પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/ઉદાત્તતાના અન્ય સ્રોત : ૧. વિસ્તરણ


ઉદાત્તતાના અન્ય સ્રોત

૧. વિસ્તરણ

લૉંજાઇનસે ઉદાત્તતાના પાંચ સ્રોત નામ પાડીને ગણાવ્યા, પરંતુ પ્રથમ સ્રોત વિચારને અનુષંગે એમણે બીજાં ત્રણ તત્ત્વોની વાત કરી છે કે જે ઉદાત્તતા સિદ્ધ કરવામાં પોતાનો ફાળો આપે છે. કોઈને આમાં અસંગતિ લાગે, વાત આડી ફંટાઈ જતી લાગે એવું છે. પણ લૉંજાઇનસનું દૃષ્ટિબિંદુ એમ હોવાનું સમજાય છે કે આ તત્ત્વો વિચારના નિરૂપણમાં ઉપકારક બની ઉદાત્તતામાં ફાળો આપે છે. આ ત્રણ તત્ત્વોમાંનું એક છે વિસ્તરણ (ઍમ્પ્લિફિકેશન). દેખીતી રીતે જ, પદાવલીના વિભાગમાં જેની વાત થઈ છે એ ભાષાવિસ્તરણ (ઍમ્પ્લિફિકેશન ઑવ્‌ લેંગ્વેજ)થી આને જુદી વસ્તુ સમજવી જોઈએ. આ વિસ્તરણ તે શું છે? લૉંજાઇનસની પહેલાં વિસ્તરણની વ્યાખ્યા વિષયમાં મહત્તા, ગરિષ્ઠતા આણનાર અભિવ્યક્તિ એવી કેટલાકે આપી હતી. પણ લૉંજાઇનસને એ વ્યાખ્યા અસંતોષકારક લાગે છે. વિષયમાં ગરિષ્ઠતા કે મહત્તા કે ઉચ્ચતા તો ઉન્નત વિચારો, ભાવાવેગ અને અલંકારોથી પણ આવે છે. એટલે વિસ્તરણની એવી વ્યાખ્યા કરીએ તો એ અતિવ્યાપ્ત થઈ જાય, વિસ્તરણ ઉદાત્તતાને સમરૂપ થઈ જાય. વાસ્તવમાં ઉદાત્તતા અને વિસ્તરણ બે અલગ પદાર્થો છે. ઉદાત્તતામાં અભિવ્યક્તિની કોઈ પણ ઉત્કૃષ્ટતાનો સમાવેશ થાય, ત્યારે વિસ્તરણમાં વીગતપ્રચુરતા અભિપ્રેત છે. ઉદાત્તતા એક નાનકડા વિચારમાંયે હોઈ શકે, જ્યારે વિસ્તરણ તો ત્યાં જ કહેવાય, જ્યાં અમુક પરિમાણ ને બહુલતાની સ્થિતિ હોય. વિસ્તરણની વ્યાખ્યા કરવી હોય તો એમ કરી શકાય કે વિષયના ઘટકરૂપ સર્વ વીગતો અને પ્રસંગોનો સમુચ્ચય કરવો અને એ દ્વારા વિષયને સશક્ત કરવો તે વિસ્તરણ. વિસ્તરણનો લૉંજાઇનસનો ખ્યાલ એમણે ડિમૉસ્થનીઝ અને સિસેરોની જે તુલના કરી છે તેમાં સરસ રીતે મૂર્ત થયો છે. ડિમૉસ્થનીઝ અને સિસેરો બન્નેમાં અભિવ્યક્તિની ઉદાત્તતા છે પણ એ જુદીજુદી રીતે સિદ્ધ થયેલી