પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/વાગભિવ્યક્તિના દોષો અને દોષવિવેક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વાગભિવ્યક્તિના દોષો અને દોષવિવેક

લૉંજાઇનસનો ગ્રંથ એક રીતે કવિશિક્ષાનો ગ્રંથ છે. એનું એક પ્રમાણ એ છે કે ઉદાત્તતા સિદ્ધ કરવા જતાં કયા દોષોમાં સરી પડવાનો સંભવ છે એની એ અવારનવાર વાત કરે છે અને એ પણ સદૃષ્ટાંત. ગ્રંથના લગભગ આરંભનાં ત્રણ પ્રકરણો તો દોષની જ ચર્ચામાં રોકાયેલાં છે. બીજા પ્રકરણમાં ઉદાત્તતાનું સામાન્ય સ્વરૂપ દર્શાવી તરત જ ત્રીજાથી પાંચમા પ્રકરણ સુધી દોષચર્ચા ચાલે છે અને ઉદાત્તતાના સ્રોતોની ચર્ચા પણ તે પછી આવે છે. દોષવિષયક ત્રણ પ્રકરણોમાં મુખ્ય ત્રણ દોષોની ચર્ચા થયેલી છે. એમાંનો પ્રથમ દોષ છે વાગાડંબર (ટર્જિડિટટ/ટ્યુમિડિટી). ઉદાત્તતા સિદ્ધ કરવા નીકળનારને ઘણી વાર એવું થાય છે કે ક્યાંક પોતાનું નિરૂપણ નિષ્પ્રાણ ને નીરસ ન થઈ જાય, તેથી તે સામે છેડે જઈને બેસે છે અને વસ્તુને ફુલાવીને, ઘેરા રંગે રંગીને રજૂ કરે છે. પણ લૉંજાઇનસ કહે છે કે, જેમ શરીરમાં તેમ અભિવ્યક્તિમાં ફૂલી જવું એ અનિષ્ટ જ છે ને એ ઊલટું જ નિશાન વીંધે છે. જળોદર ખરેખર તો સૌથી વધારે શુષ્કતાભરી સ્થિતિ છે. ટ્રૅજેડીમાં, લૉંજાઇનસ સ્વીકારે છે કે, ઘેરા આલેખન અને વાગ્વૈભવને અવકાશ છે, તેમ છતાં અપ્રાસંગિક વાગાડંબર તો ત્યાંયે ઘૃણાસ્પદ ઠરે છે. જ્યાં વાસ્તવનું આલેખન કરવાનું હોય છે એ કૉમેડીમાં તો વાગાડમ્બરને સ્થાન જ નથી. બીજો દોષ છે બાલિશતા (પ્યુઅરિલિટી), જે ઉદાત્તતાની તદ્દન વિરોધી વસ્તુ છે. ને એ અભિવ્યક્તિનો સૌથી નિંદ્ય દોષ છે. બાલિશતા એટલે તુચ્છ વેદિયાપણું, જે નિષ્પ્રાણતામાં પરિણમે છે. કશુંક અસામાન્ય, ચાતુરીભર્યું કે મનોરમ સિદ્ધ કરવા જતાં આ દોષમાં સરી પડાય છે. સમગ્ર પ્રયત્ન એક દેખાડો કે બનાવટ થઈને રહે છે. ત્રીજો દોષ છે આભાસી ભાવાવેશ (ગ્રી. પેરસ્થિર્સસ, અં. સ્યૂડો-બૅકનિલઝમ), એટલે કે પ્રસંગ વિના, નિરર્થક ભાવાવેશ વહાવવો તે, એમાં પ્રમાણભાન ન સાચવવું તે. વક્તા કેટલીક વાર, જાણે નશામાં આવી, વિષય સાથે અસંબદ્ધ એવા, બેળેબેળે ઉપજાવેલા લાગણીપ્રવાહમાં ખેંચાઈ જાય છે. પણ શ્રોતાઓ કંઈ એમની સાથે હોતા નથી ને તેઓ કશી લાગણી અનુભવતા નથી. આ ત્રણ દોષો વિશે ટૂંકી નોંધ કર્યા પછી લૉંજાઇનસ બીજા દોષ –બાલિશતા – વિશે જરા વિસ્તારથી અને દાખલાઓ આપીને વાત કરે છે. ‘આઇસોક્રટીઝને ઇરાની સંગ્રામની યશોગાથા રચવામાં જેટલાં વરસ લાગ્યાં હતાં તેનાથી ઓછાં વર્ષો સિકન્દરને એશિઆ જીતતાં લાગ્યાં’ એવી સરખામણી કરવી, કે સુંદર સ્ત્રીઓને ‘આંખોના દર્દ’ રૂપે વર્ણવવી, કે તકતીઓ માટે ‘સરુવૃક્ષના સ્મરણસ્તંભો’ એવો શબ્દપ્રયોગ કરવો — આ બધામાં લૉંજાઇનસ દુરાકૃષ્ટ કલ્પના, તુચ્છ પાંડિત્યપ્રદર્શન અને તેથી બાલિશતા જુએ છે. આને અનુષંગે લૉંજાઇનસ આપણને રસ પડે એવો એક વિચાર રજૂ કરે છે. એ કહે