કથાલોક/ચાર નવલકથાની નાયિકાઓ



ચાર નવલકથાની નાયિકાઓ

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> (૧) બેવફાઈનો બદલો

‘આ ઐશ્વર્યે પ્રણયસુખની હાય આશા જ કેવી!’ સદ્ગત કવિ કાન્તની આ કાવ્યપંક્તિ જાણીતી છે. આ ઈશ્વરની સૃષ્ટિની રચના જ કાંઈક એવી વિષમ છે કે એમાં પ્રણયસુખની આશા જ વ્યર્થ છે. આવો ઉદ્ગાર જરા આંત્યંતિક લાગે, એમાં વિષાદની માત્રાનો અતિરેક લાગે, છતાં એને યથાર્થ ઠેરવનારા કિસ્સાઓ કાંઈ કમ નથી. જીવનના ઉલ્લાસથી હરીભરી એક તરુણી પ્રેમ વાંચ્છતી હોય, પોતાના મનમાન્યા પ્રેમીનાં સપનાં સેવતી હોય, અને પ્રેમમાં એ નિષ્ફળ–નાસીપાસ થતાં એ દુઃખીદુઃખી થઈ જાય એ તો સમજી શકાય. પણ, પ્રણયસુખનાં એના સપનાં સાચા પડે, પ્રેમીજનની પ્રાપ્તિ થાય અને છતાં એની જિંદગી કડવીઝેર બની રહે એવું સંભવે ખરું? ગુસ્તાવ ફ્લૉબેરની વિખ્યાત કથા ‘માદામ બોવરી’નું મંડાણ પ્રેમની આવી વિચિત્ર વિફલતા પર થયું છે. એમા નામની ફ્રાન્સના એક નાનકડા ગામડાંની તરુણી, કોનવેન્ટની શાળામાં ભણીને ધર્મ પરાયણ બનવાને બદલે રંગદર્શી પ્રેમીઓનાં સપનાં સેવે છે. એ ચાર્લ્સ બોવરી નામના તબીબને પરણે છે, અને રોમાંચક પ્રણયનાં સપનાં સાકાર થવાની અપેક્ષા રાખે છે. પણ પતિ ‘કશી જ મહત્ત્વાકાંક્ષા વિનાનો’ સીધોસાદો જણાય છે. એમાને એક બાળક જન્મે છે, પણ એથી એના જીવનની શૂન્યતા પુરાતી નથી. એનો અજંપો વધે છે. એ પેરિસ જવા ઝંખે છે. એવામાં રોડોલ્ફ નામનો માણસ એના જીવનમાં પ્રવેશે છે. એમાને રંગદર્શી પ્રણયની પ્રાપ્તિ હાથવેંતમાં જણાય છે : એની સિદ્ધિ અર્થે એ સૂચવે છે કે આપણે બેઉ નાસી જઈને પેરિસમાં જઈ વસીએ. પણ રોડોલ્ફ ભીરુ સાથી સાબિત થાય છે. એ એને છેહ દઈને ચાલી જાય છે. એક વર્ષ પછી લિયોં નામનો અફલાતૂન પેરિસવાસી જ એમાને આવી મળે છે. નગરરમણી પેરિસ વિષે એ રંગરંગીલી વાતો કહીને આ ભોળુડી યુવતીને ભરમાવે છે. પ્રેમમાં અંધ બનેલી એમા આ રંગીલા યુવાન પાછળ બરબાદ થઈ જાય છે. છૂપી રીતે ઉછીઉધાર કરીને એ પ્રેમ અંગેનું કૌતુકરાગી સપનું સિદ્ધ કરવા મથે છે. પતિની જાણબહાર એ બેહદ કરજદાર બની જાય છે. અને છતાં એ પોતાનું લક્ષ્ય તો સિદ્ધ કરી શકતી જ નથી. લિયોં પણ એને દગો દઈને ચાલી જાય છે. અને આખરે એ હતાશ નારી વિષપાન કરીને જિંદગી ટૂંકાવી નાખે છે. છાપાંમાં પ્રગટ થયેલા એક સ્ત્રીના આપઘાતના સમાચાર પરથી ફ્લૉબેરે કલ્પનાનો સંભાર ઉમેરીને આ કથા કાંતી કાઢેલી. એમા બોવરીના પાત્ર પર લેખકે સતત ચારેક વર્ષ સુધી એવું તો સધન આલેખન કરેલું કે એ સ્ત્રીપાત્ર જોડે પુરુષલેખક આત્મસાત્ થઈ ગયેલા એમ કહેવાય છે. ફ્લૉબેરે પોતે કબૂલ કરેલું કે ‘હું જ બોવરી છું.’