અનુષંગ/સામગ્રી અને સમીક્ષાનો સમન્વય?


સામગ્રી અને સમીક્ષાનો સમન્વય?

‘સમન્વય’, સં, સુરેશ દલાલ. (શ્રીમતી નાથબાઈ દામોદર ઠાકરસી મહિલા વિદ્યાપીઠ, મુંબઈ, ૧૯૭૫, પૃ. ૧૭૨, રૂ. ૧૭)

સુરેશ દલાલ આપણા એક સંપાદનવીર છે. વિચારો અને યોજનાઓ એમના મનમાં જાણે ઊભરાયાં કરે છે. ગુજરાતી સૉનેટની શતાબ્દી પાસે આવી રહી છે એ તરફ એમનું જ ધ્યાન જાય અને એ નિમિત્તે સુન્દરમ્‌-ઉમાશંકરનો સૉનેટસંચય કરવાનું એમને જ સૂઝે. બળવંતરાયે એમના પોતાના કહેવા પ્રમાણે પહેલું સૉનેટ લખ્યું ૧૮૮૮માં. શતાબ્દી ૧૯૮૮માં આવે. આપણે અત્યારથી જાગીએ તો ત્યાં સુધીમાં સૉનેટના વિષયમાં કેટલુંબધું કામ થઈ શકે? સુન્દરમ્‌-ઉમાશંકરનાં સૉનેટોનો સંચય શા માટે એનું આવું કોઈ સચોટ કારણ પૂરું પાડવાની જરૂર સુરેશે જોઈ નથી, પણ ગુજરાતી સાહિત્યનાં પ્રતિનિધિ સૉનેટોના એક-બે સંચયો તો છે, અને સૉનેટના પ્રારંભક બળવંતરાયનો પણ સૉનેટસંચય છે. એટલે પછી એ સાહિત્યપ્રકારને નોંધપાત્ર રીતે ખેડનાર આ કવિવરોનો જ વારો આવે ને? સુન્દરમ્‌નાં ૫૯ અને ઉમાશંકરના ૬૦ સૉનેટો અહીં પસંદ કરીને મૂકેલાં છે, જે એમની કુલ સૉનેટસંખ્યાના લગભગ ૭૦ ટકા થવા જાય છે. છોડી દીધેલાં સૉનેટોમાંથી જવલ્લે જ એવાં સૉનેટો મળે (સુન્દરમ્‌નું સૉનેટયુગ્મ ‘શું અર્પું? કે ઉમાશંકરનું ‘કહો છો કે’ જેવાં) જે અવશ્યપણે સમાવવા જેવાં હતાં એમ કોઈને લાગે. પણ કેટલાંક સૉનેટો સહેલાઈથી કમી કરી શકાયાં હોત અને સૉનેટના સાહિત્યસ્વરૂપ જેવો દૃઢબંધ સંચય કરી શકાયો હોત એમ અવશ્ય લાગે. સુંદરમ્‌ની ‘એકાંશ દે’ જેવી સીધી પ્રાર્થના કે ‘સાફલ્યટાણું’ જેવી સીધી પ્રેરણાત્મક રચના વગર ચલાવી શકાય અને ’યાત્રા’નાં પણ કેટલાંક ક્લિષ્ટ કે વિચારમય કે બોધાત્મક સૉનેટોને પડતાં મૂકવામાં કંઈ ખોટું નહીં ‘નમું’માં inverted સૉનેટનો ભાસ થાય પણ પ્રથમ યુગ્મકમાં વિચારસૂત્ર અને પછીની ત્રણ કડીઓમાં એનું ભાષ્ય એ વિચારપ્રવાહ સૉનેટને અનુરૂપ છે કે કેમ એવો પ્રશ્ન થાય ‘કસ્મૈ’ની વાક્‌છટાં સૉનેટને છાજતી ગંભીરતાને અવકાશ નથી આપતી એમ પણ લાગે. ઉમાશંકરના ‘એકલ, સાથમાં વા?’માં કેવળ એક તરંગ છે, ‘મારી ઋતુઓ’ જેવી કેટલીક બૌદ્ધિક રચનાઓ છે અને ‘યુગદૃષ્ટા’ જેવાં અંજલિકાવ્યોમાં ખાસ ચમત્કાર આણી શકાયો નથી. પણ કદાચ સુરેશે ઉમાશંકર-સુન્દરમ્‌ની સૉનેટમાંની કામગીરીને સર્વગ્રાહી રીતે અહીં પ્રતિબિંબિત કરવાનું ઇચ્છ્યું હોય, પણ તો પછી છોડી દીધેલાં ૩૦ ટકા સૉનેટ સમાવી લઈને સંપૂર્ણ સૉનેટ-સંચય