ધ્વનિ/વય સંધિકાલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વય સંધિકાલ

પ્રિય! તવ વય સંધિકાલ.
ક્ષિતિજને મધુવને ઊડે છે ગુલાલ,
સમોહિત ઉરે મુજ પ્રગટે છ વ્હાલ.

તું ન કલિ,
નહિ ફૂલ દલ દલ ફુલ્લ.
આધેક તે નિમીલિત દૃગ જેવું મનોહર
પ્રિય! તું તો અર્ધ વિકસિત છો મુકુલ.

તવ રૂપ રંગ તણી ઝલમલ જ્યોતિ પર
નેણ મારાં ઝૂકી જાય છે સલભ સમ,
તવ મધુ ગંધ તણ અકલિત અમલથી
મૂરછિત બની ઢળી જાય મુજ મન.
જલના સુનીલ નીચોલની આછી લ્હેર મહીં.
સોહે તું મૃણાલ,
પ્રાણનો મધુમ મારો તારી ચહુઓર ભમે
આનંદ ગુંજન કરી સાંજ ને સકાલ.

હે ચંચલ!
લોચન મીંચો ન,
આણો નહિ મુખ પર અવગુંઠન અંચલ.
સલજ શી તારી મુસકાન!
સાન થકી જાણે મને કરે છે સભાન.
જાણે રહે,
“તું છો આંહીં ઘરમાંહિ, બંધ કરી દ્વાર
તવ સંગ, એકાન્તે હું
વાસર પ્રદીપ તેજે ખેલું છું વિહાર.”

આનંદ હિલ્લોળે મારાં તંદ્રિત નયન
નીરખી રહે છે મુદમય કો સ્વપન.
૧-૮-૪૮