ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૫મું/નંદશંકર અને તેમને જમાનો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
નંદશંકર અને તેમનો જમાનો

પ્રવાસમાં આગળ વધનારને હમેશાં વનરાજ સિંહની જેમ પાછળ પણ અવલોકન કરવાની જરૂર પડે છે, કે મજલ કેટલે આવી? ચીલો તો ભૂલ્યા નથી? બીજા સાથીઓ ક્યાં છે? એ સૌ કેટલે આવ્યા છે? આવા આવા પ્રશ્નો વર્ષે વર્ષે કે સૈકે સૈકે વિચારી શકાય એવા ઉદ્દેશથી જીવનના અનેક પ્રદેશોમાં પ્રવાસ ખેડતા પુરૂષસિંહોની જયંતિઓ તથા શતાબ્દીઓ ઊજવવાની સ્ફૂર્તિદાયક પ્રથા, દુનિયાના બધા સુધરેલા દેશમાં અસ્તિત્વમાં આવી છે. આપણે ત્યાં પણ લોકનાયકો, દેશસેવકો, આચાર્યો વગેરેની જયંતિએ ઊજવીને વીરપૂજા વ્યક્ત કરવાની પદ્ધતિ ઈતિહાસજૂની છે. કારણ કે ઈશ્વરની સૃષ્ટિમાં અસંખ્ય માણસો જન્મે છેઃ એ બધાની જયંતિ આપણે નથી ઉજવતા; પરંતુ જેમના જીવન રહસ્યનો આપણા હૃદયમાં ઉદય થયો હોય તેમની જ જયંતિ આપણે ઉજવિયે છિયે. કેમ કે કરોડો લોકોનું જીવન તો આવેલો દિવસ જેમ તેમ કરીને પૂરો કરવામાં જ વીતે છે. તેથી, માનવ જાતિના વિકાસમાં આડે આવતા અસંખ્ય અંતરાયો સામે ઝૂઝનાર, અને વિષમ પરિસ્થિતિ ઉપર વિજય મેળવનાર માનવ વીરોની સંખ્યા બહુ જ અલ્પ હોય છે. આપણે એવા લોકોની જ જયંતિ ઉજવિયે છિયે. અથવા બીજી રીતે કહિયે તો આપણી જયંતિઓ આવા મહાન પુરૂષોના શ્રાદ્ધનો દિવસ છે : શ્રાદ્ધ એટલે શ્રદ્ધા વડે ભૂતકાળને જીવતો રાખવાને એક અપૂર્વ ઉપાય. એ પુરૂષોત્તમોને થઈ ગયે આજે અનેક વર્ષો વીત્યા છતાં, હજી આપણે તેમની પાસેથી પ્રેરણા લઈયે છિયે, સ્ફૂર્તિ લઈયે છીએઃ અખંડ સેવાની દીક્ષા લઈયે છિયેઃ અને આ રીતે તેવા મહાન પુરૂષોને આપણે આપણામાં જીવતા રાખિયે છિયે : આ શ્રાદ્ધ ક્રિયા મૃત વ્યક્તિને અમર કરે છે : તેને દેવકોટિમાં મૂકે છે : અને એવા અમર મહાજન પાસેથી આ૫ણને આશીર્વાદ મેળવી આપે છે. આવી જયંતિઓ દ્વારા વીરપૂજા એટલે સંસારના ગમે તે ક્ષેત્રમાં વિજય મેળવનાર વીર પુરૂષ પાસે પ્રેરણા મેળવવાની જે વૃત્તિ તેને સારૂં પોષણ મળી શકે છે. અને તેથી વીરનાં વીરકર્મમાંથી પ્રેરણા, ઉત્સાહ અને પ્રાણ મેળવવાની આપણને સૂઝ પડે છે : પરિણામે એવા વીરની ઉપાસના કરી, સ્વયં વીર બની જવાની ધગશ પણ આપણામાં પ્રગટી શકે છે. વળી આવી જયંતિઓ દ્વારા અનેક વર્ષોના ગાળામાં થયેલી જુદી જુદી પ્રવૃત્તિઓનું સરવૈયું અથવા ‘હુંડી’ પણ કાઢી શકિયે છિયે. કારણ કે કોઈપણ જીવન્ત વ્યક્તિ કે સમાજનું જીવન જુવો, તો તેમાં ફેરફાર થતા જ જાય છે. અને જીવન એટલે જ પરિવર્તન, જીવન એટલે જ પ્રગતિ. પ્રતિવર્ષે, પ્રતિ દિવસે અને પ્રતિ ક્ષણે માણસનો અનુભવ વધતો જાય છે : માણસની દૃષ્ટિ વિશાળ થતી જાય છેઃ અને માણસનું જીવન વિકસતું જાય છે : જેમ માણસનું તેમ સાહિત્યનું પણ : આજે જે ગુજરાતીની જયંતિ આપણે ઉજવવા ભેગા થયાં છિયે તેમનો જમાનો અને આજના દિવસ વચ્ચે એક સૈકુ વીતી ગયું છે. બળવા પહેલાનું ગુજરાત બળવા પછી રહ્યું ન હોતું; અને કોંગ્રેસ તથા સ્વદેશીની ચળવળ વખતનું ગુજરાત હતું તે આપણા આજના મહાસભાવાદીઓના વખતનું પણ રહ્યું નથી. આ ગુજરાતીની એકલ સાહિત્ય કૃતિ તે “કરણઘેલો’ તેની, આજ સુધીનાં લગભગ સીત્તેર વર્ષમાં આઠ આવૃત્તિઓ[1] થતાં, લગભગ પંદરથી વીસેક હજાર નકલોનો પ્રચાર ગુજરાતમાં થયો હશે એમ અટકળી શકાય છે. સાહિત્યમાં એકજ પુસ્તક લખી અમર થનાર ધન્ય લેખકો વિરલ હોય છે. શ્રીયુત નંદશંકરના પુસ્તકની કિંમત તેમનામાં જ અંકાઇ હતી તેટલા એ વિશેષ ભાગ્યશાળી ગણાવા જોઇએ : અને તેમનું પુસ્તક પ્રકટ થયે લગભગ પોણું સૈકુ વીત્યા છતાં તેમની કૃતિની કીર્તિ ઝાંખી પડી નથી એ તેમને માટે ગૌરવ લેવા જેવી વાત છે. કારણ કે એમ પણ બને છે કે અમુક પુસ્તક પ્રસિદ્ધ થતાં જ પ્રજાને તેનો મોહ લાગે છે. તથાપિ કાળે કરીને એનો ઉભરો શમી જતાં, મોહ પણ ઉતરી જાય છે અથવા ઓછો થાય છે : પાણીમાં પડેલા પદાર્થ ઉંચા નીચા થઈ, ઝેલાં ખાઈ, આખરે પોતાના ગુરૂત્વના પ્રમાણમાં અમુક સ્થળે સ્થિર થાય છે : કેટલાક તળિયે બેસે છે : કેટલાક અધવચ રહે છે : અને કેટલાક સપાટી પર તરતા રહે છે : પુસ્તકોની બાબતમાં પણ આવો જ કઈક નિયમ હોય એમ જણાય છે. કેટલાંક પુસ્તકો થોડો કાળ ‘વાહ વાહ’ બોલાઈ, પછીથી વિસરી જવાય છે : ત્યારે કેટલાંક પ્રજાની દૃષ્ટિ આગળ સર્વદા રહીને વાંચનારને આનંદ આપે છે : કેટલાંકને ફરી ફરી વાંચતાં તેમાં નવો નવો આનંદ સ્ફુરે છેઃ એટલે જેમ પદાર્થ માટે તેમ પુસ્તકો માટે : તે કઈ જગાએ સ્થિર થશે, કિયું પદ પ્રાપ્ત કરશે તેનો નિર્ણય સમયને આધીન છે. કયાં કયાં પુસ્તક કાળરૂપી અગ્નિની આંચમાંથી બચી શકે છે અને તેના ઉપર વર્તમાનકાળની શિષ્ટતાની classicalની મ્હોર-છાપ પડે છે તે પણ, આપણે તેમના જમાનાના રાગ દ્વેષથી ખૂબે દૂર હોવાથી આવી જયંતિઓ દ્વારા વિચારી શકિયે છિયે. એક સામાન્ય નિયમ છે કે મનુષ્ય જીવનનું બંધારણ તેના જન્મ વખતની પરિસ્થિતિ તથા વાતાવરણ ઉપર ઘણો આધાર રાખે છે. ઘણા અંશે માનવી પોતાના જમાનાનું જ નિખાલસ પરિણામ હોય છે. તેથી ગ્રંથકારનો સમય, કૌટુંબિક સંસ્કાર, તેમના સમકાલીનો, વગેરે જ્ઞાન તેમનાં લખાણો સમજવામાં તેના બહુ ઉપકારક થાય છે. ગુજરાતમાં અંગ્રેજી અમલની શરૂઆતમાં અને મરેઠી, નવાબી તથા મોગલાઇના સંપૂર્ણ અસ્તકાળમાં નવાં યુગ બળો ગુજરાતીઓના જીવનને હચમચાવી રહ્યા હતાં, તેવા વખતમાં–એ પણ એક આકસ્મિક યોગ હતો કે નવાં નવાં ક્ષેત્રોમાં પ્રારંભનું ખોદ-કામ કરવા માટે, કેટલાક ખાસ માણસોએ જન્મ લીધો હતો. ઓગણીસમી સદી શરૂ થતાં જ પેશવાઇનો સૂર્ય આથમ્યો અને સને ૧૮૧૮માં પેશવાના સીધા વારસ તરીકે અંગ્રેજોએ ગુજરાતનો કબજો લીધો. અને ગુજરાતના ઇતિહાસમાં એક નવો યુગ શરૂ થયો. પ્રારંભના બે દસકાના ગાળામાં જન્મેલા નિશાળ ખાતાના શ્રીગણેશ બેસવા સાથે જોડાયલા રણછોડદાસ ગિરધરભાઇ ૧૮૦૩માં, પ્રાથમિક કેળવણી તથા વહેમ ખંડનના અગ્રણી દુર્ગારામ મહેતાજી ૧૮૦૯માં, ડેપ્યુટી રા. સા. ભોગીલાલ ૧૮૧૮ માં, ગુજરાતમાં શાસ્ત્રીય સંગીતના અભ્યાસની પહેલ કરાવનાર સંગીતશાસ્ત્રી આદિત્યરામ ૧૮૧૯માં, અને લગભગ આખા સૈકાની સમયમૂર્તિ ગણાયલા સંસાર સુધારા વિષયક તથા બીજી સાહિત્યની પ્રવૃત્તિઓના શાંત તથા અડગ અગ્રણી કવીશ્વર દલપતરામ ૧૮૨૦માં જન્મ્યા હતા. ગુજરાતી ભાષાનું પહેલું વ્યાકરણ રચનાર ટેલર સાહેબ પણ આ જ વર્ષમાં જન્મ્યા હતા. ૧૯મી સદીનો ત્રીજો દસકો વળી આ બે દસકા કરતાં વધારે ક્રાન્તિકારક પુરૂષોના જન્મથી વિભૂષિત છે. તત્ત્વજ્ઞાન, શોધખોળ તથા રાજપ્રકરણનાં ક્ષેત્રોમાં વિહરનાર મણિશંકર કીકાણી ૧૮૨૨માં, જ્ઞાન અને ભક્તિનો સુમેળ સાધવા માટે ગુજરાતમાં પ્રાર્થના સમાજની સ્થાપના કરનાર તથા સંગીતપૂર્ણ પ્રાર્થનાઓનું સાહિત્ય ઉત્પન્ન કરનાર રા. બા. ભોળાનાથ સારાભાઈ ૫ણ ૧૮૨૨માં; કાપડ વણવાનું કારખાનું કાઢવાનું સાહસ કરવામાં પહેલ કરનાર તથા અમદાવાદના આર્થિક ઇતિહાસનું પરિવર્તન કરનાર રા. બા. રણછોડલાલ રેંટિયાવાળા ૧૮૨૩માં, જન્મ્યાઃ ધર્મના વિષયમાં અસલ આર્યધર્મનો ઉદ્‌ઘોષ કરનાર તથા પ્રાચીન વેદોમાંથી નવા યુગ માટેનો ‘આર્ય સમાજ’ સર્જવા માટે ઝંડાધારી બનનાર સ્વામી દયાનંદે ૧૮૨૪માં જન્મ લીધો હતો; લોકપ્રિય ડેપ્યુટી તથા હોપ વાંચનમાળામાં ભાગ લેનાર કેળવણીકાર પિતાના પુત્ર રા. બા. મોહનલાલ, અને પ્રસિદ્ધ (૧૮૩૦) સુધારક, પ્રાર્થના સમાજના સ્તંભ અને પરદેશગમનની પહેલ કરનાર રા. સા. મહીપતરામ બન્ને એક વર્ષમાં ૧૮૨૯માં જન્મ્યા. સહજાનંદ સ્વામી પોતાનું કાર્ય આ દસકાના અંતરમાંજ અર્ધા સૈકાના જીવન કાળમાં કરી ગયા, ૧૮૩૦. આ બધાયે, ગુજરાતીઓના જીવનનાં અનેક ક્ષેત્રોમાં ક્રાન્તિકારક ઘટનાઓ ઉભી કરનાર મહાજનો, ત્રીજા દસકામાં જન્મી ગયા છે. ૧૯ મી સદીના ચોથા દસકામાં ગુજરાતમાં જન્મ લેનાર આત્માઓ ત્રીજા દસકાના આત્માઓ કરતાં ઓછા