છે. ડિમૉસ્થનીઝની ઉદાત્તતામાં આકસ્મિકતા અને કઠોરતા છે, સિસેરોની ઉદાત્તતામાં પ્રચુરતા અને પ્રસ્તાર. ડિમૉસ્થનીઝમાં ઉગ્રતા, શીઘ્રતા, પ્રબલતા અને તીક્ષ્ણતા છે, એ પોતાની સમક્ષના સર્વ પદાર્થોને એમાં ઓગાળી તાણી જાય છે; એમને આપણે વીજળીના કડાકા સાથે સરખાવી શકીએ. સિસેરોમાં ભભૂકતો અગ્નિ છે, જેની જ્વાળાઓ સર્વવ્યાપી અને સર્વભક્ષી છે, ને ઘડીક અહીં, ઘડીક ત્યાં એમ અવિરતપણે દેખા દેતી રહે છે. આ સરખામણીનું તાત્પર્ય એવું પણ છે કે વિસ્તરણ એ કંઈ ઉદાત્તતા માટે અનિવાર્ય નથી. એનું પણ એક ઔચિત્ય હોય છે. ઉત્કટ ભાવાવેગના પ્રસંગે અને શ્રોતાઓને સંમોહિત કરવાના હોય ત્યારે ડિમૉસ્થનીઝની શૈલી કામ આવે, જ્યારે સામાન્ય વિષયોનાં નિરૂપણો, પરિપૂર્તિઓ ને વિષયાન્તરો, વર્ણનો ને વ્યાખ્યાન વગેરેમાં શબ્દૌઘવાળી સિસેરોની શૈલી કામ આવે. ટૂંકમાં, જ્યાં વક્તવ્ય કે લેખનમાં વિભાગીકરણ, એકાધિક આરંભો અને વિરામો તથા અખંડ અને ઊર્ધ્વારોહી ક્રમિકતાને અવકાશ હોય ત્યાં વિસ્તરણનો ઉપયોગ કરી શકાય છે. વિસ્તરણના અસંખ્ય પ્રકારો છે એમ લૉંજાઇનસ કહે છે. સામાન્ય બાબતને વાગ્મિતાપૂર્વક કહેવી એ વિસ્તરણ, હકીકતો કે વિચારોને ઘૂંટીઘૂંટીને રજૂ કરવા તે વિસ્તરણ અને ભાવ કે ક્રિયાનું સુઆયોજિત ક્રમથી ઘડતર કરવું તે પણ વિસ્તરણ. આનો અર્થ એ થયો કે વિસ્તરણ એ વિષયવસ્તુનાં સર્વ અંગો સાથે સંબંધ ધરાવતો એક શૈલીગુણ છે. વિચારને અનુષંગે એની વાત કરવાની આ ભૂમિકા હોવાનું પ્રતીત થાય છે. વિસ્તરણનું મૂલ્ય, લૉંજાઇનસ સ્પષ્ટ કરે છે કે, ઉદાત્તતાને સંદર્ભે જ છે. કરુણાભાવ જગાડવાનો હોય કે વિરોધીને માત કરવાનો હોય ત્યારે વક્તૃત્વમાં વિસ્તરણનો આશ્રય લેવાય એ જુદી વાત છે, પરંતુ એ સિવાય વિસ્તરણને ઉદાત્તતાની સબળ ભૂમિકાની આવશ્યકતા છે. ઉદાત્તતા સાથે જોડાયેલું નથી હોતું તેવું વિસ્તરણ નિષ્પ્રાણ શરીર સમાન છે. એવું વિસ્તરણ પોતાની સઘળી તાકાત અને મજબૂતી ગુમાવી દે છે. એટલે કે એ અર્થહીન બની જાય છે.

