સાહિત્યિક તથ્યોની માવજત/એક મહામૂલો સંદર્ભગ્રંથ : જૈન ગૂર્જર કવિઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


એક મહામૂલો સંદર્ભગ્રંથ જૈન ગૂર્જર કવિઓ

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ૧

મોહનલાલ દલીચંદ દેશાઈને કિશોરાવસ્થામાં જોયા હતા તેનું ઝાંખું સ્મરણ આજે પણ થાય છે. ધોતિયું, અંગરખું, મોટે ભાગે કાળી ટોપી અને મોંમાં સિગારેટ. મુંબઈમાં વકીલાત કરતા હતા અને સતત કંઈક લખવામાં રોકાયેલા રહેતા હતા એમ સાંભળ્યું હતું. પાછળથી ચિત્તભ્રમ જેવી અવસ્થા થઈ હોવાનું પણ જાણ્યું હતું. પણ એમને વધારે ઓળખવાની તો એ ઉંમર નહોતી. ઘરમાં એમનો લખેલો ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’ હતો. ‘સંક્ષિપ્ત’ તરીકે ઓળખાવાયેલા હજાર ઉપરાંત પાનાંના એ દળદાર થોથામાં સંઘરાયેલી માહિતીના ઢગલામાં પણ કંઈ રુચિ થઈ નહોતી. આપણા સાહિત્યના ઇતિહાસોમાં તો મોહનલાલ દલીચંદ દેશાઈનું નામ શાનું જડે? પણ અધ્યાપક થયા પછી એમના ‘જૈન ગૂર્જર કવિઓ’નું નામ જાણવાના અને ક્વચિત્‌ એને જોવાના, એમાંથી મદદ મેળવવાના પ્રસંગ પણ આવ્યા. આમ છતાં, આ ગ્રંથની વિશેષતાની અને એની પાછળ પડેલા શ્રમની ઝાઝી સમજ પડી હતી એમ ન કહેવાય. એ સમજ પડી ગુજરાતી સાહિત્યકોશ માટે ‘જૈન ગૂર્જર કવિઓ’ સાથે કામ પાડવાનું થયું ત્યારે. કોશકાર્યાલયના સર્વે સાથીઓને પણ એ વાતનું પરમ આશ્ચર્ય છે કે એક માણસ એકલે હાથે આટલી ગંજાવર સામગ્રી એકઠી કરી શકે અને આવી ચુસ્ત વૈજ્ઞાનિક વ્યવસ્થાથી ને વિષયની પોતાની સર્વે જાણકારીને કામે લગાડીને રજૂ કરી શકે. એમને જિજ્ઞાસા પણ છે કે શ્રી દેશાઈએ કઈ પદ્ધતિથી કામ કર્યું હશે, વેરવિખેર સામગ્રીને સંકલિત કરીને મૂકવા માટે સૂચિકાર્ડ કે એવાં ક્યાં સાધનોને ઉપયોગમાં લીધાં હશે. કોશકાર્યાલયના કાર્યકરોને પણ વિશાળ સંદર્ભસામગ્રી સાથે કામ પાડવાનું થયું છે અને જટિલ વ્યવસ્થાતંત્ર નિપજાવવું પડ્યું છે જે સામૂહિક શ્રમથી જ ચાલી શકે તેમ છે એમ એમને લાગ્યું છે, તેથી એમને આવા પ્રશ્નો થાય એ સાહજિક છે. શ્રી દેશાઈનાં ઘણાં કામ ધીમેધીમે જાણવા મળ્યાં. ‘આનંદ કાવ્યમહોદધિ’ વગેરેમાં જૈન કવિઓ વિશેના એમના કેટલા વીગતપૂર્ણ લેખો પડેલા છે! સ્વતંત્ર પુસ્તિકા રૂપે ટકી શકે તેવા. એમ લાગે છે કે આ સાહિત્યસંશેાધકના કાર્યને અંધારા ખૂણામાંથી બહાર લાવવાની અને એને ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ રચવામાં યોગ્ય રીતે ઉપયોગમાં લેવાની જરૂર છે. જૈન સાહિત્ય પરત્વે તો મોહનલાલ દલીચંદ દેશાઈની સેવા મહામૂલી છે. ‘જૈન ગૂર્જર કવિઓ’નો પહેલો ભાગ બહાર પડ્યા પછી અંબાલાલ જાનીએ એને “સંયોજન તેમજ સંવિધાનપુરઃસર પ્રકટ કરેલો મહામૂલો-મહાભારત સૂચિગ્રંથ’ ગણાવેલો અને કેશવ હર્ષદ ધ્રુવે તો શ્રી દેશાઈને ત્યાં સુધી લખેલું કે “તમે જૈન ગુજરાતી સાહિત્યની જેવી સેવા બજાવી છે તેવી જૈનેતર ગુજરાતી સાહિત્યની સેવા બજાવનાર કોઈ નથી.” આ ‘જૈન ગૂર્જર કવિઓ’૧[1] શું છે અને એનું મૂલ્ય શામાં રહેલું છે?

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ૨

‘જૈન ગૂર્જર કવિઓ’ મુખ્યત્વે હસ્તપ્રતો રૂપે સચવાયેલા સાહિત્યની સૂચિ છે. ‘મુખ્યત્વે’ એમ કહેવાનું કારણ એ કે આ સૂચિમાં મુદ્રિત સામગ્રીને પણ સમાવી લેવામાં આવી છે અને એથી વીસમી સદીના રાજચંદ્ર વગેરે કેટલાક અર્વાચીન ગ્રંથકારો પણ એમાં દાખલ થયા છે; બીજી બાજુથી, સાહિત્યસૂચિ ઉપરાંત કેટલીક પૂરક સામગ્રી પણ લેખકે એમાં પરિશિષ્ટો રૂપે જોડી છે. જૈન ભંડારોમાં હસ્તપ્રત રૂપે સચવાયેલું સાહિત્ય એટલું વિપુલ છે કે મુદ્રિત સાહિત્ય તો એની તુલનામાં નજરમાં પણ ન આવે. આ સાહિત્યની નોંધ લેવાનું કામ મહાભારત કામ બની જાય એમાં જરાય નવાઈ નથી. ૧૯૨૬માં ‘જૈન ગૂર્જર કવિઓ’નો પ્રથમ ભાગ બહાર પડ્યો ત્યારે શ્રી દેશાઈ ૧૫ વર્ષથી આ વિષયમાં કામ કરી રહ્યા હતા. એમણે જાતે ઘણું હસ્તપ્રતસંચયો (દેરાસરોના, ભંડારોના અને વ્યક્તિગત પણ) જોઈને સામગ્રી ઉતારી હતી અને કેટલાક મુનિરાજો વગેરે પાસેથી ઉતરાવેલી સામગ્રી પણ મેળવી હતી. ક્યાંય પણ જવાનું થાય ત્યાં હસ્તપ્રતો મેળવવા અને એની નોંધ લઈ લેવા તરફ એમનું સતત લક્ષ રહેતું હતું એમ એમણે નોંધેલી હકીકતો પરથી દેખાય છે; એટલે કે એમણે આ કામને એક ‘મિશન’ તરીકે હંમેશાં જોયું. શ્રી દેશાઈએ ૩૦૦ જેટલાં સાધનો જોયાં હોય એવું જણાય છે. ‘જૈન