ગૌરવવન્તા નહોતા. ૧૮૩૨ માં જુવાન સુધારક કરસનદાસ મૂળજી–જેમનું સ્મરણ આપણે ગયે મહીને જ કરી ગયા તે જન્મ્યા. પછી એટલે ૧૮૩૩ ના વર્ષમાં વીર નર્મદનો જન્મ થયો. આ “પ્રેમશૌર્ય અંકિત” નવયુગના કવિની શતાબ્દી પણ આપણે ગયે વર્ષે ઉજવી. આજ વર્ષમાં ગુજરાતમાં વસવાટ કરીને રહેલા અને વડોદરામાં કદર પામેલા પ્રસિદ્ધ સંગીતાચાર્ય પ્રો. મોલાબક્ષનો પણ જન્મ થયો હતો. આ પછી બે વર્ષે એટલે ૧૮૩૫માં ગુજરાતી સાહિત્યમાં નવલકથાનાં પગરણ માંડનાર આજની જયંતિના નાયક રા. બા. નંદશંકરનો જન્મ થયો. દેશમાં વ્યાપેલા ઉત્સાહને પરિણામે, પુસ્તકો સારા પ્રમાણમાં લખાવા માંડે; એટલે પછી એ પુસ્તકોના ફાલની પરીક્ષા કરનાર તથા તેના ઔચિત્યની તુલના કરનાર વિવેચકની પણ જરૂર પડશે જ એમ માનીને ૧૮૩૬ માં એટલે નંદશંકરના જન્મ પછી બીજે જ વર્ષે પરમાત્માએ નવલરામનો ગુજરાતમાં જન્મ કરાવ્યો. નવું સાહિત્ય સર્જવા માટે, ભૂતકાલમાંથી પ્રેરણાનાં પાન કરવાં પડે છે. તેટલા માટે સંસ્કૃત શાકુંતલનો ગુજરાતી અનુવાદ કરનાર ઑ. ઝવેરીલાલ યાજ્ઞિકનો જન્મ પણ ૧૮૩૬ માં જ થયો હતો. સમાજની અનિષ્ટ રૂઢિ તથા આચારવિચારને હસી કાઢવા માટે દૃશ્ય નાટક જેવું અસરકારક સાધન બીજું નથી. તેથી ગુજરાતીઓને નાટ્ય સાહિત્યનું સફળ દર્શન કરાવનાર ‘લલિતા દુઃખદર્શક’ ના કર્તા દી. બા. રણછોડભાઇ ૧૮૩૮ માં જન્મ્યા હતા. ગુજરાતમાં આમ જે વખતે જીવનનાં સર્વ ક્ષેત્રોમાં નવજીવનનો ઉત્સાહ વ્યાપી રહ્યો હતો, તે વખતે પ્રાચીન ગૌરવનું ભાન થવા માટે ઇતિહાસ તરફ કેટલાક લોકોનું ધ્યાન ગયું હતું. પરંતુ કેવલ દંતકથાઓને ઇતિહાસ કહી શકાય નહીં. તેથી એ દંતકથાઓને જો પ્રાચીન અવશેષોના અસ્તિત્વ ઉપરથી સમર્થન મળે તો જ તેને ઇતિહાસ તરીકે સ્વીકારી શકાય. તેટલા માટે પુરાતત્વની શોધખોળની અગત્ય જણાવા લાગી. આ ક્ષેત્રમાં ગુજરાતીઓનું નામ ઉંચે લાવનાર ડો. ભગવાનલાલ ઇંદ્રજી ૧૮૩૮માં અને આચાર્ય વલ્લભજી હરિદત્ત ૧૮૪૦ માં એમ એ બે સમર્થ શોધકોનો જન્મ પણ આ ચોથા દસકામાં થયો હતો. સુધારાના તોફાની પવનમાં પ્રાચીન મતોનું સંરક્ષણ કરનાર વર્ગનું આગેવાનપણું લેનાર સમર્થ સાક્ષર તથા પ્રસિદ્ધ મુત્સદી એવા મનઃસુખભાઈનો જન્મ પણ આ ચોથા દસકાના અંતમાં (૧૮૪૦ માં) થયો હતો. આમ આપણે જોઈ શકીયે છિયે કે ૧૯ મી સદીનો ચોથો દસકો જ્વલંત નામોથી દીપી ઉઠે છે, અને એમાં ખાસ કરીને ઈશ્વરે ત્રણ પ્રતિભાશાળી “નન્ના” ને સુરતમાં મોકલ્યા હતા. નવા યુગનો પ્રારંભ થતી વખતે, અત્યાર સુધી નહીં થયેલી તેવી, અને હિંદુ સંસ્કૃતિથી ભિન્ન એવી પાશ્ચાત્ય સંસ્કૃતિનું સંઘર્ષણ થયું. નવાં દૃષ્ટિબિંદુઓ જીવનના લગભગ પ્રત્યેક ક્ષેત્રમાં આવીને ખડાં થઇ ગયાં. નિર્માલ્ય અને નિરૂદ્યમી બની ગયેલા ગુજરાતીઓએ અચંબામાં આંખ ચોળવા માંડી. ગુજરાતીઓના જીવનમાં એક એવો કાળ આવ્યો જે વેળા તેમના ચિત્તસાગરમાં ક્ષોભ ઉદ્‌ભવ્યો, પ્રશાન્ત જળ ડહોળાઈ ગયાં, મોજાં મોટાં થઈ, ફીણ ઉરાડતાં કિનારા સાથે અફળાયાં. પ્રાચીન જીવન સરિતાનાં જળનો વેગ જૂના સાંકડા કિનારામાં રોકાઈ શકાયો નહીં. કિનારાની માટી અંદર પડી. પાણીમાં મલીનતા સ્થળે સ્થળે જણાવા લાગી. આવાં ડહોળાયેલા જળમાં પડેલા માણસથી માત્ર ચંચુપાત કરી નિકળાય જ કેમ? જે કોઈ જળપાન કરવાને તેમાં પડેલું તે વમળ તથા વંટોળિયાના ઝપાટામાં સપડાઈ વિહ્‌વળ થયા વિના બહાર નિકળી શકતું નહીં. આવી સ્થિતિ અંગ્રેજ લોકના સંપર્ક તથા, તેમના વિવિધ સંસ્કૃતિમય શિક્ષણે દાખલ કરી. હમણાં ગણાવ્યા તે અગ્રેસરોએ જે જમાનામાં જન્મ લીધો તે સમયનું વાતાવરણ કેવું હતું તે જરા જોઈયે. અંગ્રેજોનો અમલ એ મોગલાઇ અને મરેઠી અમલ કરતાં તેની અસરમાં બહુ જુદો પડી જાય છે. અંગ્રેજ પહેલાંના રાજાઓ દેશના આંતર જીવનપર અસર કરતા નહોતા; અને તેમ કરવાનો તેમને ખ્યાલ સરખો પણ રહેતો નહીં. તેઓ તે આવે, દેશ જીતે, રાજ્ય મેળવે, પૂજાય અને મહારાજાપદ પામે—એટલું જ એમને માટે બસ હતું; અથવા ધન અને કારીગરની કૃતિઓ લૂંટી ઝૂંટી લઈ જવી એજ તેમનો ઉદ્દેશ હતો. તેમને પોતાના દેશની સમૃદ્ધિ અર્થે, જીતેલા રાજ્યને પોતાના પર જીવનારો બનાવવો નહોતો. જીતેલા રાજ્યની સમૃદ્ધિથીજ તેઓ પોતાને ભાગ્યશાળી બનેલા ગણતા; અને તેથી દેશના આંતર જીવન પર, તેમની નજર સરખી યે જતી નહીં. એટલે પછી દેશની આંતર પ્રવૃત્તિઓપર તેમની ઝાઝી અસર ક્યાંથી થાય? આનાથી ઉલટું અંગ્રેજોએ દેશના સામાજિક, ધાર્મિક તેમજ કૌટુમ્બિક જીવન પર ન અવગણી શકાય તેવી અસર, તેમની કેળવણી આપવાની પદ્ધતિદ્વારા કરી છે. આ અરસામાં આપણા દેશમાં અને સાહિત્યમાં અંગ્રેજી સાહિત્ય સંસ્કૃતિનું જોસભેર આક્રમણુ થયું. આ આક્રમણના વિદ્યુત્તેજથી આપણો દેશ અને દેશીઓ અંજાયા. આપણું સ્વત્વ–આપણી અસ્મિતા–શંકાની ઝોલાએ હીંચવા લાગ્યાં. પરિણામે આપણું ઘણુંક આપણે ગુમાવી બેઠા. આપણો જીવનપ્રવાહ કેવી રીતે ફેરવવો, આપણા સાહિત્યમાં શું છે અને શું નથી–એ સર્વના પાઠ આપણે પશ્ચિમ પાસેથી જ લેવા શરૂ કર્યા. આમ કરવામાં આપણે પ્રાચીન સત્યોથી વેગળા ગયા અને કંઈક અવળી દિશામાં દોરાયા. અંગ્રેજી સાહિત્યના નવા સંસ્કારો ગુજરાતી ભૂમિમાં રોપાવા લાગ્યા. ગુજરાતનું નવજીવન તીવ્ર જ્ઞાનતૃષાથી તલસી રહ્યું. એમાં પુસ્તકો, વાચનમાળાઓ અને પુસ્તકાલયો ઉભરાવા લાગ્યાં. માસિકો, ભાષાંતરો અને સભાઓએ જન્મ લીધા. મંડળો, પ્રવાસો અને પરદેશગમનોએ નવા પ્રસ્થાન આરંભ્યાં. જીવનમાં, શિક્ષણમાં, આદર્શોમાં, સાહિત્ય પ્રદેશમાં, અને સર્વમાં આમ પશ્ચિમના આદર્શોની ભરતી ચઢી. ઊંઘતું અને મૂંગું બનેલું ગુજરાત જાગ્યું. એને વાચા ફૂટી ગુજરાતના સંસ્કારસાગરનું મંથન થવા લાગ્યું. તેમાંથી નવનીતનાં ફીણ ઉપર તરી આવવા લાગ્યાં. કદી કદી માંહેથી રત્ન પણ નિકળતાં. આમ કેટલાક કાળ સુધી ગુજરાતીઓનું આત્મમંથન ચાલુ રહ્યું. અને આખો સમાજસાગર જ સંક્ષુબ્ધ થયેલો એટલે તેમાં સંયમ પામેલી દરેક મનુષ્યની જીવનસરિતામાં પણ મોડી વહેલી તેની અસર પહોંચ્યા વગર રહી નહીં, આ નવયુગનાં આંદોલનો સહસ્રમુખે વ્યક્ત થયાં. છાપખાંનાંઓની શોધથી વાંચન સીધ્ધું અને સરળ બન્યું, યાંત્રિક શોધખોળથી હુન્નરઉદ્યોગના ઇતિહાસમાં અણચિંતવેલાં પરિવર્તન થયાં. પદ્ય સાથે ગદ્ય વિશેષ વપરાશમાં આવવા લાગ્યું. છાપાંઓના વાંચનથી જિજ્ઞાસા અને કુતૂહલવૃત્તિ જાગ્રત થઇ. “મંડળીઓ મળવાથી થતા લાભ” લોકોએ જોયા, અને કંપની સરકારના વ્યવસ્થિત રાજ્યવહીવટથી જીવનના ગમે તે ક્ષેત્રમાં વ્યવસ્થા અને તાલીમદ્વારા મળતી સિદ્ધિઓનો સાક્ષાત્કાર થયો. લોકોને લખતાં વાંચતાં શીખવવા માટે ગામઠી શાળાઓનું સ્થાન રાજ્યે સ્થાપેલી શાળાઓએ લીધું. ભાષાના પ્રાન્તિક ભેદો ટાળનારી વાંચનમાળાઓનો ગુજરાતીમાં પ્રચાર થયો. એ રીતે એક સંગઠિત ગુજરાત બનાવવાનો આ કેળવણીકારોનો પ્રયોગ કંઈક અંશે સફળ થયો. શાળાઓ અને કોલેજમાં અંગ્રેજ લોકોની સ્વાતંત્ર્ય પ્રિયતાની ભાવના અંગ્રેજી ગ્રંથકારોદ્વારા અભ્યાસીઓના ધ્યાનમાં આવવા લાગી અને તેમ થવાથી, દેશના લોકોની મીંચાયેલી આંખ કંઈક ઊઘડી. તેમની દૃષ્ટિ મર્યાદા વધી. એ આંખમાં નવાં તેજ પ્રવેશ પામ્યાં. તેની મગજ પર અસર થઇ. પશ્ચિમની એકે એક વસ્તુ માટે મોહ વધ્યો. એક જાતનો નિશો ચડ્યો, પોતાનું પ્રાચીનત્વ ભૂલાવા લાગ્યું. નજર એક તરફ જ લાંબે પહોંચવા લાગી. આમ નવી જાતના પ્રકાશથી અંજાઈ ગયેલી આંખોએ મગજને ભમાવ્યું. બીજી ઇંદ્રિઓને ઉશ્કેરીઃ શરીર ધમપછાડા કરવા લાગ્યું. આખા જીવનમાં એક પ્રકારનો તનમનાટ વ્યાપી ગયો. તેને પરિણામે નવાયુગની કવિતા અને નવું ગદ્ય લખાવા લાગ્યું. નવ કેળવણીના સંસ્કાર ઝીલનાર થોડુંક અંગ્રેજી ભણેલો અને પદવી લેવા સુધી નહીં પહોંચેલો એવો લેખકોનો પહેલો વર્ગ આગળ આવ્યો. નર્મદ, નંદશંકર, નવલરામ, સુરતમાં અને દલપતરામ, મહીપતરામ, ભોળાનાથ, છોટાલાલ – વગેરે અમદાવાદમાં–નવી કેળવણીનો પ્રકાશદીવડો સમાજને દોરવા ધરી રહ્યા.

આ લેખકોએ નવગુજરાતને પોતપોતાનો સંદેશો કવિતા દ્વારા, નિબંધોદ્વારા, ભાષણોદ્વારા, છાપાંદ્વારા, વાર્તાઓદ્વારા, રંગભૂમિદ્વારા અને ધર્મ પ્રવચનદ્વારા પહોંચાડ્યો. જે કાળની હકીકતનો આપણે વિચાર કરિયે છિયે તે કાળનો ઉત્સાહજ કાંઈ વિલક્ષણ પ્રકારનો હતો. નવું ચાલવા શીખેલું બાળક, જેમ વધારે ચાલવાને પડતાં આખડતાં પણ પ્રયત્ન કર્યા જ કરે તેમ, આખી ગુજરાતી પ્રજા કરી રહી હતી. નવી મળેલી શક્તિ વાપરવાને બધાના મનમાં ઉત્સાહ ઉછળી રહ્યો હતો. સંક્રાંતિકાળની સ્ફુરણાને લીધે, જુદાં જુદાં સાહિત્ય સ્વરૂપોનાં પગરણ આ જ સમયમાં મંડાયાં હતાં. સભાઓ અને મંડળીઓની સ્થાપના ચાર મુખ્ય શહેરમાં: મુંબઇમાં ગુજરાતી જ્ઞાનપ્રચારક સભા, સુરતમાં માનવધર્મ સભા, ભરૂચમાં બુદ્ધિવર્ધક હિંદુ સભા અને અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી; એમ થવા પામી હતી. પ્રાચીનકાવ્યોના સંપાદનના ક્ષેત્રમાં દલપતરામે ૧૮૬૨ માં “કાવ્ય- દેહન” તૈયાર કર્યો. નર્મદે ૧૮૬૦ માં “દયારામકૃત કાવ્યસંગ્રહ” ભેગો કર્યો; અને પછી પ્રેમાનંદનો “દશમસ્કંધ” પણ સંશોધ્યો. નવી કવિતા રચવાને માટે રસ તથા અલંકાર શાસ્ત્રનો અભ્યાસ, તથા પિંગળનું જ્ઞાન આવશ્યક જણાતાં નર્મદે તથા દલપતે ‘રસપ્રવેશ’ ‘અલંકાર પ્રવેશ’ તથા’ ‘પિંગળપ્રવેશ’ રચ્યાં. નાટકોના ક્ષેત્રમાં રણછોડભાઇએ ૧૮૬૪ માં લલિતા દુઃખદર્શકનો અપૂર્વ તથા સફળ નાટ્ય પ્રયોગ રચી, નાટકનું પ્રસ્થાન શરૂ કરી આપ્યું. ઝવેરીલાલે ૧૮૬૬-૬૭માં શાકુંતલનો અનુવાદ કરી, સંસ્કૃતના સાહિત્યભંડાર તરફ ગુજરાતીઓનું ધ્યાન ખેંચ્યું. પહેલા ગદ્યનિબંધો પણ દલપત તથા નર્મદે લખ્યા. પહેલો ગુજરાતી કોશ, પહેલો ગુજરાતી ભાષાનો ઇતિહાસ, પહેલાં જીવનચરિત્રો, પહેલાં હાસ્યરસના પુસ્તકો “મિથ્યાભિમાન નાટક” અને “ભટ્ટનું ભોપાળુ” પણ આ અરસામાં લખાયાં. પ્રવાસવર્ણનના વિભાગમાં કરસનદાસનો “ઈંગ્લંડનો પ્રવાસ” ૧૮૬૬માં, અને મહીપતરામની “ઇંગ્લંડની મુસાફરી” ૧૮૭૪માં લખાઇ. પહેલાં માસિક ‘બુદ્ધિપ્રકાશ’ ૧૮૫૦માં, ‘બુદ્ધિવર્ધક’ ૧૮૫૬માં અને “ગુજરાત શાળાપત્ર” ૧૮૬૨ માં શરૂ થયાં. ઇતિહાસના ક્ષેત્રમાં ફાર્બસ સાહેબે સંસ્કૃત, પ્રાકૃત તથા ગુજરાતી રાસાઓ ઉપરથી ઉપજાવી કાઢેલો ગુજરાતના મધ્યકાળનો ઇતિહાસ ૧૮૫૬માં અંગ્રેજીમાં પ્રકટ થયો; તેનો ગુજરાતી અનુવાદ ૧૮૭૦ માં રણછોડભાઇએ કર્યો. નર્મદાશંકરે “રાજરંગ” લખ્યો. આ ઉપરાંત, બીજા પ્રચારક સાહિત્યનો અલ્પજીવી ફાલ પણ આ સમયમાં ખૂબ થયો હતો :—એ બધી pioneer પ્રવૃત્તિઓ પ્રવર્તમાન યુગના આદોલનોને જ આભારી છે. ચિંતનાત્મક તથા બોધક સાહિત્ય તરફ સૌ કોઈને સરખી રૂચિ ન રહે એ સ્વાભાવિક છે. તેથી મનોરંજક વાર્તાઓ તથા વાર્તાના મિષ્ટ રસદ્વારા સદ્‌બોધ આપનાર “નવલકથા” નો જન્મ પણ આ યુગમાં થયો. આપણી જયંતિના નાયક નંદશંકરનો “કરણઘેલો” એ આ યુગમાં, આ વિભાગનું એકલ પુસ્તક હોઇ, એની વાર્તા સાહિત્યમાં પહેલ તથા નવીનતાને લીધે એ જમાનામાં-પંચમહાલના વિશાળ મેદાનમાં એકલા ઉભેલા પાવાગઢ જેવી સ્થિતિ ભોગવે છે; અને આગામી શુદ્ધ નવીન યુગનો ડંકો વગાડનાર અગ્રેસર સવારનું સ્થાન લે છે. નંદશંકરનો જન્મ સં. ૧૮૯૧ ના ચૈત્ર વદ ચોથે થયો હતો. અને સં. ૧૯૯૦ ના ચૈત્ર વદ ચોથને દિવસે એમના જન્મનું સોમું વર્ષ છે. નંદશંકરના સીત્તેર વર્ષના જીવનનો પૂર્વાર્ધ સુરતમાં વીત્યો હતો; અને તે વખતે કેળવણીખાતા સાથેના તેમના નિકટ સંબંધને લીધે તેમના સંબંધી થોડી વીગતો તેમના સમકાલીનોનાં ચરિત્રો ઉપરથી આપણને જાણવા મળે છે; પરંતુ પછીનાં એજન્સી તથા દેશીરાજ્યની નોકરીના વીસ વર્ષ અને નિવૃત્તિકાળના પંદર વર્ષની વીગતો–નંદશંકર સુરતની સુધારક દુનિયામાંથી ખસી જવાને લીધે–આપણે બહુજ ઓછી જાણીએ છીએ. છતાં, તેમના જીવનની અને તેમના જમાનાની રસમય વીગતે તેમના ચિરંજીવ વિનાયકરાવે “નંદશંકરજીવન ચરિત્ર”માં નોંધી છે. તેથી આપણને સારું સાધન પ્રાપ્ત થયું છે. નંદશંકરની જીવનકથા આપણે સંક્ષેપમાં જોઈ જઈયે; અને મહત્ત્વના પ્રસંગો માત્ર સંભારીને સંતોષ માનિયે. ઘણા મોટા માણસોની પેઠે, નંદશંકર સાધારણ સ્થિતિમાં જન્મ્યા હતા. તેમના જન્મ પછી, તેમની ત્રીજી વરસગાંઠને દિવસે જ એટલે ૧૮૩૭ માં સુરતની ભયંકર આગ થઈ હતી સુરત બદસુરત થઈ ગયું. પુરાણ આચારવિચારને બાળી નાખનાર જે સુધારકો સુરતમાં જન્મ્યા હતાઃ તેની આગાહીરૂપ હોય તેમ, સુરતની આગથી ‘સોનાની સૂરત’ કહેવાતું સુરત ‘ત્રાંબાની સૂરત’ થઈ ગયું. સુરતના પાપની ભસ્મ ન રહી જાય માટે આગ પછી તરત જ એક મોટી રેલ આવી અને આખા સુરતને ધોઇ ગઇ. ખાલી ખીસ્સે મોટાઇ રાખવાવાળાનો મદ પણ ઊતરી ગયો તો પછી સામાન્ય વર્ગનું તો પૂછવું જ શું? આ બનાવો પછી સુરતની સ્થિતિ બહુ દીન થઇ ગઇ. વેપારધંધો મુંબાઇ ગયો હતોઃ છતાં પ્રાચીન વેપારની જાહોજલાલીને પરિણામે, તથા અધમ દશાએ પહોંચેલા નવાબોના ઠાઠમાઠને પરિણામે “સુંદર, નાજુક લોક વિચિક્ષણઃ શોખી, સકાઈ કરનારા”–આવી રીતે વર્ણવેલી સુરતી પ્રજામાં જ લહેરીપણું પેસી ગયું હતું તે છેક ગયું નહોતું: નવલરામભાઈએ ગુજરાતની મુસાફરીમાં સુરતીઓ માટે લખ્યું છે કે મેળા, મેળાને વરઘોડા, નાચનેરંગ ઠામઠામરેઃ હસતાં રમતાં દીસે સદા સૌઃ કરતા હશે શું કામ?-” રમિયે ગુજરાતે. એવો સુરતી લાલાઓને સામાન્ય વ્યવસાય—મિષ્ટાન્નો ઉડાવવાં, નાચ રંગ કરાવવાં, નાટક ચેટક જોવાં, અને ઉજાણીઓ ઉજવવી—એ બધાને પરિણામે દેવામાં તરબોળ રહેવું; છતાં મિથ્યા કુળ મોટપનું અભિમાન રાખવું—એ ગયું નહોતું. ત્રીસેક વર્ષની વયે નંદશંકરે કરણઘેલો લખ્યો ત્યારે બાગલાણની આગનું વર્ણન, મોટી હોનારત પછી થયેલી પાટણની ખરાબી, આગમાં ઘરમાં ને ઘરમાં બળી મરેલાં માણસોના અવગતિયા મૃત્યુને લીધે વ્હેમીલા લેકના મનમાં ઉદ્‌ભવેલી હજાર તરેહની ભૂત, પ્રેત, વગેરેની વાત ચાલવા માંડેલી—તેનુંજ આછું પ્રતિબિંબ કરણઘેલાના લેખકે પાટણનું વર્ણન કરતાં ઊતાર્યું છેઃ કેશવ મરાયો, અને ગુણસુંદરી સતી થઈ ત્યાર પછી જે પાટણની ખરાબી થઈ, તેનું આબેહુબ વર્ણન બાળપણાના સંસ્કારોને લીધેજ એ ચીતરી શકાય છે. બાલમાનસ ઉપર છપાઈ જતી અસર મોટપણે “જગ રૂપ ધરેલું નવાં જનવાં”–તેની પેઠે નવાં નવાં રૂપ ધારણ કરે છે તેનું આ દૃષ્ટાંત છે. દશ વર્ષના થતા સુધી નંદશંકર ગોપીપરાની ગુજરાતી જે શાળા ૧૮૨૬ માં ખોલવામાં આવી હતી તેમાં શીખ્યા. તે વખતે ગુજરાતી શાળાઓમાં ગણિતનું ઊંચું જ્ઞાન-મેટ્રીક કરતાં પણ વધારે અપાતું; અને તે ગુજરાતી ભાષાદ્વારા શીખવાતું. ભૂમિતિ શીખવા માટે પણ અંગ્રેજીનું જ્ઞાન આવશ્યક ગણાયું નહોતું. નામું અને અક્ષર તો પાકાં જ થવા જોઈએ એવો આગ્રહ રહેતો. માતૃભાષાદ્વારા જ શિક્ષણ આપવામાં આવે તો બાળકોનો કેટલો અમૂલ્ય કાળ બચી શકે, તેનું આ સમયની શાળાઓ ઉત્તમ દૃષ્ટાંત છે. આ શાળાઓ માટેજ ત્રિકોણમિતિનો તરજુમો નંદશંકરે ગુજરાતીમાં કરેલો-તેની વાત આગળ આવશે. ૧૮૪૫ માં એટલે પિતાની દસ વર્ષની ઉમરે ત્રણ વર્ષ ઉપરેજ સ્થપાયલી અંગ્રેજી શાળામાં એ દાખલ થયા. જેમ ગુજરાતી શાળામાં માતૃભાષાદ્વારા શિક્ષણ મેળવવાનો લાભ હતો તેમ આ વખતની અંગ્રેજી શાળાઓમાં ઈંગ્રેજી ભાષાનો અભ્યાસ કરવા માટે