રામચન્દ્ર પટેલની કવિતા/ઘણાં વર્ષોથી
ઘણાં વર્ષોથી
ઘણાં વર્ષોથી મેં નીરખી ન હતી સીમ સઘળી
વિચારીઃ બુઢાપો લઈ નજરુંની સેર કરીને
હતો ઊઠેલો હું ઘરથી અમથો ખેતર જવા...
પરોણાંના ટેકે શરીર વળી હૈયું પવનમાં
મૂકી ન્હોતું... ચર્ણો બળદનું લઈ જોમ ઊપડી
હતા એવા દોડ્યા ઘમઘમ થતા, પાદર સુધી...
જતાં હાંફી બેસું ત્યહીં વડ પરેથી ઊતરી કો,
ભરાયું શ્વાસે ને ફગફગ થતું લોહી ઊછળ્યુું.
ઊડી ગિલ્લીઃ ફૂટે કૂપ-તટ પરે બેડુંઃ વીરના
દહેરે ખાપોના રથ વળી ઘણાં ઢીંગલીઘર
થતાં બેઠાંઃ નાવા ધણ ઊછળતું જાય નદીમાં.
અને વ્હેલેથી કો રૂપની મદિલી મ્હેક ઊડતી...
‘ચલો દાદા ઊઠો ઘર’ પકડી કોઈ લઈ જતું
મને; ને આંખે તો છલકઈ રહે પાદર...