ગૂર્જર કવિઓ’નો ત્રીજો ભાગ ૧૯૪૪માં પ્રગટ થયો, એટલે મોહનલાલ દલીચંદ દેશાઈનો આ સાહિત્યયજ્ઞ લગભગ ૩૩ વર્ષ ચાલ્યો એમ કહેવાય. આ દીર્ઘ સમયગાળામાં શ્રી દેશાઈની વ્યાવસાયિક કારકિર્દીનો ભોગ તો લેવાયો જ હશે, પણ તે ઉપરાંત પાટણ, જેસલમેર આદિ નાનાં-મોટાં અનેક ગામોના ભંડારોની સંખ્યાબંધ હસ્તપ્રતો ઉથલાવીને એમાંથી જરૂરી સામગ્રી નોંધવાનું કામ એમણે કેટલી અગવડસગવડ વેઠીને કર્યું હશે એની તો કલ્પના જ કરવાની રહે છે. આજથી ૫૦ વર્ષ પહેલાં આ હસ્તપ્રતો સુધી પહોંચવું પણ થોડું દુષ્કર હશે, સાધુઓ અને શ્રેષ્ઠીઓને એ માટે સમજાવવા-મનાવવા પડતા પણ હશે. આ બધું પરમ સંશોધનનિષ્ઠા ને સાહિત્યપ્રીતિ વિના ન થઈ શકે.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ૩

શ્રી દેશાઈના આ દીર્ઘ સાહિત્યયજ્ઞનું પરિણામ પહેલી જ નજરે આપણને પ્રભાવિત કરે એવું છે. એની કેટલીક હકીકતો આપણે જોઈએ : (૧) ત્રણ ભાગ અને ચાર ગ્રંથ (કેમકે ત્રીજો ભાગ બે ખંડમાં વહેંચાયો છે) માં વિસ્તરેલા ‘જૈન ગૂર્જર કવિઓ’માં કુલ ૪૦૬૧ પાનાંની નીચે મુજબની સામગ્રી છેઃ ૨૯૯૯ પાનાં : જૈન (અને થોડાક જૈનેતર) ગુજરાતી કવિઓની કૃતિઓની નોંધ. ૧૬૬ પાનાં : ઉપરની સામગ્રીની શબ્દાનુક્રમણિકાઓ. ૮૯૬ પાનાં : પૂરક સામગ્રી ૪૦૬૧ પાનાં (૨) એમાં નીચે મુજબની સંખ્યામાં કર્તાઓ અને કૃતિઓ નોંધાયેલાં છેઃ ૯૮૭ જૈન કર્તાઓ, ૨૦૫૫ એ જૈન કર્તાઓની કૃતિઓ, ૧૪૧ જૈન ગદ્યકાર, ૮૫૦ એ જૈન ગદ્યકારની કૃતિઓ, ૯૦ જૈનેતર ગ્રંથકારો, ૯૦ જેટલી એ જૈનેતર ગ્રંથકારોની કૃતિઓ. આ આંકડા શ્રી દેશાઈએ પોતે અનુક્રમાંક આપ્યા છે તેના છે. એમણે ક, ખ એમ કરીને કર્તાઓ ને કૃતિઓ ઉમેરેલાં છે તે આ આંકડા ઉપરાંતના થાય. બીજી બાજુથી, જૈન ગદ્યકારો ને ગદ્યકૃતિઓમાંથી ઘણાંની નોંધ સામાન્ય વિભાગમાં થઈ જ ગઈ છે અને અજ્ઞાતકર્તૃક કૃતિઓના કર્તાને પણ ક્રમાંક અપાયા છે એ જોતાં ૧૦૦૦ જેટલા જૈન ગ્રંથકારો અને એમની ૨૫૦૦ જેટલી કૃતિઓની અહીં નોંધ છે એમ કહેવાય. સ્તવનો, સઝાયો આદિ નાની કૃતિઓ જ્યાં નોંધાયેલી છે ત્યાં સંખ્યાંકમાં એને લીધી નથી, એટલે ૨૫૦૦ તે લાંબી ગણનાપાત્ર કૃતિઓની સંખ્યા ગણાય. (૩) ત્રણે ભાગમાં વર્ણાનુક્રમણિકાઓ આપવામાં આવી છે. પહેલા અને બીજા ભાગમાં કર્તાઓની મોટી કૃતિઓની ને નાની કૃતિઓની વર્ણાનુક્રમણિકા છે તો ત્રીજા ભાગમાં આ ઉપરાંત ગદ્યકારો અને ગદ્યકૃતિઓની અલગ અનુક્રમણિકા છે ને કૃતિઓમાં કે એની પુષ્પિકાઓમાં ઉલ્લિખિત સ્થલસ્થાનાદિ તથા રાજકર્તાઓનાં નામોની અનુક્રમણિકા પણ આપવામાં આવી છે. કૃતિઓની અનુક્રમણિકા એમને પ્રકારવાર વર્ગીકૃત કરીને આપવામાં આવી છે. (૪) પૂરક સામગ્રીમાં પહેલા બે ભાગમાં અપાયેલ સંવતવાર કૃતિઅનુક્રમણિકા (૬૦ પાનાં), જૈન કથાનામકોષ (૨૨ પાનાં), જૈન સાધુઓની ગુરુપટ્ટાવલી (૨૧૪ પાનાં), રાજાવલી (૮ પાનાં), દેશીઓની અનુક્રમણિકા (૨૭૨ પાનાં) અને જૂની ગુજરાતી ભાષાનો સંક્ષિપ્ત ઇતિહાસ (૩૨૦ પાનાં) નો સમાવેશ થાય છે. જૈનકથાનામકોષમાં આશરે ૫૦૦ જેટલાં કથાનામો (કથાનાયકોનાં નામો) ની એને માટેની મૂળ આધારસામગ્રીના નિર્દેશ સાથેની નોંધ છે; જ્યારે દેશીઓની અનુક્રમણિકામાં લગભગ ૨૫૦૦ જેટલી દેશીઓની એ જ્યાં વપરાયેલી હોય તે સ્થાનની નોંધ સાથેની યાદી છે. પટ્ટાવલી અને રાજાવલી અગત્યની ચરિત્રાત્મક માહિતીને પણ સમાવે છે. તો જૂની ગુજરાતી ભાષાના સંક્ષિપ્ત ઇતિહાસમાં ગુજરાતીના ઉદ્‌ભવને અનુષંગે એની પૂર્વપરંપરાનો, ખાસ કરીને અપભ્રંશ ભાષાસાહિત્યનો વીગતસભર પરિચય છે. સામગ્રીની આ પ્રચુરતા અને વૈવિધ્ય ‘જૈન ગૂર્જર કવિઓ’નું એક સંદર્ભગ્રંથ તરીકે અસાધારણ મૂલ્ય સ્થાપી આપે એમાં નવાઈ નથી. આટલીબધી સામગ્રીવાળો સાહિત્યનો બીજો કોઈ સંદર્ભગ્રંથ ગુજરાતી ભાષામાં બતાવવો મુશ્કેલ છે.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ૪