અંગ્રેજી શિક્ષકો મેળવવાનો લાભ પણ સહજ હતો. આ કારણથી નંદશંકર મેટ્રીક્યુલેટ ન હોવા છતાં, મુખ્ય અંગ્રેજી કવિઓ અને લેખકોનાં પુસ્તકો એમણે વાંચેલાં અને સમજેલાં. એમના સમયના અભ્યાસક્રમમાં બીજી એક વિશેષતા એ હતી કે, ઈતિહાસને સાહિત્યના અભ્યાસથી છૂટો પાડવામાં આવતો નહીં. તેમ થવાથી વિસ્તૃત ઐતિહાસિક ગ્રંથોજ વિદ્યાર્થીઓ વાંચતા અને તે દ્વારા સાહિત્યના જ્ઞાનમાં વધારો કરતા. વળી તે સમયમાં સ્મરણ શક્તિને કસવા માટે સારા લેખકોનાં લખાણ મોઢે કરાવવાનો બહુ રિવાજ હતો. નાનપણમાં કરાવવામાં આવતી આ પ્રકારની ગોખણપટ્ટી સામે ઘણું ઘણું કહેવામાં આવે છેઃ છતાં નાનપણમાં પૂરૂં સમજાયા વગર પણ મોઢે થઈ ગયેલું એવું સાહિત્ય સંગ્રહ કરી રાખેલા દાણાની માફક મોટી ઉમરે બહુ ઉપયોગમાં આવે છે. આ સમયમા ઠેર ઠેર અંગ્રેજ અમલદારી જોવામાં આવતી; તેથી તેમને કામ આવે તેવા અંગ્રેજી ભણેલા દેશી કારકુનોની જરૂર જણાતાં, કેળવણીની તાલીમ તે દૃષ્ટિએ અપાતી હતી. આ વખતના અંગ્રેજ અમલદારો ખાનદાનીવાળા ભોળા, અને સદ્‌ભાવ શીલ તથા ઘણે ભાગે ફોજમાંથી લેવામાં આવતા હતા. નંદશંકરને ગ્રીન સાહેબના સ્વભાવ ઉપરથી અંગ્રેજોના જાતિસદ્‌ગુણ સંબંધી ભારે અસર થયેલી. “૧૮૪૯માં ૧૪ વર્ષની વયે અભ્યાસની સાથે સાથે નીચલાં ધોરણમાં આપણા પ્રાચીન વડા નિશાળિયા” જેવા મોનીટર તરીકે શીખવવાનું કામ તેમને સોંપવામાં આવેલું. આ પ્રમાણે અભ્યાસ ચાલી રહ્યો હતો. એટલામાં ૧૮૫૧માં તેમને વિવાહ સોળ વર્ષની વયે થયો. આ વખતે નંદગૌરીની તેમનાં પત્નીની વય પાંચ વર્ષની હતી! ૧૮૫૨માં પોતે મોનીટર મટી, ઉત્તર વિભાગની શાળાના સુપ્રિ. ના કારકુન થયા. તેથી પ્રતિષ્ઠા વધી તથા પગાર પણ વધ્યો. પોતે સાહેબ સાથે ડીસ્ટ્રીકટમાં જતા; અને ઘોડેસ્વારી કરતા. તેમના સાહેબ ગ્રેહામે તેમને ઘોડે બેસતાં શીખવેલું. વીસમે વર્ષે એટલે ૧૮૫૫માં તેમનાં લગ્ન થયાં: પ્રમાણમાં આ મોટી વયે થયેલાં લગ્ન કહેવાય; કારણ કે આ જમાનાના નવલરામનું પહેલું લગ્ન ૧૧મે વર્ષે અને બીજું લગ્ન ૧૪મે વર્ષે થયેલું. “બાળ લગ્ન બત્રીશી’ની ગરબીઓ લખનાર આપણા સાહિત્ય વિવેચકને આ પ્રશ્ને કેમ અસર કરી હશે તે જાણવાની હવે વિશેષ જરૂર રહેતી નથી. ૧૮૫૬માં એક બનાવ એવો બન્યો જેનાથી ગુજરાતીઓને તેમની અસ્મિતાનું ભાન જગાડનારી વૃત્તિને ટકોર થઈ. અ. કિ. ફોર્બસ સાહેબ ગુજરાતના મધ્યકાલીન ઇતિહાસની રસભરી કથા પ્રાચીન રાસાઓ ઉપરથી “રાસમાળા” નામથી અંગ્રેજીમાં ઉપજાવી કાઢી પ્રકટ કરી. આનું પ્રકાશન ગુજરાતી લેખકોના જીવનમાં કેટલું ઉપકારક થયું છે તે આગળ ઉપર જોઇશું. લગ્ન પછી બે વર્ષે, પેશ્વાઇની અને સિખ સલ્તનતની ઊની રાખમાંથી એક જ્વાળામુખી ફાટી નીકળ્યો. સીપાઈઓના બળવા તરીકે ૧૮૫૭ માં જાગેલા આ તોફાન વખતે નંદશંકરની ઉમર સમજણી હતી. તે વખતે બળવાના સમાચારથી સુરતમાં કેવી અસર થઈ હતી તેનું જ્વલંત ચિત્ર તેમના કહેવા ઉપરથી આપણે આજે કલ્પી શકિયે છિયેઃ “ઉત્તર હિંદુસ્તાનમાં જાગેલા બળવાની ખબર સુરતવાસીઓએ જાણું ત્યારે એન્ડ્રઝ લાયબ્રેરી ઉપર ખૂબ જ ધમાલ પડવા માંડી. શાળામાંથી છૂટ્યા કે લાગલા જ ત્યાં અખબારોમાંથી તાજા હેવાલ જાણવા સર્વ વિદ્યાર્થીઓ જવા લાગ્યા. તુર્કો અને મરેઠા–બન્નેથી ગુજરાતને ભારે હાનિ પહોંચેલી, તેથી બન્નેની રાજનીતિ ઉપર ઘણા લોકોને કંટાળો હતો. આ બળવામાં રજપૂતાએ ભાગ લીધો નહોતો. કુટુંબની મોટાઈનો જેમને ખ્યાલ હતો તે સઘળા બળવાખોરોથી દૂર જ રહેલા. એ તો પેટના ભૂખ્યા માત્ર પુકારી રહેલા. શિવાજીએ હિંદુપત પાદશાહી સ્થાપવા માટે સાધુ રામદાસની આજ્ઞાથી લઢાઇ ચલાવેલી. ગુરૂ ગોવિંદે ત્રાસને માટેજ મુસલમાનો વિરૂદ્ધ ને ક્ષાત્ર ધર્મ સ્થાપી, શીખ લોકોને હસ્તીમાં આણેલાઃ એકે પોતાનું આખું રાજ્ય સાધુને અર્પણ કર્યું અને તેને હાથેથી માત્ર થાપણ તરીકે પોતે સ્વીકાર્યું: બીજાએ મુલ્ક ખાલસાને અર્પણ કર્યો હતો. પરંતુ ૧૮૫૭ના તેમના વારસદાર બળવા આગેવાનોના આવો ઉચ્ચ આશય નહોતો. આમ હોવાથી પરરાજ્ય તો પરરાજ્યઃ પણ સડેલા મોગલો અને લુંટારા મરાઠા કરતાં તેમાં વધારે સુખ જણાતું હતું. તેથી નવી કેળવણી પામેલામાંથી તો સોએ પંચાણું ટકા બળવાખોરોની વિરૂદ્ધ રહ્યા હતા. કેટલાક તોફાની જીવોને તો ઉથલપાથલનું ક્રાન્તિ–નામજ સ્વાદિષ્ટ! એટલે તેઓ હરખાવા લાગ્યા કે હવે લુંટવાનો સમય આવ્યો. કેટલાક અણસમજુ લોકો તો મરાઠી પુસ્તક મગાવી “કસા કામ" શીખવા, તથા મોડી લખવા લાગ્યા. મુસલમાન કોમમાં ગણગણાટ થવા માંડ્યો કે હવે “દીન” ભગવાનો! જેવું સૈયદ એટ્રુસને ત્યાં ઢોલક વાગ્યું કે હુલ્લડ થવાનું! મિયાંભાઇઓ ભેગા મળી તેમના બાપદાદાની બહાદુરીની બડાઈ હાંકવા લાગ્યા. માલમતાવાળાઓને ભારે ફીકર પડી. પ્રોમીસરી નોટો તો નજીવી કીંમતમાં જવા માંડી. ડાહ્યા ખરીદનારાઓ ન્યહાલ થઈ ગયા. લોકો સુના રૂપાની લગડી ખરીદી જમીનમાં દાટવા લાગ્યા–એટલામાં બળવાખોરોની હારની ખબર આવી. આ બળવા વખતે લોક મતની અસ્થિરતા સાથે કંઈક સરખાવી શકાય એવા વીસમી સદીના બે ત્રણ પ્રસંગો અહીં સંભારવા મન થાય છે. ૧૯૧૪માં આખા જગતે જ્યારે જંગમાં ઝૂકાવ્યું ત્યારે સામ્રાજ્યને મદદ કરનાર હિંદમાં, આવી જ રીતે લોકોના જીવ પડીકે બંધાઇ ગયા હતા. ત્યાર પછી ૧૯૨૧માં અમદાવાદમાં કોંગ્રેસ ભરાઈ; સ્વરાજનો વાવટો ઉડવાની વાત સાંભળી ત્યારે કોઈ અજબ પ્રકારનો ઉત્સાહ લોકવાતાવરણમાં વ્યાપી રહ્યો હતો. તે પછીનું છેક તાજું સ્મરણ મીઠા સત્યાગ્રહ અને ના-કર લડતનાં પ્રસંગોનું છે. લોકોમાં રાજ પ્રકરણી વિષય સંબંધી અજબ વિચાર પરિવર્તન થયું હતું; આ પ્રસંગોએ નોંધવું જોઇએ કે, લોકોના પીઠબળમાં ભારે અંતર હતું: બળવા વખતે અંગ્રેજી ભણેલા જ બળવાખોરોથી વિરૂદ્ધ હતા. ત્યારે આ પ્રસંગોએ અંગ્રેજી ભણેલાઓએ જ મુખ્યત્વે કરીને આ અશસ્ત્ર યુદ્ધોના મોરચા માંડ્યા હતા. નંદશંકર ૧૮૫૪થી ૧૮૫૮ સુધી અંગ્રેજી શાળામાં એસિસ્ટંટ માસ્તર રહ્યા અને પછી પોતે જે શાળામાં ભણેલા તેજ શાળાના મુખ્ય અધ્યાપક થવાને ભાગ્યશાળી થયા હતા. આ વખને તેમનો પગાર અઢીસો હતો. પોતે પહેલા જ દેશી ‘હેડમાસ્તર’ હતા. ૧૮૬૨માં શાળા પદ્ધતિ જોવા માટે તેમને મુંબઈના એલ્ફીન્સ્ટન કોલેજ જોવા મોકલવામાં આવ્યા. તે વખતે કોલેજમાં રાનડે, ફીરોજશાહ, વિકાજી, વાગલે જેવા આગળ ઉપર પ્રસિદ્ધ થનાર વિદ્યાર્થીઓ કોલેજમાં હતા. મુંબઇથી પૂના અને પંઢરપુર પણ એ જઈ આવ્યા. સર થીઓડેર હોપ તથા મી. અર્સ્કીનની મમતાને લીધે તેમને સરકારી પૈસે નવો પ્રદેશ, નવા લોકો તથા જુદા જુદા સ્થાનની શિક્ષણ પદ્ધતિ જોવાનો તેમને અવસર મળ્યો હતો. આ પ્રસંગે જ તેમને લાગ્યું હતું કે મહારાષ્ટ્રીઓનું ગદ્ય તે વખતે જેટલી શિષ્ટતા પામ્યું હતું તેટલી શિષ્ટતા ગુજરાતી ગદ્યે પ્રાપ્ત કરી નહોતી. લગભગ આ જ અરસામાં અસ્કીન સાહેબે તેમને વિલાયતની શિક્ષણ પદ્ધતિ જોઇ આવવા સૂચના કરેલીઃ પરંતુ પોતે કહ્યું છે તેમ મારા વૃદ્ધ પિતાએ રોવા માંડ્યું કે તને વિખૂટો નહીં મૂકું. સાસરાવાળાં પણ જૂના વિચારના, ઘરમાં ઇંઇ દ્રવ્ય નહીં: કંઇનું કંઇ થાય અને ભવિષ્યમાં સાસરાવાળાં જોડે ટંટો રાખિયે તે કેમ પરવડે? તેથી પોતાના વૃદ્ધ પિતાની ખાતર પોતે