જાણ્યા છતાં યે—
જાણ્યા છતાં યે થઈને અજાણ્યાં
પૂછી રહ્યાં છો ઉરનું રહસ્ય;
તો હું ય કહેવા તલસી રહ્યો છું
ન પ્રેમીઓને પુનરુક્તિકલેશ.
જે પદ્મકોશે મધુમત્ત ભૃંગ
ગુંજી રહ્યો એકનું એક ગીત;
ન એ રહેશે મૂક જ્યાં લગી ના
આશ્લેષમાં જંપી જશે દિનાન્તે.
જો સિન્ધુ આ મંદ્ર ઘડીક રુદ્ર
રવે રહ્યો ગાઈ પુરાણું સૂત્ર,
સાવેશ આશ્લેષ વિષે વસુંધરા
સમાવવા જે ધસતો સવેગ.
જાણ્યા છતાં યે બધું, થૈ અજાણ્યાં
તમે પૂછો છો, કહું છું ફરી ફરી
સોલ્લાસ હું ને સૂણતાં તમે યે
એમાં ન શું વ્યક્ત થતું રહસ્ય?