ધ્વનિ/કોણ અણદીઠ
કોણ અણદીઠ ગોપન રહી માહરી
સંગ ખેલી રહ્યું આજ હોરી?!
રે નહીં નીર કે વર્ણ તો યે કશે
રંગ ભીંજાય મુજ કાય કોરી!
દૂરને ખેતરે નેસ મારો, અને
દૂર કાલિંદરીનો કિનારો;
એકલી વિજન વૃંદાવને, માહરે
છે ન સહિયરતણો યે સહારો :
રે અજાણ્યો ન આનંદ સહેવાય,
ઠેલાય ના, મુગ્ધ હું તો કિશોરી,
કોણ અણદીઠ ગોપન રહી માહરી
સંગ ખેલી રહ્યું આજ હોરી?!
વાયુની લહરને ઈંગિતે હૃદયનાં
મર્મનાં દ્વાર મુજ કોણ ખોલે?
રે શી મહુવરતણે સૂર પરવશ બની
પ્રાણની સર્પિણી મત્ત ડોલે!
બ્હારનું વિશ્વ ડૂબી જતું, એહવું
હૃદય શું મારું રેલાય બ્હાર!
બંધની પાળ તૂટ્યા પછી, વ્હૈ જતાં
વ્હેણ રે કેટલાં દુર્નિવાર!
હાથમાં હૈયું રે'તું નહિ વિકલ
એવે અજંપે હવે હું ન મોરી,
કોણ અણદીઠ ગોપન રહી માહરી
સંગ ખેલી રહ્યું આજ હોરી?!
અગ્નિની જ્યોત મુજ મ્હોરતી કિંશુકે
કિંશુકે કેસરી પુંષ્પ-પુંજે,
મૌનની જલ્પના માહરી હરઘડી
ટ્હૌકતી કોકિલા કુંજ કુંજે :
જોઈ વનરાઈ જે નિત્ય, તે યે કશી
સ્વપ્નની સૃષ્ટિ જેવી ઝૂકેલી!
પંથ કેરો ય પરિચય ભૂલી પાછલો,
ધુમ્મસે હું ભમું છું અકેલી!
મેઘની આડમાં કોઈ મીઠું હસે,
કોઈ તરસે ઝૂરે છે ચકોરી,
કોણ અણદીઠ ગોપન રહી માહરી
સંગ ખેલી રહ્યું આજ હોરી?!
૧૧-૭-૫૦