જ કરવો વધુ ઇષ્ટ નહીં? સુન્દરમ્‌ના ‘કસ્મૈ’માં અને ‘ઊર્મિ અને શિલા’ના પહેલા સૉનેટમાં અર્ધી લીટી વધારે છે. આ છૂટને સહેજ આગળ લઈ જઈએ તો ‘ઘણ ઉઠાવ’ને પણ સૉનેટમાં સ્થાન મળી શકે. પોતાના અભ્યાસલેખમાં પંક્તિસંખ્યા કરતાં અનુભૂતિને મહત્ત્વ આપી ‘બળતાં પાણી” (૧૫ પંક્તિ) અને ‘પુણ્યાત્મા’ (૧૩ પંક્તિ)ને સુરેશે સૉનેટ તરીકે જોયાં છે, છતાં સંચયમાં તો એમણે ૧૪ પંક્તિનાં સૉનેટનો જ સમાવેશ કરવાનો આગ્રહ રાખેલો જણાય છે. આમ છતાં ઉમાશંકરનું ‘જઠરાગ્નિ’ ખરેખર ૧૪ પંક્તિનું નથી. બે પંક્તિઓ અર્ધી છે એટલે ૧૩ પંક્તિ છે. એને સમાવેશ પામવાનો લાભ અપાયો તો ‘બળતાં પાણી’, ‘પીંછું’, ‘પુણ્યાત્મા’ જેવી રચનાઓને લાભ અપાવો જોઈતો હતો એમ લાગે. સંચયની પૂર્વે પ્રસ્તાવના રૂપે સૉનેટના સાહિત્યસ્વરૂપ, એના ઇતિહાસ તથા સુન્દરમ્‌-ઉમાશંકરનાં સૉનેટો વિશેનો ૫૮ પાનનો એક વિસ્તૃત અભ્યાસલેખ સુરેશ જોડ્યો છે. સૉનેટ વિશે અહીં તહીં થયેલી સર્વ વિચારણામાં સુરેશ સૉનેટના જેવી પ્રવાસવીરની અદાથી ઘૂમી વળ્યા છે, ઘણી સામગ્રી એકઠી કરી છે, સૉનેટ અંગેના બધા પ્રશ્નોને આવરી લીધા છે. પણ એમ લાગે છે કે સોનેટ અંગેના આ પ્રશ્નોનો ખરો મુકાબલો એમણે કર્યો નથી. દાખલા તરીકે સૉનેટના પ્રાસનો મુદ્દો. સ્વરૂપશુદ્ધિના કોઈ ખ્યાલથી પ્રાસનો આગ્રહ રાખવો કે પ્રાસને સ્થૂળ ગણી એનો પરિહાર કરવો સરળ છે. પણ પ્રાસ કેટલા અક્ષરના, કયા છંદમાપની પંક્તિને અંતે પ્રાસ, એની કાર્યસાધકતા શી અને કેટલી આ બધું સાથે જ વિચારવાનું રહે. કોઈપણ સાહિત્યપ્રકારનાં સર્વ અંગોનો સમન્વિત પ્રભાવ હોય છે અને હોવો જોઈએ. સૉનેટનાં સર્વ અંગોની ચર્ચા એમની પરસ્પર ઉપકારકતાની દૃષ્ટિએ થવી જોઈએ. ઉમાશંકરે સૉનેટ વિશે સવિસ્તર શાસ્ત્રીય ચર્ચા કરેલી જ છે અને કેટલોક મહત્ત્વનો ઊહાપોહ પણ કર્યો છે. એના પછી સૉનેટ વિશે લખનાર પાસે એ ઊહાપોહનો અંચલ પકડી આગળ જવાની અપેક્ષા આપણે રાખીએ. અહીં એવું કશું થયું નથી. સૉનેટના જુદાજુદા મુદ્દા અંગેના, ખાસ કરીને આપણા વિદ્વાનોના અભિપ્રાયો, લગભગ આખા ને આખા સુરેશે અહીં ઉતાર્યા છે એટલે સૉનેટ-વિચારણાનો એક સંચય આપણને મળે છે ખરો. સુરેશ શાસ્ત્રીય વિચારણાના ચોકઠામાં બંધાઈ રહે એવા નથી. એમનો કંઈક મુક્ત વિહાર છે. એટલે જ શેક્સપિઅર પછી સ્પેન્સરની વાત આવે છે. શરૂઆતમાં સૉનેટના ઇતિહાસને આલેખતાં એના સ્વરૂપ અંગે વાત થઈ ગઈ છે એ પાછી સ્વરૂપલક્ષણોની ચર્ચામાં પુનરાવર્તન પામે છે અને “સૉનેટ રચવું એટલે વમળનું