ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ/અંગત નિવેદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અંગત નિવેદન

મારા અંતરની વાત કહું તો આ વિવેચનગ્રંથનું પ્રકાશન મારે માટે સાચે જ કસોટી કરનારું બની રહ્યું. ગુજરાત સાહિત્ય અકાદમી – ગુજરાત રાજ્યએ, શિષ્ટ ગ્રંથોના પ્રકાશન અર્થે લેખકોને આર્થિક સહાય યોજના અન્વયે, આ પુસ્તકને આર્થિક સહાય અર્થે સ્વીકાર્યાનું મને ૧૯૯૧ના ડિસેમ્બરમાં જણાવ્યું હતું. પણ એ પછી અણધારી રીતે મારે આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થવાનું આવ્યું. હવે, ઠીક ઠીક વિલંબ પછી, એનું પ્રકાશન થઈ શક્યું એ વાતથી મને ઊંડો સંતોષ છે. આ સંદર્ભમાં ગુજરાત સાહિત્ય અકાદમીનો હું ખાસ અંતઃકરણપૂર્વક આભાર માનું છું. મારી મુશ્કેલીને ધ્યાનમાં લઈ આર્થિક સહાય માટેની મુદત વધારી આપવાને અકાદમીને મેં વિનંતી કરી, અને અકાદમીએ પૂરી સહાનુભૂતિથી મારી વિનંતી લક્ષમાં લીધી. એ સાથે ચંદ્રિકા પ્રિન્ટરીના પ્રોપ્રાયટર્સ સર્વશ્રી રાકેશભાઈ દેસાઈનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. તેમણે પણ ચોક્કસ સમયગાળામાં આ ગ્રંથનું મુદ્રણકાર્ય પૂરું કરી આપવાની ખાતરી આપી, અને એ કાર્ય સમયસર પૂરું કરી આપ્યું. તેમનો સહયોગ હું કદી ભૂલી શકું નહિ. આ ગ્રંથમાં આપણા આધુનિકતાવાદી સાહિત્યને લક્ષતાં વિવેચનાત્મક લખાણો મૂક્યાં છે. જોકે એ લખાણોમાં આધુનિકતાવાદી સાહિત્યનાં અમુક જ પાસાંઓ સ્પર્શાયાં છે : એ કોઈ સર્વગ્રાહી અધ્યયન તો નથી જ. મૂળ વાત એ છે કે જુદે જુદે નિમિત્તે આ લખાણો તૈયાર થયાં હતાં. એટલે, આ ગ્રંથ જેવો છે તેવો, છેવટે અધ્યયન-વિવેચનનાં છૂટક લખાણોનો એક સંચય માત્ર રહી જાય છે. એ કારણે એમાં કેટલાક વિવેચન-વિચારોનું પુનરાવર્તન થયેલું દેખાશે. આ લેખક એને વિશે સભાન છે. પણ સંજોગોને વશ બની એ મર્યાદા દૂર કરવાનું એનાથી બન્યું નથી. અહીં ગ્રંથસ્થ કરેલાં લખાણો પૈકીનાં ઘણાંએક તો આપણી ઉચ્ચ શિક્ષણસંસ્થાઓ અને સાહિત્યિક સંસ્થાઓના ઉપક્રમે યોજાયેલાં વ્યાખ્યાનો કે પરિસંવાદો નિમિત્તે જન્મ્યાં છે. આરંભે મુકાયેલું વ્યાખ્યાનરૂપ લખાણ ‘ગુજરાતીમાં આધુનિકતાવાદ અને સાહિત્યવિવેચનની બદલાતી ભૂમિકા’ એ ગુજરાતી સાહિત્ય પરિષદના રાજકોટમાં મળેલા પાંત્રીસમા અધિવેશનમાં વિવેચનસંશોધન વિભાગના અધ્યક્ષીય વક્તવ્યરૂપે તૈયાર થયેલું છે. આજે, ગુજરાતી સાહિત્ય પરિષદે મને એ સ્થાન માટે આમંત્રણ આપ્યું તે બદલ, ફરીથી હૃદયપૂર્વક આભાર માનું છું. આ વિવેચનઅધ્યયનના લેખોને પોતાનાં સામયિકોમાં સ્થાન આપનાર તંત્રીશ્રી/ સંપાદકશ્રીઓનો ય આ સ્થાને આભાર માનું છું.

૧૫-૧૨-’૯૩
વલ્લભવિદ્યાનગર

– પ્રમોદકુમાર પટેલ