પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/સાહિત્યવિવેચનમાં નવી હવા ને નવી ભાષા
પ્લેટો-ઍરિસ્ટૉટલ પછી લૉંજાઇનસમાં આપણે આવીએ છીએ ત્યારે એક નવી, તાજી હવાનો આપણને અનુભવ થાય છે. પ્લેટો-ઍરિસ્ટૉટલે નહોતા વિચાર્યા એવા સાહિત્યના પ્રશ્નો લઈને એ આવે છે અને એ પ્રશ્નોને એ નવીન, મૌલિક રીતિએ છણે છે. સાહિત્યવિવેચનમાં જાણે એક નવો અવાજ અને એક નવી ભાષા આપણને સાંભળવા મળે છે. પ્લેટોએ કવિતાનો વિચાર જીવન, નીતિ, સત્ય વગેરેના સંદર્ભમાં કર્યો હતો. એટલે કે કવિતાનું વિશ્વયોજનામાં, ખાસ કરીને આદર્શ રાજ્યમાં શું સ્થાન, એની ચિંતા એમણે કરી હતી. ઍરિસ્ટૉટલ પણ આ સંદર્ભને ટાળી શક્યા નહોતા. લૉંજાઇનસ કવિતા જીવનથી કોઈ વિચ્છિન્ન પદાર્થ છે એમ માનતા નથી, મૂલ્યનિષ્ઠ પ્રજાજીવનમાં જ ઉચ્ચ કવિતાનો સંભવ એ માને છે. પરંતુ એમણે પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું કવિતા – ખાસ કરીને ઉચ્ચ કવિતા – કેવી રીતે સર્જાય છે અને કેવી રીતે આપણને પ્રભાવિત કરે છે એ સમજવા-સમજાવવામાં એટલે કે એમણે કવિકર્મનું વિશ્લેષણ કર્યું. પ્લેટોએ કવિતાની અનિષ્ટતા દર્શાવી, ઍરિસ્ટૉટલે કવિતાનો પક્ષ કર્યો, તો લૉંજાઇનસે કવિતા શું છે એની જ વાત કરવાનું રાખ્યું. એમ કહી શકાય કે પ્લેટો કવિતાની સામે હતા, ઍરિસ્ટૉટલ કવિતાની સાથે હતા, ત્યારે લૉંજાઇનસ કવિતાની અંદર વિચરે છે. કાવ્યવિચારમાં પ્લેટો-ઍરિસ્ટૉટલનો અભિગમ તત્ત્વવૈજ્ઞાનિક હતો, લૉંજાઇનસનો અભિગમ વ્યવહારુ છે – એ લેખકો-વાચકોને ઉચ્ચ સાહિત્યની ઓળખ આપવા તાકે છે અને એ માટે સાહિત્યકૃતિના ગુણદોષો વર્ણવી બતાવવા ચાહે છે. પ્લેટો-ઍરિસ્ટૉટલે વિભાવનાઓ સાથે કામ પાડ્યું, ત્યારે લૉંજાઇનસ કામ પાડે છે વસ્તુ સાથે. આથી જ. લૉંજાઇનસની શૈલી પ્લેટોની જેમ વાદવિવાદાત્મક કે ઍરિસ્ટૉટલની જેમ વ્યાખ્યાવિવરણાશ્રયી બનવામાંથી બચી જાય છે. એમાં તર્કકઠોરતા ને શુષ્કતા નહીં, પણ જીવંતતા અનુભવાય છે, લૉંજાઇનસનો પ્રબંધ કોઈ પ્રતિસ્પર્ધી સાથેનો મુકાબલો નથી કે નથી વિદ્યાર્થીઓને કરાવવામાં આવેલી વર્ગનોંધ. એ છે એક શિષ્ય સાથેની મિત્રભાવે કરેલી ગોષ્ઠી – એને પત્ર રૂપે એ લખાયેલ છે. એથી એમાં અભિવ્યક્તિની મોકળાશને અદ્ભુત અવકાશ મળ્યો છે. પૂર્વે થયેલી વિચારણા કે પ્રચલિત સમજથી પોતે શું જુદું વિચારે છે એ કહેવાતું જાય છે, દાખલાઓ અપાતા જાય છે, એનું વિશ્લેષણ થતું જાય છે, એમાં પ્રસંગોપાત્ત આલંકારિક વાણીનો ને વ્યંગકટાક્ષનો આશ્રય લેવાતો જાય છે, ક્યારેક અંગત લાગણી – ઉમળકાની કે અવસાદની, તોષની કે રોષની – પણ ડોકાઈ જાય છે, વિષયાન્તર છૂટથી થયાં કરે છે અને વચ્ચેવચ્ચે વિચારસ્ફુલ્લિંગ – સ્મરણીય માર્મિક સૂક્તિઓ રૂપે – વેરાતાં જાય છે. લૉંજાઇનસનું નિરૂપણ સ્પષ્ટરેખ ન લાગે, ક્યાંક સંદિગ્ધ લાગે, થોડું શબ્દાળુ લાગે, પણ એની પ્રભાવકતા નિર્વિવાદ છે, લૉંજાઇનસમાં જે અનૌપચારિકતા, આત્મીયતા, ઉત્સાહ, સહજતા, મુક્તતા અને વિચારવ્યાપ જોવા મળે છે એ અત્યંત આસ્વાદ્ય બની રહે છે. લૉંજાઇનસ પાસેથી કેટલોક મહત્ત્વનો સાહિત્યવિચાર આપણને મળે છે. તેમ છતાં સિદ્ધાંતચર્ચા એમના ગ્રંથમાં ઘણો ઓછો ભાગ રોકે છે, વિસ્તારથી તો એમાં પ્રત્યક્ષ કૃતિવિવેચન જ થયું છે. આ કૃતિવિવેચન એમનાં વિશાળ વાચન, ખરી સહૃદયતા અને ઉદાર રુચિનું વિસ્મયકારી દર્શન આપણને કરાવે છે. એ હોમરથી માંડીને પહેલી સદી સુધીના સર્વ લેખકો-વક્તાઓને તથા ઊર્મિકાવ્ય, મહાકાવ્ય, નાટક, સંવાદ, ભાષણ આદિ સૌ અભિવ્યક્તિપ્રકારોને આવરી લે છે. હિબ્રૂ સાહિત્યને પણ એમાં નિષિદ્ધ ગણવામાં નથી આવ્યું – બાઇબલની એક ઉક્તિની એમાં સગૌરવ નોંધ લેવામાં આવી છે, આ કૃતિવિવેચનમાં ગુણદોષની ચર્ચા માટે ઉદાહરણોને સામસામાં અથડાવવામાં આવ્યાં છે તે બતાવે છે કે વિવેચકે કૃતિને કેવી સતેજ અને બારીક દૃષ્ટિથી જોઈ છે, વિચારી છે. સાહિત્યવિચારમાં આવી ને આટલી કૃતિનિષ્ઠતા લૉંજાઇનસ પૂર્વે તો નહોતી જ; પછી પણ ઘણી વિરલ છે. (આપણને ભારતીયોને માટે, અલબત્ત, આ બાબત એટલી અસાધારણ નથી, કેમ કે સંસ્કૃતમાં કાવ્યવિચાર હંમેશાં કૃતિવિવેચનનો આધાર લઈને જ થતો રહ્યો છે.) વિવેચનની કંઈક નવી ભાષા, વૈયક્તિક મુદ્રાથી અંકિત અભિવ્યક્તિ, પ્રત્યક્ષ કૃતિવિવેચનનો બહોળો આશ્રય અને પહેલી વાર ઊઘડતી સાહિત્યના તુલનાત્મક અભ્યાસની દિશા લૉંજાઇનસમાં આપણને આધુનિકતાનો ભાસ કરાવે છે અને એમને “પ્રાચીન વિવેચકોમાંના સૌથી આધુનિક વિવેચક” તરીકેની પ્રતિષ્ઠા અપાવે છે. લૉંજાઇનસનું વિવેચક-વ્યક્તિત્વ કંઈક અનેરું છે. એમાં એવાં પાસાં જોવા મળે છે, જે પરસ્પરવિરોધી પણ લાગે. કવિતામાં વિચારશક્તિ (કલ્પકતા) અને ભાવાવેગનું સવિશેષ મહત્ત્વ કરતા અને એનાં મૂળ કવિ-આત્મામાં જોતા લૉંજાઇનસ અંગ્રેજ રૉમેન્ટિક (કૌતુકરાગી) કવિ-વિવેચકોને પોતીકા લાગ્યા, તો કવિતાને વસ્તુ રૂપે જોઈ એની રચનાકળાનું વિશ્લેષણ કરતા લૉંજાઇનસમાં નવ્ય વિવેચકોને પોતાનાં મૂળિયાં દેખાયાં. વારંવાર અતિશયતાથી બચવાની શીખ આપતા અને વિવેકની પાળો બાંધતા, કલાનિયમોનું શાસન સ્વીકારતા લૉંજાઇનસમાં વળી, આપણને ક્લેસિકલ (સૌષ્ઠવરાગી) મનોવલણની ઝાંખી થાય. કવિવાણીને પ્રેરિત માનવામાં અને કવિતા વિશે એક જાતના આવેશથી વાત કરવામાં લૉંજાઇનસ પ્લેટોની સાથે બેસતા લાગે છે. તો કાવ્યઘટનાનું બુદ્ધિગમ્ય વર્ણન કરવામાં એ ઍરિસ્ટૉટલની પરંપરામાં ગોઠવાતા લાગે છે. લૉંજાઇનસ કવિતાના ગુણલક્ષણોનું માત્ર વર્ણન કરતા નથી, એ વિશેના એક ભાવક તરીકેના પોતાના મનોભાવો પણ વ્યક્ત કરે છે અને સાહિત્યની ઉત્કૃષ્ટતાની કસોટી ભાવકમાં એ કેવી લાગણી જગાડે છે એને આધારે કરે છે એમાં પ્રભાવપરક કાવ્યવિચાર (અફેક્ટિવ થિઅરી ઑવ્ પોએટ્રી) સૌપ્રથમ વ્યક્ત થતો આપણે જોઈ શકીએ છીએ, તો બીજી બાજુથી ભાવકની લાગણીને કાવ્યના વસ્તુલક્ષી ગુણો સાથે સાંકળવામાં આવી હોવાથી આ કાવ્યવિચાર કેવળ છાપગ્રાહી વિવેચન (ઇમ્પ્રેશનિસ્ટિક ક્રિટિસિઝમ) બનવામાંથી બચી ગયો છે એ પણ આપણે સ્વીકારવાનું રહે છે. ખરી વાત એ છે કે લૉંજાઇનસની નજરમાં સમગ્ર કાવ્યપ્રક્રિયા છે, જેને એક છેડે છે સર્જકઆત્મા, જે કાવ્યનું મૂલબિંદુ છે, બીજે છેડે છે ભાવક, જ્યાં કાવ્યની પરિણતિ – સાર્થકતા છે, ને વચ્ચે છે કાવ્યપદાર્થ જે પોતાના ગુણલક્ષણોએ કરીને સર્જક અને ભાવકને જોડે છે. લૉંજાઇનસની વિચારણા સતત સર્જક, કૃતિ અને ભાવકને સ્પર્શતી રહે છે તેનું આ કારણ છે. એમાં કોઈને કાવ્યવિવેચનનાં ધોરણો બદલાતાં લાગ્યાં છે, પણ એ એકાંગી ન બનવા ચાહતી, અખંડતાલક્ષી કાવ્યદૃષ્ટિ છે. એકરૂપતા કેટલીક વાર એકાંગિતાને કારણે પ્રતીત થતી હોય છે. અહીં એવી એકરૂપતા નથી. અને લૉંજાઇનસના મનનો સઘળો વિચારસંદર્ભ લક્ષમાં લઈએ ત્યારે મૂલ્યાંકનનાં ધોરણો પરસ્પર ટકરાતાં નહીં પણ પરસ્પર પૂરક થતાં જોઈ શકાય છે. લૉંજાઇનસે શબ્દ, વાક્ય, અલંકાર વગેરે ઉક્તિ-અંગોની જે વિસ્તારથી વાત કરી છે એમાં ગ્રીક વક્તૃત્વશાસ્ત્રનો પ્રભાવ અવશ્ય છે. ઉપરાંત, એમણે આ ગ્રંથમાં માત્ર કવિઓને અનુલક્ષીને નહીં પણ વક્તાઓને અનુલક્ષીને વાત કરવાનું પણ સ્વીકાર્યું છે. આથી લૉંજાઇનસ વક્તૃત્વશાસ્ત્રી પહેલાં અને કાવ્યશાસ્ત્રી પછી એવી છાપ પડવા સંભવ છે. પણ એ ભૂલવું ન જોઈએ કે વક્તૃત્વ અને કવિતાને લૉંજાઇનસ અવારનવાર જુદાં પાડતા રહ્યા છે અને એ બન્નેનાં ધોરણો અલગ હોવાનો સંકેત એ આપતા રહ્યા છે. એટલું જ નહીં, સમગ્રપણે જોતાં એમના ગ્રંથના કેન્દ્રમાં વક્તૃત્વ નથી પણ કવિતા છે એમ આપણને પ્રતીત થયા વિના રહેતું નથી. એમણે જે ઉક્તિવિશ્લેષણ કર્યું છે તે કાવ્યના તો સ્થૂળ અંગને સ્પર્શે છે એમ કોઈને લાગ્યું છે પણ એને વક્તૃત્વશાસ્ત્રના કાવ્યશાસ્ત્રમાં થયેલા કાર્યસાધક વિનિયોગ તરીકે જોઈ શકાય છે, અને એ રીતે, એમાં આધુનિક શૈલીવિજ્ઞાનની ઝાંખી થતી લેખી શકાય છે. લૉંજાઇનસના ગ્રંથને વક્તૃત્વશાસ્ત્રનો ગ્રંથ માની બાજુ પર મૂકી શકાય એવું નથી જ. બેશક, લૉંજાઇનસમાં પ્લેટો-ઍરિસ્ટૉટલની દાર્શનિક પ્રતિભા નથી, કવિતાના અસ્તિત્વવિષયક પાયાના તાત્ત્વિક પ્રશ્નોનો મુકાબલો કરતા એ દેખાતા નથી. આથી, લૉંજાઇનસની વિચારણામાં ગહનતા ને સંકુલતાનો અભાવ વરતાય છે, કંઈક સીમિતતા આવી છે. પ્લેટો-ઍરિસ્ટૉટલ આપણી બુદ્ધિને જે ખોરાક પૂરો પાડે છે એવો લૉંજાઇનસ પૂરો પાડતા નથી. પણ લૉંજાઇનસ પોતીકી એક દૃષ્ટિ લઈને આવે છે. કવિતાનાં જુદાંજુદાં ઘટકો ને પાસાંઓ વિશે એમની પાસે, આપણને અપીલ કરે એવું કંઈક ને કંઈક કહેવાનું છે અને એ આપણી સહૃદયતાને અજવાળે છે. આ બધું એમને ઍરિસ્ટૉટલ પછીના, પ્રાચીનકાળના એક કે એકમાત્ર મોટા વિવેચક તરીકે અવશ્ય સ્થાન અપાવે છે. આજે આપણને રસ પડે એવું ઘણું તો લૉંજાઇનસમાંથી જ આપણને સાંપડે છે એ એમની અદકેરી સિદ્ધિ છે.