાચીન બાઈબલ તૈયાર કરાવીને પરંપરાગત ગિડિયોન બાઈબલોની પ્રતોને સ્થાને આ નવતર બાઈબલ મુકાવવું જોઈએ. આમ, અતિવગોવણી અને અતિપ્રશંસા એ બેઉ અંતિમ અનુભવો જેમને થઈ ચૂક્યા છે, એવા હેન્રી મિલરે હવે જાપાની પિયાનોવાદક અને અભિનેત્રી જોડે છઠ્ઠીવારનું લગ્ન કર્યું છે. અખબારી અહેવાલોએ સૂચક ઉલ્લેખ કર્યો છે કે વર–વધૂ વચ્ચે ઉંમરનો તફાવત છેતાળીસ વર્ષનો છે. બેઉ વચ્ચે બેએક વર્ષથી પત્રવ્યવહાર ચાલતો હતો. લગ્નને આગલે દહાડે મિલરે અખબારનવેશો સમક્ષ કહેલું કે આ લગ્ન એક મોટું સાહસ ગણાશે, અને કદાચ એ છેલ્લું જ બની રહેશે. ભારતીય વાચકોને આ છઠ્ઠું લગ્ન અને છેતાળીસ વર્ષનો વયભેદ જરા ચોંકાવનાર લાગે, પણ પશ્ચિમમાં એ એટલું વિચિત્ર ન જણાય. હજી આગલે અઠવાડિયે જ અવસાન પામેલ નર્તકી નીલ ડાયમન્ડે નેવ્યાશી વર્ષમાં નવ વાર લગ્ન કરેલાં. અભિનેત્રી માર્લિન મનરોનું અવસાન પૂર્વેનું નાટ્યકાર આર્થર મિલર જોડેનું લગ્ન ચોથી વારનું હતું. પશ્ચિમમાં ઘણીવાર જિન્સી હાજતો કરતાંય વિશેષ તો સહજીવનની જરૂરિયાતથી લગ્નો યોજાતાં હોય છે, અને એવાં જોડાણોને લોકો સમભાવપૂર્વક સાંખી લેતાં હોય છે. આપણે ત્યાં હજી આવો સમભાવ કેળવાવો બાકી છે. સદ્ગત રામનારાયણ વિ. પાઠકના પુનર્લગ્ન વેળા ગુજરાતી અખબારો ઊકળી ઊઠેલાં અને શામળદાસ ગાંધીએ તો ‘વંદેમાતરમ્’માં ‘સડેલી સાક્ષરતા’ શીર્ષકથી ખચખચાવીને તંત્રીલેખ લખેલો. મિલરનું લગ્ન એટલો ઊહાપોહ તો નહિ જગવે પણ દુનિયાભરનાં મિલરપ્રેમીઓ એની ચર્ચા તો કરશે જ, કેમ કે તેઓ બહુ ગવાયેલા, બહુ વગોવાયેલા તેમજ બહુ પ્રભાવક સાહિત્યકાર છે. છોતેર વર્ષના હેન્રી મિલર મૂળ જર્મન ઔલાદનાં અમેરિકી માબાપને ઘેર ઈ. સ. ૧૮૯૧ના ડિસેમ્બરની ૨૬મીએ જન્મેલા. પોતાના જીવનની સાલવારીમાં તેઓ લખે છે કે ચૌદમે વર્ષે એમને મિરિયમ પેઈન્ટર નામનાં મહિલામાં આદર્શ નારીનું દર્શન લાધેલું. સોળમે વર્ષે કોરા એવર્ડ જોડે એમને પહેલવહેલો પ્રેમસંબંધ થયેલો. અઢારમે વર્ષે એમણે પોલિન શતુને ઉપવસ્ત્ર તરીકે સ્વીકારેલ. (‘એમની ઉમ્મર મારાં માતા બનવા જેટલી મોટી હતી.’) ઈ. સ. ૧૯૧૭માં લિયોસ સિલ્વાસ વિક્રેન્સ જોડે લગ્ન કર્યું. એ યુવતી પિયાનોવિશારદ હતી. પાંચ વર્ષ પછી આ લગ્નનો વિચ્છેદ થયો અને જૂનમાં એડિથ સ્મિથ જોડે પુનર્લગ્ન થયાં. દસ વર્ષ પછી મેક્સિકો સિટીમાં પ્રોકસી વડે આ લગ્નનું વિસર્જન કરાવ્યું. ઈ. સ. ૧૯૪૪ના ડિસેમ્બરની ૧૮મીએ જેનિના