હયાતી/૧૦. માંડ રે મળી છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૦. માંડ રે મળી છે

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>

માંડ રે મળી છે અલ્યા, ઉજ્જડ આ સીમ,
આમ અળગો અળગો તે શીદ ચાલે,
આંકડિયા ભીડી લે લજ્જાળા છેલ!
ભલે એકલદોકલ કોક ભાળે.

મૈયરનો મારગડો મેલી દીધો છે હવે
મોકળું મૂકીને મન ફરિયે,
આંખના હિલોળે ઝૂલી લઈએ વ્હાલમ,
થોડું નેહના નવાણ મહીં તરીએ,
સાંજ ક્યાં નમી છે? હજુ આટલી ઉતાવળ શું?
વેળ થ્યે લપાઈ જશું માળે.

હમણાં વંકાશે વાટ સાસરિયે જાવાની
થંભી જશે થનગનતી પાની,
નીચાં ઢાળીને નેણ ચાલીશું રાજ,
અમે લાજ રે કાઢીશું વ્હેતા વા'ની;
મોકો મળે તો જરા ગોઠડી કરીશું
ચોરીછૂપીથી આંખડીના ચાળે.

૧૯૬૧