પરદેશ ગમન કરવાની ના પાડી હતી. એના એ નંદશંકરને ૧૯૦૩માં લગભગ બે વીશી પછી પોતાના પુત્ર વિનાયકરાવને વિલાયત મોકલવાનો પ્રસંગ આવ્યો ત્યારે પોતાની વૃદ્ધ વયે એ તેમ કરવા તૈયાર થયા હતા એટલા ઉપરથી તેમનો પ્રદેશગમન પ્રત્યેનો અંગત મત જણાઈ આવે છે. એટલું જ નહીં, પરંતુ જ્યારે થોડાંક વર્ષો પછી મહીપતરામ વિલાયત જઈ આવ્યા અને પછી ન્યાતે તેમને પંક્તિ બહાર મૂક્યા, તે વખતે તેમને જમવા નોતરી તેમની સાથે એક પંક્તિએ બેસી, એ જમ્યા હતા. અને નાતથી જુદા પડવા રૂપી પ્રાયશ્ચિત્તનો રૂ. ૨૭૦૦) દંડ મહીપતરામ પાસે ભરાવવાનું કબૂલાવી, તેમને ન્યાતમાં લેવરાવવાની નંદશંકરે જ જહેમત ઊઠાવી હતી. લગભગ ૧૮૬૭ ના મે સુધીમાં અંગ્રેજી સ્કુલના એસિસ્ટંટ માસ્તર, હેડમાસ્તર, અને ટ્રેનીંગ કોલેજના હેડમાસ્તર–એમ ચઢતા દરજ્જાની શિક્ષકની નોકરીમાં તેમણે સમય ગાળ્યો હતો, હેડમાસ્તર હોવાની સાથે, હોપ સાહેબ સુરતમાં જ્યારે કલેક્ટર થઈને આવ્યા ત્યારે તેમણે નંદશંકરને શાળા ઉપરાંત મ્યુનિસિપાલિટીના કામમાં રોક્યા હતા. તે વખતના કામકાજમાં આજે સંભારવા જેવાં બે મહત્વનાં લોકોપયોગી કાર્યો નજરે પડે છે : એજ રાંદેર અને સૂરત : રન્નાદે અને સૂર્યપુરને : જોડનારો હોપ બ્રીજ અને બીજું દીલ્હીગેટનો ધોરી રસ્તો : આ સમયનું શહેર સુધરાઇના કામકાજનું જ્ઞાન નંદશંકરને લગભગ ત્રીસ વર્ષ વાનપ્રસ્થ થઇને રહ્યા પછી, સુધરાઇના ઉપ-પ્રમુખ તથા પ્રમુખ તરીકે કામ આવ્યું હતું. તે દૃષ્ટિએ આ વખતનો અનુભવ મહત્ત્વનો ગણવા જેવો છે. હાલમાં સામાન્ય ગણાતા અંગ્રેજી શાળાના મુખ્ય અધ્યાપકની તે સમયની કલેક્ટરીમાં કેટલી ઇજ્જત તથા કેટલું વજન હતું તે પણ આપણને જાણવાને મળે છે. ૧૮૬૩-૬૪ નો રૂના સટ્ટાનો પવન તથા લોકોની થયેલી પાયમાલી અને પ્રસિદ્ધ શેઠ પ્રેમચંદ રાયચંદની સટ્ટાના નેપોલિયન તરીકેની ખ્યાતિ એનાથી આ વખતે સુરતમાં પણ અસર થયા વગર રહી નહોતી. અમેરીકાની લઢાઈને લીધે હીંદનું રૂ, મેંચેસ્ટરને તેજ ભાવે ખરીદવું પડ્યું; એટલે ભાવ વધી ગયા. વ્યાપારીઓના લોભનો થોભ ન રહ્યો; પરંતુ એટલામાં લડાઈ ધાર્યા કરતાં વહેલી બંધ પડી : રૂના ભાવ બેઠા : અને સટ્ટો કરનાર માર્યા ગયા. સાથે લાગાં બેંકોએ, અને પેઢીઓએ દેવાળાં કાઢ્યા. હજારો રાંડીરાંડની પૂજી સટ્ટાની રેલમાં તણાઈ ગઈ. દેવાળિયાઓને અંગ્રેજી વ્યાપારી કાયદાનો લાભ મળ્યો : એટલે અપ્રમાણિક વેપારીઓને હજારો દગલબાજી સુઝી. દેશી રાજ્ય હોત તો દેવાળિયાઓને અવળી ઘાણીએ પીલત અને લોકોને સોળે સોળ આના અપાવત : પરંતુ યૂરોપની વ્યાપાર-અનીતિ મુંબઇમાં જામતી ગઈ. અને ત્યાંથી હિંદભરમાં પ્રસરી. આ આર્થિક ઉથલપાથલને લીધે જૂની પેઢીઓ ટૂટી ગઈઃ અને નવી તરેહની નાણાંની વહેંચણી થવા પામી. જૂનાં જાળાં ખંખેરાઈ ગયાં: અને નવાં બંધાયા. માખી જેવા ભોળા લોકોને માટે, કરોળિયાની જેમ, વ્યાપારીઓ જાળ પાથરતાં શીખ્યા. પ્રેમચંદ રાયચંદ તૂટ્યા તે પહેલાં ત્રણ મહિના ઉપર જ નંદશંકરની જુજ થાપણ તેમણે મોકલી આપી હતી. એટલે આ અકસ્માતમાંથી તેમને પરમેશ્વરે બચાવ્યા હતા. આ અરસામાં નંદશંકરને કેટલાક મિત્રોના પરિચયનો લાભ થયો. રા. બા. ભોળાનાથ સારાભાઇ સુંદર અમીન તરીકે સુરત આવ્યા. સંસાર તથા ધર્મની સુધારણા માટે આગ્રહવાળા આ અમદાવાદી નાગર ગૃહસ્થ. આદિ બ્રહ્મસમાજનું ગુજરાતી રૂપાંતર શોધવામાં તે વખતે મશગુલ હતાઃ શુદ્ધ શાસ્ત્રીય સંગીતના પણ એ ખૂબ શોખીન હતા. અહીં સહજ જણાવી લઇયે કે નંદશંકરનું વલણ તેમના લહેરી જમાનામાં કંઈક અંશે Puritan “ચોખલિયા” જેવું હતું. તેથી ગાનારીઓના કૃત્રિમ અને અશ્લીલ સંગીતનો ત્યાગ કરવા જતાં તેમણે સંગીતની કલાને જ વર્જિત કરેલી. [ઔરંગઝેબના પ્યુરીટન ઝનૂને જેમ સીતાર, સારંગી વગેરે સંગીત સાધનોને ચિંતાપર ચડાવ્યા હતા એમ કહેવાય છે તેમ, આ જમાનામાં ગુણકાનું ગાયન સાંભળવાનું નીતિવિરૂદ્ધ ગણાવા લાગ્યું હતું.] જેથી તેમની મિત્રમંડળીમાંના લગભગ બધા સભ્યો ઉસ્તાદી ગાયનના શોખીન હોવા છતાં, નંદશંકર તેનાથી અલિપ્ત રહ્યા હતા, વિનાયકરાવ લખે છેઃ “તેમને કોઇપણ જાતનું વ્યસન નહોતું. ન ખાય પાન, ન પીયે બીડી, ન ખાય તમાકુ : ભાંગ શરાબ તો બીલકુલજ દૂર. માત્ર “એ જમાનાના છાંટા મને આ ઊડ્યા છે”—એમ કહી એમની તપખીરની દાબડી હસતાં હસતાં એ બતાવતા.” શ્રી. નરસિંહરાવ પોતાના સ્મરણમુકુરમાં, (પૃ. ૧૦૭) “માસ્તર સાહેબ” એટલે નંદશંકરનું રેખાચિત્ર આમ દોરે છે : “રોજ સાંજે પાંચ દસ મિત્રોની બેઠક થાય. તેમાં નંદશંકર માસ્તર તકિયે બેઠેલા, તપખીરની ડબ્બીમાંથી વારંવાર તપખીર સૂંઘતા, થોડું બોલતા પણ રમૂજના પ્રસંગે માથાના છૂટા મૂકેલા વાળ સાથે ડોકુ બે બાજુ ધૂણાવીને ખૂબ હસતા, બોલવામાં તેમજ હસવામાં પણ અનુનાસિક–એવા માસ્તર સાહેબની નિખાલસ મૂર્તિ... સ્મરણમાં પ્રકટ થાય છે.” શિક્ષણખાતામાં નંદશંકર હતા તે સમયમાં તેમણે “ગુજરાતમિત્ર’માં સંસાર–સુધારો તથા વહેમ ખંડન વિશે અંગ્રેજીમાં લેખો લખી, તથા ભાષણો કરી સુરતમાં સુધારા પક્ષને પોતાનાથી બનતી મદદ આપતા હતા. ફુલારાણીમાં ભરાયલું ભૂત કાઢવા માટેનો ભુવાઓનો જે ચિતાર પોતે આપ્યો છે તે આજ જમાનાના દુર્ગારામ મહેતાજીનાં ભાષણોનું ભાન કરાવે છે. આજ ‘ગુજરાતમિત્ર’માં નવલરામે ‘કરણઘેલા’ ઉપરનું વાર્તિક લખ્યું હતું; અને નંદશકરે નવલરામના વિરમતી નાટકનું અવલોકન લખ્યું હતું. નંદશંકરના કેળવણી ખાતાનાં છેલ્લાં ત્રણ ચાર વર્ષોની પ્રવૃત્તિઓની આપણે ઉપર નોંધ લીધી. પરંતુ તે ઉપરાંત આ અરસામાં એક એવી પ્રવૃત્તિ તેમણે આદરી જેને લીધે તેમના જીવનભર તેમજ જીવન પછી પણ તેમનું નામ ઘણાના જાણવામાં રહ્યું. નંદશંકરના ઉપરી અધિકારી રસલ સાહેબે તેમને સૂચના કરી કે “ગુજરાતી ગદ્યમાં વાર્તાનું એક્કે પુસ્તક નથી તેથી તમે તે લખો.” અંગ્રેજી ઓફીસરોને પોતાને દેશી ભાષાનો પરિચય કરવાનું સહેલું પડે તેથી તેમણે ઉત્તરહિંદમાં હિંદીમાં તથા ઉર્દુમાં ગદ્ય કથાઓ લખાવવાના અખતરા કર્યા હતા. તેવીજ રીતે ગુજરાતીમાં વાંચવી સરળ પડે તેવી વાર્તા લખવાની પ્રેરણા નદશંકરને મળી. આવી રીતે બીજાની પ્રેરણાથી લખાયેલા પુસ્તકોની તાત્કાલિક ખ્યાતિ તો થાય છે જ : પરંતુ તે ખ્યાતિ લાંબો કાળ ટકતી નથી : પરંતુ “કરણઘેલા”ના કર્તાના ચિત્તમાં ગુજરાતનો મધ્યકાલીન ઇતિહાસ, ફાર્બસ સાહેબે ૧૮૫૬ માં પ્રકટ કરેલી રાસમાળાના પરિચયથી રમી રહ્યો હતો; રજપૂત કાળના ગુજરાતનાં આછાં સ્વપ્નાં વાંચનારના મનમાં ખડાં થઇ જાય એવી રસાળ વાણીમાં આ “રાસમાળા” નો ઇતિહાસ લખાયો હતો. એટલે, વિનાયકરાવ લખે છે તેમ “એક જાદુગર આવ્યો અને પોતાના દંડનો શિલા ઉપર મંત્ર ભણી પ્રહાર કર્યો. પ્રહાર થતાં જ તે શિલા ફાટીને માંહેથી ગદ્યસરિત રેલાતી નિકળી.” રસલ સાહેબે સૂચના કર્યા પછી નદશંકરના મનમાં વાર્તાનો વિષય પસંદ કરવાના વિચારો ઘોળાવા લાગ્યા. આવી વાર્તા લખવાનું બીડું ઝડ૫તા પહેલાં, નંદશંકરની કેટલીક પ્રાથમિક તૈયારી હોય એમ જણાય છે. ઐતિહાસિક વાર્તા લખવા માટે ઐતિહાસિક નવલકથા વાંચવાનો તેમને ભારે શોખ હતો. સ્કોટ, લીટન, ડીકન્સ તથા થેકેરે–એ ચાર અને ખાસ કરીને પહેલા બે-ઇતિહાસના પાયાવાળી સંખ્યાબંધ નવલકથાઓ લખનાર પ્રસિદ્ધ-નવલ-કથાકારોનો-તેમનો પરિચય વિશેષ ગાઢ હતો. ખાસ કરીને ઉચિત ઐતિહાસિક સમયની પસંદગી કરવામાં તેમને થોડી ઘડભાંગ થયેલી જણાય છે. લીટનની ત્રણ નવલકથાઓ “Last of the Barons”, “Last days of Pompi” અને “Last of Tribunes” તથા સ્કોટનાં “Lay of the Last Minstrel” જેવાં પુસ્તકમાંના Last–એટલે “છેલ્લો” એ શબ્દે તેમના મનનું નિરાકરણ કર્યું. જૂનીઅસ્ત થતી પેઢીના પ્રતિનિધિને લગતી કોક ઘટના પસંદ કરવાનું તેમને આ ઉપરથી આપોઆપ સૂઝ્યું હોય એમ કહેવાનું મન થાય છે. રાસમાળાનાં પાનાં ખૂબ આતુરતાથી એમણે ફેરવવા માંડ્યાં. ટોડને “રાજસ્થાન”નો ગ્રંથ એમણે ઉપયોગમાં લીધો હોય એમ જણાતું નથી. તેથી એમની આંખ ગુજરાતના ઇતિહાસ ઉપર જ ઠરી અને “ચાંપાનેરની પડતી” “સોમનાથનો નાશ” અથવા “અણહિલવાડનું પતન” અથવા “ગુજરાતની રજપૂત સત્તાનો અંત”—એ ત્રણ–નાટ્યકૃતિને માટે પણ ઉચિત ગણાય તેવી–ઘટનાઓ ઉપર પસંદગીનો કળશ ઢળ્યો. ત્રણે વિષય ગુજરાતના રજપૂતકાળના ઇતિહાસને લગતા હતા : પરંતુ આખરે તેનું ગમે તે કારણ હોય; તેમનો નિર્ણય “અણહિલવાડના પતન” માટે થયો. એમની નવલકથાનું ગુજરાતી પેટા મથાળું—કરણઘેલોઃ ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા” અને અંગ્રેજી Sub-title=Karan Ghelo-The Last of the Rajput Kings of Gujarat”–એ પ્રમાણે છાપેલું છે તે—લીટનની નવલકથાઓની સીધી અસરના સૂચક પુરાવારૂપ છે. વાર્તાનું હાડપિંજર અથવા ખોખું રોમ, ગ્રીસ તથા એંગ્લોસેક્સન પ્રજાની પડતીના સમયની વાર્તાઓ વાંચ્યા પછી એમણે ઘડી રાખેલું–તે આ પ્રમાણે હતું : “એક જમાનો અસ્ત પામતો, બીજો ઉદય ગિરિ ઉપર ડોલતો : મગરૂબીનો માર : વ્યભિચારની હાર : ધર્મનો જય, પાપને ક્ષય”[2]આ ખોખામાં તેમને માત્ર ગુજરાતના ઇતિહાસમાંથી પ્રસંગ અને નામ ભરી દેવાનાં બાકી હતાં. લોકોના રીતરિવાજ, તેમનું સામાજિક, રાજકીય તથા ધાર્મિક વાતાવરણ–એ પ્રકારની ભોંય ઉપર વાર્તાનું ચિત્ર ખડું કરવાનું હતું. રજપૂત કાળનો અંત ચીતરવામાં, નંદશંકરને સુરતની નવાબીના અસ્તકાળ સંબંધની અનેક વાતો પણ કામ લાગી હોય તો નવાઈ નથી. આ વાર્તા જેમ જેમ લખાતી ગઇ તેમ તેમ નંદશંકર તેમના મિત્ર-મંડળમાં તે વાંચી બતાવતા હતા. જેમ જેમ પ્રકરણો લખાતા ગયાં તેમ તેમ સાયંકાળે ભોળાનાથભાઈ, વિદ્યારામ પોતાના સસરા તથા મિત્ર મુનસફ દોલતરામજી–તેમની સમક્ષ પોતાના મકાનમાં તે વાંચી સંભળાવતા.[3] નંદશંકર કેમ લખતા તે માટે નંદશંકરનાં પત્ની લખે છેઃ “પોતાને લખતાં લખતાં વિચાર એટલા ઉભરાતા કે ઘણીવાર એ અટકી જતા. કદાચિત જ એમને છેકવું પડતું. ઘરમાં એક લીંપેલી કોઠી હતી તેમાં લખેલા કાગળિયાં રાખતા; જમીન ઉપર બેસી ઘુંટણ ઉપર કાગળ મૂકી સડસડાટ લખ્યા જતાઃ ન મળે મેજ કે ન મળે ખુરશી, પોતે ભલા ને પોતાની ચટાઈ ભલીઃ લખવામાં એટલા તલ્લીન થઈ જતા કે શાળામાં જવાનો વખત થઇ જતો ત્યારે ભારે ઉપર આવીને તેમને ધૂનમાંથી જગાડવા પડતા. પિતાનું લખેલું મિત્રોમાં વાંચી સંભળાવતા, ને આગળ લખતા.” વાર્તા લખાતી જતી હતી તે સમયના, પોતાની માતુશ્રીના વિશેષ ઉદ્‌ગાર વિનાયકરાવ ટાંકે છેઃ કે “શરમને લીધે હું બહાર ન આવું ને પાછળના ઓરડામાં એકલી બેસી સાંભળું: પણ કોઈ કરૂણારસમય વર્ણન સાંભળતી ત્યારે મારાથી રડાઈ જતું. તેથી મારાં ડૂસકાં સાંભળી ભોળાનાથભાઇ મને આગલા ઓરડામાં બોલાવતા.–” કરણઘેલો એ નંદશંકરની ચિરંજીવ કૃતિ છેઃ ટીકાકારને તેની ન્યૂનતાઓ જણાય, તેની ભાષામાં દોષો દેખાય, અંગ્રેજીની ચોખ્ખી અસરની ગંધ આવે, સંવાદોની ન્યૂનતા અને ક્વચિત દીર્ઘસૂત્રી તથા અપ્રાસંગિક લાગતાં વર્ણનોથી નીરસતા પણ આવતી જણાય છતાં એટલું તો સૌ કોઈ સ્વીકારે છે કે પ્રારંભદશાની અપક્વતા અનિવાર્ય હોવા છતાં નંદશંકરની વર્ણન શક્તિ અદ્‌ભુત છે. જે વસ્તુનું એ વર્ણન કરે છે તે આપણી આંખ આગળ તરવા માંડે છેઃ–આ ગુણ સ્કોટની પ્રસિદ્ધ નવલકથાઓના વાંચનથી વિકસ્યો હોય એમ અટકળી શકાય છે. પરંતુ સ્કોટના જે નવલકથાકાર તરીકે ગુણ છે તેની ગુણ સીમા પણ સાથે સાથે છે તે સામે આંખમીચામણાં ન થઈ શકે. બહુધા બાહ્ય કુદરતનું અને પ્રસંગોનું વર્ણન કંઈક અંશે શામળભટ્ટની પદ્ય લોકવાર્તાઓમાં આવે છે તેવું તેમાં દેખાય છે. પરંતુ પ્રેમાનંદનાં આખ્યાનોનાં મુખ્ય પાત્રોના જેવાં માનસિક પૃથક્કરણ અને લાગણીઓમાં યુદ્ધનું માનુષી વર્ણન આપી, પાત્રોની જીવંત મૂર્તિઓ સર્જી શકવામાં કલાની ન્યૂનતા જણાય છે. ‘કરણઘેલો’ વાંચતાં આજના વાંચનારને બહુ નિરાશા લાગશે–એમ કહ્યા વગર ચાલે તેમ નથી. આ વાર્તામાં એક્કે એવું પાત્ર નથી કે જેના ચારિત્ર ઉપર આપણે મોહી પડિયે. કનૈયાલાલ મુનશીના એ જ રજપૂત કાળની જાહોજલાલીની ત્રણ વાર્તાઓનાં બોલતાં ચાલતાં ભવ્ય પાત્રો આ પ્રસંગે સંભારવાનું મન થાય છે. ગુણસુંદરીનું ચારિત્ર વાંચકને રૂચે એવું છે; પણ તેની તો વાત શરૂ થાય છે અને ત્યાંજ પૂરી થાય છે. માધવની પહેલાં દયા આવે છે, પણ એ દેશદ્રોહી નિવડ્યો એટલે દયા કરતાં એના વિશેનો તિરસ્કાર વધી જાય છે. કરણઘેલાની પાછળથી દયા આવે છે; પણ એણે તે કર્યું તેવું પામ્યો એટલે એને માટે દયા આવવા છતાં એના ઉપર પ્રેમ ઉત્પન્ન થતો નથી. રૂપ- સુંદરી, કમલારાણી અને દેવળદેવીને તો ચારિત્ર્યવાન ગણે જ કોણ? અલ્લાઉદ્દીન ખીલજી, મલેક કાકુર–એ તો આપણા ગૂજરાતના દુશ્મન એટલે એમને માટે આદર કેવો? શંકરદેવ, ભીમદેવ ઠીક છેઃ પણ એ કાંઇ મુખ્ય પાત્રો નથી. “કરણઘેલા”ના ઐતિહાસિક તંતુઓની યથાર્થતા સંબંધી કંઈક જોઇયે. લઘુકર્ણ અથવા કર્ણ બીજાના નામથી વંશાવળીઓમાં બતાવેલો કર્ણદેવ સં. ૧૩૫૩માં ગાદીએ આવ્યો હતોઃ અને સં. ૧૩૬૩માં તેનો કાળ થયો હતો. આજ સમયમાં રચાયલા જિનપ્રભસૂરિનામાં આપ્યા પ્રમાણે અલાઉદ્દીનના લશ્કરે સં. ૧૩૫૬માં-એટલે ઇ. સ. ૧૩૦૦ની સાલમાં ગુજરાત ઉપર આક્રમણ કર્યું હતું. તે લશ્કર ઉલુઘખાન નામના સરદારની સરદારી નીચે આશાપલ્લી-આગળ આવ્યું[4] ચઢાઇના કારણ તરીકે-મંતી માધવપેરિઓ – મંત્રી માધવની પ્રેરણાને ગણાવેલી છે. એમાં મંત્રી કઇ નાતનો હતો તે જણાવ્યું નથી. મેરુતુંગાચાર્યની “સ્થવિરાવલિ” અથવા “વિચારશ્રેણી”માં સં. ૧૩૬૦ યવનાઃ માધવ નાગર વિપ્રેણ આનીતાઃ એમ ઉલ્લેખ છેઃ પરંતુ અહીં આક્રમણની સંવત ખોટી છેઃ એટલે માત્ર સાંભળીને આ હકીકત મૂકવાનું સ્પષ્ટ જણાય છે. પદ્મનાભે “માધવ મહિનુ સાથિ મોકલ્યુ પોસાતુ પરધાન” એમ માત્ર માધવનું નામ આપ્યું છેઃ તેની નાતજાત આપી નથી. [5] નવલરામભાઈ એ “ઇતિહાસની આરસી” માં—ધિક્‌ નાગર નગુરા એમ દંતકથાને આધારે–અથવા રાસમાળામાં ભાટચારણોએ મુસલમાનોની ચડાઈને વાસ્તવિક બનાવવા જે પ્રસંગ યોજ્યો છે–તેને આધારે જ એમણે એ વાક્ય લખ્યું જણાય છે.