હયાતી/૧૧. થાક લાગે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૧. થાક લાગે

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>

ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,
મેળાનો મને થાક લાગે;
મારે વહેતે ગળે ન હવે ગાવું
મેળાનો મને થાક લાગે.

ક્યાં છે વાયરાની પ્રાણભરી લહેરી?
ક્યાં છે નેહભર્યો સંગ એ સુનેરી?
ક્યાં એ નજરું કે જેણે મને હેરી?
સખી, અમથું અમથું ક્યાં અટવાવું
મેળાનો મને થાક લાગે;
ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,
મેળાનો મને થાક લાગે.

એના પાવાનો સૂર ક્યાંય હલક્યો?
એનો કેસરિયો સાફો ક્યાંય છલક્યો?
એના હોઠનો મરોડ ક્યાંય મલક્યો?
કહો એવા વેરાને કેમ જાવું,
મેળાનો મને થાક લાગે,
ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,
મેળાનો મને થાક લાગે.

૧૯૬૨