બાળ કાવ્ય સંપદા/મેઘધનુષ પર જાવું છે
મેઘધનુષ પર જાવું છે
લેખક : હેમેન શાહ
(1957)
આભ નહીં સંભાળી શકશે
કારણ કે એ ભોળું છે,
વરસાદ છે કે તોફાન કરતા
છોકરાંઓનું ટોળું છે !
શાંત સરોવર ઉપર લખાતું
છાંટાનું જોડકણું છે,
છબાક છબ છબ કરતું કેવું
ખાબોચિયું બોલકણું છે!
પહેલાં તો ચૂપચાપ બધા
આખો ઉનાળો રઝળે છે,
પછીથી વૃક્ષો, ઘર ને રસ્તા
મન મૂકીને પલળે છે!
નેવાંથી પડતાં ટીપાનું
નાનકડું ગીત ગાવું છે,
પાણીની સીડીથી મારે
મેઘધનુષ પર જાવું છે!
આવે વખતે ચોપડીઓમાં
કયાં મોં ઘાલી રહેવું છે,
એકબીજાને મળી અને
‘“વરસાદ મુબારક’” કહેવું છે !