રામચન્દ્ર પટેલની કવિતા/દેલવાડાનાં દેરાં

દેલવાડાનાં દેરાં

આબુ પહાડ વચમાં શિવદેહ જેમ
દીપે જિનાલય : નિરામય આદિનાથ!
ચોખ્ખી હવા સુખડ મહેક ભરી વહેતી
ચીંધે દિશા : શિખર કૌશલ ઊર્ધ્વગામી.

આકાશ, બ્રહ્મ બની ગુંબજમાં મહોરે
ને ભૂમિ, અગ્નિ, જળ, વાયુ પ્રવેશદ્વારે
ઊભાં રહી કસબ પાથરી સ્તંભસ્તંભ
શિલ્પો રચે, ક્યહીંક ઊડતી જાય અપ્સરા...

અદ્વૈત, આંખથી અનંત સુધી મૌન જાગે.
કેવાલ, કંઠ, કટિ, કાંગરી, ગોખ, જંઘા
ને ગર્ભદ્વાર જીવ-શ્વાસનું ગાન જાળવે...
શું દીપ-તેજ નકશી, નરી દિવ્યમુદ્રા?

કોઈ સરોવરમહીં ઊગી પદ્મ ખીલે,
હું એમ જોઉં... જ્યમ અમૃત, કુંભ ઝીલે.