લેપ્સ્કા જોડે લગ્ન કર્યું. આઠ વર્ષ પછી ૧૯૫૨માં મિલરના જીવનમાં ઇવ મેકકલુરે પ્રવેશ કર્યો, અને જેનિના લેપ્સ્કાને તલ્લાક આપ્યાં. વળતી સાલ ૨૯મી ડિસેમ્બરે ઇવ મેકકલુર જોડે લગ્નગ્રંથિથી જોડાયા. આ તો મિલરનાં લગ્નજોડાણોની અને વિચ્છેદોની સ્થૂલ સાલવારી થઈ એમાંથી માનવી મિલરની કે સર્જક મિલરની છબી ભાગ્યે જ ઊપસી શકે એ વાત સાચી કે એક સાહિત્યસર્જક તરીકે મિલર આજે પણ વાદાસ્પદ રહ્યા છે. હજી હમણાં સુધી ‘એમના મૂળ વતન અમેરિકામાં તો તેઓ અસ્પૃશ્ય જેવા જ ગણાતા. યુરોપીય સાહિત્યસૃષ્ટિમાં એમને નામના મળી એ પછી જ અમેરિકાએ એમને–કદાચ અચકાતાં અચકાતાં–થોડીઘણી સ્વીકૃતિ આપેલી. રહીરહીને છેક ૧૯૫૭માં નેશનલ ઇન્સ્ટિટયૂટ ઑફ આર્ટસ ઍન્ડ લેટર્સમાં મિલરની સભ્ય તરીકે વરણી થયેલી. છતાં એમની પ્રતિભા અને પ્રભાવકતાનું પોત હજી ધીમે ધીમે પરખાતું હોય એમ છે. મિલરની એક વિશિષ્ટતા એ છે કે સામ્પ્રત સાહિત્યના કોઈ પણ પ્રવાહ જોડે તેઓ વહેતા નથી. એકેએક પ્રચલિત ચીલો ચીતરીને જ એઓ ચાલ્યા છે. એમની કથાઓમાં ઘેરું યથાર્થચિત્રણ હોય છે. પણ એ યથાર્થચિત્રણ લૉરેન્સ કે જૉઇસના ઢાંચાનું નથી. એનું પરિમાણ જુદું જ છે. મિલર સાહિત્યસર્જનમાં કોઈ ગાડરિયા પ્રવાહમાં પડ્યા હોત તો એક ગાડર કરતાં વિશેષ એમની ગણના થઈ ન હોત. કોઈ અર્વાચીનતાની ફૅશનપરસ્તી કરી હોત તો એ ફૅશન જોડે જ તેઓ મરી પરવાર્યા હોત. મિલરની સાહિત્યસાધના એમની નિજી જ હતી. અને એ કારણે જ એમની પ્રભાવકતા દિન–પ્રતિદિન વધારે વર્તાતી રહે છે. મરજાદી વાચકવર્ગમાં મિલરની મથરાવટી મેલી થઈ ચૂકી છે એ વાત સાચી. એમની કથામાં યૌનિક વ્યવહારોનાં ચિત્રણો કશાય અંતઃસંકોચ વિના આલેખાયાં છે. વિવેચકો એમાં સર્જકની સાહસિકતા કરતાં સ્વાભાવિકતા જોવા મથે છે. લેખકને કામુકતા કરતાં કલામાં વિશેષ રસ છે. તિબેટી લામા જેવા દેખાતા એ સાહિત્યકાર પશ્ચિમ કરતાં પૂર્વના જીવનવિચારથી વધારે પ્રભાવિત થયા છે. દોસ્તોએવ્સ્કી પછી એમના કોઈ આરાધ્ય દેવ હોય તો એ સ્વામી વિવેકાનંદ અને સ્વામી રામકૃષ્ણ છે ભારતીય દૈનંદૈની જીવનનાં કેટલાક ચીતરી ચઢે એવાં વર્ણનો આલેખનાર અને ગુજરાતી લોકોની–વિશેષતઃ પેરિસમાંના ઝવેરીઓની–તો ઘણીવાર ગંદી ગોબરી વાતો લખનાર મિલર પશ્ચિમાભિમુખ કરતાં પૂર્વાભિમુખ વિશેષ છે. ઘણીવાર તો તેઓ ધર્મનિષ્ઠ પણ લાગે છે. (કયો સાચો સર્જક ધર્મનિષ્ઠ નથી હોતો?) કવિ શેપિરોએ મિલરના ગ્રંથોને સાહિત્ય કરતાંય ‘સ્ક્રિપ્ચ’ની કક્ષામાં મૂલવ્યા છે. પાદરીઓ, સાધ્વીઓ, પોપ એને કેથેડ્રલની ક્રૂર હાંસી ઉડાવનાર લેખકનો જીવનાભિગમ ધર્મયુક્ત હોઈ શકે ખરો? પણ એ જ તો મિલરની સર્જકતાનું રહસ્ય છે. એમની સરજત ‘ઈરોટિકા’થી આગળ વધીને ઈશ્વરાભિમુખ શી રીતે બને છે એ પ્રક્રિયા જરા વીગતે તપાસવા જેવી છે. ‘અર્વાચીન પ્રગતિનો પ્લેગ : સંસ્થાનવાદ, વેપાર, મફત બાઈબલો, યુદ્ધ, બનાવટી અવયવો, કારખાનાં, ગુલામો, ગાંડપણ, મનોરોગ, કેન્સર, ચાંદી, ક્ષય, એનિમિયા, હડતાળો, તાળાંબંધી, ભૂખમરો, અજંપો, મથામણ, હતાશા, આત્મઘાત, નાદારી, આર્ટરીઓસ્કલેરોસિસ, મેગેલોમેનિયા, સાઈઝોફ્રેનિયા, સારણગાંઠ, કોકેન, પ્રુસિક ઍસિડ, સ્ટિન્ક બોમ્બ, અશ્રુવાયુ, હડકાયાં કૂતરાં, ઓટોસજેશન્સ, ઓટોઈન્ટોક્સીકેશન, મનોરોગસારવાર, જલોપચાર, વીજળિક મસાજ, વેક્યુમ ક્લીનર, ગ્રેપનટ, હરસ–મસા, ગેન્ગ્રેન...’ અર્વાચીન યુગની પ્રગતિની હેન્રી મિલરે કરેલી આ સમીક્ષા છે. એ પ્રગતિમાંથી પીછેહઠ કરવાનો સૂર એમનાં ઘણાં લખાણોમાંથી સંભળાય છે. યંત્રયુગમાં મનુષ્યનું હીર હીણાઈ ગયું છે, એમ મિલર માને છે. તેથી જ એ વારંવાર ‘પાછા નિસર્ગભણી!’નો નારા ગજવતા હોય એ ઢબે પીછેહઠની વાત કરે છે. પણ પીછેહઠ ક્યાં સુધી? છેક ગર્ભાશય સુધી. કલાઈમ્બ બેક ઈન્ટુ ધ વુમ્બ અગેન… મિલરનાં લખાણોમાંનું આદિમ તત્ત્વ આ અભિગમને આભારી છે. અતિસંસ્કૃત, ઠાવકા, કૃત્રિમ સમાજજીવનમાં સર્જક ઊભડક બની રહે છે, નાતબહાર મુકાઈ જાય છે, એકલોઅટૂલો થઈ રહે છે. તો, એ સર્જક એવા સમાજને પણ નવ ગજના નમસ્કાર કરીને, આ શિષ્ટાચારને ઉવેખીને, એની સુષ્ઠુ–સુષ્ઠુ રહનસહન પર થૂ કરીને પોતાની જીવનકેડી પોતાની મોજ મુજબ કંડારી લે છે. મિલરની જીવનકેડી આવા એકલવિહારીની છે. એમના કોઈ અનુયાયી નથી. એમના અનુયાયી બનવાનું સહેલું પણ નથી. અને પુરોગામીઓ? ગણાવવા હોય તો એમના પ્રિય સર્જકો—કલાકારોને ગણાવી શકાય : ડેન્ટી, મોન્તેન, વર્જીલ, હોમર, બોકેશિયો, રેબેલા, ગ્યુઈથે, દોસ્તોએવ્સ્કી, મેલવિલ, રિમ્બો, ગોમ્વીન, લૉરેન્સ. એક સ્થળે મિલરે આ પુરોગામીઓનાં નામમિશ્રણ યોજીને પોતાનું એક નવતર નામ પણ બનાવ્યું છે : ‘હું માઈગેલ ફેદોર ફ્રાન્ઝવા વુલ્ફર્ગોંગ વેલેન્ટાઈન મિલર...’ મિલરની નવલકથાઓ મોટે ભાગે આત્મકથાત્મક રચનાઓ છે. એમાં ક્યાંય અંતરપટ નથી જણાતો. તેથી જ એ આદિમ જીવનની કવિતા ભવ્ય કરતાં ભીષણ વધારે લાગે છે. મનુષ્યની બે પ્રાથમિક ક્ષુધાઓ–આહાર અને યૌનિક આવેગોના સાંત્વનની જ એ મથામણ બની રહે છે. એ કથાઓના કેન્દ્રસ્થાને જઠરાગ્નિ અને કામાગ્નિ જ છે. અને એનાં ચિત્રણો ઘેરા રંગે ચિતરાયાં છે. એમાંની કેટલીક ઝીણવટભરી વીગતો સૂગાળવાં વાંચકોને સદે એવી નથી. તેથી જ મિલર પર અશ્લીલતાનો આરોપ થતો રહે છે. એ ચિત્રણોને એમના સમગ્રતાના સંદર્ભની બહાર તપાસતાં રૂઢાર્થમાં એ અરુચિકર લાગે પણ ખરાં. પણ મિલરનું નિશાન વાચકોને ગલીપચી કરવાનું નથી. તેઓ બહુ ઊંચું નિશાન તાકે છે. એકવાર ખુલાસારૂપે એમણે કહેલું : ‘મારા ગ્રંથો યૌનવિષયક નથી; એ તો આત્મમુક્તિ કાજે યોજાયા છે.’ સર્જક આ આત્મમુક્તિ શી રીતે સિદ્ધ કરે છે? જીવનનો સમગ્રતયા અનુભવ પામીને, સમગ્ર જીવનની સમગ્ર કવિતા રચીને, જીવનને આંશિક રીતે નહિ પણ અખિલાઈમાં અવલોકીને, અનુભવીને. આ અનુભવ કોઈ રીતે સુખાળવો ન જ હોઈ શકે. એ સાહસવીરે નર્કયાતનામાંથી પસાર થવું જ રહ્યું. પણ મિલર એ યાતનાનો ભીષણ આનંદ વર્ણવે છે ત્યારે એ લખાણ નવલકથાનીય પેલે પાર, કાવ્યથીય ઊંચેરા સ્તરને આંબી રહે છે. મિલર માનવદેહને નર્કની ખાણ રૂપે નહિ પણ એક પવિત્ર મંદિર લેખે ટેવે છે. એ અભિગમ વિના તેઓ પેરિસની એક બજારબેસુ વેશ્યાનું કાવ્યસભર વર્ણન શી રીતે કરી શકે? કુત્સિતમાં રહેલી કુત્સિતતા મિટાવી દેવાનો કીમિયો મિલરને લાધી ચૂક્યો છે. સાહિત્યિક પરમ્પરાની દૃષ્ટિએ જોઈએ તો મિલર કવિ વ્હિટમનના સીધા વારસ છે. અને પરમ્પરાનું અનુસંધાન જોવું હોય તો અર્વાચીન અમેરિકી ફિતુરી કવિ એલન જિન્સબર્ગ એમના સમર્થ અનુગામી છે. કૅલિફોર્નિયામાં બિગ સુર ખાતે વસતા ‘આવાં ગાર્દ’ સાહિત્યકારો અને બીટનીક સર્જકો મિલરનો વંશવિસ્તાર છે. કુત્સિતની પણ સમભાવપૂર્ણ સ્વીકૃતિ અને સમગ્ર જીવનનો શ્રદ્ધાયુક્ત સ્વીકાર એ મિલરના વિચારમિનારનો પાયો જણાય છે. શ્રદ્ધા વિશે એમણે ‘નેકસર્સ’ નવલકથામાં એક આત્મનિવેદન કર્યું છે : ‘શ્રદ્ધા, આપણે એ ખોઈ બેઠાં છીએ. સાવ ખોઈ બેઠાં છીએ. કશામાં શ્રદ્ધા નથી રહી. છતાં શ્રદ્ધા વડે જ મનુષ્ય જીવી શકે છે, જ્ઞાન વડે નહિ. જ્ઞાન અલબત્ત અખૂટ છે, છતાં આખર જતાં એ નિરર્થક કે સંહારક બની રહે છે. પણ શ્રદ્ધા? શ્રદ્ધા પણ અખૂટ છે અને હમેશાં અખૂટ જ રહેશે. શ્રદ્ધા વડે જ કાર્યો પ્રેરાય છે. શ્રદ્ધા વડે જ અવરોધો ઓળંગાય છે, શબ્દશઃ બાઈબલ કહે છે તેમ, પર્વતો ખસેડી શકાય છે. શામાં શ્રદ્ધા? બસ, શ્રદ્ધા જ, બીજું કશું નહિ. કહો કે સઘળામાં