વિવર્ત
તું જ્યાં લગી કુસુમ શી હતી ગંધપૂર્ણ,
નાનાં સુકોમલ દલે હસતી સુરમ્ય;
તારી મીઠી મહક લૈ નિજ સ્વૈર માર્ગે
હું વાયુની લહર શો ભમતો સદૈવ.
તું પકવ ને મધુર કો ફલની રસશ્રી
ધારી હવે લચી રહી નિજ ભારથી જ.
જે એકદા દલની સંપદને મનસ્વી
વેરી જતી'તી અવ તે શી સલજ્જ સ્વસ્થ!
તારું કશું પ્રગટવું નવ જન્મ રૂપે!
(જ્યાં પાછલી સ્મૃતિ, પિછાન તણો ન અંશ)
તું સ્થાણું તે ય ગતિ કાલ મહીં કરી ગૈ,
ને હું વહું તદપિ છું ન વિવર્તશીલ!
તું ગીત; સૂરતણી ચંચલ તારી ચાલ :
ને હું મૃદંગ પરનો સમ વેળ તાલ!
૨૪-૫-૫૦