પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/કાવ્યનું ફલ : કૅથાર્સિસ

Revision as of 02:44, 28 April 2025 by Meghdhanu (talk | contribs) (Reference Corrections)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કાવ્યનું ફલ : કૅથાર્સિસ

કાવ્યસૃષ્ટિને ઍરિસ્ટૉટલ એકંદરે નીતિનિરપેક્ષ દૃષ્ટિએ જુએ છે; પરંતુ કાવ્યની ભાવકના ચિત્ત પર જે અસર પડે છે તે નૈતિક કે અનૈતિક હોઈ શકે એવું કંઈ ઍરિસ્ટૉટલ માને છે કે નહીં? યાદ હશે કે પ્લેટો લાગણીઓને હીન તત્ત્વ માનતા હતા અને કવિતા લાગણીઓને ઉત્તેજતી હોવાથી એને ત્યાજ્ય ગણતા હતા. ઍરિસ્ટૉટલ એમની ટ્રૅજેડીની વ્યાખ્યામાં કહે છે કે “(ટ્રૅજેડી) કરુણા અને ભયની લાગણીઓનું નિરૂપણ કરીને એ દ્વારા એ લાગણીઓનું ‘કૅથાર્સિસ’ સાધે છે.” ભલે પ્લેટોથી ઊલટું, પણ નૈતિક વલણ જ અહીં પ્રગટ થતું નથી દેખાતું? ઍરિસ્ટૉટલ કંઈ કવિતાને ત્યાજ્ય ગણતા નથી. તેથી અહીં પ્લેટોને જાણે એ કંઈક આવો જવાબ આપતા હોય એવું લાગે છે : “હા, તમારી વાત સાચી છે. કવિતા લાગણીઓને ઉત્તેજિત તો કરે છે; પરંતુ એ ઉત્તેજના ચિત્તને વિવશ બનાવવાને બદલે એ લાગણીઓનું જ કૅથાર્સિસ કરે છે. એટલે કવિતા કશી હાનિ કરતી નથી, એ તો હિતકારક છે.” એટલે કે પ્લેટોને મતે કવિતા નૈતિક દૃષ્ટિએ અહિતકર હતી, ઍરિસ્ટૉટલને મતે એ નૈતિક દૃષ્ટિએ હિતકર છે. એફ. એલ. લૂકસ, આથી, કહે છે કે ઍરિસ્ટૉટલ અહીં નીતિવાદી અને કાયદાશાસ્ત્રી તરીકે બોલી રહ્યા છે. સેઇન્ટ્‌સબરીને તો વ્યાખ્યામાં આવી હકીકતનો ઉલ્લેખ કરવો એ બિનજરૂરી અનુચિત અને અશાસ્ત્રીય લાગે છે. તેઓ કહે છે : “આ તો તમે અગ્નિની વ્યાખ્યા સંપૂર્ણપણે ભૌતિકશાસ્ત્રની સંજ્ઞાઓથી આપો, અને પછી કહો કે માંસને એ એને યોગ્ય રીતે પકવે છે એના જેવું થયું!” પણ ઍરિસ્ટૉટલની પોતાની દૃષ્ટિએ વ્યાખ્યામાં આવી વાતનો સમાવેશ કરવો એ કંઈ અશાસ્ત્રીય નથી. ઍરિસ્ટૉટલ જીવશાસ્ત્રી હતા એ અહીં ફરી યાદ કરવા જેવું છે. જીવશાસ્ત્રની દૃષ્ટિએ કોઈ પણ પ્રાણીનું વર્ણન એ પ્રાણી કઈ જાતનું છે, એના શરીરનું બંધારણ કેવું છે, એના અવયવો કેટલા છે અને કેવા છે એ રીતે કરો તે પૂરતું નથી. પોતાના નૈસર્ગિક વાતાવરણમાં એ શું કરે છે એ બતાવવું પણ જરૂરી છે. એના વિના એ પ્રાણી ખરેખર શું છે તે જાણી શકાય નહીં. તો એ રીતે ટ્રૅજેડી શું છે એ બરોબર જાણવા માટે, ઍરિસ્ટૉટલની દૃષ્ટિએ, ટ્રૅજેડી શું કરે છે એ પણ જાણવું જોઈએ.