—(‘બોવરી સેસ મોઈ’) કહેવાય છે કે કથાના અંતભાગમાં બોવરીને વિષપાન કરાવતી વેળા ફ્લૉબેરને અંગેઅંગે એ વિષની વિક્રિયા ફૂટી નીકળેલી. ટૂંકમાં, બોવરી આ નવલકથાની નાયિકા મટીને દેહ અને હૃદયના ધર્મોની લીલા સૂચવતું એક પ્રતીક બની રહેલું. સુખનાં દિવાસ્વપ્નોમાં રાચનારાં માનસ માટે ‘બોવરિઝમ’ જેવો શબ્દ પણ યોજાયેલો. ‘માદામ બોવરી’ પહેલી નજરે લગ્નબાહ્ય વ્યવહારોની વાત છે. તેથી, એના પ્રકાશન વેળા સરકારની તવાઈ આવેલી. અશ્લીલ લખાણના આરોપસર લેખક પર મુકદ્દમો મંડાયેલો. પણ ફ્લૉબેરનો ઉદ્યમ અનૈતિક ચિત્રણો કરવાનો નહોતો. એમા બોવરી પોતાનાં રંગદર્શી સ્વપ્ન સિદ્ધ કરવા પતિની જાણ બહાર આડવ્યવહારનો આશ્રય લે છે ખરી. પોતે કલ્પી લીધેલા પ્રેમની પ્રાપ્તિમાં એ સફળ પણ થાય છે. પણ જીવનમાં એ સુખી નથી થતી. એ પ્રેમની કિંમત એણે પ્રાણત્યાગ વડે ચૂકવવી પડે છે. એ ભોળી નારી સુખની શોધમાં સફળ થાય છે. એને બે પ્રેમીઓ પ્રાપ્ત થાય છે. પણ એ પ્રણયસુખની પ્રાપ્તિ બદલ જ લેખકે એને દેહાન્તની સજા ફટકારી છે. પતિને બેવફા બનીને અને પુત્રીને ઉવેખીને બોવરી જે લગ્નબાહ્ય માર્ગ અખત્યાર કરે છે એ આ સૃષ્ટિના વિધાતાને તેમજ કથાના વિધાતાને પણ મંજૂર નથી. કેટલાક વ્યવહાર–ડાહ્યા વિવેચકોએ દલીલ કરી છે કે નાયિકાએ વિષપાન કરવાનું અનિવાર્ય જ નહોતું : પતિની જાણબહાર પોતે કરેલાં કરજો ચૂકવવા એ બીજા માર્ગો અખત્યાર કરી શકી હોત પણ એક છળકપટ ઢાંકવા માટે એવાં વધારે છળનો આશરો લેવાનું લેખકને કલાત્મક કે પ્રતીતિકર નહિ લાગ્યું હોય. તેથી જ માદામ બોવરીનું ચરિત્ર અને એનો ઘોર કરુણ અંજામ માનવજાત માટે એક ચેતવણીરૂપ બની રહ્યો છે. જાણે કવિ ન્હાનાલાલની જ પેલી શીખ સંભળાય છે :

રતરસ્યાં ઓ બાળ
રસની રીત ન ચૂકશો;
પ્રભુએ બાંધી પાળ
રસસાગરની પુણ્યથી.

બોવરીએ આ પુણ્યની પાળ ઉલ્લંઘી એ બદલ એને ઝેર ઘોળવું પડ્યું.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> (૨) દેવઅર્પિતા

વ્રજની ગોપીઓએ ગાયેલું : ‘વ્રજ વહાલું, વૈકુંઠ નથી જાવું...’ ચંડીદાસે કહેલું : ‘સાબાર ઉપર માનુષ. મનુષ્યથી શ્રેષ્ઠર બીજું કશું જ નથી.’ મનખાવતારનો આવો માહિમા ઘણા સાહિત્યકારોએ કર્યો છે. સ્વિડનના નોબેલ ઇનામ વિજેતા લેખક પાર લેજરકવીસ્ટે ‘સિબિલ’ નામક લઘુનવલમાં એક નારીનો ધરતીપ્રેમ બહુ જોશીલા કથાપ્રસંગોમાં વર્ણવ્યો છે. પ્રાચીન ગ્રીસમાં ડેલ્ફી નામનું દેવસ્થાન. અહીં ભવિષ્યકથન કરનારી દેવદર્શિની રહે. એક મરે એટલે પૂજારીઓ એને સ્થાને બીજીની સ્થાપના કરે. એ ક્રમમાં એક વાર ડેલ્ફીની જ એક ખેડૂતપુત્રી ઉપર આ દેવદર્શિની તરીકેની પસંદગીનો કળશ ઢળે છે. દેવનો આદેશ. ના કેમ પડાય? એ યુવતી