કમળમાં રૂપાંતર કરવું”, “એક ઉત્તમ સૉનેટ લખવું એટલે જાણે કે યમુનાનાં વહેતા જળનાં બિંદુમાંથી સંગેમરમરના નાનકડા તાજમહાલનું સર્જન કરવું” જેવાં વાણીની છટાવાળાં વિચારસૂત્રો અત્રતત્ર વેરાયેલાં મળે છે. અવતરણો અને વાક્‌છટાયુક્ત કથનોથી છવાયેલો આ મુક્ત વિહાર આપણને એક મ્યુઝિયમ-દર્શનનો આનંદ આપે છે. એમાં પ્રશ્નોનો આગવો મુકાબલો નથી, પણ વિચારની ગંભીરતા નથી એમ નહીં કહી શકાય. ક્યાંક સરલીકરણ થઈ ગયું છે કે વિરોધાભાસ પ્રવેશી ગયો છે : “Whether or not the sonnet can bear any load of actual narration is questionable” એવી મુદ્દાની વિવાદાસ્પદતાને સ્વીકારીને ચાલતી રજૂઆત પછી સુરેશ તો ‘જ’ કારથી કહી નાખે છે : “કથાત્મક થવામાં નહીં પણ વિચાર અને ઊર્મિની સમતુલા જેમાં જળવાઈ હોય એવા ચિંતનાત્મક થવામાં જ સૉનેટનું સૉનેટપણું જળવાતું હોય છે” અને “સૉનેટમાળામાં કોઈ કથા કે કથાના અંશનું નહીં પણ એ કથા કે સાથે સંકળાયેલા પાત્રની ઊર્મિનું, એના મિજાજનું નિરૂપણ થતું હોય છે” એમ કહ્યા પછી થોડી જ વારમાં સુરેશ એમ કહી શકે છે કે “ઊર્મિ કે વિચારનું કથન અને કથા આ બન્નેની નાજુક ભેદરેખા સૉનેટમાળામાં ભાગ્યે જ જળવાઈ છે.” વિચારની ચોકસાઈનો આ અભાવ ખૂંચે એવો છે, આમ છતાં સૉનેટના સ્વરૂપ અંગેની જે સામગ્રી અહીં પ્રસ્તુત થઈ છે તે એક કાચા માલ તરીકે તો ખપ લાગશે જ. સૉનેટમાં છંદોમિશ્રણની વાત કરતાં છંદોના પ્રદર્શન જેવા પોતાના જ એક સૉનેટનું ઉદાહરણ આપવાની સુરેશની નિખાલસતા ગમી જાય એવી છે. સુરેશે મુક્ત સૉનેટ અને ગદ્ય સૉનેટની નોંધ લીધી તે સારું કર્યું છે, પણ એમ લાગે છે કે સૉનેટનાં એટલાંબધાં અંગોને આપણે બાહ્ય કે આકસ્મિક ગણી લઈએ છીએ કે પછી સૉનેટમાં કશું જ રહેતું નથી. પ્રાણતત્ત્વને નામે કશાકનો હવાલો આપણે આપ્યા કરીએ છીએ પણ એયે અનુભૂતિનો વિષય છે એમ કહી છૂટી જઈએ છીએ. પ્રાસ, છંદને જવા દઈએ તોયે સૉનેટના રચનાવિધાનની વિશિષ્ટતામાં ઊંડે ઊતરવા આપણે તૈયાર થતા નથી અને તેથી અંતે તો પંક્તિ-સંખ્યા જેવાં સ્થૂળ લક્ષણોથી જ કેટલીક વાર આપણે દોરવાવાનું રહે છે. નિરંજન ભગતના ‘કોલાબા પર સૂર્યાસ્ત’ એ સૉનેટને અહીં મિલ્ટૉનિઅન સૉનેટ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. ‘છંદોલય’માં એ સળંગ ચૌદ લીટીમાં છપાયું છે એ સાચી વાત છે, પણ એમાં તો મોટા ભાગનાં સૉનેટો એ જ રીતે છપાયાં છે. એમને મિલ્ટૉનિઅન ગણી લઈ એમની વિચારવ્યવસ્થાને તપાસવાનું આપણે છોડી દઈશું? અહીં