[1] ઍરિસ્ટૉટલ કાયદો ઘડતા નથી. એ તો હકીકતની માત્ર નોંધ લે છે. કવિતાએ જીવન પર કેવી અસર કરવી જોઈએ એવું એ કહેતા નથી; કવિતા જીવન ઉપર, લાગણીતંત્ર ઉપર આવી અસર કરે છે એટલું જ એ જુએ છે. કવિતાનું જીવનની દૃષ્ટિએ એ મૂલ્યાંકન કરતા નથી. કવિતાને જીવનના અનુલક્ષમાં એ તપાસે છે ખરા. ઍરિસ્ટૉટલનું દૃષ્ટિબિંદુ એટલે અંશે અહીં જીવનલક્ષી છે એમ કહી શકાય. કવિતા આપણા લાગણીતંત્ર ઉપર કંઈક ઇષ્ટ અસર પાડે છે એવું ઍરિસ્ટૉટલને અભિપ્રેત છે એમ આપણે કહ્યું, પરંતુ ઍરિસ્ટૉટલે તો “લાગણીઓનું કૅથાર્સિસ સાધે છે.” એટલું જ કહ્યું છે. આ કૅથાર્સિસ તે ખરેખર શું એનો સીધો, સ્પષ્ટ અને છેવટનો જવાબ આપવો મુશ્કેલ છે, કેમ કે ઍરિસ્ટૉટલે ‘પોએટિક્સ’માં એક જ સ્થળે આ સંજ્ઞા વાપરી છે અને ક્યાંયે એનું વિવરણ કર્યું નથી. ‘પોલિટિક્સમાં એ સંગીતના દૃષ્ટાંત સાથે કૅથાર્સિસની વાત કરે છે પરંતુ એ વિશે વીગતે ચર્ચા ‘પોએટિક્સ’માં આવશે એવો હવાલો આપે છે! અંતે, કૅથાર્સિસને સમજવા માટે આપણે ‘પૉલિટિક્સ’નો જ આધાર લેવાનો રહે છે. ત્યાં એ કહે છે : “કેટલાક લોકો પાછળ ઉલ્લેખેલી લાગણી (ધાર્મિક આવેશ)ને વશ થઈ જાય એવા હોય છે. પણ આપણે જોઈએ છીએ કે ધાર્મિક ઉત્તેજનાથી ચિત્તને ભરી દેતા સંગીતનો તેઓ જ્યારે ઉપયોગ કરે છે ત્યારે આ પવિત્ર સંગીતથી તેઓ પાછા પોતાની સ્વાભાવિક સ્થિતિમાં આવે છે; જાણે કે તેઓનો વૈદકીય ઉપચાર કરવામાં આવ્યો હોય અને તેઓએ કૅથાર્સિસ અનુભવ્યું હોય.” અહીં કૅથાર્સિસ સાથે બે વાત સંકળાયેલી દેખાય છે : એક તો, ધાર્મિક ઉત્તેજના જેવી લાગણી દૂર થવી; અને બીજું, લાગણી દૂર કરવા માટે એવી લાગણી ઉદ્દીપિત કરનાર વસ્તુનો ઉપયોગ કરવો. આ તો શરીરમાંના દોષને દૂર કરવા માટે એ દોષને મળતા ગુણધર્મોવાળી ઔષધિ વાપરવાની હોમિયોપૅથિક ઉપચારપદ્ધતિ જેવું થયું. આપણને કરડનાર કૂતરાનો વાળ લઈને સાજા થવા જેવું! ઍરિસ્ટૉટલ પોતે ઉપરના અવતરણમાં લાગણીતંત્રમાંના આ પરિવર્તનને વૈદકીય ઉપચાર અને એના પરિણામરૂપ કૅથાર્સિસ સાથે સરખાવે છે, અને ગ્રીક પ્રજામાં આવી વૈદકીય ઉપચારપદ્ધતિ અસ્તિત્વમાં પણ હતી. હિપોક્રેટીઝનાં લખાણોમાં કૅથાર્સિસ શબ્દ શરીરમાંના પીડાકારક વિદેશી તત્ત્વને દૂર કરવાના અર્થમાં વપરાયો છે જ. પ્લેટો પણ આ જાતની ઘટનાથી અજાણ નહોતા. એ બાળકોને મૌનથી નહીં પણ ગાનથી, હાથમાં શાંત રીતે ધારણ કરીને નહીં પણ ઝુલાવીને ઊંઘાડવાની રીતિનો ઉલ્લેખ કરે છે. તો પછી ઍરિસ્ટૉટલ પણ કવિતા લાગણીઓના નિરૂપણ દ્વારા લાગણીઓને જ દૂર કરે છે એમ કહેવા માગતા ન હોય? એટલે કે કાવ્યના ભાવકો જાણે લાગણીઓનો અનુભવ કરી, માનસિક સંતોષ મેળવી એમાંથી મુક્ત થઈ જતા હોય. લાગણીઓને અનિષ્ટ તત્ત્વ માનનાર પ્લેટોને આ એક યોગ્ય જવાબ ગણાય. પણ અહીં થોડી મુશ્કેલી છે. પ્લેટોની પેઠે ઍરિસ્ટૉટલ લાગણીઓને અનિષ્ટ માનતા નથી. ઊલટું, બધી લાગણીઓનું માનવજીવનમાં સ્થાન છે એમ એ માને છે. એટલે લાગણીમાંથી જ મુક્ત થવાની વાત ઍરિસ્ટૉટલની પોતાની વિચારસરણી સાથે સુસંગત નથી. તો પછી કવિતા દ્વારા લાગણીઓનું વર્જન થવાને બદલે લાગણીઓમાંના કોઈ અનિષ્ટ અંશનું જ વર્જન થતું માનવું? બુચર એમ માને છે કે કવિતા લાગણીઓમાંના – ખાસ કરીને કરુણા અને ભય જેવી લાગણીઓમાંના –પીડાકારક અંશને દૂર કરે છે અને એ જ કૅથાર્સિસનો અર્થ છે. લાગણીઓનો આ પીડાકારક અંશ કેમ દૂર થાય છે એ વિશેનો એમનો જવાબ એવો છે કે આ લાગણીઓ કાવ્યમાં આપણે અનુભવીએ છીએ ત્યારે એ અહંના ક્ષુદ્ર સ્વાર્થોથી મુક્ત હોય છે અને સાર્વત્રિક રૂપ પામેલી હોય છે. પરિણામે એ લગભગ બિનંગત લાગણીઓ બની જાય છે અને પીડાનો અનુભવ કરાવતી નથી. પીડાકારક લાગણીઓનો આપણે કાવ્યમાં કેમ આસ્વાદ લઈએ છીએ એના જવાબ રૂપે બુચરનો આ ખુલાસો સારો કહેવાય, પરંતુ એને ઍરિસ્ટૉટલનો અભિપ્રાય માનવામાં મુશ્કેલી છે. એક તો, કરુણા અને ભયની લાગણીઓમાં પીડાકારક અંશ છે એમ નહીં પણ એ પીડાના જ પ્રકારો છે એમ ઍરિસ્ટૉટલ કહે છે. પીડાનું તત્ત્વ નીકળી જતાં, તો પછી, એ લાગણીઓનું અસ્તિત્વ જ કેમ રહે? બીજું, ઍરિસ્ટૉટલની વ્યાખ્યા અનુસાર, ભયની લાગણી તો બીજાની આપત્તિને પણ જાણે કે આપણી હોય એવી રીતે અનુભવવાથી જન્મે છે. તો પછી એમાં બિનંગતતા કેમ સંભવે? ત્રીજું, ઍરિસ્ટૉટલ માત્ર કરુણા અને ભયની લાગણીઓનું જ નહીં, પણ ધાર્મિક આવેશ જેવી લાગણીનું પણ, કૅથાર્સિસ થતું જુએ છે. એમાં ક્યાં પીડાનો અંશ હોય છે? તો પછી ઍરિસ્ટૉટલની દૃષ્ટિએ લાગણીઓની કોઈ ઇષ્ટ સ્થિતિ છે ખરી, જે કાવ્ય દ્વારા સિદ્ધ થતી માની શકાય? આપણે આગળ કહ્યું કે ઍરિસ્ટૉટલ લાગણીઓને અનિષ્ટ ગણતા નથી. ઊલટું, બધી લાગણીઓ અનુભવવી જોઈએ એમ એ માને છે – ભય અને ક્રોધની લાગણીઓ પણ. “કશાથી ન ડરવું અને કશાથી ક્રોધિત ન થવું એ બરાબર નથી. એવી વસ્તુઓ પણ હોય છે કે જેનાથી ડાહ્યા માણસે ડરવું જોઈએ અને ક્રોધિત થવું જોઈએ.” પરંતુ લાગણીઓની ઇષ્ટતાની બાબતમાં ઍરિસ્ટૉટલ બે ધોરણો આપે છે : યોગ્યતા અને પ્રમાણસરતા. યોગ્યતાથી અને પ્રમાણસર રીતે અનુભવાતી કોઈ પણ લાગણી ઇષ્ટ છે. એવી રીતે લાગણી અનુભવવી એ સદ્‌ગુણ છે અને એ સદ્‌ગુણ કેળવવો જોઈએ. ‘એથિક્સ’માં એ કહે છે – “...મધ્યમસર સ્થિતિ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખવું એ સદ્‌વૃત્તિનું આવશ્યક લક્ષણ છે... દાખલા તરીકે, ભય અને વિશ્વાસ અને લાલસા અને ક્રોધ અને કરુણા – ટૂંકમાં આનંદ અને પીડા બન્ને ખૂબ વધારે અનુભવી શકાય અને ખૂબ ઓછાં પણ અનુભવી શકાય; અને એ બન્ને બાબતો સારી નથી; પરંતુ એમને યોગ્ય પ્રસંગોએ, યોગ્ય વિષયોને અનુલક્ષીને, યોગ્ય લોકો પ્રત્યે, યોગ્ય હેતુથી અને યોગ્ય રીતે અનુભવવાં એ જ મધ્યમસરની અને સાથેસાથે ઉત્તમ સ્થિતિ છે, અને આ સદ્‌વૃત્તિનું લક્ષણ છે.” અને, “એથી, ચારિત્ર્યના ઘડતરમાં યોગ્ય રીતે, યોગ્ય વસ્તુઓથી અને યોગ્ય પ્રસંગોએ, અને યોગ્ય પ્રમાણમાં આનંદ અને પીડા અનુભવવાની કેળવણી કરતાં કશુંયે વધારે મહત્ત્વનું નથી.” ઍરિસ્ટૉટલના આ વિચારોને લક્ષમાં રાખીએ તો એમ ન કહી શકાય કે લાગણીઓનું કૅથાર્સિસ કરવું એટલે લાગણીઓની પ્રમાણસર અને યોગ્ય સ્થિતિ સિદ્ધ કરવી? ‘પૉલિટિક્સ’માં ઍરિસ્ટૉટલે સંગીતનું જે ઉદાહરણ આપ્યું છે તેમાં ધાર્મિક ઉત્તેજનાની અતિશયતાને દૂર કરી એની પ્રમાણસર સ્થિતિ પ્રાપ્ત કરવાની વાત છે. એફ. એલ. લૂકસ, આથી, કૅથાર્સિસ એટલે લાગણીઓના આરોગ્યપ્રદ સમતોલ પ્રમાણની પ્રાપ્તિ એવો અર્થ કરવાનું પસંદ કરે છે. ઍરિસ્ટૉટલની વિચારસરણીમાં પ્રમાણસરતાની સાથે યોગ્યતાનો ખ્યાલ પણ ભળેલો છે તેથી, ‘પોલિટિક્સ’ના ઉદાહરણમાં યોગ્યતાનો ખ્યાલ રજૂ થયો ન હોવા છતાં, હમ્ફ્રી હાઉસ કૅથાર્સિસમાં એ ઉમેરી લેવાનું ઉચિત માને છે અને કૅથાર્સિસની પ્રક્રિયાનું આ રીતે વિવરણ કરે છે : “ટ્રૅજેડી લાગણીઓને યોગ્ય અને પૂરતાં ઉદ્દીપનો દ્વારા અંતર્હિત સ્થિતિમાંથી સક્રિય સ્થિતિમાં લાવે છે; યોગ્ય વિષયો પ્રત્યે યોગ્ય રીતે એમને વાળીને એમનું એ નિયમન કરે છે; અને એમને, નાટક પૂરતી, સજ્જનની લાગણીઓ પ્રવર્તે એવી રીતે પ્રવર્તાવે છે. નાટક પૂરું થયે એ લાગણીઓ જ્યારે ફરી અંતર્હિત સ્થિતિ પ્રાપ્ત કરે છે ત્યારે એ પહેલાં કરતાં વધારે કેળવાયેલી અંતર્હિત સ્થિતિ હોય છે. ઍરિસ્ટૉટલ જેને કૅથાર્સિસ કહે છે તે આ.” (ઍરિસ્ટૉટલ્ઝ પોએટિક્સ, પૃ. ૧૦૯-૧૦) એટલે કે કૅથાર્સિસ દ્વારા થતું પરિવર્તન કેવળ પરિમાણાત્મક નથી, ગુણાત્મક પણ છે. હમ્ફ્રી હાઉસ આના સમર્થનમાં વૈદકીય પરિભાષામાં થતા આ શબ્દના પ્રયોગને ટાંકે છે. તેઓ કહે છે કે વૈદકમાં ભિન્નભિન્ન તત્ત્વોની – દા.ત. ઠંડી અને ગરમીની – યોગ્ય સમતુલા સિદ્ધ થતાં જે ગુણાત્મક પરિવર્તન થાય છે તે પણ કૅથાર્સિસ દ્વારા સૂચવાય છે. ટૂંકમાં કૅથાર્સિસ પરિમાણાત્મક, અને વધુમાં વધુ, ગુણાત્મક પરિવર્તન સૂચવે છે એમ કહી શકાય. વૈદકમાં, ધાર્મિક વિધિમાં અને કવિતામાં એ શબ્દ થોડી જુદી અર્થચ્છાયાઓ ધરાવતો હોય એવો પણ સંભવ છે. ‘પૉલિટિક્સ’માં સંગીતનો દાખલો આપી કૅથાર્સિસની વાત ઍરિસ્ટૉટલ કરે છે ત્યારે કહે છે કે, “જેઓ કરુણા અને ભયની અસર પામ્યા હોય છે તેઓ પણ આવો અનુભવ કરે છે... તેઓ બધા કોઈક પ્રકારનું કૅથાર્સિસ અનુભવે છે.” આમાં ધાર્મિક આવેશનું કૅથાર્સિસ અને કરુણા અને ભયનું કૅથાર્સિસ બન્ને મળતા પ્રકારનાં ગણવામાં આવ્યાં છે પણ એક જ પ્રકારનાં નહીં. છતાં કવિતામાં કૅથાર્સિસ દ્વારા લાગણીઓની પ્રમાણસર અને યોગ્ય સ્થિતિની પ્રાપ્તિ ઍરિસ્ટૉટલને અભિપ્રેત હશે એમ માનવાને માટે આપણને ઠીકઠીક કારણો મળી રહે છે. કવિતા માનવજીવનમાં કંઈ પરિણામ લાવે છે એમ માનવામાં જીવનલક્ષી દૃષ્ટિબિંદુ રહેલું છે, પરંતુ એથી કવિતાની સ્વયંપર્યાપ્તતાને કશી હાનિ પહોંચતી નથી એ ધ્યાનમાં રાખવું જોઈએ. કવિતા કે કળા આવું પરિણામ સાધવા લખાય છે કે કવિતા કે કળા પાસે લોકો આવું પરિણામ મેળવવા જાય છે એમ ઍરિસ્ટૉટલ ક્યાંયે કહેતા નથી. એ તો માત્ર કવિતાકળાની ચિત્ત પર અને ચારિત્ર્યઘડતર પર જે શુભ અસર થાય છે તેની નોંધ લે છે. કૅથાર્સિસ એ કોઈ સ્થૂલ પ્રચારાત્મક ઘટના નથી. શિક્ષણના હેતુને કૅથાર્સિસના હેતુથી એ જુદો ગણાવે છે. એટલે કૅથાર્સિસની બાબતમાં એમનો અભિગમ કંઈક અંશે મનોવૈજ્ઞાનિક છે એમ કહી શકાય. કવિતાની આ શુભ અસર વિશેનું એમનું મનોવિજ્ઞાન આપણે સ્વીકારીએ નહીં તો એ જુદી વાત છે, પરંતુ કવિતા પર એ જીવનનાં કે નીતિનાં કશાં ધોરણો લાદતા નથી એ સ્પષ્ટ છે. ઍરિસ્ટૉટલની ફિલસૂફીના સંદર્ભમાં કેથાર્સિસના સિદ્ધાંતને જે રીતે સમજી શકાય તે રીતે સમજવાનો આપણે પ્રયત્ન કર્યો; પણ એથી એ સિદ્ધાંત વિશે કોઈ મુશ્કેલી રહેતી નથી એવું નથી. કેટલાક પ્રશ્નો તો ઊભા રહે જ છે. જેમ કે, ઍરિસ્ટૉટલનો સામાન્ય સિદ્ધાંત તો લાગણીઓના અતિરેક તેમજ એની ઊણપને પણ અનિષ્ટ ગણે છે. પણ કૅથાર્સિસ દ્વારા લાગણીની ઊણપનો પણ ઉપાય થાય છે એમ એ માને છે ખરા? એમણે વાત તો ધાર્મિક આવેશની તથા કરુણા અને ભયની અતિશયતાની જ કરી છે. આથી જ, લૂકસ ટીકા કરે છે કે હાર્ડી જેવાની નવલકથાઓ આપણી લાગણીની માત્રાને ઘટાડવાને બદલે વધારે છે – આપણને વિશેષ સંવેદનશીલ બનાવે છે; ઍરિસ્ટૉટલનો સિદ્ધાંત ભૂમધ્યસમુદ્રની ઉત્તેજનશીલ પ્રજા માટે સાચો હોઈ શકે! ઉપરાંત, કૅથાર્સિસના હેતુથી વિનોદના હેતુને જુદો પાડી ઍરિસ્ટૉટલ મુખ્યત્વે વિનોદલક્ષી એવું સંગીત હોય છે એમ કહે છે તો એવાં કાવ્યો પણ હોઈ શકે કે નહીં? કે પછી કૅથાર્સિસ એ સર્વ કવિતા સાથે અનિવાર્યપણે જોડાયેલો વ્યાપાર છે? અને છેલ્લે, કવિતાથી બધા માણસોની લાગણીઓનું કૅથાર્સિસ થાય ખરું? જે માણસો લાગણીઓના ઉગ્ર આવેગોને વશ થતા ન હોય એમનું શું? હમ્ફ્રી હાઉસ તો કહે છે કે આદર્શ ઍરિસ્ટૉટેલિઅન માણસને કૅથાર્સિસ થાય નહીં, અને તો પછી કવિતાની જે અસર સાર્વત્રિક નથી તેને ઍરિસ્ટૉટલ જેવા સૂક્ષ્મ તર્કબુદ્ધિવાળા શાસ્ત્રકાર ટ્રૅજેડીની વ્યાખ્યામાં સમાવે ખરા? છેલ્લો પ્રશ્ન મહત્ત્વનો છે અને કૅથાર્સિસ વિશે કંઈ જુદું અનુમાન કરવા પ્રેરે એવો છે. પણ એ વિશે થોડો વિચાર પછી કરીશું, કેમ કે કૅથાર્સિસ વિશે કંઈ જુદું અનુમાન કરવા પ્રેરે એવાં સ્થાનો એમના આનંદ વિશેના ખ્યાલમાં પણ છે.

પાદટીપ

  1. જુઓ ઍબરક્રૉમ્બી, પ્રિન્સિપલ્ઝ ઑવ્‌ લિટરરી ક્રિટિસિઝમ, પૃ.૭૫-૭૯.

Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted