મર્મર/લગની
Jump to navigation
Jump to search
લગની
નવી લગન શી લાગી
હૈયે લગ્ન અગન શી જાગી!
આશ્લેષે લેવાની જગને નવી ઝંખના જાગી.
બોલાવું સહુને કહી ‘આવો’
સૌની પર સ્થાપું મુજ દાવો
અધીર આજ છું દેવા ઉરની પ્રીત પૂરણ વણમાગી.
જડ ચેતન સહુના ટોળામાં
વિશ્વ તણા રંગીન મેળામાં
હૈયાંશું હૈયું ઘસવાની પ્રખર પિપાસા જાગી.
સમગ્ર મારા ઉરઅર્પણમાં
વિશ્વાન્તરના શુચિ દર્પણમાં
જોઈ તારી મતવાલી મૂરત બની રહું બડભાગી.