‘જૈન ગૂર્જર કવિઓ’ની વિશેષતા માત્ર એની પ્રચુર સામગ્રીમાં નથી, એની ઝીણવટભરી ચોક્કસ વ્યવસ્થાથી ને વૈજ્ઞાનિક અભિગમથી થયેલી રજૂઆતમાં પણ છે. આપણે એ વ્યવસ્થા અને વૈજ્ઞાનિક અભિગમની પણ થોડી ઝાંખી કરીએ. ગ્રંથકારો અને એમની કૃતિઓને શ્રી દેશાઈએ સમયના ક્રમમાં સૈકાવાર વહેંચીને રજૂ કર્યાં છે. પાછળથી બે વાર ઉમેરાયેલી સામગ્રીમાં પણ આ જ ક્રમ રાખ્યો છે. કર્તાને એમણે ક્રમાંક આપ્યો છે, જે ૯૮૭ સુધી પહોંચે છે. નોંધાયેલી કૃતિઓને પણ એમણે સળંગ ક્રમાંક આપ્યા છે, જે ૨૦૫૫ સુધી પહોંચે છે. આ પદ્ધતિથી એક ખાસ લાભ થયો છે તે નોંધવા જેવો છે. શબ્દાનુક્રમણિકામાં શ્રી દેશાઈએ પૃષ્ઠાંક ઉપરાંત કર્તા કે કૃતિક્રમાંક પણ નોંધ્યા છે જેમકે, અજિતદેવસૂરિ (પલ્લીવાલ ગચ્છ) ૭૦૨-૬૭૫. અહીં ૭૦૨ એ કર્તાક્રમાંક છે અને ૬૭૫ એ પૃષ્ઠાંક છે. બેમાંથી એક આંકડો ખોટો આવી ગયો હોય (ક્યાંક આમ બની જવું સહજ છે) ત્યાં પણ એ કર્તા કે કૃતિને શોધવાની બીજી ચાવી આપણી પાસે રહે જ છે! ‘જૈન ગૂર્જર કવિઓ’માં સૌ પ્રથમ કર્તાનામ, એમની કૃતિઓમાંથી મળતા ગચ્છ અને ગુરુપરંપરાના નિર્દેશ સાથે મૂકવામાં આવ્યું છે. પછી સમયાનુક્રમે કૃતિઓની નોંધ છે તેમાં શરૂઆતમાં કૃતિનામની સાથે કૃતિની રચનાતિથિ કે લેખનસંવત કે અનુમાનેલો સમય અને રચનાસ્થળની માહિતી નોંધી લીધી છે, પછી કૃતિના આદિ અને અંતના ભાગો નોંધ્યા છે, અને પછી પ્રતોની પુષ્પિકાઓ નોંધી છે અને પ્રતનાં પૃષ્ઠ અને પૃષ્ઠાંતર્ગત પંક્તિસંખ્યા સાથે એનું પ્રાપ્તિસ્થાન પણ દર્શાવ્યું છે. કૃતિ મુદ્રિત હોય તો કૃતિનામ પૂર્વે + નિશાની કરી છે અને કૃતિ વિશેની માહિતીને અંતે એ ક્યાં મુદ્રિત થઈ છે એ નોંધ્યું છે. કર્તા વિશેની અન્યત્રથી પ્રાપ્ત થતી વિશેષ માહિતી પણ અનેક સ્થાને પાદટીપ રૂપે કે છેલ્લે સ્વતંત્ર નોંધ રૂપે મૂકી છે. આવી સર્વગ્રાહી નોંધને કારણે આ માત્ર હસ્તપ્રતસૂચિ બની રહોવાને બદલે એક મહત્ત્વની સંદર્ભસામગ્રી બની જાય છે. બધી નોંધ કોઈ ને કોઈ કોયડો ઉકેલવામાં સહાયરૂપ થઈ પડે એવું બને છે. કૃતિના આદિ ને અંતના ભાગો ઉદ્ધૃત કરવાની પદ્ધતિનું મૂલ્ય તો જેટલું આંકીએ એટલું ઓછું છે. સંપાદકે મુખ્ય હકીકતોની તારવણીમાં કે કરેલા કોઈ અનુમાનમાં કંઈ ભૂલ કરી હોય તો તે પકડવાની સગવડ આપણી પાસે રહે છે. જૂની કૃતિઓ પરત્વે કંઈક જુદું વાચન થઈ જવાની શક્યતા એટલીબધી હોય છે કે હસ્તપ્રતોની કોઈ પણ સૂચિ આરંભ-અંતના ભાગોની નોંધ વિના ન થવી જોઈએ એમ લાગે. પુષ્પિકાઓ અને વિશેષ નોંધો પણ કેટલીક વાર સમય વગેરેના નિર્ણયમાં ચાવીરૂપ બને છે. વર્ણાનુક્રમણિકાઓ કેવડી મોટી મદદ છે એ સંશોધક જાણતો જ હોય છે. કોશકાર્યાલયને અન્યત્રથી પ્રાપ્ત માહિતીમાં શંકા લાગી ત્યારે ‘જૈન ગૂર્જર કવિઓ’ની વર્ણાનુક્રમણિકાઓની સહાય લઈને શુદ્ધિ કરવાના અનેક પ્રસંગો આવ્યા છે. જેમકે, કોઈ કવિને નામે કોઈ કૃતિ મળે અને એનું કર્તૃત્વ શંકાસ્પદ લાગે ત્યારે અમે કૃતિ-અનુક્રમણિકાને આધારે આ વિષયની બધી કૃતિઓના આરંભ-અંત અને પુષ્પિકાઓ જોઈ વળીએ અને જે કર્તાનામ અમને શંકાસ્પદ લાગ્યું હતું તે ખરેખરા કર્તાના ગુરુનું કે હસ્તપ્રતના લહિયાનું નામ નીકળે એવું બને. એ જ રીતે જ્યાં સંવત મળતો હોય ત્યાં સંવતવાર અનુક્રમણિકાની મદદથી પણ કોયડો ઉકેલી શકાયો છે. કોશકાર્યાલયને માટે તો એની પ્રચુર સામગ્રી અને આ સગવડોને કારણે ‘જૈન ગૂર્જર કવિઓ’ એક ગુરુચાવી સમાન નીવડેલ છે. વર્ણાનુક્રમણિકા સ્થળસ્થાનાદિ અને રાજકર્તાઓનાં નામો સુધી વિસ્તરી છે એ શ્રી દેશાઈની એક સંશોધક તરીકેની લાંબી નજરનો પુરાવો છે. આવી અનુક્રમણિકા ઘણા વિવિધ પ્રકારનાં સંશોધનોમાં સહાયરૂપ થાય. એક મિત્ર ‘ભાવનગરનું સાહિત્યમાં પ્રદાન’ એ વિશે કામ કરી રહ્યા હતા ત્યારે મેં એમને ‘જૈન ગૂર્જર કવિઓ’ની વર્ણાનુક્રમણિકામાંથી ‘ભાવનગર’ જોઈ જવા સૂચવેલું. ભાવનગરમાં રચાયેલી અને લિપિબદ્ધ થયેલી કૃતિઓની ભાળ એ રીતે મળી શકે.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ૫

‘જૈન ગૂર્જર કવિઓ’ એક ખજાનો છે, પણ એ ખજાનાનો યોગ્ય ઉપયોગ કરવા માટે કેટલીક બાબતો અવશ્ય લક્ષમાં લેવી પડે તેવી છે. એની સામગ્રીમાં થોડી ભેળસેળ છે; પ્રકાશનકાર્ય લાંબા સમયપટ પર ચાલ્યું અને છેક છેલ્લે પ્રાપ્ત થયેલી સામગ્રી પણ એમાં દાખલ કરી દેવામાં આવી છે એથી મૂળ વ્યવસ્થા થોડીક ખોરવાઈ છે; તે ઉપરાંત, સામગ્રી રજૂ કરવાની પદ્ધતિમાં કેટલીક ઝીણવટ છે જે લક્ષ બહાર રહેવા સંભવ છે. અહીં થોડીક બાબતો તરફ અભ્યાસીઓનું ધ્યાન દોરવું જરૂરી લાગે છે : (૧) ‘જૈન ગૂર્જર કવિઓ’માં સામગ્રી સમયાનુક્રમે સૈકાવાર રજૂ થઈ છે, પરંતુ સામગ્રી પાછળથી ઉમેરાતી ગઈ છે એટલે એક જ સૈકાનાં કર્તાકૃતિઓ એકથી વધુ સ્થાને નોંધાયેલાં મળે છે. જેમકે, ૧૩મા સૈકાની નોંધ ભા.૧ના પૃ. ૧થી ૪ ઉપર તથા ભા. ૩ના પૃ. ૩૯૫થી ૩૯૮ તેમજ પૃ. ૧૪૭૪થી ૧૪૭૫ ઉપર છે. સૈકાવાર ચિત્ર મેળવવા ઇચ્છનારે આ સ્થિતિ લક્ષમાં રાખવી જોઈએ. ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ (સંપા. ઉમાશંકર જોશી વગેરે) ખં. ૧ અને ર તથા અન્યત્ર જૈન સાહિત્યની માહિતી આપતી વખતે ‘જૈન ગૂર્જર કવિઓ’નો આધાર લેવાયો હોવાનું સમજાય છે, પરંતુ એની પૂર્તિઓ બધી લક્ષમાં લેવાઈ હોય એવું જણાતું નથી. (૨) ઉપરના જ કારણે વહેલા સમયની કૃતિ મોડી નોંધાય અને એના કર્તાકૃતિ-ક્રમાંક પાછળના આવે એવું બન્યું છે. ૧૨મા સૈકાનાં કર્તા-કૃતિઓ છેક ભા. ૩ના પૃ. ૧૪૭૨થી ૧૪૭૪ ઉપર નોંધાયાં છે અને એને કર્તાક્રમાંક ૯૧૭થી ૯૧૯ અને કૃતિક્રમાંક ૧૯૨૯થી ૧૯૩૧ મળ્યા છે. આથી ક્રમાંકને સમયક્રમસૂચક માનવાની ભૂલ ન કરવી જોઈએ. (૩) ગદ્યકૃતિઓની નોંધ થોડી જુદી ઢબે થઈ છે. પહેલા બે ભાગમાં દરેક સૈકાને અંતે ગદ્યકૃતિઓની યાદીરૂપ નોંધ આપી છે ને એનો વર્ણાનુક્રમણિકામાં સમાવેશ કર્યો નથી. ત્રીજા ભાગમાં પદ્યકૃતિઓની સાથે જ ગદ્યકૃતિઓની નોંધ લીધી છે, તે ઉપરાંત ‘જૈન ગૂર્જર ગદ્યકારો’ એ શીર્ષકથી બધી જ પ્રાપ્ત ગદ્યકૃતિઓ અને એના કર્તાઓની નોંધ કરી છે. આ છેલ્લી નોંધ સૌથી વધુ અધિકૃત ગણવી જોઈએ. ત્રીજા ભાગમાં ગદ્યકારો અને ગદ્યકૃતિઓની સ્વતંત્ર વર્ણાનુક્રમણિકા છે એટલે ગદ્યકૃતિઓ માટે માત્ર ત્રીજો ભાગ અને એનો અલાયદો વિભાગ આપણે જોઈએ તો એ પર્યાપ્ત ગણાય. (૪) સામગ્રીમાં બે વખત પૂર્તિ થઈ છે અને ગદ્યકૃતિઓની અલગ નોંધ છે તેથી કોઈ પણ કર્તા કે કૃતિ વિશેની સમગ્ર નોંધ માટે વર્ણાનુક્રમણિકાઓની મદદ લેવી અનિવાર્ય છે. આમાં એક વાત ખાસ લક્ષમાં રાખવા જેવી છે. ત્રીજા ભાગની વર્ણાનુક્રમણિકામાં કૌંસમાં આગલા બન્ને ભાગનો સંદર્ભ સમાવી લીધો છે, પણ એ તો જે કર્તાઓ અને કૃતિઓ ત્રીજા ભાગમાં નોંધાયાં હોય તેમના પૂરતો જ. જે કર્તાઓ અને કૃતિઓ ત્રીજા ભાગમાં નોંધાયાં તેમને માટે તો પહેલા અને બીજા ભાગની વર્ણાનુક્રમણિકા જોવાની રહે જ છે. (૫) ‘જૈન ગૂર્જર કવિઓ’ની એક પદ્ધતિ લક્ષમાં રાખવા જેવી છે. કોઈ પણ કૃતિના નામ સાથે એ સંવત મૂકે છે ત્યારે એ સામાન્ય રીતે રચનાસંવત હોય છે, ‘૨.સં.’ એમ લખવાનું એણે સ્વીકાર્યું નથી. પણ જ્યાં રચનાવર્ષ ન મળતું હોય અને લેખનવર્ષ મળતું હોય ત્યાં એ ‘લ.સં. ૧૮૬૯ પહેલાં’ એવી નોંધ કરે છે. આને રચનાવર્ષ માની લેવાની ભૂલ ન કરી લેવી જોઈએ, તેમજ લેખન સં. ૧૮૬૯ પહેલાં થયું છે એમ પણ માનવું ન. જોઈએ. કૃતિની લખ્યાસંવત ૧૮૬૯ છે અને કૃતિ તે પૂર્વે રચાયેલી ગણવી જોઈએ એમ એના કહેવાનો આશય હોય છે. (૬) ‘જૈન ગૂર્જર કવિઓ’માં કૃતિનો સમય કેટલીક વાર અનુમાને દર્શાવવામાં આવ્યો હોય છે અને એના આધારનો નીચે નિર્દેશ પણ થયેલો હોય છે. દા.ત., ભા. ૩ પૃ. ૫૧૯ પર કલ્યાણ-તિલકના ‘મૃગાપુત્ર સંધિ’નો સમય સં.૧૫૫૦ આસપાસ બતાવવામાં આવ્યો છે એનો આધાર ત્યાં છેડે નિર્દિષ્ટ જિનસમુદ્રસૂરિનો રાજ્યકાળ છે, જે દરમ્યાન એ કૃતિ રચાયેલી છે. પરંતુ કોઈક સ્થાનોએ નિર્દિષ્ટ સમયના આધાર આપવાનું રહી ગયું હોય એવું જણાય છે. જેમકે, ભા. ૩ પૃ. ૭૦૨ પર ધર્મહંસકૃત ‘નવ વાડિ’નો સમય સં. ૧૬૨૦ લગભગ ગણવામાં આવ્યો છે. તેનો આધાર ત્યાં સ્પષ્ટ કર્યો નથી. આવાં સ્થાનોએ કોઈ વિરોધી પ્રમાણ ન હોય તો ‘જૈન ગૂર્જર કવિઓ’માં કોઈ હકીકતને આધારે સમયનો નિર્દેશ થયો છે એમ માનવું જોઈએ અને ગુરુપરંપરા વગેરેમાંથી એ આધારને શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. (૭) ‘જૈન ગૂર્જર કવિઓ’માં માહિતીપૂર્તિનું કામ કેટલીક વાર વર્ણાનુક્રમણિકાની કક્ષાએ પણ થયું છે એ ધ્યાન ખેંચે એવી બાબત છે. દા.ત., ભા. ૩ પૃ. ૬૭૫ પર અજિતદેવસૂરિ નોંધાયેલા છે પણ તેમના ગચ્છનો નિર્દેશ નથી, પરંતુ અંતની કર્તાની વર્ણાનુક્રમણિકામાં અજિતદેવસૂરિની પલ્લીવાલગચ્છ નોંધવામાં આવ્યો છે. આનો અર્થ એમ છે કે શ્રી દેશાઈને ઉક્ત અજિતદેવસૂરિ પલ્લીવાલગચ્છના હોવાની પાછળથી ખાતરી થઈ છે. કવિઓની પૂરી માહિતી માટે, આથી, વર્ણાનુક્રમણિકા જોવી જરૂરી થઈ જાય છે. (૮) ‘જૈન ગૂર્જર કવિઓ’ના પહેલા બે ભાગમાં સંવતવાર અનુક્રમણિકા અપાયેલી છે તે અંગે એક બાબત તરફ ખાસ લક્ષ ખેંચવું જરૂરી છે. એ માત્ર રચ્યાસંવતની અનુક્રમણિકા નથી, લખ્યાસંવતની પણ છે. તેથી એક કૃતિની જેટલી પ્રતો નોંધાયેલી હોય એટલા સંવતમાં એનો ઉલ્લેખ આવે છે. ઉપરાંત, જ્યાં લખ્યાસંવતના ક્રમમાં કૃતિ નોંધાય છે ત્યાં એના રચનારનું નહીં, લહિયાનું નામ આપવામાં આવ્યું છે; એને કર્તા માની લેવાની ભૂલ ન થવી જોઈએ. શ્રી દેશાઈએ સંવત પહેલાં ’લ.’ (લખ્યા) તથા લહિયાના નામ પહેલાં ‘લે.’ (લેખક) લખીને આ દર્શાવ્યું છે, પણ એ લક્ષબહાર રહ્યાના પ્રમાણો મળે છે. દાખલા તરીકે, ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ખં. ર’ (સંપા. ઉમાશંકર જોશી વગેરે)માં પૃ. ૫૫૧ ૫ર ઉદયવિજયની ઈ. ૧૭૩૯ની હંસાવતી-વિક્રમકથાનો ઉલ્લેખ છે, પરંતુ ‘જૈન ગૂર્જર કવિઓ’ ભા. ૨ પૃ. ૬૩૨ પર સંવતવાર અનુક્રમણિકામાં ઉદયવિજય લહિયા તરીકે અને સં. ૧૭૯૫ (ઈ. ૧૭૩૯) લેખનસંવત તરીકે નોંધાયેલ છે. મૂળ કૃતિ તો અભયસોમની છે એમ ત્યાં દર્શાવેલ મૂળ સામગ્રીનો પૃષ્ઠાંક જોતાં જણાઈ આવે છે. ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’માં ‘જૈન ગૂર્જર કવિઓ’ની જ માહિતી સમજફેરથી ઉપયોગમાં લેવાઈ છે એ સ્પષ્ટ છે. આ સમજફેર ઘણી વ્યાપક રીતે થઈ હોવાનું પણ દેખાય છે. (૯) ‘જૈન ગૂર્જર કવિઓ’માં અનેક સ્થાનોએ પહેલાં આપેલી માહિતી પાછળથી સુધારવામાં આવી છે – ક્યાંક એકથી વધારે વાર પણ સુધારા થયા છે. શ્રી દેશાઈની સતત જાગૃતિનું આ પ્રમાણ છે, પરંતુ એમણે કરેલા આ સુધારાઓને આપણા સાહિત્યના ઇતિહાસો વગેરેમાં લક્ષમાં લેવાયા નથી એવું દેખાય છે. દાખલા તરીકે, ભા. ૧ પૃ. ૬ પર ‘ઉપદેશમાલા કથાનક છપ્પય’ નામની કૃતિ નોંધાયેલી છે, જેના કર્તા રત્નસિંહસૂરિશિષ્ય વિનયચંદ્ર હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. આ પછી ભા. ૩ પૃ. ૪૦૧ ૫૨ એવો સુધારો કરવામાં આવ્યો છે કે કર્તા રત્નસિંહસૂરિશિષ્ય ઉદયધર્મ હોવા જોઈએ. કૃતિમાં ‘વિનયચંદ્ર’ નામ મળતું જ નથી અને ‘ઉદયધર્મ’ નામ શ્લેષથી ગૂંથાયું હોવાનું માની શકાય તેમ છે તેમજ રત્નસિંહસૂરિશિષ્ય ઉદયધર્મ અન્યત્રથી મળે છે, તેથી આ સુધારો કરવામાં આવ્યો છે. આમ છતાં ‘આપણા કવિઓ’ (કે. કા. શાસ્ત્રી, પૃ. ૧૮૯) વગેરે ઘણા સંદર્ભો આ કૃતિ વિનયચંદ્રને નામે મૂકે છે. ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ (સંપા. ઉમાશંકર જોશી વગેરે) ભા. ૧ પૃ. ૨૩૬ પર આ કૃતિ વિનયચંદ્રને નામે, પૃ. ૨૮૪ પર રત્નસિંહસૂરિશિષ્યને નામે તો ભા. ૨ પૃ. ૫૮ પર ઉદયધર્મને નામે મુકાયેલી છે! એ જ રીતે, ‘જૈન ગૂર્જર કવિઓ’ ભા. ૧ પૃ. ૫૧ પર ન્યાયસુંદરને નામે ‘વિદ્યાવિલાસ ચોપાઈ’ નોંધાયેલી છે. પછીથી ભા. ૩ પૃ. ૪૭૧ પર વાચનદોષ સુધારીને કર્તાનામ ‘આજ્ઞાસુંદર’ આપવામાં આવ્યું છે. આમ છતાં, ‘ગુજરાતી સાહિત્ય (મધ્યકાલીન)’ (અનંતરાય રાવળ, પૃ. ૯૫) તથા ‘ગુજરાતના સારસ્વતો’ (સંપા. કે કા. શાસ્ત્રી) એ કર્તાનું નામ ‘ન્યાયસુંદર’ જ આપે છે. કર્તાનામ, કર્તાઓળખ, રચનાસંવત આદિ ઘણી વીગતોમાં આ રીતે પાછળથી સુધારા થયા છે, પણ પહેલી નોંધને આધારે થયેલા લેખનમાં મૂળ સ્થિતિ એમ ને એમ રહી ગઈ છે. પહેલી નોંધમાં પછીથી સુધારો થયો છે એ જાણવાનું કોઈ સાધન નથી હોતું એટલે આમ થવું સ્વાભાવિક છે, પરંતુ અભ્યાસીઓએ આ સ્થિતિને લક્ષમાં રાખી આ ગ્રંથને કાળજીથી ઉપયોગમાં લેવો જોઈએ. કર્તાકૃતિની વર્ણાનુક્રમણિકાને આધારે બધા સંદર્ભો જોઈ વળીએ તો જ સુધારા પકડાઈ આવે. (૧૦) ‘જૈન ગૂર્જર કવિઓ’માં સંપાદકે પોતે જોયેલી હસ્તપ્રતો ઉપરાંત બીજેથી મળેલી નોંધોનો પણ સમાવેશ છે. આરંભ-અંતના ભાગો નથી આપ્યા તે બીજેથી મળેલી સામગ્રી છે. આવી સામગ્રીમાં કેટલીક વાર પુષ્પિકા કે ભંડારનાં નામનિર્દેશ છે, તો કેટલેક ઠેકાણે કશી જ માહિતી નથી. એનો અર્થ એ છે કે શ્રી દેશાઈને કેવળ યાદીઓ મળી છે એનો પણ એમણે સમાવેશ કર્યો છે. એ દેખીતું છે કે આરંભ-અંતના ભાગોવાળી નોંધો જ પૂરેપૂરી પ્રમાણભૂત ગણાય. કેવળ યાદી રૂપે મળેલી સામગ્રીની પ્રમાણભૂતતા શંકાસ્પદ લેખીને સંશોધકોએ ચાલવું જોઈએ. દાખલા તરીકે, ભા. ૧ પૃ. ૧૩૧ ૫ર લાવણ્યરત્નને નામે ‘કલાવતી રાસ’ અને ‘કમલાવતી રાસ’ જેસલમેર વગેરે ભંડારમાંથી નોંધાયેલા છે, પરંતુ એના આરંભ-અંતના ભાગ આપ્યા નથી. હવે ભા. ૩ પૃ. ૪૧૫-૧૬ પર આ જ કૃતિઓ લાવણ્યરત્નશિષ્ય વિજયભદ્રને નામે નોંધાયેલી છે અને ત્યાં અપાયેલા અંતભાગોમાંથી આ હકીકતને સમર્થન મળે છે. એટલે એમ માનવાની સ્થિતિ આવે છે કે લાવણ્યરત્નશિષ્ય વિજયભદ્રની ઉપર્યુક્ત કૃતિઓ જેસલમેર ભંડારમાં વાચનદોષને કારણે લાવણ્યરત્નને નામે નોંધાઈ હશે. (૧૧) શ્રી દેશાઈને કેટલેક સ્થળેથી યાદીઓ મળ્યા પછી એ જાતે એ સ્થળે જઈ શક્યા છે અને હસ્તપ્રતોની પોતાની નોંધ પણ એમણે લીધી છે. યાદીની અને પોતાની બન્ને સામગ્રી એમણે આમેજ કરી છે. આથી બન્યું છે એવું કે યાદીમાં વાચનદોષને કારણે કૃતિની ખોટી માહિતી અપાઈ હોય તો તે ‘જૈન ગૂર્જર કવિઓ’માં રહી ગઈ છે અને એ જ હસ્તપ્રત સાચે સ્થાને પણ નોંધાઈ છે. આમ, એક સાચી અને એક ખોટી એમ બેવડી નોંધ થઈ છે. આનું એક ખૂબ નોંધપાત્ર ઉદાહરણ જોઈએ. ભા. ૧ પૃ. ૨૫ પર પીંપલગચ્છના વીરપ્રભસૂરિશિષ્ય હીરાનંદસૂરિનો ૨.સં. ૧૪૮૫-નો ‘વિદ્યાવિલાસ પવાડો’ નોંધાયો છે. આ પછી પૃ. ૧૧૨ ૫ર મલધારગચ્છના ગુણનિધાનશિષ્ય હીરાણંદનો ર.સં. ૧૫૬૫નો ‘વિદ્યાવિલાસ પવાડો’ નોંધાયો છે અને ત્યાં શ્રી દેશાઈએ એવી નોંધ મૂકી છે કે આ કાવ્ય એમણે જાતે જોયું નથી, પણ બે એક જ નામના જુદાજુદા કવિઓનાં, એક જ નામનાં પણ જુદાંજુદાં કાવ્ય હોવાનું એમને જણાય છે. એટલે કે પૃ. ૧૧૨ પરની કર્તાકૃતિનોંધ એમને અન્યત્રથી મળી છે. એના આરંભ-અંતના ભાગ આપ્યા નથી તેમજ પુષ્પિકા પણ નથી એનું કારણ એ જ છે. પ્રત ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ, પૂનાની છે. હવે પૃ. ૨પ પર નોંધાયેલા હીરાનંદસૂરિના ‘વિદ્યાવિલાસ પવાડો’ની હસ્તપ્રતોની પુષ્પિકાઓ જોઈએ તો એમાં છેલ્લી ડેક્કન કૉલેજ, પૂનાની પ્રત છે, જે સંવત ૧૫૬૫માં મલધારગચ્છના હીરાણંદે લખેલી છે. આ પરથી આપણને સ્પષ્ટ થઈ જાય છે કે એક જ કૃતિની એક જ પ્રત બે ઠેકાણે નોંધાઈ છે. અને એક ઠેકાણે પૃ. ૧૧ર પર પ્રતના લહિયા હીરાણંદને કર્તા ગણી લેવામાં આવ્યા છે. આ દોષ શ્રી દેશાઈને અન્યત્રથી પ્રાપ્ત માહિતીમાં જ હશે, પરંતુ એક જ પ્રત બે ઠેકાણે ઉલ્લેખ પામી છે એ એમના લક્ષબહાર રહ્યું છે. આવું જ એક બીજું ઉદાહરણ જોઈએ. ભા. ૩ પૃ. ૧૨૮૨ પર લોંકાગચ્છના દામોદરશિષ્ય ખેતો-ખેતસીને નામે ૨.સં. ૧૭૪૫ની ‘અનાથી મુનિની ઢાળો’ નોંધાયેલી છે. અહીં અભય ભંડારની પ્રતાક્રમાંક ૧૪૫૪નો નિર્દેશ છે, પણ કૃતિના આરંભ-અંત કશું જ નથી. પછી પૃ. ૧૩૩૬ પર નાગોરી ગચ્છના ખેતસીશિષ્ય ખેમને નામે પણ ૨.સં. ૧૭૪૫ની ‘અનાથી ઋષિ સંધિ’ નોંધાયેલી છે અને એને અનુષંગે પણ અભય ભંડારની પ્રતક્રમાંક ૧૪૫૪નો નિર્દેશ થયો છે. એ સ્પષ્ટ છે કે એક પ્રત બે વાર નોંધાઈ છે. પૃ. ૧૩૩૬ પર કૃતિના આરંભઅંતના ભાગ મળે છે, જેમાં નિર્દિષ્ટ ગુરુપરંપરા છે અને કવિનામ ‘ખેમો’ છે. ખેમો’નું પૃ. ૧૨૮૨ પરની નોંધમાં ‘ખેતો’ થઈ ગયું લાગે છે અને ગુરુનામ ખેતસી કર્તાના અપરનામ તરીકે બેસાડી દેવાયું જણાય છે. આ પણ શ્રી દેશાઈને મળેલી સામગ્રીનો જ દોષ હોવાનું જણાય છે.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ૬

અન્ય કોઈ પણ સંદર્ભસાધનને મુકાબલે ‘જૈન ગૂર્જર કવિઓ’ની અધિકૃતતા ઘણી વધારે છે. શ્રી દેશાઈએ પોતાની સર્વ સજ્જતા કામે લગાડીને ચોકસાઈથી સામગ્રીનું અર્થઘટન અને સંયોજન કર્યું છે. આમ છતાં વિભિન્ન કારણસર કેટલીક ભૂલો થઈ ગઈ છે. આ ભૂલો પકડવાની ચાવીઓ એમાં પડેલી જ હોય છે. અભ્યાસીએ એ માટે એમાં અપાયેલી સામગ્રી તરફ પૂરતું લક્ષ આપવાનું રહે છે. આ પ્રકારના થોડા મુદ્દાઓ હવે આપણે જોઈએ : (૧) વિપુલ સામગ્રીનું સંયોજન કરનારને અવારનવાર અનુમાનનો આધાર લેવાનું થાય એ ઘણું સાહજિક છે, પરંતુ આ અનુમાન માટે કોઈક ચોક્કસ ભૂમિકા જોઈએ અને અનુમાનને અનુમાન તરીકે રજૂ કરવાની શાસ્ત્રીય પદ્ધતિ સ્વીકારવી જોઈએ, જે અનુમાનોથી હકીકતોને જોડતી વખતે શ્રી દેશાઈથી બધે જ થઈ શક્યું નથી. આવા થોડાક કિસ્સાઓ આપણે જોઈએ. પ્રાચીન કૃતિઓમાં ઘણી વાર કવિઓની પૂરી ઓળખ નહીં હોવાની, કેવળ નામછાપ હોવાની. ‘જૈન ગૂર્જર કવિઓ’એ આવી કૃતિઓને કેટલીક વાર અનુમાનથી કોઈ ઓળખવાળા કવિને નામે મૂકવાની પદ્ધતિ સ્વીકારી છે. પણ બધે જ આ માટે પૂરતો આધાર હોય એવું જણાતું નથી. એથી જુદાજુદા સ્થાનેથી મળેલી એક જ કૃતિને જુદાજુદા કર્તાને નામે ગોઠવી દેવાઈ હોય એવું પણ બની ગયું છે. દાખલા તરીકે, ભા. ૧ પૃ. ૪૫૪ પર શ્રાવક કવિ ઋષભદાસને નામે તેમજ ભા. ૩ પૃ. ૨૮૯ પર રામવિજયશિષ્ય ઋષભવિજયને નામે ‘સ્થૂલિભદ્ર સઝાય’ નોંધાયેલી છે. બંને સ્થળે નોંધાયેલી પંક્તિઓ પરથી સમજાય છે કે કૃતિ એક જ છે, પણ એમાં મળતા ‘ઋષભ’ નામને એક વખત ઋષભદાસ તરીકે અને એક વખત ઋષભવિજય તરીકે ઘટાવ્યું છે. પહેલી વાર ‘ચૈત્યવંદન સ્તુતિ સ્તવનાદિ સંગ્રહ ભા. ૩’માંથી અને બીજી વાર ‘જૈન પ્રબોધ’માંથી કૃતિ નોંધાઈ છે, એટલે બે કર્તામાં નોંધાવાની સ્થિતિ ઊભી થઈ છે. આ દૃષ્ટાંત બતાવે છે કે આ જાતનું અનુમાન જોખમી છે. આ કૃતિ બેમાંથી એકેય ‘ઋષભ’ની ન હોય અને કોઈ ત્રીજાની જ હોય એમ પણ બને. કોઈ હસ્તપ્રત નોંધાયેલી નથી માટે કોઈ અર્વાચીન કવિની પણ હોય, એટલે ‘જૈન ગૂર્જર કવિઓ’ જ્યાં કર્તાની પૂરી ઓળખ વગરની કૃતિઓને ચોક્કસ ઓળખવાળા કોઈ કર્તાને નામે મૂકે ત્યારે એ હકીકતને શંકાની નજરે જોઈ ચકાસવાનું રાખવું જોઈએ. (૨) ‘જૈન ગૂર્જર કવિઓ’માં કોઈ વાર પ્રાપ્ત માહિતી તરફ પૂરતું લક્ષ અપાયા વિના અર્થઘટન થઈ ગયેલું પણ જણાય છે. દાખલા તરીકે, ભા. ૨ પૃ. ૫૦૦-૦૩ પર દેવવિજયની કેટલીક કૃતિઓની નોંધ છે. મથાળે દેવવિજયની ગુરુપરંપરા આપી છે, જેમાં એમને હીરવિજયની પરંપરામાં દીપવિજયના શિષ્ય બતાવાયા છે. આ પરંપરા ત્યાં નોંધાયેલી કૃતિઓમાંથી માત્ર ‘રૂપસેનકુમાર રાસ’માં જ મળે છે. બાકીની કૃતિઓમાં એ ગુરુપરંપરાને સ્થાને માત્ર વિજયરત્નસૂરિનો ઉલ્લેખ છે. બીજી બાજુથી ‘રૂપસેનકુમાર રાસ’માં અપાયેલી લાંબી ગુરુપરંપરામાં ક્યાંય વિજયરત્નસુરિનું નામ આવતું નથી. આ હકીકત ‘રૂપસેનકુમાર રાસ’ના અને અન્ય કૃતિઓના કર્તાને એક ગણવાના અભિપ્રાયને, ઓછામાં ઓછું, શંકાસ્પદ ઠેરવે છે. બધી કૃતિઓ લગભગ એક સમયગાળાની હોઈ શ્રી દેશાઈએ એક જ કર્તા હોવાનું માની લીધું છે, પરંતુ એક સમયે એક જ ગચ્છમાં એક નામના એકથી વધુ સાધુઓ હોવાનાં ઘણાં દૃષ્ટાંતો જડે છે. એથી વિજયરત્નસૂરિના આજ્ઞાનુવર્તી અને દીપવિજયના શિષ્ય – એમ બે દેવવિજય હોવાનું માનવાનું વધારે ઉચિત લાગે છે. એ જ રીતે ભા. ૨ પૃ. ૨૬૮ પર ઉદયસમુદ્રકૃત ‘કુલધ્વજકુમારઃ રાસ’નો રચનાસંવત “૧૭૨૮ જણાય છે” એવી નોંધ છે. વસ્તુતઃ એ ત્યાં નોંધાયેલી હસ્તપ્રતનો લેખનસંવત છે. એ સ્વહસ્તલિખિત પ્રત નથી અને કૃતિ રચાઈ છે અમદાવાદમાં, જ્યારે હસ્તપ્રત તો ઉદયપુરમાં લખાઈ છે. એટલે રચનાસંવત ૧૭૨૮ માનવા માટે કોઈ આધાર રહેતો નથી. ભા. ૩ પૃ. ૩૧૪ પર શિવલાલકૃત ‘રામલક્ષ્મણસીતા વનવાસ ચોપાઈ’ અને ઉદયચંદ્રકૃત ‘બ્રહ્મવિનોદ’ના રચનાસંવત પરત્વે પણ આવી જ મુશ્કેલી થઈ છે, પરંતુ અહીં આરંભ-અંતના ભાગ નથી તથા રચનાસંવતની માહિતી પણ મળેલી યાદીમાં હોય એ સંભવિત છે. પણ આ માહિતીને પ્રાપ્ત હકીકતનો ટેકો નથી એ લક્ષમાં આવ્યું નથી. ‘રામલક્ષ્મણસીતા વનવાસ ચોપાઈનો રચના સંવત ૧૮૮૨ માઘ વ.૧ ને રચનાસ્થળ બિકાનેર નોંધ્યું છે તે એક હસ્તપ્રતના લેખનની માહિતી છે અને એ હસ્તપ્રત કર્તાની સ્વલિખિત હોવાનું નોંધાયું નથી! ‘બ્રહ્મવિનોદ’નો રચનાસંવત ૧૮૮૪ અને રચનાસ્થળ જોધપુર નોંધાયેલ છે તે પણ એક હસ્તપ્રતના લેખનનાં જ સંવત-સ્થળ છે અને એ હસ્તપ્રત તો નગવિજય લિખિત છે. આમ, પ્રાપ્ત હકીકતોથી વિરુદ્ધની માહિતી અહીં ટાળી શકાઈ નથી. આથી ઊલટું, ભા. ૩ પૃ. ૧૮૯ પર ‘ઉદાયી રાજર્ષિ ચોપાઈ’ માટે “સં. ૧૮૫૫ પહેલાં” એવી નોંધ છે, ૫ણ સં. ૧૮૫૫માં લખાયેલી આ પ્રત કવિની સ્વહસ્તલિખિત પ્રત છે, તેથી ૧૮૫૫ રચનાસંવત પણ હોવાનો સંભવ છે. વળી કૃતિ વિજયજિનેન્દ્રના રાજ્યકાળ (સં. ૧૮૪૧થી સં. ૧૮૮૪)માં રચાયેલી હોવાની માહિતી કૃતિના અંતભાગમાં છે. એટલે કૃતિનો રચનાકાળ સં. ૧૮૪૧થી ૧૮૫૫ સુધીમાં હોવાનું તો નિશ્ચિત થાય જ છે. અભ્યાસીઓએ આથી પ્રાપ્ત માહિતીને પૂરતી લક્ષમાં લેવાનું જરૂરી થઈ જાય છે. (૩) પ્રાચીન સાહિત્યની કૃતિઓમાં સંવત સંકેતશબ્દોથી દર્શાવવામાં આવે છે અને એનું અર્થઘટન કરવાનું હોય છે. ક્વચિત્‌ ‘જૈન ગૂર્જર કવિઓ’નું અર્થઘટન વિવાદાસ્પદ હોય એવું જણાય છે. જેમકે, ભા.૩ પૃ.૧૩૬૩ પર ઉદયરત્નકૃત ‘નેમનાથ રાજિમતી બારમાસ’નો રચનાસંવત ૧૭૯૫ દર્શાવવામાં આવ્યો છે. કૃતિના અંતભાગમાં રચનાવર્ષ દર્શાવતી પંક્તિ આ મુજબ છે : ‘ભૂ રકી ભૂત નંદિ જુત સંવચ્છરનું નામ’. આ શબ્દોથી આ પ્રમાણે સંખ્યા સૂચવાય : ભૂ=૧, ૨કી (ઋષિ)=૭, ભૂત=૫, નંદ-૯ એટલે- કે ૧૭૫૯, ‘જૈન ગૂર્જર કવિઓ’એ સં.૧૭૯૫ ગણ્યું તેનો અર્થ એ છે કે એમણે પહેલા બે શબ્દોને સવળા અને બીજા બેને અવળા લીધા છે. આ ઉચિત છે કે કેમ તે પ્રશ્ન છે. (‘પ્રાચીન મધ્યકાલીન બારમાસા સંગ્રહ’માં ડૉ. જેસલપુરા સં. ૧૭૫૯ ઘટાવે છે.) અભ્યાસીઓએ જૈન ગૂર્જર કવિઓ’એ આપેલા સંવતના અર્થઘટનને પોતાની જાણકારીથી ચકાસવાનું રાખવું જોઈએ એમ આથી સમજાય છે. (૪) જૈન પરંપરાથી ઘણી સારી રીતે પરિચિત શ્રી દેશાઈથી એ પરંપરા અનુસારનું સ્વાભાવિક અર્થઘટન કરવાનું ક્વચિત્‌ બની શક્યું નથી. જેમકે, ‘જૈન ગૂર્જર કવિઓ’ ભા. ૩ પૃ. ૩૮૨ પર મણિઉદ્યોતશિષ્ય દાનદયા કર્તા તરીકે નોંધાયા છે. દાનદયા કર્તાનામ હોવા વિશે પહેલી દૃષ્ટિએ જ શંકા જાય. તે ઉપરાંત જૈન કવિઓ ગુરુનામ સાથે પોતાનું નામ ગૂંથીને પોતાની કવિછાપ રચતા હોય છે એ જાણીતી વાત છે અને શુભવિજયશિષ્ય વીરવિજય ‘શુભવીર’ની કવિછાપ વાપરે છે વગેરે દૃષ્ટાંતો શ્રી દેશાઈ પાસે હતાં જ. એટલે અહીં ‘દાન’ અને ‘દયા’ એ બે વ્યક્તિનામો હોવાનું અનુમાન તો થઈ શકે. પછી વિમલશાખાની પટ્ટાવલીનો આધાર મળતાં અહીં દાનવિમલશિષ્ય દયાવિમલ કર્તા છે એમ નિશ્ચિત થઈ શકે અને ગુરુનામ ‘મણિઉદ્યોત’ તે પણ મણિવિમલશિષ્ય ઉદ્યોતવિમલ છે એમ સમજાય. (૫) વિપુલ સામગ્રી સાથે કામ પાડવાના અનિવાર્ય પરિણામ રૂપે ‘જૈન ગૂર્જર કવિઓ’માં સંયોજનનાં કોઈકોઈ સ્ખલનો પણ જોવા મળે છે. જેમકે, ભા. ૧ પૃ. ૫૯૧ પર કવિક્રમાંક ૨૭૯(ક)થી અને ભા. ૩ પૃ. ૧૩૩૬ પર કવિક્રમાંક ૮૭૪થી જાણે બે કવિઓ હોય એ રીતે એક જ કવિ નાગોરીગચ્છના ખેતસીશિષ્ય ખેમ નોંધાયા છે. પહેલાત્રીજા ભાગની વર્ણાનુક્રમણિકાની મદદથી આપણે ખેમ કવિની નોંધો તપાસીએ ત્યારે એક જ કવિ છે અને કૃતિઓ પણ બંને ઠેકાણે સમાન છે એ ધ્યાનમાં આવે છે. આ રીતે આ ગ્રંથનો ઉચિત ઉપયોગ કરવા ઇચ્છનાર અભ્યાસીએ વર્ણાનુક્રમણિકાની સહાય લઈને આવા સંયોજનદોષો સુધારી લેવાના રહેશે. (૬) આટલી વિપુલ સામગ્રીની વર્ણાનુક્રમણિકા તૈયાર કરવી એ પણ એક ભારે કામ છે. શ્રી દેશાઈએ એ એકલે હાથે જ કર્યું જણાય છે. એથી એમાં ક્ષતિઓ રહી ગઈ હોય તો એ સાહજિક ગણાવું જોઈએ. દાખલા તરીકે, ‘જૈન ગૂર્જર કવિઓ’ ભા. ૧માં પૃ. ૨૫ અને પૃ. ૧૧૨ પર ‘વિદ્યાવિલાસ પવાડો’ નામની કૃતિ નોંધાયેલી છે, પરંતુ વર્ણાનુક્રમણિકામાં એનો સમાવેશ થવો રહી ગયો છે. આથી આ ગ્રંથોનો અશેષ ઉપયોગ કરવા ઈચ્છનારે વર્ણાનુક્રમણિકા ઉપરાંત મૂળ સામગ્રીને પણ જોવાની રહેશે જ. (૭) ગ્રંથમાં થોડા મુદ્રણદોષો પણ રહી ગયેલા જણાય છે. જેમકે, ‘જૈન ગૂર્જર કવિઓ’ ભા. ૩ પૃ. ૧૨૯૫ પર અભયકુશલની ‘ઋષભદત્ત રૂપવતી ચોપાઈ’નો ર.સં. ૧૭૩૦ નોંધાયેલ છે, પરંતુ કાવ્યને અંતે ‘સંવત મુનિ ગુણ રૂષિ શશી’ એમ ઉલ્લેખ છે, એટલે ૨.સં. ૧૭૩૭ થાય. મથાળે મુકાયેલો સં. ૧૭૩૦ આથી છાપભૂલ હોવાનું સમજાય છે. (‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’માં પૃ. ૬૬૫ ફકરા ૯૭૬માં અભયકુશલનો સમય સં. ૧૭૩૭ દર્શાવાયો છે.) એ જ રીતે ભા. ર પૃ. ૩૯૬ પર ‘રાજસિંહ રાસ’ની અંતની ઢાળને મથાળે ‘ઢાળ ૪૧’ એમ લખ્યું છે પરંતુ ઢાળની ૧૯મી કડીમાં ‘એકત્રીસમી ઢાલે ભાયા’ એમ પંક્તિ આવે છે તેથી ‘૪૧’ એ છાપભૂલ હોવાનું સમજાય છે. અભ્યાસીઓએ આ રીતે મૂળ સામગ્રીની ચકાસણી કરીને છાપભૂલો સુધારી લેવાની રહે છે. આપણે ‘જૈન ગૂર્જર કવિઓ’નાં એવાં સ્ખલનની વાત કરી જેને પકડવાની ચાવી એની સામગ્રીમાં જ પડેલી છે. ‘જૈન ગૂર્જર કવિઓ’ની માહિતીને – ખાસ કરીને બહારથી સીધી મળેલી માહિતીને – અન્ય સાધનોની મદદથી ચકાસતાં પણ કેટલાક દોષો નજરે પડે એ તદ્દન સંભવિત છે, પણ એ તો મધ્યકાળની ઘણી સાધનસામગ્રીની મુશ્કેલી રહેવાની. એનાં ઉદાહરણોમાં જવાની આપણે જરૂર નથી. પણ જેવું છે એવું આ એક મહામૂલું સંદર્ભસાધન છે એમાં શંકા નથી. જૈન સાહિત્યના અભ્યાસીઓ એનો જ આશ્રય લઈને આગળ ચાલે છે. તે આ ગ્રંથમાળાને જરૂરી શુદ્ધિ-વૃદ્ધિ સાથે પુનર્મુદ્રિત કરવાનું અનિવાર્ય થઈ જાય છે. એમાં ઓછામાં ઓછું આટલું થવું જોઈએ : (૧) બધી સામગ્રીને સમયાનુક્રમે પુનઃસંયોજિત કરવી. (૨) શ્રી દેશાઈએ પોતે પાછળથી કરેલા સુધારાઓને મૂળ સ્થાન સાથે સંકલિત કરી લેવા. (૩) અનવધાનથી પ્રવેશી ગયેલા માહિતીદોષો અને મુદ્રણદોષો સુધારી લેવા. (૪) ત્રણે ભાગની અખંડ વર્ણાનુક્રમણિકાઓ તૈયાર કરવી. (૫) સંવતવાર અનુક્રમણિકા પહેલા બે ભાગમાં છે તે ત્રણે ભાગની સામગ્રી તૈયાર કરવી. (૬) સામગ્રીમાં આવતાં સઘળાં વ્યક્તિનામોની સૂચિ કરવાનું ૫ણ વિચારવું. આ સુધારાઓથી એક સમૃદ્ધ ગ્રંથ સમૃદ્ધતર બનશે અને શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈએ કરેલો અસાધારણ શ્રમ વધારે સાર્થક થશે. ગુજરાતી સાહિત્યની આવી વિરલ સેવા બજાવવા માટે શ્રી દેશાઈનું આપણે જેટલું ગૌરવ કરીએ એટલું ઓછું છે. પાદટીપ :

  1. ૧. ભા. ૧ – ૧૯૨૬, ભા.૨ – ૧૯૩૧, ભા. ૩ (ખંડ ૧ તથા ૨) - ૧૯૪૪, સંગ્રાહક અને સંપ્રયોજક-મોહનલાલ દલીચંદ દેશાઈ, પ્રકાશક - શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ ઑફિસ, મુંબઈ.
Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted