પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/અનુલેખ : કૅથાર્સિસ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અનુલેખ : કૅથાર્સિસ

કૅથાર્સિસ એટલે લાગણીઓની અતિશયતા અને અનૌચિત્યને નિવારી એની પ્રમાણસરની ને યોગ્યતાયુક્ત સ્થિતિ નિપજાવવી એવો અર્થ લેતાં આપણે એ મુશ્કેલી અનુભવેલી કે કાવ્ય પાસે જનારા બધા લોકો કંઈ લાગણીઓની અતિશયતાથી પીડાતા નથી હોતા. એટલે કાવ્યનું આ કાર્ય થોડા લોકો પૂરતું જ રહેવાનું. માટે કૅથાર્સિસજન્ય આનંદને આપણે આકસ્મિક આનંદ કહેલો અને ઍરિસ્ટૉટલ જેવા તત્ત્વવિચારક આવી આકસ્મિકતાને ટ્રૅજેડીની વ્યાખ્યામાં સમાવેશ કેમ આપે એની વિમાસણ વ્યક્ત કરેલી. પછી કૅથાર્સિસ, અનુકરણ અને આનંદને જોડી આપતો ને એ રીતે કૅથાર્સિસને કાવ્યના એક અનિવાર્ય ઘટક તરીકે સ્થાપતો એક વિચાર કેવળ તર્ક રૂપે રજૂ કરેલો. પાશ્ચાત્ય વિવેચનમાં પણ, આધુનિક સમયમાં આ દિશામાં વિચારણા થઈ છે તેની, હવે, ખાસ નોંધ લેવી જોઈએ. સ્ટીફન હૅલિવેલ કૅથાર્સિસને મનોવૈજ્ઞાનિક પ્રકારની અને ટ્રૅજેડીની લાગણીઓના અનુભવની અસરને નિર્દેશતી સંજ્ઞા માને છે. એમની દૃષ્ટિએ ટ્રૅજેડીની વ્યાખ્યામાં એનું સ્થાન એમ દર્શાવે છે કે ઍરિસ્ટૉટલના ટ્રૅજેડીના સિદ્ધાંતને એક સબળ પ્રભાવલક્ષી પરિમાણ છે. પણ તેઓ કહે છે કે ટ્રૅજેડીનું કૅથાર્સિસ ધાર્મિક આવેશથી જુદા પ્રકારનું છે. એ અનુકરણાત્મક કલાનો એક સભાન જ્ઞાનાત્મક અનુભવ છે અને એમાં જે લાગણીઓ ઉદ્‌બુદ્ધ થાય છે તે ઘટનાનિરૂપણ દ્વારા યોગ્યતાપૂર્વક અને ન્યાય્ય રીતે ઉદ્‌બુદ્ધ થયેલી હોય છે. ટ્રૅજેડીની વસ્તુરચનામાં કાર્યકારણભાવની એકતાના સિદ્ધાંતો પ્રવર્તે છે, જે એને સાર્વત્રિક બુદ્ધિગમ્યતા અર્પે છે. અનુકરણાત્મક પ્રસ્તુતિમાં નિબદ્ધ થયેલી સાર્વત્રિકતાઓની સમજ પર આધારિત ટ્રૅજિક અનુભવ જ્ઞાનાત્મક તેમ ભાવાત્મક ઉભય પ્રકારનો છે. કૅથાર્સિસ સમગ્ર ટ્રૅજિક અનુભવથી અલગ પાડી શકાય એવી વસ્તુ નથી. કૅથાર્સિસનો ટ્રૅજેડીમાંથી પ્રાપ્ત થતા આનંદ સાથે પણ નિકટનો સંબંધ માનવો જોઈએ, કેમ કે ટ્રૅજિક લાગણીઓના કેન્દ્રરૂપ જે ક્રિયા છે તેના બોધમાંથી જ ટ્રૅજેડીનો આનંદ જન્મે છે. કૅથાર્સિસ અને ટ્રૅજિક આનંદ બન્નેની આધારભૂમિ ટ્રૅજેડીના આત્મારૂપ વસ્તુરચના જ છે. કૅથાર્સિસ કોઈક રીતે લાગણી અને બુદ્ધિની નૈતિક એકરેખતા-સમરેખતા પ્રેરી શકે, કેમ કે ટ્રૅજેડી કરુણા અને ભયની લાગણી યોગ્યતાપૂર્વક જગાડે છે. (ઍરિસ્ટૉટલ્ઝ પોએટિક્સ, પૃ. ૨૦૦-૦૧) લિઑન ગોલ્ડન તો ટ્રૅજેડીની વ્યાખ્યામાંના કૅથાર્સિસના ઉલ્લેખવાળા વાક્યખંડનો અનુવાદ જ એમ કરે છે કે “કરુણાજનક અને ભયજનક ઘટનાઓના નિરૂપણ દ્વારા આવી કરુણાજનક અને ભયજનક ઘટનાઓનું કૅથાર્સિસ સાથે છે.” વિવરણકાર હાર્ડિસન આની સમજૂતી આપતાં કહે છે કે સામાન્ય રીતે કૅથાર્સિસને પ્રેક્ષકોની માનસિકતા સાથે સાંકળવામાં આવે છે. ટ્રૅજેડીમાં શું બને છે તેની સાથે નહીં. પણ ‘પોએટિક્સ’ ટ્રૅજેડીના સ્વરૂપ વિશેનો, એના રચનાવિધાનને અનુલક્ષતો પ્રબંધ છે. પ્રેક્ષકના પ્રતિભાવો વિશેનો ગ્રંથ નથી. તેથી કૅથાર્સિસને લાગણીઓ સાથે નહીં, ઘટનાઓ સાથે સાંકળવું જોઈએ. ટ્રૅજિક આનંદને પણ ઍરિસ્ટૉટલ ઘટનાપ્રપંચમાંથી જન્મતો લેખે છે. એ ઘટનાનિરૂપણમાંથી પ્રાપ્ત થતા શિક્ષણનો, જ્ઞાનનો એ આનંદ હોય છે. ટ્રૅજેડીનો રચનાર કરુણાજનક અને ભયજનક બનાવોને એવી રીતે પ્રસ્તુત કરે છે કે જેથી સંભવિતતાના અને આવશ્યકતાના સિદ્ધાંતો પ્રગટ થાય. એ સિદ્ધાંતો એ બનાવોને એક ક્રિયા રૂપે સંયોજે અને આદિથી અંત સુધી એ ક્રિયા સાથેનો એ બનાવોનો સંબંધ પ્રદર્શિત કરે. બનાવો વિશદીકરણ – નિર્મલીકરણ પામે છે – એ અર્થમાં કે સાર્વત્રિકતાની દૃષ્ટિએ એમના પરસ્પરના સંબંધો વ્યક્ત થાય છે. આ બનાવોનું કૅથાર્સિસ નાયકના ચરિત્ર અને પરિણામ વચ્ચેનો સંગતિ-સંબંધ ભાવક પ્રત્યક્ષ કરે છે અને ચરિત્ર તથા નિયતિના સંબંધ વિશે કંઈક જાણતો થાય છે. આ સ્થિતિ ભાવકની કરુણા અને ભયની લાગણીઓને નિર્મૂળ ન કરે, તોપણ એમાં ઘટાડો કરે છે. કરુણા અને ભયની લાગણીઓનો આ ઘટાડો ટ્રૅજેડીની ઉપપેદાશ છે, એનું લક્ષ્ય તો પેલો જ્ઞાનપ્રાપ્તિનો આનંદ જ છે. (લિઑન ગોલ્ડન અને ઓ.બી. હાર્ડિસન, ઍરિસ્ટૉટલ્ઝ પોએટિક્સ, પૃ. ૧૧૬-૧૯)