રામચન્દ્ર પટેલની કવિતા/બે આપણ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
બે આપણ

થયો ઊભો : તારું કુમકુમભર્યું કહેણ મળતાં-
પલાણ્યો, ચાલ્યો આઠ નવ નવ માઈલ રખડી
પહોંચ્યો મેળે : કાર્તિક પૂનમનું નૃત્યુ ઊછળે...
નદીના બે કાંઠે જનસમૂહ મ્હાલે હરખમાં.

હશે એમાં તારો રતનજડિયો દેહ ઊડતો
મળે તો!! ઘી મ્હેંક્યા, સુખડ મસળ્યા શ્વાસ ઉમટ્યા
ચડ્યો ધક્કે, ઠેલા બહુ બહુ નડ્યા, દોડું ચમકું
પડે ટૌકા, માંડુ નજર, નીકળે કોક કુંવરી.

બધાં સ્થાનો દેખ્યાં, જળથી પલળ્યો. ભૂખ તરસ્યો
ઢળ્યો દા’ડો, છેલ્લે પથ પર સખીવૃંદ વચમાં
જડી; ‘શોધી થાક્યાં...’ કહી સહજ તું સન્મુખ થઈ
ઊભી જાણે કે ત્યાં અધકચરું અંધારું ટહુક્યું...

દૃગો બબ્બે રોપી અણુઅણુમહીં કંપ પજળ્યાં,
નથી એવાં ક્યારેય પછી ફરી બે આપણ મળ્યાં.