પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/કાવ્યનું લક્ષ્ય – આનંદ
કવિતા પાસે આપણે કૅથાર્સિસ માટે જઈએ છીએ એવું ઍરિસ્ટૉટલ નથી કહેતા. પરંતુ કવિતા પાસેથી આપણી અપેક્ષા આનંદની હોય છે એવું તો તે સ્પષ્ટપણે કહે છે : “ટ્રૅજેડી પાસેથી આપણે ગમે તેવા આનંદની અપેક્ષા રાખવી જોઈએ નહીં, પણ એને યોગ્ય આનંદની જ અપેક્ષા રાખવી જોઈએ...” ‘પોએટિક્સ’માં ઍરિસ્ટૉટલ કૅથાર્સિસનું નામ એક જ વખત લે છે, જ્યારે આનંદનો ઉલ્લેખ નહીં નહીં તોયે દશબાર વખત કરે છે. કાવ્યનાટકના ઘણાંબધાં અંગોની તપાસ પણ એ આનંદને ધોરણે કરે છે. આ ઉપરથી એમ સમજાય છે કે આનંદ એમને મતે કાવ્યનું મુખ્ય અને અનિવાર્ય લક્ષ્ય છે. પણ કવિતામાંથી આનંદ પ્રાપ્ત થાય છે શા કારણથી? ટ્રૅજેડીના કાર્યની વાત કરતાં ઍરિસ્ટૉટલે કરુણા અને ભયની લાગણીઓનું કૅથાર્સિસ સાધે છે એટલું જ કહ્યું છે; પણ કૅથાર્સિસને પરિણામે આનંદનો અનુભવ થાય છે એમ ઍરિસ્ટૉટલ માને છે ખરા.૨૮ [1] તેથી કવિતાના લક્ષ્ય તરીકે એમને આ કેથાર્સિસજન્ય આનંદ જ અભિપ્રેત હશે એવું અનુમાન કરી શકાય. આ અનુમાન ખોટું નથી, પરંતુ આ આનંદને કવિતાનું ચરમ અને પરમ લક્ષ્ય ગણી શકાય ખરું? આ તો મનની સ્વાસ્થ્યસિદ્ધિનો આનંદ થયો, એને કલાત્મક આનંદ કહી શકાય ખરો? બધા માણસોને કવિતામાંથી આ સ્વાસ્થ્યસિદ્ધિનો આનંદ મળે ખરો? ઍરિસ્ટૉટલ પોતે આનંદના બે પ્રકારો પાડે છે. કોઈ પણ ઊણપ દૂર થવાથી જે આનંદ જન્મે છે તેને એ પ્રાસંગિક કે આકસ્મિક (ઇન્સિડેન્ટલ) આનંદ ગણે છે; જ્યારે, પૂર્વજરૂરિયાતના ભાન વિના આપણે કોઈ પણ વસ્તુ કરીએ અને તેમાં આપણી શક્તિઓનું પ્રવર્તન થાય તો એને કારણે નીપજતા આનંદને તે શુદ્ધ આનંદ કહે છે.[2] આ રીતે જોઈએ તો કૅથાર્સિસને કારણે ઊપજતો આનંદ તે આકસ્મિક આનંદ કહેવાય. શુદ્ધ આનંદ નહીં. તો, કવિતામાંથી કોઈ શુદ્ધ આનંદ પ્રાપ્ત થાય છે કે નહીં? વળી આપણે આગળ જોયું તેમ આદર્શ ઍરિસ્ટૉટેલિઅન માણસને જો કૅથાર્સિસ ન થતું હોય તો તેમાંથી પરિણમતો આનંદ તેને કેમ પ્રાપ્ત થાય? બધા માણસોને પ્રાપ્ત થાય એવો કવિતાનો કોઈ આનંદ ખરો કે નહીં? આનો જવાબ શોધવામાં ઍરિસ્ટૉટલનું એક વિધાન માર્ગદર્શક થાય એવું છે. એ કહે છે કે “ટ્રૅજેડી પાસેથી આપણે ગમે તેવા આનંદની અપેક્ષા રાખવી નહીં જોઈએ, પણ યોગ્ય આનંદની અપેક્ષા રાખવી જોઈએ; અને કવિએ જે આનંદ આપવાનો છે તે અનુકરણ પામેલ કરુણા અને ભયમાંથી જન્મે છે તેથી એ દેખીતું છે કે પ્રસંગો પર આ ગુણની મુદ્રા