અનુષંગ/કવિતાનો કોશ
‘કવિતાનો આનંદકોશ’, લે. યશવંત ત્રિવેદી.
(અશોક પ્રકાશન, ૧૯૭૦. પા. ૧૫૨, રૂ. ૪)
આનંદ શ્રી યશવંત ત્રિવેદીના ચિત્તના આકાશમાં ભરાઈ રહ્યો છે અને આપણને સાંપડ્યો છે માત્ર કોશ. પ્રિયકાંતની ફૂલ વિશેની કવિતાની વાત કરતાં એવી બીજી કવિતાઓ અને કાવ્યપંક્તિઓ ટાંકવા માત્રથી શ્રી ત્રિવેદીને સંતોષ નથી થતો, તેઓ છેક “પુષ્પે પાને વિમલ હિમમોતી સરે...” એ બળવંતરાયની પંક્તિ સુધી પહોંચી જાય છે; એમાં ‘પુષ્પ’ શબ્દ છે ને! બેટાઈ અને વેણીભાઈની કવિતામાં લોકબાનીના શબ્દો કેવા આવે છે તે દર્શાવતાં દૃષ્ટાંતોનો ખડકલો તો આ લેખક કરે જ, પરંતુ મકરન્દની કવિતામાં મીઠો ઉપદેશ દેખાતાં ન્હાનાલાલથી નવકવિ સુધીની કવિતાની ઉપદેશાત્મક પંક્તિઓની સૂચિ કર્યા વિના એમને ન ચાલે. આંખ વિશેની વેણીભાઈની કવિતાનું વિવેચન કરતાં “આંખોમાં એનઘેન રમવાને આવ સજન!’ એ પંક્તિને વેણીભાઈએ ઝીલેલી આંખોની સોએક મુદ્રાઓ માંહેની એક તરીકે તેઓ નોંધી શકે છે. કવિતાની આવી પંક્તિઓ ટાંકતી વખતે એના ‘વિશિષ્ટ અર્થસંદર્ભ’નો ઉલ્લેખ કેટલીક વાર વિવેચક કરે છે, પણ ક્યાંયે એ વિશિષ્ટ અર્થસંદર્ભને તેઓ સ્ફુટ કરતા નથી. એટલે કવિતાનો કોશ આપણી સમક્ષ રજૂ થઈ રહ્યો હોય એવી જ લાગણી થાય છે. લેખકના અવતરણશોખનો એક સરસ નમૂનો આપીએ : “ગાંધીયુગના કવિની યાત્રા કશુંક (પરગજુ) થવાની હતી. કબીરેય કહ્યું હતું : ‘ઐસી કરની કર ચલો, તુમ હસે જગ રોય.’ કંઈક એવું કરી નાખવાની – અરે ડામરની સડક પર ગોટલો સુધ્ધાં થઈ જવાની – ઇચ્છા હતી કવિને.” કબીરજીને અહીં ખેંચી લાવવાની શી જરૂર હતી તે મને સમજાતું નથી. કવિતાનો આસ્વાદ કરાવવો એ કંઈ જેવીતેવી વાત નથી. You must be possessed and you must possess it. શ્રી ત્રિવેદી possess થયા હોય એવો સંભવ છે. કશાક ઘેનમાં તો એ છે જ. એમની ભાષા જ એની ચાડી ખાય છે, પરંતુ એમણે કવિતાને possess કરી હોય એવું લાગતું નથી. અવતરણોના ખડકલા અને અવારનવાર રિક્તતા, આનંદઘન વગેરે વિશે કરેલું વ્યાપક ચિંતન બાદ કરીએ તો કાવ્યોના સાર – paraphraseથી ભાગ્યે જ કંઈ વિશેષ અહીં છે. બેચાર ચમકારાઓ શોધતાં કદાચ જડે, પણ એથી શું વળે? સાર પણ કેટલેક ઠેકાણે ગેરરસ્તે દોરનારો બની ગયો છે. “હમ જમના કે તીર ભરત જલ, હમરો ઘટ ન ભરાઈ’નું વિવરણ એમ કરવામાં આવ્યું છે કે “પૂર્ણ પ્રેમ પાણીથીયે પાતળો છે. આવે આવે ને સરી જાય.” “રૂડા-રૂપાળા શઢ કો’કના શું કામના? પોતાને તુંબડે તરીએ –”નું વિવરણ કરતાં “પારકા મહેલ ભાળીને આપણી ઝૂંપડી બાળી ન નખાય.” એવું વાક્ય પણ લેખક લખી નાખે છે. ‘ઝીણા ઝરમર વરસે મેહ’ના વિવરણમાં કુમારિકા અને પ્રિયતમા