મર્મર/ચાહી લે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચાહી લે

ચાહી લે ઘડી ભાઈ
જગતશું કરી લે પ્રેમસગાઈ.

આજે અહીં છે તો અહીંનાંને
ભેટી લે ગણી પોતાનાં, ને
કાલે તો તુજ મુકામ કાજે નીરમી અન્ય સરાઈ. —ચાહી લે૦

ક્યાં આવો જન મેળો મળવો!
સાથ બીજે ક્યાં આવો રળવો?
આટઆટલાં મનથી મળવાં એ શું નથી નવાઈ! —ચાહી લે૦

વ્હેંચી દે સૌ ચીજ તું તારે
કાં મરતો આ ભારથી ભારે
બાંધી જા બદલામાં હળવી ફૂલશી પ્રીતકમાઈ. —ચાહી લે૦