[6] અલ્લાઉદ્દીનનું લશ્કર અમદાવાદથી સોરઠમાં સોમનાથ ઉપર ચઢાઈ કરવા વળ્યું અને શેત્રુંજાનાં મંદિરોને તેડ્યાં. એટલે કર્ણ, માત્ર લશ્કર આવવાથી નાસી છૂટ્યો જણાય છે. પદ્મનાભના કથન પ્રમાણે ઉલુઘખાન પહેલાં પાટણ આવ્યો હતોઃ ત્યાંજ કર્ણદેવને પરાજય કરી તે શહેરને લૂંટી, પછી આશાવલી આવ્યો હતા. પરંતુ જિનપ્રભે આપ્યા પ્રમાણે મોડાસાથી પેસતાં પહેલું આસાવલી આવે છેઃ છતાં કર્ણ જે નાસી છૂટ્યો તે પાટણથી કે આસાવલીથી તે બાબત, હજી પણ સંદિગ્ધ જ રહે છે. કર્ણદેવની અનેક રાણીઓમાની કમલારાણી–અથવા મુસલમાનો કહે છે તેમ કવલા–કૌલારાણી–પકડાઇ–તે બાબત પણ ઐતિહાસિક આધાર નથીઃ ભાટચારણની વાત સિવાય. તેની પુત્રી દેવળદેવી અલાઉદ્દીનના પુત્ર ખીજરખાં સાથે પરણાવી હતીઃ તે વાત પણ તેટલીજ ગલત છે એમઃ “નાગરી પ્રચારિણી પત્રિકા’ના ૧૯૩૧ના માઘ અંકમાં બાબુ જગનલાલ ગુપ્તે મજબૂત શંકા ઉઠાવી છેઃ તે તરફ આપ સૌનું ધ્યાન ખેંચવા હું રજા લઉં છું: આ વિદ્વાન લખે છે કેઃ કૌલારાણી તથા દેવલદેવીની ઘટનાને ઐતિહાસિક બનાવનાર કેવલ અમીર ખુસરૂ છેઃ “દવલરાની વ ખિજ્રખાં એ નામના ફારશી” “આશિકી" કાવ્યની રચના કલ્પિત અને અર્ધ-ઐતિહાસિક છે. અમીર ખુસરૂ રાજકવિ હતોઃ અને હિંદુઓ તરફ તેને ઘૃણા હતી. તેથીજ તેણે હિંદુ રાજાની નિંદા કરવાના આશયથી આ કલ્પિત કથાનકને પોતાના કાવ્યમાં દાખલ કર્યું છેઃ કાવ્યનું વસ્તુ સંક્ષેપમાં નીચે પ્રમાણે છેઃ કાવ્યની શરૂઆતમાં અલાઉદ્દીન ખીલજીનો દિગ્વિજય અને તે દ્વારા હિંદમાંથી હિંદુ ધર્મ નાબુદ કરવાના પ્રયાસોનું વર્ણન છે. પછી અલાઉદીનનું ગાદીનશીન થવું, ગુજરાતના રાજાને કેદ પકડવો અને સંપૂર્ણ ગુજરાતને આગથી તારાજ કરવું, ગુજરાતપર ફરી ચઢાઇ, તે પછી ગુજરાતના રાજાની સ્ત્રી કમલાદેવીને પકડીને અલાઉદીનની બેગમ બનાવવામાં આવે છે. કમલાદેવીની બે પુત્રીઓ જેમાની એક મરી ગઈ છે, બીજી પુત્રી છ મહિનાની છે, તેને તેડાવી ખિજ્રખાં સાથે તેનાં લગ્ન કરે છે. રાજા આ માગણી આનંદથી સ્વીકારે છે. દેવગિરિનો રાજા શંખલદેવ કરણની પુત્રી દેવળદેવીનું પોતાના ભાઈ ભિલમદેવ માટે માગું કરે છે, જે અનિચ્છાપૂર્વક કરણ સ્વીકારે છે, અને દેવળદેવીને દેવગિરિ મોકલે છે. રસ્તામાંથી ઉલુઘખાંના સૈનિકો તેને પકડી પોતાના સેનાપતિ પાસે લઈ જાય છે, અને ત્યાંથી તેને રાજધાનીમાં મોકલે છે. ત્યાં ખિજ્રખાં અને દેવળદેવી વચ્ચે આકર્ષણ થાય છે. આ વખતે ખિજ્રખાંની વય ૧૦ અને દેવળદેવીની ૮ બતાવી છે! ખિજ્રખાં, તે પછી અલપખાંની છોકરી સાથે પરણે છે, અને પાછળથી દેવળદેવી અને ખિજ્રખાં વચ્ચે પ્રેમ જામતાં છેવટે બન્ને પરણી જાય છે. ખિજ્રખાંના ઉત્તરજીવનની વાત કહી કાવ્ય પૂરૂં થાય છે. આ કાવ્ય એકંદર ૪૫૧૯ લીંટીનું છે.[7]. આ મહાકાવ્યના વસ્તુનો આધાર લઇનેજ ફરિશ્તાએ પોતાના ઇતિહાસમાં આ કાવ્યની હકીકતને ઐતિહાસિક હોવા બદલની મ્હોર છાપ આપ્યા જેવું કર્યું છેઃ અને આ સ્વરૂપમાં આમ પ્રચાર પામેલી આ જ આખી ઘટના, હિંદી કાવ્યોથી એટલે “ભાષા”થી પરિચિત એવા ભાટ ચારણોએ, ફાર્બસ સાહેબને પૂરી પાડી હોય એમ બહુ સંભવિત છે. તેને લીધે રાસમાળાનો આધાર લેવાઈ લખાયેલી નંદશંકરની વાર્તામાં તે ઘટના હવે ચોક્કસ જામી ગઈ છેઃ અને આપણા મગજમાં ઘર કરી બેઠી છે. ખરૂં જોતાં, કર્ણની પુત્રી તરીકે ‘દેવળદેવી’ એવું નામ જ કેવલ કલ્પિત છે. તો એ નામ અમીર ખુસરૂને મળ્યું ક્યાંથી? ચિતોડ પાસે રણસ્થંભોરનો પ્રસિદ્ધ ગઢ છે. તેનો રાજા તે વખતે હમીરદેવ હતો. આના સંબંધી સંસ્કૃત ‘હમ્મીરમહાકાવ્ય’ નયચંદ્રસૂરિએ રચેલું છે. રણસ્થંભોરના પતનનું વર્ણન તે સિવાય બીજાં ઘણાં કાવ્યોમાં મળી આવે છેઃ એ પુસ્તક પ્રમાણે હમીરદેવની એક પુત્રીનું નામ દેવલરાણી હતું. અને, જેવી રીતે સતી પદ્મિનીને પોતાની સ્ત્રી બનાવવાની અલાઉદ્દીનની મુરાદ બર આવી નહોતી, તેમ રણસ્થંભોરની રાજકુંવરી દેવલરાણીને પણ પોતાના પુત્ર સાથે પરણાવવાની તેની લાલસા પાર પડી નહોતી. આવી બેવડી નિરાશામાંથી પાદશાહનું મન બહલાવવા, અને કર્ણનાં તથા દેવળદેવીનાં નામ બદનામ કરવા માટે અમીર ખુસરૂએ આ “ઇશ્કિયા” ની રચના કરી હતી—એમ માનવાની તરફેણમાં મજબૂત વ્હેમ ઉભો થાય છે. ઇતિહાસની દૃષ્ટિએ ‘કરણઘેલા’માં દેખાતા એક કાલાતિક્રમ દોષ (anachronism) તરફ, ધ્યાન ખેંચ્યા વગર અભ્યાસીને ચાલે તેમ નથી. કરણઘેલામાં આપેલી હરપાળની વાત તથા તેની રાણી ફૂલાદેવીને વળગેલા ભૂતની વાત—એ બન્ને કર્ણના થઈ ગયા પહેલાંની ઘણાં વર્ષો ઉપરની વાત છે. હરપાળ મકવાણો (રાજ્યકાળ ઇ. સ. ૧૦૯૦–૧૧૩૦) કર્ણ બીજાનો—કરણ વાઘેલાનો સમકાલીન નહીં, પરંતુ સિદ્ધરાજના પિતા કર્ણદેવ સોલંકીના સમયમાં હતોઃ અને હરપાળનો આશ્રયદાતા આ કર્ણ સોલંકી હતો. (ઈ. સ. ૧૦૭૨-૧૦૯૪) કેસરદેવને મારનાર હમીર સુમરાને, સિંધના સમા જામહાલાજીના કુંવર હિંગોળજી અને હોથીજીએ ઈ. સ. ૧૧૪૭માં માર્યો હતો. આ હરપાળથી જ ઝાલાવંશ અને રાણાઓની ઉત્પત્તિ થઈ છે. તેથી કરણઘેલામાં આપેલી હરપાળની વાત—એ ઐતિહાસિક વિરોધ છે ફૂલાદેવીને વળગેલું ભૂત–વગેરે વાત પણ કર્ણ સોલંકીના સમયની છે. બાબરો ભૂત તેજ ‘બર્બરક’ તેને જીતવાથી સિદ્ધરાજને શિલાલેખોમાં ‘બર્બરકજિષ્ણુ’ કહીને ઓળખાવેલ છેઃ હરપાળે[8]આ બાબરા ભૂતને વશ કરી, તેની છૂપી મદદથી ૨૩૦૦ ગામે તોરણ બાંધ્યાં હતાં: અને ફૂલાદેવી -કર્ણ સોલંકીની રાણીએ તેને પોતાનો ભાઈ ગણ્યો હતો વગેરે વાત—કર્ણ ૧ લો (સોલંકી) અને “લઘુકર્ણ”ના નામથી ઓળખાવાતો કર્ણ ૨ જો- (વાઘેલો)—એ બન્નેના નામસામ્યથી એકના સમયની વાત બીજાના સમયની તરીકે ભ્રમથી ગૂંચવાઈ ગયેલી રાસમાળામાં પ્રચલિત થઈ છે. તેની તે ભૂલ “કરણઘેલા”માં ઊતરી આવેલી જણાય છે. પરંતુ નંદશંકર ઇતિહાસ લખવા બેઠા નહોતા. એ તો ઇતિહાસના પાયાવાળી નવલકથા લખવા માગતા હતા. એટલે એમને આ દોષ માટે જોખમદાર ગણવા ઠીક નથી. કરણઘેલાનું વસ્તુ જેમ રાસમાળામાંથી મળ્યું હતું તેમ નવલરામે ૧૮૬૯માં લખેલું “વીરમતી નાટક” પણ એજ આકર ગ્રંથની મદદથી લખાયું હતું. મહીપતરામનો “વનરાજ ચાવડો” અને “સિદ્ધરાજ જયસિંહ” તેમાંની વાર્તાઓ માટે ‘રાસમાળા’નાં જ ઋણી છે. ‘કરણઘેલા’ની એક વિશિષ્ટ મહત્તા ગણાવી, નંદશંકરની જીવન કથાનું સૂત્ર આપણે હાથમાં લઇયે. કરણઘેલાની લોકપ્રિયતા એટલી બધી થવા પામી કે તેના અનુકરણમાં મહીપતરામના ઉપર ગણાવી ગયા તે વનરાજ ચાવડો અને સિદ્ધરાજ જયસિંહ એ મધ્યકાલીન રજપૂત વંશના ચાવડા તથા સોલંકી વંશના ઇતિહાસના નવલ પુસ્તકો લખાયાં હતાં: “કરણઘેલો” જેમ સમાજોપયોગી તથા શાળોપયોગી ઘણાં વર્ષો સુધી રહ્યો તેમ ‘વનરાજ ચાવડો’ પણ શાળોપયોગી રહ્યો છે. તોપણ “કરણઘેલાનું” સફળ અનુકરણ તો અનંતપ્રસાદનું ‘રાણકદેવીનું પુસ્તક જે ૧૮૮૪માં છપાયું તે હતું: આમ જે પુસ્તક અનુકરણ કરવા લાયક ગણાય તેની કીર્તિ આજ સુધી ચાલી આવે તેમાં નવાઇ નથી. ૧૮૬૮ની સાલ નંદશંકરના જીવનમાં ક્રાન્તિકારક ગણવી જોઇયે. હોપ સાહેબે તેમની શક્તિઓના વિકાસ માટે તેમને કેળવણી ખાતામાંથી રેવન્યુ ખાતામાં ખેંચ્યા અને નંદશંકર માસ્તર ‘માસ્તર’ મટી જતાં, ગુજરાતે એક સારો શિક્ષક ખોયો. તેમના પુત્ર સર મનુભાઈ—જે આ જ જીવનક્રાન્તિની સાલમાં જન્મ્યા હતા તેમના જીવનમાં પણ કોલેજના અધ્યાપકપદમાંથી રાજ્યના મહામાત્યપદ પર આવવા રૂપી પરિવર્તન થયું હતું: એક રસિક પ્રશ્ન ખડો થાય છેઃ માસ્તર સાહેબ માસ્તર રહ્યા હોત, અને પ્રોફેસર મનુભાઈ ગુજરાતના ભાવિ વિદ્યાપીઠના આચાર્ય તરીકે કુલપતિ થયા હોત તો? ગુજરાતને કેટલીક પ્રેરણા તેમના સંસ્કૃત તથા સંસ્કારી જીવનમાંથી મળત–તે પ્રશ્ન આજે અનુત્તરજ રહે છે. કેળવણી ખાતાને લગતી