મંગલમ્/વાયરા વસંતના
ઋતુ અને પર્વ ગીતો
વાયરા વસંતના
વાયરા વસંતના
વાયરા વસંતના વાય રે એક ડોલે રે મંજરી.
ડોલે છે મંજરી, ફોરે છે મંજરી
ફાગણના સંદેશા પાઠવે છે મંજરી
કામણ કરીને તું રાચતી રે — એક ડોલે છે મંજરી
હૈયાના કોડ એને કંઈ કંઈ હિલોળે
માનવના દિલડાને રંગે ઝબોળે
આતમના ગાનને લાવતી રે — એક ડોલે છે મંજરી
સૂરજના તેજે દિલને તપાવતી
અંતરની ફોરમે સહુને પમરાવતી
કોકિલની બંસરી બજાવતી રે — એક ડોલે છે મંજરી
કૂણી કળીઓમાં જાદુ જગાવતી
લાડકા અનિલને હેતથી ઝુલાવતી
બાજંતી ગાજંતી ખંજરી રે — એક ડોલે છે મંજરી
આનંદના પારાવારે ખેલતી રે
એક નાનકડી મંજરી
વાયરા વસંતના વાય રે — એક ડોલે છે મંજરી.