મંગલમ્/માનવતાનાં ગીત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
માનવતાનાં ગીત

માનવતાનાં ગીત સુમંગલ હળીમળીને ગાશું
ઉરનો પ્રેમ પરસ્પર પાશું (૨)

વિશ્વમહીં આ, વૃક્ષ તણી આ, વસુંધરાની ડાળી,
એ ડાળીએ બેઠેલાં સૌ નિજના નિજના માળે
એક જ ડાળીનાં પંખીડાં (૨)
આપસ આપસ ચાહશું, ઉરનો પ્રેમ…

બુધ-અબુધ કે નાનાં-મોટાં, કુરૂપ કે સુસંગી
ભિન્ન ભિન્ન જાતિનાં તોયે, છેવટ તો સૌ સંગી
વદન વદન નીરખી નીરખીને. (૨)
ખરે ખુશી સૌ થાશું, ઉરનો પ્રેમ…

સૌના સુખમાં સુખ અમારું, હિત મહીં હિત ગણતાં
ઈશ્વરે દીધેલા ઢગલામાંથી, ચણ સૌ ચણતાં.
કણ-કણમાં સૌનો હક સરખો (૨)
હળીમળીને ખાશું, ઉરનો પ્રેમ…

આજ મળ્યાં તો કરીએ કલરવ, કાલ ખબર ના કેવી
ખબર એટલી પ્રેમ તણી, મૂડી છે નિજની દેવી.
વિશ્વધામનાં બધાં પ્રવાસી (૨)
નેહ લઈને જાશું, ઉરનો પ્રેમ…