રામચન્દ્ર પટેલની કવિતા/ચોમાસું અને હું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ચોમાસુ અને હું

વાતો સમીર હળવે દઈ સ્પર્શ ગાલે
ભાલે, પછી શિર પરે દઈ હાથપંજો
થાતો અદૃશ્ય, હું બની જઈ બાળછોરો
ચાલું... ઘડીક, જહીં ઘૂંટણિયે, ધરા લે
તેડી, રમાડતી ઝુલાવતી ઘાસઝૂંડે
મૂકી, વળી મધસળી લઈ આંખ આંજે.

ને મોર પાછળ પડું. સીમ મેઘ જોડે
નાચે, ઝરે જળ, રચે નભ ઈન્દ્રચાપ
કે પીંછું ? વાદળની ગાગરને ઉપાડી,
રેડી જમીન પર, ખાતર ખેડ આદરું...
ડૂંડાં ઝગે : પૂરવમાં મુખ માંડતો ચડે
ચાંદો, પછી શરદી પી, ઢળી જાય આસો.

હું રોજ ધેનુ સહ સીમ-ની વાટ સંચરું,
શોધ્યા કરું હજી અગોચર પામવા ફરું.