અંકિત થવી જોઈએ.” અહીં એમણે કરુણા અને ભયની વાત કરી છે, પણ કૅથાર્સિસની નહીં. દરેક કળાનો અને કવિતાપ્રકારનો આનંદ જુદો હોય છે. વિશિષ્ટ છાપવાળો હોય છે એમ ઍરિસ્ટૉટલ માને છે અને તે મુજબ એમણે અહીં કરુણા અને ભયની છાપવાળા આનંદને ટ્રૅજેડીનો વિશિષ્ટ આનંદ કહ્યો છે. એ જ રીતે, કૉમેડીના આનંદને પણ હાંસીમશ્કરીનો રંગ લાગેલો હોય છે, પરંતુ આ આનંદ કૅથાર્સિસ પામેલ કરુણા અને ભયને કારણે જન્મે છે એમ ઍરિસ્ટૉટલ નથી કહેતા. અનુકરણ પામેલ કરુણા અને ભયને કારણે જન્મે છે એમ કહે છે એટલે કે કેથાર્સિસજન્ય નહીં પણ અનુકરણ કે નિરૂપણજન્ય આનંદની અહીં એ વાત કરી રહ્યા છે. આ આનંદ તો શુદ્ધ અને સાર્વત્રિક ગણાયને? અને જો આ આનંદની આપણે કવિતા પાસેથી અપેક્ષા રાખવાની હોય અને કવિએ એ આનંદ જ આપણને આપવાનો હોય તો કવિતાના મુખ્ય અને અનિવાર્ય લક્ષ્ય તરીકે ઍરિસ્ટૉટલને આ આનંદ જ અભિપ્રેત છે એમ માનવું જોઈએને? અનુકરણની વૃત્તિ કાવ્યના મૂળમાં છે એવું ઍરિસ્ટૉટલે ‘પોએટિક્સ’ના એક ચર્ચાસ્પદ ખંડમાં કહેલું છે તે આપણે શરૂઆતમાં જોઈ ગયા છીએ. અનુકરણથી થતા આનંદની વાત પણ ઍરિસ્ટૉટલ ત્યાં કરે છે : “...અનુકૃત વસ્તુઓમાંથી અનુભવાતો આનંદ કંઈ ઓછો સાર્વત્રિક નથી... જે પદાર્થોને આપણે પીડાની લાગણીથી જોઈએ છીએ તેમનું જ્યારે સૂક્ષ્મ યથાતથતાથી પુનર્નિર્માણ કરવામાં આવે છે ત્યારે તેમનું વિમર્શન કરતાં આપણને આનંદ આવે છે. જેમ કે, અત્યંત કદરૂપાં પ્રાણીઓની કે મૃતદેહોની આકૃતિઓ. આનું કારણ વળી એ છે કે ઓળખવાની ક્રિયા તત્ત્વચિંતકોને જ નહીં, માનવમાત્રને અત્યંત રમણીય આનંદ આપે છે... આમ, લોકો સાદૃશ્ય જોવામાં કેમ આનંદ અનુભવે છે એનું કારણ એ છે કે એનું વિમર્શન કરતાં તેઓ અભિજ્ઞાન પામતા કે અનુમાન કરતા, અને કદાચ કહેતા હોય છે : ‘અરે, આ તો તે છે.’ ” આનો અર્થ એ થાય કે અનુકરણનો આનંદ તે અભિજ્ઞાનનો આનંદ છે, અને બૌદ્ધિક શક્તિના પ્રવર્તનમાંથી જન્મે છે. કળાનો આનંદ આવો માત્ર બૌદ્ધિક આનંદ હોય છે? મૂળ વસ્તુ જોયેલી જ ન હોય તો ઓળખવાનો આનંદ ક્યાંથી મળે? ઉપરનાં વાક્યો પછી તરત જ ઍરિસ્ટૉટલ કહે છે કે “જો તમે મૂળ વસ્તુને જોયેલી ન હોય તો આનંદ માત્ર અનુકરણને કારણે નહીં પણ નિર્માણક્રિયા, રંગયોજના કે એવા કોઈક કારણને લીધે આવશે.” ઍરિસ્ટૉટલ અનુકરણનો સાદૃશ્યનિર્માણનો અર્થ છોડી દઈ, એને રૂપનિર્માણના અર્થમાં વાપરે છે એ આપણે જાણીએ છીએ. અહીં પણ આનંદના કારણ તરીકે અનુકરણથી ભિન્ન એવા રૂપનિર્માણને