તેમની છેલ્લી કામગીરી ૧૮૬૮માં એ હતી કે હોપ વાંચનમાળા તથા બીજાં પાઠ્ય પુસ્તકોની આ સાલમાં બીજી આવૃત્તિ કાઢવાનો પ્રસંગ આવતાં, જોડણીના નિયમો ફરીથી તપાસી જવા માટે હોપ સાહેબ, મોહનલાલ રણછોડદાસ, મહીપતરામ તથા નંદશંકરની સમિતિ નીમાઈ હતી. પાછળથી તેમાં દુર્ગારામ મહેતાજી, કવિશ્વર દલપતરામ, કવિ નર્મદ અને શાસ્ત્રી વૃજલાલ કાલીદાસનાં નામ ઉમેરવામાં આવ્યા હતાં. આ કમિટીનું કામ લાબો વખત માન્ય રહ્યું જણાતું નથી. ૧૮૬૯ માં નંદશંકરે સુરત છોડ્યું? અને અંકલેશ્વર મામલતદાર તરીકે તેમની નિમણુંક થઈ. આ વખતે તેમને સંતતિમાં ૭ વર્ષની પુત્રી હરસિદ્ધાગૌરી, પાંચ વર્ષના માર્કંડરાવ અને એક વર્ષના મનુભાઈ એટલાં હતાં. વિનાયકરાવ, નંદશંકરના પ્રસ્થાનને ઉદ્દેશીને લખે છે “નર્મદ, નવલ અને નંદશંકર—ત્રણે સુરતનાં પંખેરૂ પુખ્ત થતાં, પોતપોતાના માળા બાંધવા સુરત બહાર ઊડી ગયાં. આ મોંઘા રત્નો સુરતથી નિકળી દૂર બજારમાં ગયાં ત્યારે કીંમત થઈ.” ૧૮૭૦–૭૧માં અંકલેશ્વરથી ધંધુકે મામલતદાર તરીકે બદલી થઈ. તે વખતે અમદાવાદ લગી રેલગાડી હતી. ધંધુકાનાં હવાપાણી વખોડતા છતાં નંદશંકરને હરવાફરવાનું વધારે મળ્યું તેથી તબિયત સારી થઈ. ધોળકા-ધંધુકાની એમની નોકરી દરમ્યાન, એક પ્રસંગમાં તેમની સત્યનિષ્ઠા, સ્વતંત્રતા ઇત્યાદિ વીનરનાં લક્ષણ જણાઈ આવ્યાનું ‘સ્મરણમુકુર’ કારે નોંધ્યું છે. તે વખતે હાલના ઈનકમટેક્ષનું પૂર્વાશ્રમનું રૂપ લાઇસેન્સ ટેક્સ હતો. તે કરની આકારણી માસ્તરે કરેલીઃ તે કલેક્ટરને ઓછી લાગીઃ અને માસ્તરને હુકમ કર્યો કે વધારે આકારનું પત્રક બનાવી લાવો. માસ્તરે તરત ગૂંઝામાંથી નોકરીનું રાજીનામું લખી રાખેલું તે કાઢીને મૂક્યું: અને કહ્યું, “મારાથી ગેરવાજબી આકારણી નહીં થાયઃ કલેક્ટર સાહેબ આ હિમ્મસનું વર્તન જોઈ અપ્રસન્ન ના થયો” (સ્મરણમુકર પૃ. ૧૧૦) ધંધુકેથી તેમની બદલી દેવગઢ બારીએ “આસીસ્ટંટ પોલીટીકલ એજન્ટ” તરીકે થઇ. બારીઆનાં પાણી પાલિયાં ગણાય છે. ત્યાંથી તેમને ખરજવાનો વ્યાધિ વળગ્યો હતો. એને પોતે ખુશમિજાજથી કહેતા કે “એ તો બારીઆનું મડુ વળગ્યું છે”. ૧૮૭૫માં દેવગઢ બારિયેથી લુણાવાડે બદલી થઈ. લુણુવાડા સાથે સુંથ રામપુરની વ્યવસ્થા પણ કરવાની હતી. અહીં છોકરાઓને ભણવાની સગવડ નહીં હોવાથી, તેમને ભાવનગર, છોકરાંનાં માતામહ વિદ્યારામભાF જે સરન્યાયાધીશ હતા તેમને ત્યાં રાખ્યાઃ અને તે ૧૮૮૨ સુધી ત્યાં રહ્યા હતા. ૧૮૭૭માં બે મહિના કામચલાઉ પોલીટીકલ એજન્ટ તરીકે વડોદરે રહેવાનું થયું હતું. કારણ કે દીલ્હી દરબારમાં રેવાકાંઠા સંસ્થાનના રાજાઓને તેડીને બાર્ટન સાહેબ ગયા હતા. આ સાલમા જ પોતે ‘રાવ બહાદુર’ થયા. ૧૮૮૦માં લુણાવાડેથી એડમિનિસ્ટ્રેશન ઉઠતાં સુંથ જવાનું નક્કી થયું. પરંતુ એટલામાં જ તેમની માગણી કચ્છમાં દીવાન તરીકે થઇ. આ વખતે કચ્છમાં દી. બા. મણીભાઈ હતા. તેમને મેજર રીવ્ઝ જોડે ન બનતાં વડોદરે પાછા આવ્યા. એટલે નંદશંકર ત્રણ વર્ષ માટે નીમાયા. કચ્છમાં રહી તેમણે નિશાળો સ્થાપી. લોકોને ન્યાય મેળવી આપ્યો. રાજ્યના હિતની ખાતર અંગ્રેજ અમલદારો સાથે લડત ચલાવતાં ડર્યા નહિ. ૧૮૮૩માં મણીભાઈ પાછા કચ્છમાં નીમાયાઃ અને નંદશંકરને મુદત પુરી થતાં પહેલાં મૂળ જગાએ જવું પડ્યું. તેમના કામની કદર તરીકે રૂ. ૧૦) હજારનું ઇનામ તેમને કચ્છ સ્ટેટે આપ્યું. ૧૮૮૩માં ગોધરા મૂળ જગાએ આવ્યા. અહીં પંચમહાલ મેવાસમાં ફરતાં ફરતાં ઇતિહાસે ફરીફરી, ગેઝેટિયરમાંનાં લખાણનો વિસ્તાર કરી ગેઝેટિયરના વ્યવસ્થાપક ઉપર મોકલી આપ્યું હતું. ૧૮૮૪માં રાજપીપળામાં જોઈન્ટ એડમિનિસ્ટર નીમાયા. ૧૮૮૯માં નાશકત્રંબકની યાત્રા કરી. ૧૮૯૦માં આંખ નબળી પડવાથી નાંદોદ છોડી, સુરત આવ્યા. બાવીસ વર્ષના પર્યટન પછી જિજ્ઞાસુ મુસાફર કૃતકૃત્ય થઇ જન્મ- નગરમાં પાછો ફર્યો. તેમનો “વન” માં પ્રવેશ થઇ ચૂક્યો હતો. ૧૮૯૦ થી ૧૯૦૫ સુધી પંદર વર્ષ નિવૃત્તિ નિવાસમાં ગાળ્યો. આ વખતે સુધરાઇમાં ચુંટણીથી સભ્ય થયા, અને તેના ઉપપ્રમુખ ચુંટાયા. સુરતમાં નળ લાવવાના પ્રશ્ન માટે ખૂબ મથ્યા. એમને વાનપ્રસ્થ સમય ગણિતના દાખલા ગણવામાં અને ભૂસવામાં તે ગાળતા હતા, જેથી બેકાર મગજ ખવાઇ નહીં. ૧૯૦૫માં આ શાંત પ્રકૃતિના ગૃહસ્થનું અવસાન થયું. તેમના જમાનાના સમોવડિયા પુરૂષોની સરખામણીમાં દી. બા. રણછોડભાઈના અપવાદ સિવાય એમનું જીવન લાંબું હતું. નંદશંકર ગયાઃ પણ એમનો કરણઘેલો છેઃ અને જ્યાં સુધી ગુજરાતી ભાષા વંચાશે ત્યાં સુધી જીવશે.

મંજુલાલ રણછોડલાલ મજમુદાર
પાદટીપ :

  1. પહેલી આવૃત્તિ : ૧૮૬૬; આઠમી આવૃત્તિઃ હમણાં પ્રગટ થએલી સર મનુભાઈ તથા શ્રીયુત વિનાયકરાવ સંપાદિત આવૃત્તિ : ૧૯૩૪, કરણઘેલાની પહેલી આવૃત્તિ માટેની સાલ જુદે જુદે ઠેકાણે જુદી જુદી નોંધાઈ છેઃ પરંતુ શ્રી હીરાલાલ પારેખ મને લખી જણાવે છે તેમ, સોસાયટીમાં ૧૮૬૬માં છપાયેલી નકલ મોજુદ છે. તેથી તે પ્રશ્નનું નિરાકરણ થઈ જાય છે.
  2. જૂઓ “જીવનચિત્ર” પાનું ૧૧૬.
  3. શ્રી. વિનાયકરાવના આ વિધાનથી કંઇક વિરૂદ્ધ એવું બીજું વિધાન શ્રી. નરસિંહરાવે સ્મરણમુકુર (પૃષ્ટ ૧૦૮)માં મૂક્યું છેઃ “કરણઘેલો એ વાર્તાગ્રંથ પ્રકટ થયો તે વખતે માસ્તરના બધા મિત્રો–મારા પિતા સહિત –આશ્ચર્ય પામ્યા હતા કે આ શાન્ત, થોડાબોલા માસ્તરે આ ઉત્તમ ગ્રંથ ક્યારે, શી રીતે, છાનામાના લખ્યો! આ ભાવ દર્શાવનારા ઉદ્‌ગાર માસ્તરની સમક્ષ મારા પિતાએ કાઢ્યા, તે સાંભળી માસ્તર સાહેબે માત્ર અનુનાસિક હાસ પોતાનું કરીને બસ રાખ્યું હતું. આટલો વાર્તા ગ્રંથ લખીને પછી માસ્તર બંધ જ પડ્યા તે અજબ જેવું લાગે છે. અને કેટલાક અનુદાર પુરૂષો એટલે સુધી જાય છે કે એ ગ્રંથ નંદશંકરનો રચેલો છે જ નહીં-એમ કહે છેઃ માસ્તર સાહેબના નિકટ પરિચયમાં આવેલા અમે સર્વે આ આરોપને અનુદારતાની જ દુષ્ટતા ગણિયે છિયે.”
  4. વિશેષ માટે જુઓઃ “પુરાતત્ત્વ” પુ ૪. “ગુજરાતનો પહેલો સુબો’:
  5. જૈન સાહિત્ય રસંશોધક ખંડ ૧, અંક ૩. (સં. ૧૯૭૭)ના પરિશિષ્ટમાં ‘વીરવંશાવિલ’ અથવા ‘તપાગચ્છ વૃદ્ધ પટ્ટાવલિ’ (પૃ. ૪૩) ઉપર નીચેનો ઉલ્લેખ છેઃ
    “અહેવઈ-ગુજજરાતિ વીસલનગરા વાડવ મંત્રી માધવભાઈ કેશવ થકી રાજા શ્રી કર્ણ લડી નઇ. તૂરકાણી રાજ્ય હૂઓ... પુનઃ વિ. સં. ૧૩૬૪ વર્ષિ સિદ્ધપુર- નયરિસિદ્ધરાયકૃત રુદ્રાલયનો છેદ હૂઓ” –એમ માધવને વીસલનગરા નાગર તરીકે ઓળખાવ્યા છે.
  6. જુવો ‘રાસમાળા’ નું વાક્ય ભા.૧. પૃ. ૩૮૦
    “રાજ્ય મેળવવાના લોભ આગળ, મુસલમાન હલ્લા કરનારાને એક ઠરતાં બીજા કારણની જરૂર હોય નહીં. પણ હિંદના ભાટો, રાજ્ય સંબંધી મોટી વાતને ઘર વિશેનું ખાનગી કારણ લાગુ પાડી દેવામાં આનંદ પામે છે. તેઓએ હાલના પ્રસંગને માટે પણ નીચેની વાત લખી રાખી છે.
  7. આ સંબંધી “ગુજરાતી” અઠવાડિકના જુલાઈ ૧૯૩૧ ના એક અંકમાં “ગુજરાતના ઇતિહાસ ઉપર નવો પ્રકાશ” નામથી બાબુ જગનલાલ ગુપ્તના પ્રસ્તુત લેખની નોંધ પ્રકટ થઈ હતી
  8. જુવો ‘રાયસિંહજીની હથેલી” (ગુજરાતીની ૧૯૩૧ ની ભેટ) માં ઝાલાવંશ સ્થાપક હરપાળનો ઇતિહાસ પ્રકરણ ૧ પાદનોંધ પૃ. ૪. પૃ. ૫.

Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files