સંપાદકે સહેજ સ્વતંત્ર રીતે વિચાર્યું હોત તો એમને ખ્યાલમાં આવત કે આઠ પંક્તિ પછી વર્ણનવિષયમાં સ્પષ્ટ વળાંક છે અને નવમી પંક્તિના આરંભના શબ્દ ‘ત્યાં તો’માં એ મૂર્ત પણ થયો છે. અનુભૂતિની બીજી જ કોટિ એ ખંડમાં નિરૂપાયેલી છે. એટલે આ પેટ્રાર્કન સૉનેટ જ છે. ‘એપોલો પર ચંદ્રોદય’ એ સૉનેટને મિલ્ટૉનિઅન તરીકે રજૂ કરી શકાયું હોત. આજ કારણે સુન્દરમ્‌-ઉમાશંકરનાં સૉનેટોની ચર્ચા કરતો ખંડ પ્રસ્તાવનાનો નબળામાં નબળો અને નિરાશાજનક ખંડ બની રહે છે. સૉનેટના સ્વરૂપની ૨૦-૨૫ પાનની ચર્ચા પછી “સૉનેટના સ્વરૂપની વ્યાખ્યાની ફૂટપટ્ટી લઈને સુન્દરમ્‌ અને ઉમાશંકરનાં સૉનેટને માપવાનું અને કયા ચોકઠામાં કયું બેસે છે, અને કોણે કેટલાં સૉનેટ લખ્યાં કે કેવાં સૉનેટ લખ્યાં એની યાંત્રિક મોજણી કરવાનું કે વિષયવાર વર્ગીકરણ કરવાનું કે પ્રમાણપત્ર આપવાનું અહીં નિર્ધાર્યું નથી.” તો પછી ભલા ભાઈ, કરવાનું રહ્યું શું? “સૉનેટના માધ્યમ દ્વારા અંતે તો કવિતા કઈ રીતે સિદ્ધ થાય છે અને કવિતા સૉનેટના માધ્યમ શી રીતે સાર્થક ઠેરવે છે” એ તપાસવા માટે પણ સૉનેટના માધ્યમને સમજવું તો પડે ને? સુરેશ દલાલનું સતત લક્ષ સૉનેટોમાંથી આ બન્ને કવિઓની જીવનદૃષ્ટિઓ તારવવા તરફ જ રહ્યું છે. “પોથીપંડિતોને... અસાહિત્યિક લાગે” એવી સુદરમ્‌-ઉમાશંકરના જીવન વિશેની કેટલીક વાતો એટલા માટે જ અહીં કરવાની ચેષ્ટા એ કરી શક્યા છે ને? આ કવિઓની જીવનદૃષ્ટિ વિશેનું કેટલુંક અર્થઘટન રસિક છે, ઉપયોગી હોવા પણ સંભવ છે, પણ સૉનેટના સાહિત્યસ્વરૂપના વિશિષ્ટ પ્રશ્નોના મુકાબલાને અભાવે આ બધું આડમાર્ગે ફંટાયા જેવું લાગે છે. સૉનેટમાં કથા, ઇતિહાસ, વર્ણનનો વિનિયોગ, પશ્ચાદ્‌દર્શન વગેરે અનેકવિધ પ્રકારની વળાંકરીતિઓ, વિચારના આરોહ-અવરોહ, અંતિમ યુગ્મક કે પંક્તિનાં ચોટચમત્કાર આદિ અનેક દૃષ્ટિએ સૉનેટોનું વિશ્લેષણ થઈ શક્યું હોત. ‘નર્મદ’ જેવાં કેટલાંક સૉનેટોમાં ઉમાશંકરે પેટ્રાર્કન સૉનેટના પ્રાસના મુખ્ય નિયમોને બરાબર સાચવ્યા છે એ પણ દેખાત. સૉનેટની વિશિષ્ટ કાવ્યઅસરને આ રીતે સમજાવવાનો પ્રયાસ કરવા જેવો હતો. અંતે આ સંચય ગમે તે કાવ્યોનો નથી પણ સૉનેટોનો છે એ કેમ ભુલાય? ‘સમન્વય’માં સંપાદિત સામગ્રી અને એની સમીક્ષાનો બરાબર સમન્વય થયેલો કદાચ ન લાગે તોપણ નવીન આયોજન, સ્વરૂપ-અભ્યાસનો ગંભીર સન્નિષ્ટ પ્રયત્ન અને એક કલાકૃતિ સમા આવરણ વડે આ સંપાદન વિશિષ્ટ ભાત પાડે છે એમાં શંકા નથી.

[૨૧, માર્ચ ૧૯૭૬; ‘ગ્રંથ’, મે ૧૯૭૬]