એ આગળ કરી રહ્યા છે એ સ્પષ્ટ છે. તો પછી ટ્રૅજેડીમાં કરુણા અને ભયના અનુકરણ દ્વારા આનંદ જન્માવવાનો છે એમ કહે છે ત્યાં મૂર્ત નિરૂપણ દ્વારા કરુણા અને ભયનો આપણને આનંદમય સાક્ષાત્કાર કરાવવાનો હોય છે એવો અર્થ કેમ ન થાય? લાગણીઓના આ જાતના સાક્ષાત્કારમાં માત્ર આપણી બૌદ્ધિક શક્તિ જ નહીં પણ સંવેદનની અને અનુભવની શક્તિ પણ પ્રવર્તે છે અને તેથી આ શક્તિઓના પ્રવર્તનમાંથી જન્મતો આનંદ શુદ્ધ આનંદ ગણાય. એટલે કવિતાનો શુદ્ધ આનંદ રૂપસર્જનને કારણે જન્મે છે અને એ પ્રકારે આનંદ જન્માવવો એ કવિતાનું લક્ષ્ય છે એમ કહી શકાય. રૂપસર્જનને કારણે ઊપજતો આનંદ આપવો તે કવિતાનું લક્ષ્ય છે એ વાતનું સમર્થન, ઍરિસ્ટૉટલે જ્યાંજ્યાં આનંદનો ઉલ્લેખ કરેલો છે એ સ્થાનો તપાસતાં, મળી આવે છે. ઍરિસ્ટૉટલની દૃષ્ટિએ વસ્તુસંઘટના એ ક્રિયાનું મૂર્ત રૂપ છે અને વસ્તુસંઘટના સિદ્ધ કરવી એ ખરું કવિકર્મ છે એ આપણે જાણીએ છીએ. આ વસ્તુસંઘટનાને ઍરિસ્ટૉટલ ટ્રૅજેડીના આનંદનું મુખ્ય કારણ માને છે. પરિચિત વિષયો પણ બહુ થોડાને પરિચિત હોય છે, પણ એમાંથી આનંદ તો બધાને મળે છે, તો એનું કારણ શું હોઈ શકે? કવિની વસ્તુસંઘટનાની કળા જ. ટ્રૅજેડીની વસ્તુસંઘટનાનાં બે અંગો – પરિણામ- વિપર્યય અને અભિજ્ઞાન – ને એ ચિત્તને અભિભૂત કરનાર તત્ત્વો તરીકે ઓળખાવે છે. વળી, વસ્તુસંઘટનાને ટ્રૅજેડીનો આત્મા ગણાવતી વખતે એ ચિત્રકળામાંથી જે રીતે ઉદાહરણ આપે છે તે સૂચક છે : “સુંદરમાં સુંદર રંગો આડાઅવળા વેરી દેવાથી એટલો આનંદ નહીં આવે જેટલો છબીના એકરંગી રેખાંકનમાંથી આવશે.” ટ્રૅજેડીમાં આનંદ આવે છે તેનું કારણ પણ વસ્તુસંઘટના છે. વસ્તુરચના અને ચરિત્ર, ઍરિસ્ટૉટલની દૃષ્ટિએ, ટ્રૅજેડીમાં અનુકરણના એટલે કે રૂપસર્જનના વિષયો છે; તો પદાવલી અને ગાન એનાં માધ્યમ છે. દૃશ્યાત્મકતા એ રીતિ છે. આ બધાંનો પણ ટ્રૅજેડીના આનંદમાં ફાળો છે એમ ઍરિસ્ટૉટલ નોંધે છે. ટ્રૅજેડીની વ્યાખ્યામાં ભાષાનાં આનંદદાયક તત્ત્વોની એ વાત કરે છે; અને સંગીત અને દૃશ્યરચનાનો પણ એ અત્યંત તાદૃશ આનંદ આપનાર તરીકે ઉલ્લેખ કરે છે. ટૂંકમાં, ટ્રૅજેડીની કરુણા અને ભયની લાગણીઓને એકાત્મક અને સ્વયંપર્યાપ્ત વસ્તુસંઘટના રૂપે મૂર્ત કરે અને એમાં માધ્યમોનો કલાત્મક વિનિયોગ થાય એમાં ટ્રૅજેડીનો ખરો આનંદ રહેલો છે. કૉમેડી જેવા કાવ્યપ્રકારમાં લાગણીઓ બદલાય, પણ કવિકર્મ એનું એ રહે અને એ જ આનંદનો અનુભવ કરાવનાર બની રહે. કવિતાના અને કળાના આ શુદ્ધ આનંદ પ્રત્યે વ્યવસ્થિત સ્થાપનાથી નહીં, છતાં અવારનવાર ધ્યાન ખેંચવામાં અને એ રીતે કવિતાને કેવળ નૈતિક મૂલ્યાંકનમાંથી મુક્ત કરવામાં ઍરિસ્ટૉટલનું મહત્ત્વ રહેલું છે. ઍરિસ્ટૉટલ પ્લેટોની જેમ આનંદને કોઈ હલકી ચીજ માનતા નથી, કારણ કે આ આનંદ તે સસ્તી યુક્તિઓથી લાગણીઓને ઉત્તેજીને આપવામાં આવતો આનંદ નથી. ઍરિસ્ટૉટલની દૃષ્ટિએ આનંદ પ્રવૃત્તિનું પરિણામ છે અને પ્રવૃત્તિ આનંદમાં પરિણમીને પૂર્ણતાએ પહોંચે છે – યુવાનની તંદુરસ્તી અને તાજગી ગાલની લાલી રૂપે પરિણમે છે અને એ દ્વારા પૂર્ણ દશા પામે છે તેમ. હા, ઍરિસ્ટૉટલ આનંદ આનંદની વચ્ચે વિવેક કરે છે ખરા, અને જેવી પ્રવૃત્તિ તેવી આનંદની કક્ષા એવું માને છે. હાલરડાના સંગીતથી ગંભીર સંગીતના આનંદને એ ઊંચો આનંદ ગણે છે; કૉમેડી કરતાં ટ્રૅજેડીના આનંદને તે ઊંચો ગણે છે. એ ગૌરવ કરે છે પ્રૌઢ પરિપક્વ સજ્જનને પ્રાપ્ત થતા ઊંડા ગંભીર બૌદ્ધિક આનંદનું. પણ એમાં કોઈ નૈતિક ધોરણ સંડોવાયેલું નથી, તત્ત્વચિંતકનો આ અભિગમ છે એમ કદાચ કહી શકાય. પ્લેટોની જેમ આનંદને એક અપમૂલ્ય તો એ ક્યાંયે ગણાવતા નથી. ઍરિસ્ટૉટલ જીવનને એની અખંડતામાં અને સમગ્રતામાં જોનારા માણસ છે. એથી કળામાંથી પ્રાપ્ત થતો ઊંડો ગંભીર આનંદ માણસના છેવટના કલ્યાણમાં ફાળો આપે છે એમ એ આનંદનો જીવન સાથે સંબંધ જોડે છે. પણ આ પરિણામ છે, પ્રયોજન નથી; તેથી કળાની સ્વયંપર્યાપ્તતાને અને એના શુદ્ધ આનંદને કશી હાનિ પહોંચતી નથી. છેલ્લે પ્લેટોએ અનુકરણાત્મક કલાઓના સર્જકોને દેશવટો આપેલો, કેમ કે એ આનંદઘેલછા જન્માવતા હતા; અને સુતારના ધંધાને એ ચલાવી લેવા તૈયાર થયેલા, કેમ કે એ કાંઈક ઉપયોગનો હતો. ઍરિસ્ટૉટલ ‘મેટફિઝિક્સ’માં એથી ઊલટી જ વાત કરે છે : “પહેલાં તો માણસની સામાન્ય બુદ્ધિથી પર એવી કોઈ પણ કળાની શોધ કરનાર સ્વાભાવિક રીતે જ લોકોની પ્રશંશા પામતો – માત્ર એટલા માટે નહીં કે એની શોધમાં કંઈક ઉપયોગી હતું પણ એટલા માટે કે એને બીજાઓ કરતાં ડાહ્યો અને ચડિયાતો માનવામાં આવતો, પરંતુ જેમજેમ વધારે કળાઓ શોધાતી ગઈ અને કેટલીક કળાઓ જીવનની જરૂરિયાતોને અર્થે, તો બીજી કેટલીક જીવનના આનંદને અર્થે યોજાવા લાગી તેમતેમ આ બીજી કળાઓના શોધકો પહેલી કળાઓના શોધકો કરતાં વધારે ડાહ્યા ગણાવા લાગ્યા, કારણ કે એમની જ્ઞાનશાખાઓ ઉપયોગનું લક્ષ્ય રાખતી નહોતી.” નિરુપયોગી કળાનું આવું ગૌરવ ઍરિસ્ટૉટલ જ કરી શકે.
પાદટીપ
Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted