મર્મર/ધરાનાં બાળ
ધરાનાં બાળ
અમે ધરાનાં બાળ!
અમરતથી અદકું અમને તો આ ધરતીનું વ્હાલ!—અમે૦
એની ધૂળ અને માટીમાં,
એની દૂધભરી છાતીમાં,
અમને ગમે છુપાવું, ખેલવું એને અંક હૂંફાળ—અમે૦
એક જ માતાનાં સંતાનો,
આપણી વચ્ચે અંતર શાનાં?
એક જ ભાણે જમશું વ્હેંચી એનો વૈભવ થાળ—અમે૦
સૌ સૌનું સંચિત તે લાવો,
બાંટી લો સરખું તજી દાવો,
ધરતી શું ધરતીનાં શિશુનું અંતર બનો વિશાળ.—અમે૦