વચ્ચે વિવેચક ઝોલાં ખાધા કરે છે અને કાવ્યમાં નિરૂપાયેલી ભાવાવસ્થાને ચોકસાઈથી પકડવામાં નિષ્ફળ જાય છે. ન્હાનાલાલના આ કાવ્યને ‘વર્ષાકાવ્ય’નું’ લેબલ લગાડનારને શું કહેવું? કવિતાવિવેચનનાં ઓજારો શ્રી ત્રિવેદી પાસે છે જ નહીં. માત્ર શબ્દો છે, સંજ્ઞાઓ છે, લેબલો છે. ‘શું શું સાથે લઈ જઈશ હું’માંની યાદીઓનો ઉલ્લેખ કરીને તેઓ કહે છે : “જીવનમાં શું શું સહુથી વધુ સૌન્દર્યમંડિત લાગ્યું છે તેના ભાવપ્રતીકો મૂર્ત કર્યે જાય છે.” આમાં ‘ભાવપ્રતીકો’ ક્યાં આવ્યાં? ‘ખીલા’ને કવિ ‘અછાંદસ’ કહે છે તે ખરેખર તો હરિગીતના પરંપરિત લયમાં છે. લેબલનો શોખ તો કવિ અને કાવ્યોની અપાયેલી ઓળખમાંથી જ વ્યક્ત થઈ આવે છે, પણ ‘એક્કેય એવું ફૂલ’ને માનવજાતિના વસિયતનામાની કવિતા પરાણે પણ કહી શકાય એવું નથી. ‘એ નિશાળ... એ સવાર’માં કૈશોર્ય છે, પણ મૌગ્ધ્ય હરગિજ નથી. પ્રિયકાન્ત ‘પરિશોધના કવિ’ છે એ પણ બહુ બેસતું નથી. મને સૌથી મોટો વાંધો તો શ્રી ત્રિવેદીની ભાષા સામે છે. એમાં શબ્દો નિરર્થક ખખડ્યા કરે છે, ક્યારેક વિસંગત બની જાય છે. “નિર્ભ્રાન્ત ભોળી શિશુસહજ લાગણીઓ’માં મને સ્વ-વિરોધ દેખાય, “ભાષાનો લાગણીબદ્ધ આવેશ” મને દુષ્પ્રયોગ લાગે. નીચેનાં વાક્યો પણ જુઓ. ઘણી છાપભૂલો બાદ કરતાં પણ વાક્યો કઢંગાં અને ગૂંચવાયેલાં રહી ગયેલાં જણાય છે. “ગાંધીયુગના કે પછીના કવિઓએ પ્રિયતમાને લલિતમધુરથી રંજિત કરી છે.” “સતી-જતિનાં તપ અને શિવલોચનનાં ઝળાંહળાં પેલાં સૂર્ય શિખર પર લઈ જઈને કવિતા હવે આંદોલ્યા કરે છે.” “તારા ઇંગિત પ્રમાણે જ મારું વિશ્વ સંચાલન કરે છે.” અસ્તિત્વ, આકાશ, સમગ્ર, ભીનાશ, આનંદઘન આદિ અનેક શબ્દો અહીં વારંવાર પ્રસંગે-અપ્રસંગે વપરાઈ-વપરાઈને લીસાલપટ થઈ ગયા છે. નવા શબ્દો ઘડતા-યોજતા શ્રી ત્રિવેદી ભાષા ઉપર જાણે અત્યાચાર કરી રહ્યા હોય એવું લાગે છે. વાક્યોની તર્કબદ્ધતાની વાત તો આપણે જવા જ દઈએ. શ્રી ત્રિવેદી લખે છે કે “પ્રશ્નોપનિષદ કહે છે કે ancient selfમાંથી જીવન પ્રગટે છે.” – કેમ જાણે પ્રશ્નોપનિષદ અંગ્રેજીમાં ન લખાયું હોય! મણિલાલ દેસાઈના ‘બોલ વાલમના’ને વિશે પણ લખે છે કે “...પણ વાલેરીએ કહ્યું છે તેમ આ ગીતનો નાદ-આંદોલ.... વર્તુળ્યા કરે છે.” – જાણે વાલેરીએ મણિલાલના ગીત વિશે ન લખ્યું હોય! શ્રી ત્રિવેદીની આ આસ્વાદપ્રવૃત્તિમાં કવિતાનો સીધો મુકાબલો છે જ નહીં. એ કેન્દ્રથી દૂર સરનારી છે. કેન્દ્રની આજુબાજુ ઘેરો ઘાલી કેન્દ્રને હાથ કરવાની ગતિ એમાં નથી. પરિણામે કાવ્યના મૂળભૂત વિશિષ્ટ સંવેદનને એ ભાગ્યે જ ઝીલી શક્યા છે અને પ્રકાશિત કરી શક્યા છે.
[‘ગ્રંથ’, ફેબ્રુઆરી ૧૯૭૧]