રામચન્દ્ર પટેલની કવિતા/કંકુઢગલી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કંકુઢગલી

તમે પૂછ્યાગાછ્યા વગર ઊપડ્યા, ઘાટ જમના
નદીનો છોડીને ગગનગિરિનો મેઘ મથુરા
ગયો, માથે મૂકી બીજસરિખડી મોર ટિલડી.
વળી બંસી બાંધી નસનસ વડે નાભિ વચમાં.

ગમ્યાં કે ના મોહ્યાં સ્થળજળ બન્યાં સ્તબ્ધ, નભમાં
વહે ના અભ્રો ને પવન પણ ખાતો લથડિયાં...
-જતો કોઈ પંથી વળીવળીય થંભી નીરખતો...
બપૈયો બોલે ના ‘પિયુ’... શીદ ધરોઘાસ બળતું?

હવે શોધું, માંડું નજર અફળતા કનકવા
ન ભૃંગો ગુંજે, ના દહીં, મટુકીમાં માખણ તરે...
ભમે ગાયો, વેલી નહિ તરુ ચઢે : વૃંદ કપિનું
ન કૂદે નાચે, શું સુઘરીઘરમાં રાત ઊજળી?

કદંબોની છાયા નડતી, કરડે ગોકુલગલી,
તમે આવો સ્પર્શો, બની ગઈ હશું કંકુઢગલી.