પોતાનાં ઘરબાર, માબાપ, ખેતર વગેરે ત્યજીને દેવસ્થાનમાં ગઈ. દેવોની દાસી જ નહીં, દેવસંગિની બની રહી. આરંભમાં તો આ માનમરતબો એને ઉત્તેજક લાગ્યો, પણ રહેતે રહેતે એ દેવળના એકધારા ને શુષ્ક જીવનથી ત્રાસી ગઈ. પોતે દેવોની પ્રિયતમા તો બની, પણ દેવવધૂ તો ન જ બની શકે. અને પરિણીતા બન્યા વિના તો એની માતૃત્વની ઝંખના પણ કેમ કરીને પરિતોષાય? એવામાં પોતાની માતાની માંદગીના વાવડ આવ્યા, અને એ તો દેવની પ્રિયતમાના પોષાકમાં જ માતાની ખબર કાઢવા પહોંચી ગઈ. મરણસજાઈએ પડેલી માતાએ એને મૂંગામૂંગા સૂચવ્યું કે આ વરવો પહેરવેશ તજી દે. એણે તો ઘરમાંથી પોતાના પૂર્વજીવનનાં કપડાં ખોળીને પહેરી લીધાં. અહીં પોતાને ખેતરને શેઢે એક વોંકળો વહેતો હતો. એ રોજ ત્યાં જાય ને ધરતીનો ને નિસર્ગનો સ્પંદ અનુભવે. અહીં એક ઠૂંઠો જુવાન પાણી પીવા આવ્યો. યુવતીએ એને ઓળખી કાઢ્યો. આ તો બાળપણનો જ ગોઠિયો. મોટપણે લશ્કરમાં ગયેલો, ત્યાં હાથ કપાઈ જતાં પાછો આવેલો. બેઉએ ખળખળ વહેતા ઝરણામાંથી પાણી પીતાં પીતાં એમાં પોતાનાં મુખપ્રતિબિંબો જોયાં ને સ્નેહની ગાંઠ ગંઠાઈ ગઈ. દેવના દર્પને બદલે એને પહેલી જ વાર માનવીના હૃદયનો જીવતોજાગતો ધબકાર જાણવા મળ્યો. માનવીની માયા આટલી કામણગારી હોઈ શકે એ પણ પહેલી જ વાર અનુભવ્યું. આ સર્વ પ્રથમ પ્રેમાનુભવમાં એ સેલારા લેતી હતી ત્યાં જ એને દેવસ્થાનમાંથી ઉત્સવનું કહેણ આવ્યું અને એણે જવું પડ્યું. દેવળના ગભારામાં એ દેવદર્શિની બનીને ધૂણતી ધૂણતી ભવિષ્યવાણી ભાખતી હોય છે ત્યારે એ અર્ધબેભાન અવસ્થામાં પેલા જુવાનને જુએ છે. એ માણસના આગમનને કારણે અવ્યવસ્થા મચી રહે છે. દેવીને એક આશંકા જાગે છે : મારો પ્રેમી મને અહીં દેવોની પ્રિયતમા તરીકે જોઈ ગયો હશે તો હવે પછી ફરી એ મને પૂર્વવત્ ચાહશે ખરો? અને આવી દ્વિધાભરી સ્થિતિમાં જ એના જીવનની કરુણમાં કરુણ ક્ષણ આવી પહોંચી. એક દિવસ એ દેવસ્થાનમાં બેહદ વિવશ થઈ ગઈ. તંદ્રાવસ્થામાં એને સમજાયું કે એ વેળા દેવોએ એના ઉપર જબરજસ્તી ગુજારી. અને એ જ ક્ષણે તેનો પેલો અપંગ પ્રેમી પેલા વોંકળામાં તણાઈ ગયો. દેવદાસી સગર્ભા બની અને જબરજસ્તીની અણગમતી યાદ તાજી થઈ રહી. દેવોએ ગુજારેલ એ ઘૃણાસ્પદ વર્તાવનું સંભારણું એટલે જ મારું આ ઉદરસ્થ સંતાન? એને સંતાપ તો એ રહ્યો કે પેલા પાડોશી યુવાન જોડેનું એનું સ્નેહસભર સુખ સાવ વંધ્ય નીવડ્યું અને આ અણગમતો દૈવી અત્યાચાર સગર્ભાવસ્થામાં પરિણમ્યો. દેવદર્શિની સગર્ભા છે એવું જાણતાં જ લોકો એને ધુત્કારી કાઢે છે, બહિષ્કૃત ગણીને ગામ બહાર કાઢી મૂકે છે. જંગલમાં એ પશુઓ જોડે વસે છે ને રાની પશુઓના સંગાથમાં જ એને પુત્ર પ્રસવે છે. પણ એ તદ્દન મૂંગો ને બેવકૂફ જન્મે છે. સાક્ષાત પશુ જેવો જ. દેવોની પુત્રપ્રસાદી આવી હોય? પરંપરિત લોકકથાની ઢબે કહેવાયેલી આ કથામાં લેજરકિવસ્ટે ન્યાય–અન્યાય તોળવાનો સભાન પ્રયત્ન નથી કર્યો, પણ દેવ કરતાં મનુષ્યનો વિશેષ મહિમા તો ગાયો જ છે. ખેતરકાંઠેના વોંકળામાં પ્રતિબિમ્બિત થયેલાં બે માનવ પ્રેમીઓનાં મુખને તોલે પેલું દેવસ્થાન, એના ગભારા, એના પૂજારીઓ, ઉત્સવો, યાત્રીઓ બધું જ તુચ્છ છે એવો ધ્વનિ ઊઠે છે. દેવઅર્પિત યુવતીએ પેલા અપંગ યુવાનને પોતાનું હૃદયદાન કર્યું એની એને ક્રૂર સજા થઈ. પણ મર્ત્ય માનવીઓ ઉપર આવું વેર લેનારા દેવોનું દેવત્ય પણ કેવું હીણું? કથાકારે દેવસૃષ્ટિને વખોડી માનવલોકનું ગૌરવ ગાયું છે. એમાંથી નારીજીવનની સાર્થકતા શામાં છે, એ પ્રશ્ન પણ આડકતરી રીતે છેડ્યો છે, અને એ માતૃત્વ યથેચ્છ પ્રાપ્ત ન થતાં જબરજસ્તીથી સહેવું પડે ત્યારે એની વેદના કેવી વસમી બની રહે એનો એકરાર પણ દેવદર્શિનીની આ કથામાંથી સંભળાય છે.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> (૩) સ્વપ્નસેવી વિમલા

માદામ બોવરીની જાણે સગી બહેન હોય એવી એક ભારતીય નારી બંગાળી સાહિત્યમાં મળી આવે છે. એનું નામ છે વિમલા. રવીન્દ્રનાથ ટાગોરની ‘ઘરે–બાહિરે’ કથાની નાયિકા. નિખિલબાબુ નામના એક મોટા જમીનદાર–પુત્રની એ પત્ની. પ્રેમાળ અને પતિપરાયણ. પરોઢિયે ઊઠીને એ સ્વામિની ચરણરજ લે ત્યારે એને લાગે કે ‘મારું સેંથીમાંનું સિંદુર શુક્રતારાની માફક ઝળકી ઊઠે છે.’ એવી સ્વામીઘેલી સ્ત્રીના જીવનમાં સંદીપ નામનો દેશનેતા પ્રવેશે છે અને એમાંથી જે કરુણતા સર્જાય છે એની આ હૃદયવિદારક કથા છે. કરુણતાની માત્રામાં ‘માદામ બોવરી’ જેવી જ. ફરક માત્ર એટલો જ કે એ ફ્રેન્ચ કથામાં નાયિકા પોતે વિષપાન કરે છે; અહીં અમૂલ્ય નામના એક કિશોરનો સાવ નિર્દોષપણે જ બત્રીસો ચડી જાય છે. બંગભંગ પછી રાષ્ટ્રીયતા અને સ્વદેશીની ચળવળનો જે જુવાળ આવ્યો એના પર સવારી કરીને સંદીપ નામનો ચલતા પુર્જા જેવો જુવાન લોકનેતાપદે પહોંચે છે. વિમલાને એ પોતાના વાક્ચાતુર્યથી આકર્ષે છે. એ ચતુર અને કપટી લોકનાયક પોતાની આસુરી ફિલસૂફી નિખિલને આ રીતે સમજાવે છે : આજે આપણું ધર્મકર્મ અને વિચારવિવેકના દિવસ નથી રહ્યા. આજે આપણે નિર્વિચાર ને નિર્વિકાર બનીને નિષ્ઠુર બનવું ૫ડશે, અન્યાય કરવા પડશે, આજે પાપને રક્તચંદન ચર્ચીને આપણા દેશની સ્ત્રીઓને હાથે તેને પોંખી લેવું પડશે. તને યાદ નથી? આપણા કવિએ શું કહ્યું છે :

આવ પાપ, આવ સુન્દરી!
તવ ચુમ્બન–અગ્નિ–મંદિરા રક્તે
ફરો સંચરી!
અકલ્યાણના વાગો શંખ,
લલાટે લેપી દે કલંક,
નિર્લજ્જ કાળો કલુષ પંક,
હૈયે લેપ પ્રલયંકરી!

