રામચન્દ્ર પટેલની કવિતા/સગું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સગું

હતાં ઊભાં ચારે તરફ જન, વેરાન સ્થળમાં.
છવાયી રાખોડી પર અણઘડ્યો કાષ્ઠ ઢગલો.
હું એમાં પોઢ્યો, અર્ચન ફૂલધરો, ઘીનું લઈને–
ચિતા જાગી... જ્વાળા ભડભડ ચઢી, ચેહ વસમી.

–છતાં ધૂણીમાંથી દૃગ, નજર માંડી નીરખ્યું તો
ન કોઈનું હૈયું ગદગદ... વળી ચક્ષુય જરા
ન’તાં ભીનાં, – ખાલી સ્વજનનું થયું મૃત્યુ સમજી
સ્મશાને આવ્યા ને, ઘડીક પછી પાછા વળી જશું.
અડે ના કાંઈ...! બીજું મડદું અહીં કોક બળશે.

ગયા સૈ ડાઘુ, ત્યાં સહજ ધસી ચાંડાલ દીકરી
વદી ‘બોરાં દેશ કુણ ભગતદાદા નથ હવે...’
ખરાં આસું તેનાં ડબડબ પડ્યાં અંજલિ રૂપે–

ભલે અંગારામાં બળી જશે થશે દેહ ભડથું,
સગું પ્હેલું આવ્યું કફન, બળવા સાથ અમથું.