શ્રદ્ધા. કદાચ એનો વધારે સારો શબ્દ ‘સ્વીકાર’ છે, પણ સ્વીકાર શબ્દ સમજવાનું તો શ્રદ્ધા કરતાંય વધારે મુશ્કેલ છે. ‘સ્વીકાર’ શબ્દોચ્ચાર સાથે જ પૃચ્છા થાય છે : અસદ્દનો પણ સ્વીકાર? અને તમે હકાર ભણો કે તરત માર્ગ રુંધાઈ જાય છે, તમારી હાંસી થાય છે, તમને રગતપિતિયાની પેઠે બહિષ્કૃત ગણવામાં આવે છે. શુભ, સદ્ વગેરે સામે સંદેહ ઉઠાવાય છે, પણ અશુભ, અસદ્–ને દૂર કરવાના સતત પ્રયત્નો થતા હોવા છતાં એના અસ્તિત્વ અંગે કોઈને લગીરેય શંકા નથી હોતી. જોકે, જેનું સ્વરૂપ સતત પરિવર્તનશીલ છે અને જે ઝીણવટથી જોતાં ઘણીવાર સદ્ જેવું જ જણાય છે, એને માટે જ વપરાતો એ એક અમૂર્ત શબ્દ છે.’ અસદ્, અને કુત્સિત પ્રત્યેનો મિલરનો આ અભિગમ ઝેન બૌદ્ધવિચારથી પ્રેરાયો છે. (એ જ ધર્મવિચાર આજકાલ બીટનીક કલાકારોનું પ્રેરકબળ બની રહેલ છે.) પણ મિલરની સરજતમાં યૌન તત્ત્વનું ભારણ એટલું બધું છે કે સરેરાશ વાચક એમાંનો ધર્મવિચાર સહેલાઈથી ભાગ્યે જ પકડી શકે. આ યૌન તત્ત્વના આલેખનનું વાજબીપણું ઠસાવવાનો મિલરે એક કથાના સંવાદમાં પ્રયત્ન કર્યો છે : ‘તમને શું લાગે છે?’ નેડે પૂછ્યું; ‘યૌન તત્ત્વ ગંદવાડ ગણાય? હેન્રી, તમને લાગે છે કે યૌન તત્ત્વ ગંદવાડમાં ગણાય?’ ‘યૌન એ પુનરાવતારનાં નવ કારણોમાંનું એક છે’, મેં કહ્યું : ‘બીજાં આઠ કારણો મહત્ત્વનાં નથી. આપણે સહુ ફિરસ્તાઓ હોત તો આપણને યૌનને બદલે પાંખો હોત. એરોપ્લેનને યૌન તત્ત્વ નથી, ઈશ્વરને પણ નથી. યૌન તત્ત્વ પ્રજનન પ્રેરે છે; અને પ્રજનન નિષ્ફળતા ભણી દોરી જાય છે. કહેવાય છે કે પાગલ લોકો વધુમાં વધુ યૌનિક આવેગ ધરાવે છે. એ લોકો સ્વર્ગમાં વસે છે. પણ તેઓ નિર્દોષતા ગુમાવી બેઠાં છે.’ મિલરની કૃતિઓમાં આ યૌન તત્ત્વની માવજત એક કલાકારની હેસિયતથી કેવોક ઘાટ પામે છે, આત્મલક્ષી સર્જક પોતાના લોહીના લયને સાર્વજનિક વૈશ્વિક લય જોડે કેવી રીતે એકાકાર કરી શકે છે, એ વડે જ એમનું મૂલ્યાંકન થઈ શકે. અને એ અંગે મિલરની પોતાની એક કેફિયત નોંધવા જેવી લાગે છે : ‘કલાકારનો મહાન આનંદ ઉચ્ચતર જીવનરચના અંગે સંપ્રજ્ઞાત બનવામાં રહેલો છે. એમાં પોતાના આવેગોના દુર્નિવાર અને સાહજિક સંયોજન વડે માનવસર્જન અને ‘દિવ્ય’ નામે ઓળખાતા સર્જન વચ્ચેનું સામ્ય ઓળખવામાં એ આનંદ રહેલો છે.’ મિલરનો પુરુષાર્થ આ માનવ અને દેવ વચ્ચેનો સમાન અણસાર શોધવાનો છે. એક કલાકાર માટે આ પુરુષાર્થ ઓછો ઉમદા ન ગણાય.

જૂન, ૧૯૬૭