આવી અવળ વિચારણા વિમલાને સ્પર્શી જાય છે, કેમ કે, ‘ધીરજ રાખવાની ધીરજ વિમલામાં નથી. તેને પુરુષનું દુર્દાન્ત ક્રુદ્ધ, એટલું જ નહિ પણ અન્યાયકારી સ્વરૂપ જોવાનું ગમે છે. શ્રદ્ધા સાથે ભયની કાંઈક આકાંક્ષા તેના મનમાં રહ્યા કરે છે.’ સંદીપબાબુ આ અધીર અને અબુધ નારીને આ રીતે અર્ધ્ય અર્પે છે : ‘તમે અમારા મધપૂડાનાં મહારાણી છો. અમે તમને ચારે બાજુથી ઘેરી વળીને કામ કરીશું, પણ તે કાર્યશક્તિ તમારી જ હશે.’ આ અર્ધ્યથી ‘મધુરાણી’ બહુ પ્રભાવિત થાય છે. ‘સંદીપબાબુ કંઈ એક જ માણસ નહોતા. તેઓ એકલા જ દેશની લાખ્ખો ચિત્તધારાના મુખસ્વરૂપ હતા. એટલે, તેમણે જ્યારે મને મધુરાણી કહી ત્યારે તે જમાનાના બધાય દેશ–સેવકોના સ્તવનગુંજનધ્વનિમાં મારો અભિષેક થઈ ગયો.’ માદામ બોવરીની જેમ જ વિમલા પણ સ્વપ્નવિહારી છે. સંદીપ પોતે જ એક કબૂલતમાં કહી દે છે : ‘મારી મધુરાણી સ્વપ્નામાં જ વિહરે છે. કયે માર્ગે ચાલી રહી છે એની એને ખબર નથી. વખત આવે એ પહેલાં તેને એકાએક જણાવી તેની ઊંઘ ઉડાડી દેવી એ સલામત નથી.’ બોવરીની જેમ જ વિમલા પણ મોહતંદ્રામાં છે. એ સ્વપ્નસેવી ગૃહિણી સંદીપ જોડેના વ્યવહારોમાં સાચે જ ઊંઘમાં ચાલી રહી હોય એમ લાગે છે. આરંભમાં તો નિખિલ પણ એને યથેચ્છ વિહરવા દે છે. એ કહે છે : ‘તને જો આમ બળજબરીથી બાંધી રાખું તો તો મારું જીવન એક લોઢાના પાંજરા જેવું બની જશે. એમાં મને શો આનંદ...આ હું તને ખરું કહું છું. હું તને છૂટી કરું છું. હું તારું બીજું કશું ન બની શકું તોયે મારે તારા હાથની હાથકડી તો નથી જ બનવું.’ વિમલા પણ સંદીપની માયાજાળથી છેક અજ્ઞાત નથી. પણ એ હવે એવે તબક્કે પહોંચી છે, જ્યાંથી પાછા ફરવાનું શક્ય રહ્યું નથી. એ જાણે છે કે ‘કળણમાં પગ મૂક્યા છે. હવે બહાર નીકળવાનો ઉપાય નથી. હવે જેટલા ધમપછાડા મારીશ તેટલી ઊંડે ઊતરતી જઈશ.’ સપનાંના કેફમાં ચકચૂર વિમલામાં જાગૃત અને અજાગૃત બેઉ બુદ્ધિઓ કામ કરતી હોય છે : ‘માણસમાં બે બુદ્ધિ હોવી જોઈએ. મારી એક બુદ્ધિ સમજી શકે છે કે સંદીપ મને ભોળવે છે. પણ મારી બીજી બુદ્ધિ ભોળવાય છે. સંદીપમાં ચારિત્ર નથી, સંદીપમાં શક્તિ છે. એટલે જ તે જે ક્ષણે પ્રાણને જાગૃત કરે છે તે જ ક્ષણે મૃત્યુબાણ પણ મારે છે. દેવતાનું અક્ષય ભાથું તેના હાથમાં છે, પણ એ ભાથામાં અસ્ત્રો દાનવનાં છે.’ માદામ બોવરીની જેમ જ વિમલાના જીવનમાં પણ કરુણતાની પરાકાષ્ટા પૈસાને કારણે સર્જાય છે. બોવરી પતિની જાણબહાર કરજદાર બની ગઈ છે. વિમલા સંદીપને છૂપી રીતે નાણાં આપે છે. સંદીપ વિદેશી માલની એક હોડી ડુબાડે છે એ અપરાધમાંથી છૂટવા એણે લાંચરુશવત આપવી પડે છે. એ માટે વિમલા પોતાનાં ઘરેણાં આપવા તૈયાર થાય છે, પણ તાત્કાલિક જરૂરિયાત રોકડની હોવાથી તિજોરીમાંથી એ ચોરી કરે છે. પછી ઘરેણાં વેચીને એ રકમ ફરી ત્યાં મૂકી દઈશ એટલે કોઈને જાણ નહિ થાય, એવી સ્ત્રીસહજ સમજણ વડે એ આ દુઃસાહસ કરે છે અને કથા પરાકાષ્ઠા સાધતી ગ્રીક કરુણાન્તિકાની જેમ આગળ વધે છે. સદ્ભાગ્યે બોવરીની પેઠે વિમલાને આત્મહત્યા નથી કરવી પડતી. અમૂલ્ય નામનો એક નિર્દોષ કિશોર પોતાનો જાન આપીને વિમલાને ઉગારી લે છે, એમ આ કથામાંથી ફલિત થઈ શકે. વિમલાનો પતિ નિખિલ આ કથામાં એક મૂક વેદનામૂર્તિ તરીકે ચિત્રિત થયો છે. ‘ભરા બાદર, માહ ભાદર, શૂન્ય મંદિર મોર–’ ફ્લૉબેરની નાયિકા બોવરી, ઈબ્સનની નોરા અને ટાગોરની વિમલા વચ્ચે એક બાબતમાં સામ્ય જોઈ શકાય. એ ત્રણેય નારીઓની કરુણતા આર્થિક ભીંસમાંથી સર્જાય છે. જમીનદારની ગૃહલક્ષ્મી વિમલાને પતિની તિજેરી ફાડવી પડે એમાં ઓછી વિધિવક્રતા નથી. અને વિધિવક્રતામાંથી તો વિશ્વસાહિત્યની મહાન કરુણાન્તિકાઓ જન્મી છે. વિમલા એ વિધાતાના ક્રૂર કટાક્ષનું એક ઉદાહરણ છે.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> (૪) ચારુલતાની કંટકશય્યા

સર્વોત્તમ ચલચિત્ર તરીકે રાષ્ટ્રપતિનું પારિતોષિક પામનાર સત્યજિતનિર્મિત ‘ચારુલતા’ને વિમલાની જેમ જ ટાગોરની જ માનસપુત્રી ગણવી પડે. રવીન્દ્રનાથે બહુ વર્ષો પહેલાં ‘નષ્ટ નીડ’ નામની એક નાનકડી કથા લખેલી એની નાયિકા તે ચારુલતા. ‘નષ્ટ નીડ’ એટલે નષ્ટ થયેલો, વીંખાઈ ગયેલો માળો કુટુંબનો માળો, દામ્પત્યનો માળો, ગૃહજીવનનો માળો, સ્નેહજીવનનો માળો છિન્નભિન્ન થઈ જાય. વેરવિખેર થઈ જાય ત્યારે કેવું હૃદયવિદારક દૃશ્ય સર્જાય એની આ કરુણ, કાવ્યમય કથા છે. આપણા કવિ બોટાદકરે એક સરસ ગીત રચેલું : ‘ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ...’ ચારુલતા પણ ભાભીના હેતની અને એની ગેરસમજની જ કથા છે. ચારુલતાનો પતિ ભૂપતિ ધનાઢ્ય હતો. એને મહેનતમજૂરી કરવાની કોઈ જરૂર નહોતી. છતાં કેવળ શોખથી પ્રેરાઈને એ એક છાપું કાઢે છે. અને એ અખબારમાં પિતે એવો તો ડૂબી જાય છે કે પત્ની તરફ નજર કરવાની ય એને નવરાશ રહેતી નથી. ચારુલતાનો પ્રશ્ન વળી જુદો જ હતો. ‘ફળરૂપે નહિ પરિણમનાર ફૂલની જેમ સંપૂર્ણ અહેતુકતામાં ખીલવાનું જ તેના લાંબા નિષ્ક્રિય રાતદિવસનું એકમાત્ર કાર્ય હતું.’ ચારુને લખવા વાંચવાનો શોખ હતો તેથી પોતાના સ્વાધ્યાય નાટે એણે ભૂપતિના ફોઈઆત ભાઈ અમલને રોક્યો હતો. જુનિયર બી. એ.માં ભણતો એ અલ્લડ છોકરો અમલ ચારુના સ્નેહસ્રોતનું કેન્દ્ર બની રહ્યો. અમલના લાડચાગ પોષવામાં ચારુ જીવનની ધન્યતા અનુભવતી. અમલને એણે પશમના જુતા પણ સીવી આપ્યા. ભૂપતિના મકાનની પાછળના ભાગમાં એક પડતર જમીનનો ટુકડો હતા ત્યાં કાવ્યમય બાગ બનાવવાની પણ આ જુવાન હૈયાંઓએ યોજના આંકી કાઢી. અમલ ‘સરુરોહ’ નામના માસિકમાં લેખો લખતો એ ચારુ મુગ્ધતાથી વાંચતી. આખરે ભૂપતિનું પણ અમલના લેખો ભણી ધ્યાન ગયું. અને એણે એ લખાણોની પ્રશંસા પણ કરી. ચારુને એ બહુ ગમ્યું. ભૂપતિ એના અખબારના વહીવટમાં ગળાબૂડ રહેતો. ચારુનો સવાલ, સમય કેમ પસાર કરવો એ હતો તેથી અમલને ભૂપતિએ સૂચના આપી : ‘તું ચારુને સારું સારું વાંચતી લખતી કર તો તને ઇનામ આપીશ.’ ‘શું ઇનામ આપશો?’ અમલે મજાકમાં પૂછ્યું. ‘તારી બૌઠાકુરનની જોડી ખોળી લાવીશ તારે માટે–’ ચારુ અને અમલ બેઉ લેખક બનવાનાં સપનાં સેવે છે. ‘સરુરોહ’માં એમનાં લખાણો છપાય પણ છે. ‘વિશ્વબંધુ’ નામના બીજા એક માસિકમાં એની પ્રશંસા પણ પ્રગટ થાય છે. એમાં અમલ કરતાં ચારુનાં લખાણની વિશેષ પ્રશંસા થાય છે, તેથી ભૂપતિ હરખાય છે. આ દરમિયાન એક જ ઘરમાં વસતી ચારુની ભોજાઈ મંદાની નજર પણ અમલ પર કરે છે. મંદા જે રીતે અમલના ખાનપાનની કાળજી લેવા લાગી છે એ ચારુની આંખમાં ખૂંચે છે. મંદાનો પતિ ઉમાપદ જે ભૂપતિના જ અખબારમાં વહીવટ સંભાળતો હતો એણે ભૂપતિ ઉપર કેટલીક છેતરપિંડીઓ કરેલી એનો ભાંડો ફૂટવા માંડે છે. ભૂપતિ ઉપર ખોટા લેણદારના તકાદા આવવા માંડે છે. ચારુએ મંદા બાબત તો પતિના કાન ભંભેર્યા જ છે. આવી સંશયગ્રસ્ત મનોદશામાં ભૂપતિ અમલની ઊલટતપાસ લઈ નાખે છે. પરસ્પર અવિશ્વાસ અને ગેરસમજ વધારે ગાઢ બને છે. મંદા અને એનો પતિ ઉમાપદ તો મયમનસિંહ ભણી વિદાય થઈ જાય છે. દુનિયામાં સર્વત્ર છેતરપિંડી અનુભવતો ભૂપતિ એકમાત્ર વિશ્વાસધામ શયનગૃહમાં આવે છે ત્યારે ચારુ પણ પોતાના નવા લખાણની નોટબુક પતિથી છુપાવે છે. ભૂપતિને એથી આઘાત લાગે છે. આખરે એક દિવસ ભૂપતિ અમલ માટે કન્યાનું માગું લાવે છે. વર્ધમાનનગરના રઘુનાથ વકીલ અમલને પોતાની પુત્રી પરણાવાને પછી એને વિલાયત મોકલવા માગે છે એવી એ દરખાસ્ત હતી. આમેય ડૂબતા અખબારમાં અમલનો હવે વધારે સમય નિભાવ થાય એમ નથી, એમ ભૂપતિ કબૂલ કરે છે. અમલ આ લગ્નની અને વિલાયત જવાની દરખાસ્ત સહર્ષ અને સત્વર સ્વીકારી લે છે તેથી ચારુને આઘાત લાગે છે. અમલની વિદાયનો સમયગાળો બહુ કડવાશભર્યો બની રહે છે. અમલ ચાઈને મને મળવાનું ટાળે છે એવો ચારુને વહેમ આવે છે. એને એવો પણ વહેમ આવે છે કે અમલ પેલી મંદાને જ ચાહતો હશે. અમલની વિદાય વેળા પણ ચારુ કશું જ બોલી શકતી નથી. માત્ર એક જ યાચના કરે છે : ‘પત્ર તો લખશોને, અમલ?’ ચારુની કરુણતા આ પત્રની પ્રતીક્ષામાંથી જ સર્જાય છે. અમલની વિદાય પછી ચારુ છેક શુષ્ક બની જાય છે. ભૂપતિને પણ એની નવાઈ લાગે છે. આજ સુધી ચારુની બાલિશતા અને ભાવુકતા પણ ભૂપતિને મિષ્ટ લાગતી. હવે એ સુકોમળ સહૃદયતાનો પણ અમાવ જણાતાં ભૂપતિ નાસીપાસ થઈ રહ્યો. ચારુ વળી જુદા જ કારણસર નાસીપાસ થઈ રહી હતી. અમલ ઇંગ્લૅન્ડ ગયા પછી એનો એક પણ પત્ર સીધો ચારુ ઉપર કે ચારુને માટે જ લખાઈને ન આવ્યો. ભૂપતિ પરના બધા જ પત્રો એણે વાંચ્યા, તો એમાં આ ‘બૌઠાન’ (ભાભી) માટે નમસ્કાર ને પ્રણામ સિવાય બીજો કોઈ શબ્દ જ જોવા ન મળ્યો. લેખક કહે છે, આથી ચારુનો સંસાર ‘કંટકશય્યા’ સમો બની રહ્યો. બબ્બે ‘મેઈલ’ સુધી અમલનો એક પણ પત્ર ન આવતાં ચારુએ સૂચન કર્યું : ‘તાર કરીએ.’ ‘પણ હમણાં એ અભ્યાસની ધમાલમાં છે એટલે પત્ર નહિ લખી શકે, એમ એણે જ અગાઉ લખેલું–’ છતાં ચારુએ આગ્રહ જારી રાખ્યો. ‘કદાચ એ સાજોમાંદો હોય તો? તારથી પુછાવીએ.’ ‘તારનું તો બહુ જ ખર્ચ આવે. આ તો વિદેશનો તાર.’ બે દિવસ પછી ચારુએ એક ત્રાગડો રચ્યો. ‘મારી બહેન ચૂંચડામાં રહે છે એની ખબર કાઢી લાવો–’ ભૂપતિ જવાની તૈયારીમાં હતો ત્યાં એક તાર આવી પડ્યો. ઇંગ્લૅન્ડથી આવેલો એ તાર હતો. અમલે એમાં એટલું જ લખ્યું હતું : ‘હું ક્ષેમકુશળ છું.’ આ તાર ‘પ્રિ–પેડ’ હતો. એનાં નાણાં અહીંથી જ ભરવામાં આવ્યાં હતાં. એ તાર જોઈને જ ચારુ ખાસિયાણી પડી ગઈ. ભૂપતિએ તપાસ કરી તો બધું સમજાઈ ગયું. ચારુએ નોકર મારફત પોતાનાં ઘરેણાં ગીરવી મુકાવીને એના પૈસામાંથી અમલ માટેનો આ ‘પ્રિ–પેડ’ તાર કરાવેલો. ભૂપતિને એક ભયંકર સંશય કોરી રહ્યો. પણ એણે એ વેદના ખમી ખાધી. પણ એથી તો ચારુ વધારે અસ્વસ્થ થઈ ગઈ. ગૃહજીવનમાંથી એનું ચિત્ત ઊઠી ગયું. પણ પતિનું હૃદય જીતી લેવા ચારુ પ્રાણાર્પણે મહેનત કરવા લાગી. એકવાર એ ભૂપતિને ભાવતી ફરસાણ બનાવતી હતી, ત્યારે ભૂપતિ આવી ચડ્યો. એણે પોતાનાં લખાણની નોટબુક માગી. ચારુએ એ આપી એવી જ ભૂપતિએ એ ચોપડી ચૂલામાં પધરાવી દીધી. ધીમે ધીમે ભૂપતિને એક સંશય ગાઢ થવા માંડ્યો કે મારે ખાતર ચારુએ ભયંકર છેતરપિંડી આચરવી પડે છે. મને જીતી લેવા માટે એણે આટલીબધી છલનાનો આશરો લેવો પડે છે. એમાંથી એને મુક્ત કરવા ભૂપતિ મ્હૈસુરના એક અખબારમાં તંત્રીપદ સ્વીકારીને ચારુના જીવનમાંથી દૂર થઈ જવાની યોજના કરે છે. ચારુ એને વિનવે છે : ‘મને સાથે લઈ જાઓ.’ આરંભમાં તો ભૂપતિ એ માગણીનો અસ્વીકાર કરે છે. પણ પત્નીની ફીક્કી મુખરેખાઓ જોઈને આખરે એ કહે છે : ‘વારું, તું પણ મારી સાથે જ ચાલ.’ ત્યારે છેવટે ચારુ જ કહી દે છે : ‘ના, રહેવા દો.’

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>

સાદ્યન્ત નીચા સમ ઉપર વહેતી આ કથાનો દામ્પત્યકલહની છતાં શાન્ત રસની કથા કહી શકાય. વાચકો જોઈ શક્યા હશે કે ચારુલતા સાવ નિર્દોષ ગુનેગાર છે. અમલનાં ક્ષેમકુશળ તાર મારફત જાણવા એ ઝંખે છે, ત્યારે એ તારના પૈસા આગોતરા ભરવા માટે એ પોતાનાં ઘરેણાં પણ ગીરવે છે, ‘ઘરે–બાહિરે’ની વિમલાની જેમ જ. બોવરી, વિમલા અને ચારુલતા, ત્રણેયની કરુણતામાં આ ગુપ્ત નાણાંવ્યવહાર એકસરખો સમાયેલો છે એ સામ્ય કેવું વિચિત્ર લાગે છે!

મે–જૂન, ૧૯૬૫