૨. પ્રત્યક્ષીકરણ

વિચારને અનુષંગે વર્ણવાયેલ ઉદાત્તતાસાધક બીજું તત્ત્વ છે પ્રત્યક્ષીકરણ. લૉંજાઇનસનો શબ્દ છે ‘ફૅન્ટેસિઆ’ (phantasia), જેનો અનુવાદ અંગ્રેજીમાં ‘ઇમેજ’ કે ‘ઇમેજિનેશન’ તેમજ ‘વિઝ્યુઅલાઇઝેશન’ તરીકે પણ કરવામાં આવ્યો છે. ‘ફૅન્ટેસિઆ’ શબ્દ મૂળ તો વાણીને જન્મ આપતા કોઈ પણ માનસિક ખ્યાલનો વાચક છે, પરંતુ લૉંજાઇનસ કહે છે કે અત્યારે એ શબ્દ બહુધા એવા પ્રસંગે વપરાય છે કે જ્યારે વક્તા ભાવાવેગ અને જોશમાં આવીને પોતે જેનું વર્ણન કરે છે તે પોતે જાણે નજરે જોતો હોય એવું દર્શાવે છે, અને એવી રીતે જ એ એને શ્રોતાઓ સમક્ષ પણ મૂકે છે. ટૂંકમાં, ‘ફૅન્ટેસિઆ’ એટલે મનના ખ્યાલનું મૂર્તિકરણ, માનસચિત્ર, કલ્પનાચિત્ર, પ્રત્યક્ષીકરણ. લૉંજાઇનસ પ્રત્યક્ષીકરણમાં ચમત્કૃતિની અપેક્ષા રાખે છે અને ખાસ કરીને કવિતાનું પ્રત્યક્ષીકરણ કાલ્પનિકતા દ્વારા અત્યુક્તિ કરવાનું તથા પ્રતીતિકરતાની સીમાને વટાવી જવાનું વલણ ધરાવે છે એમ પણ કહે છે. આ માટે એ ‘સભાખંડ પાગલપણાથી કંપી રહ્યો છે, છત મદોન્મત્ત બની ગઈ છે.’ એવું ઉદાહરણ પણ આપે છે. આમ છતાં પ્રત્યક્ષીકરણમાં કાલ્પનિકતા કે આલંકારિકતા એમને હંમેશાં અપેક્ષિત હોય એવું જણાતું નથી; પ્રત્યક્ષીકરણ દ્વારા પ્રસંગના તાદૃશ વર્ણનનો અર્થ મુખ્યત્વે અભિપ્રેત હોય એવું જણાય છે, કેમ કે ‘અરે, એ મારી કતલ કરી નાખશે, હું ક્યાં ઊડી જાઉં?’ એવું ઉદાહરણ પણ પ્રત્યક્ષીકરણનું એ આપે છે, જેમાં ઘટનાનો ચમત્કૃતિભર્યો સાક્ષાત્કાર હોવાનું એ માનતા જણાય છે. એ નોંધપાત્ર છે કે લૉંજાઇનસ કવિતાના અને વક્તૃત્વના પ્રત્યક્ષીકરણ વચ્ચે ભેદ કરે છે. કવિતાના પ્રત્યક્ષીકરણમાં, આપણે ઉપર જોયું તેમ, અવાસ્તવનો આશ્રય લેવાતો હોય છે, ત્યારે વક્તૃત્વના પ્રત્યક્ષીકરણનું લક્ષણ છે વાસ્તવદર્શન અને સત્યદર્શન. બન્નેનાં પ્રત્યક્ષીકરણ ભાવાવેગ અને ઉત્તેજના નિપજાવવા તાકે છે, તેમ છતાં, લૉંજાઇનસ કહે છે, કાવ્યગત પ્રત્યક્ષીકરણ વિસ્મયનો રોમાંચ જગાડવા દ્વારા એ કામ કરે છે, ત્યારે વક્તૃત્વગત પ્રત્યક્ષીકરણ તાદૃશતા અને વિશદતા સિદ્ધ કરવા દ્વારા એ કામ કરે છે.

