રામચન્દ્ર પટેલની કવિતા/મને કોઈ
મને કોઈ
મને કોઈ આપો ઘર,
પવન હું રોજ ભટકું...
જો સ્મિત છલકતો ભાવસભર મળે ઇશારો તો
બસ ઘણું થયું.
પાંખ હળવી કરી બેસી જોડે
હળીમળી જઈ ચોક વચમાં
ઊગી ચંદા જેવું ઝરણ અજવાળું ઝળહળ
બધે રેલાવીને,
કપૂરશગ સંકોરી કહીશું...
ઘણું મારી પાસે,
ગગન પરનાં વાદળગીત.
લીલાં પર્ણો જેવું સુખ,
વનની છે વ્હાલપ-રીત.
વળી સાથે લાવ્યો વિરહ રણનો -
ટાઢક ભલી સમુદ્રોનીઃ
ભૂલ્યો નથી ઘી સમ સુંવાળપ ગિરિતળે બેઠેલા
ગામે હરખભર દીધેલ.
પથની જુઓ સેવા –
છેલ્લે વિહગ તણું તો ભોળપણ;
હું
તમે જે માગો એ મફત ફળની જેમ દઈશ
વિના મૂલે જાઓ કશુંય બદલામાં ન લઈશ.
– મને કોઈ આપો ઘર.