મંગલમ્/નૂતન વસંત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નૂતન વસંત



નૂતન વસંત


નૂતન વસંત નર્તન જાગે, વન વન બાગે બાગે,
નૂતન વસંત નર્તન જાગે.
કિલ કિલ ગુંજે અલી ગુંજારવ મદભર મત્ત પરાગે,
સ૨વ૨ ઊઘડે કમલ કટોરી, કિરણ સ્પર્શ અનુરાગે.
…નૂતન૦
લજ્જા ભારે લચી મંજરી સુરભિત નવ સુહાગે,
સઘન ઘટામાં મગન કોકિલા કૂજે પંચમ રાગે.
…નૂતન૦
કેસૂડાની કલગી ખોસી, કોક કનૈયો આવે,
વગડાનો મારગડો રોકી, ગોરસ મીઠાં માગે,
…નૂતન૦
અગન રંગની ગગન ઘેરતી, ઝલક છલકતી આવે,
ઢોળાતી આવે ધરતીમાં, મનને મુકુલિત બાગે.
…નૂતન૦
થંભે વહેતી ઝરણ ઝાંઝરી, હરણ તરણને ત્યાગે,
દિશ દિશ બજતી ગહન બંસરી, જલથલ વિંધી વાગે.
નૂતન વસંત નર્તન જાગે.

— બાલમુકુંદ દવે