૩. અનુકરણ અને સ્પર્ધા

સાહિત્યિક અભિવ્યક્તિની ઉદાત્તતામાં ફાળો આપનાર ત્રીજું અન્ય તત્ત્વ છે પૂર્વના મહાન કવિઓનું અનુકરણ અને એમની સાથેની સ્પર્ધા. એ સ્પષ્ટ છે કે અત્યાર સુધી ઉદાત્તતાસાધક જે તત્ત્વોની વાત થઈ તે બધાં કાવ્યઘટનાની અંદર પ્રવર્તતાં તત્ત્વો હતાં, ત્યારે આ તત્ત્વ બહિર્જગત સાથે સંબંધ ધરાવે છે. પેલાં બધાં, નૈસર્ગિક પ્રતિભાજન્ય કે કલાકૌશલજન્ય, પણ આંતરિક પરિબળો હતાં એમ કહેવાય, આ બાહ્ય પરિબળ છે. કવિતાનો, આમ, કેવળ સ્વતંત્ર, સ્વાયત્ત ઘટના તરીકે જ નહીં, પરંતુ પરંપરાના સંદર્ભમાં પણ લોઁજાઇનસ વિચાર કરે છે એ અત્યંત નોંધપાત્ર હકીકત બને છે. પૂર્વકવિઓનું અનુકરણ ને એમની સાથેની સ્પર્ધા પણ એવું તત્ત્વ છે જેના વડે વિચાર કે વિષયવસ્તુમાં ઉદાત્તતા આવે છે. અનુકરણ શબ્દ આવતાં આપણે કદાચ ભડકીએ. અનુકરણ એટલે તો ઉઠાંતરીને? એમાં પછી મૌલિકતા, અને તેથી ઉદાત્તતા, ક્યાંથી રહે? પણ લૉંજાઇનસ તો કહે છે કે પ્લેટો સમેત અનેક લેખકોએ હોમરમાંથી સામગ્રી લઈને પોતાની વાગભિવ્યક્તિને ઉત્કૃષ્ટ બનાવી છે. જોકે આ ઉઠાંતરી ન કહેવાય એમ એ ભારપૂર્વક જણાવે છે. આ તો છે સુંદર આકૃતિઓ, મૂર્તિઓ અને સાહિત્યકૃતિઓના સંસ્કાર ઝીલવાની પ્રક્રિયા. મતલબ કે સામગ્રી દ્વારા લૉંજાઇનસને સૂક્ષ્મ સંસ્કાર જ અભિપ્રેત છે. અનુકરણનો લૉંજાઇનસનો ખ્યાલ વધુ સ્ફુટ થાય છે એમણે કરેલી એક સરખામણી પરથી. એ કહે છે કે જેમ ડેલ્ફીના સૂર્યદેવની પૂજારણ વેદીની પાસે પહોંચે છે ત્યારે ધરતીમાંથી ઊઠતી વરાળનો સ્પર્શ થતાં એ અલૌકિક શક્તિ ધરાવતી અને ભવિષ્યવાણી ઉચ્ચારતી થઈ જાય છે તેમ સામાન્ય રીતે જે પ્રેરણાવશ નથી હોતા એવા લેખકો પણ પૂર્વના મહાન લેખકોનું સેવન કરતાં એમનાથી સંમોહિત થાય છે અને એ મહાન લેખકોનો શક્તિપ્રવાહ એમનામાં વહેતો થાય છે. અનુકરણ અહીં દીવાથી દીવો પેટાય એવી, સામર્થ્યના આવાહનની ક્રિયા બની જાય છે. વધારે નોંધપાત્ર તો એ છે કે લૉંજાઇનસ અનુકરણ સાથે સ્પર્ધાનો ખ્યાલ જોડે છે. પ્લેટોએ હોમરનું માત્ર અનુકરણ નથી કર્યું, એમની સ્પર્ધા કરી છે – કોઈ સર્વમાન્ય ઉસ્તાદનો મુકાબલો કરતા, એની સામે પડી એની બરોબરી કરવાની આકાંક્ષા સેવતા નવા ઉમેદવારની પેઠે, આવી સ્પર્ધા અવશ્ય લાભદાયક બને છે. આવા સંઘર્ષમાં પુરોગામીઓથી પાછા પડવાનું થાય તોયે એમાં કશું અગૌરવ નથી. વસ્તુતઃ કીર્તિમુકુટ માટેના આ સંઘર્ષમાં જ ગૌરવ રહેલું છે ને વિજય પણ રહેલો છે. લૉંજાઇનસને અભિપ્રેત અનુકરણ ને સ્પર્ધાની પ્રક્રિયા કેવી સૂક્ષ્મગહન છે એ હવે જોઈ શકાય છે. એ કોઈ બાહ્ય પ્રવૃત્તિ નથી, આંતરપ્રક્રિયા છે. કહો કે આંતરખોજની, આંતરવિકાસની પ્રક્રિયા છે. લૉંજાઇનસ કવિઓને સૂચવે છે કે એ પોતાની જાતને આવો પ્રશ્ન પૂછે — હું જે કહેવા માગું છું તે હોમરે કેવી રીતે કહ્યું હોત? લૉંજાઇનસ કહે છે કે આવાં વ્યક્તિત્વોને આપણી સામે રાખવાથી એ આપણામાં ઉત્સાહ પ્રેરે છે, આપણા માર્ગને અજવાળે છે અને આપણા ચિત્તને ઉદાત્તતાના અદ્‌ભુત શિખરપ્રદેશમાં લઈ જાય છે. પૂર્વકવિઓને માત્ર પ્રેરક તરીકે નહીં, પરીક્ષક તરીકે પણ સ્વીકારવા જોઈએ એવું લૉંજાઇનસ સૂચવે છે. એ કહે છે કે કવિઓએ પોતાની જાતને એક બીજો પ્રશ્ન પૂછવો કદાચ વધારે ઉપયુક્ત છે – હું જે કહું છું તે હોમર વગેરેને કેવું લાગ્યું હોત? તેઓ એ વિશે શો અભિપ્રાય આપત? આવા મહાપુરુષોને નિર્ણાયકમંડળમાં કલ્પી એમની પાસે પોતાના ઉદ્‌ગારોની સમીક્ષા કરાવવી એ ખરે જ એક કઠોર પરીક્ષા છે. એ કવિઓને આશુતોષ બનતા રોકે, એમના મનમાં ઉદાત્તતાનાં ઊંચાં ધોરણો રોપે. લૉંજાઇનસ હજુ આગળ જાય છે. માત્ર ભૂતકાળે કરેલી કસોટી પૂરતી નથી, ભવિષ્યકાળ શી કસોટી કરશે એનો પણ વિચાર કરવો જોઈએ. એટલે લૉંજાઇનસ કહે છે કે સૌથી વધારે પ્રેરક તો આવો પ્રશ્ન બને – આવતા જમાનાઓ મારું આ લખાણ કેવા ભાવથી ઝીલશે? લૉંજાઇનસ માને છે કે જે આવું વિચારવાનો – પોતાના સમયથી પાર જવાનો – સંકોચ અનુભવે છે તેમની ચૈતસિક વિભાવનાઓ કુંઠિત અને ધૂંધળી તથા જાણે અધૂરે માસે અવતરેલી હોય એવી રહે છે. ભવિષ્યની કીર્તિ સુનિશ્ચિત કરી આપે એવી પરિપૂર્ણતાથી એ લોકો આઘા રહે છે. આ બધા મુદ્દાઓ બતાવે છે કે લૉંજાઇનસે કવિકલાકારની કોઈ સાવ અલાયદી સ્વાયત્ત દુનિયા રચી નથી. કવિને એમણે કોઈ એકદંડિયા મહેલમાં રાખ્યો નથી. એને એમણે પૂર્વપરંપરા સાથે જોડ્યો છે ને ભાવિ માનવવિકાસની વચ્ચેયે ગોઠવ્યો છે. કવિતા માનવજીવનના સાતત્યનો એક ભાગ છે એ રીતે એમણે જોયું છે. બીજી રીતે વિચારીએ તો કવિની આંતરિક શક્તિ માટેનો એમનો અપાર આદર એમને બાહ્ય પરિબળોની ઉપેક્ષા કરવા તરફ લઈ ગયો નથી. આંતરિક શક્તિના પ્રાકટ્ય અને વિકાસને બાહ્ય પરિબળની આવશ્યકતા હોવાનું એમણે માન્યું છે. લૉંજાઇનસની દૃષ્ટિ એકાંગી ને એકાંતિક બનવામાંથી કેવી બચી જાય છે એનું આ લાક્ષણિક ઉદાહરણ છે.