છે કે જે કંઈ ગુણરૂપ છે એ જ ઘણી વાર દોષ રૂપે પરિણમતું હોય છે. (કલાપીની પંક્તિ યાદ કરો – ‘જે પોષતું તે મારતું એ ક્રમ દીસે છે કુદરતી.’) અભિવ્યક્તિની સુંદરતા અને ગરિષ્ઠતા જેમ રચનાને સફળતા તરફ લઈ જાય છે તેમ (અનુચિત રીતે પ્રયુક્ત થતાં) નિષ્ફળતા તરફ પણ લઈ જઈ શકે છે. લૉંજાઇનસ ઉમેરે છે કે વચનપરિવર્તન વગેરે અલંકારો વગેરેને પણ આ લાગુ પડે છે. એટલે કે ઉદાત્ત અભિવ્યક્તિનાં સાધક જે તત્ત્વો છે તે જ અનુચિત રીતે પ્રયુક્ત થાય તો એના મારક બની શકે છે. વસ્તુતઃ ઉદાત્તતાસાધક તત્ત્વોની વાત કરતાં એ ક્યારે દોષ રૂપે પરિણમે છે તે લૉંજાઇનસે અવારનવાર સદૃષ્ટાંત બતાવ્યું છે. લૉંજાઇનસનું બીજું નિરીક્ષણ પણ રસપ્રદ છે. એ કહે છે કે નવીનતાનો વ્યામોહ એ આજની ફેશન છે અને સર્વ દોષોના મૂળમાં એ જ છે. આવી ફરિયાદ તો આપણે આજે પણ કરતા હોઈએ છીએ અને કદાચ હંમેશાં થતી હોય છે. તો, નવીનતાનો વ્યામોહ એ કોઈ એક યુગનો ઇજારો નથી! આ ત્રણ દોષો તે ઉદાત્તતાના પ્રયાસમાંથી જ જન્મતા દોષો છે. આ સિવાય ઉદાત્તતાના સ્રોતોની વાત કરતાં જે ઉદાત્તતાસાધક નથી કે ઉદાત્તતાને હાનિકારક છે એવી બાબતોની ચર્ચા લૉંજાઇનસે કરેલી જ છે. જેમ કે, ક્ષુદ્ર વિચારશક્તિ તેમજ કરુણા અને ભયના ભાવો ઉદાત્તતાસાધક નથી; અલંકારચાતુરી, પદાવલીની તુચ્છતા તેમજ સંઘટનામાં અતિસંક્ષિપ્તતા ને અતિલયાત્મકતા એ ઉદાત્તતાને હાનિકારક છે. આ બધું દોષવર્ણન દર્શાવે છે કે લૉંજાઇનસે ઉદાત્તતાનો વિધેયાત્મક ને નિષેધાત્મક કે ભાવાત્મક ને અભાવાત્મક એમ બન્ને રીતે વિચાર કર્યો છે અને એ રીતે પોતાની વિચારણાને એક સંપૂર્ણતા અર્પી છે. દોષવર્ણન કરતાં વધારે મહત્ત્વનો લૉંજાઇનસનો દોષો પ્રત્યેનો દૃષ્ટિકોણ છે. દોષવર્ણનનો હેતુ વ્યવહારુ છે. પણ દોષો પ્રત્યેના દૃષ્ટિકોણમાં સૈદ્ધાન્તિક ભૂમિકા રહેલી છે. લૉંજાઇનસ પ્રશ્ન કરે છે કે સાહિત્યરચનામાં આપણે શાને વધારે પસંદ કરીશું – એવી ઉત્કૃષ્ટતાને કે જેમાં થોડા દોષો પણ રહેલા હોય કે મધ્યમ કક્ષાની સફળતા કે જે અક્ષત ને સંપૂર્ણ દોષવિહીન હોય? લૉંજાઇનસનું નિરીક્ષણ એવું છે કે મહાન પ્રતિભા નિર્દોષતાથી ઘણી દૂર રહે છે. નિર્દોષતા અતિચોકસાઈ માગે છે અને અતિચોકસાઈમાં સામાન્યતાનું જોખમ હોય છે. ઉચ્ચ અભિવ્યક્તિમાં તો સદ્‌ભાગ્યની પેઠે, કંઈક ને કંઈક ખામી રહી જ જતી હોય છે. વળી ઊતરતી અને સરેરાશ પ્રતિભા ધરાવનારનું લક્ષ્ય ઊંચું નથી હોતું અને જોખમ ખેડવાની એની તૈયારી નથી હોતી, તેથી એને અસફળતાઓ વહોરવાની સામાન્ય રીતે આવતી નથી. ત્યારે મહાન પ્રતિભા, એની મહાનતાને કારણે જ, જોખમો વહોરી લે છે અને તેથી સ્વાભાવિક રીતે જ પ્રસંગોપાત્ત સ્ખલનો કરી બેસે છે. લૉંજાઇનસ સ્વીકારે છે કે ભૂલોની યાદ આપણને તાજી ને તાજી રહે છે ને ગુણો વીસરી જવાય છે એવો આપણા સૌનો અનુભવ છે. પોતાને હોમર અને એવા બીજા મોટા લેખકોમાં કેટલીક ભૂલો દેખાઈ છે અને એનાથી પોતે રાજી નથી એમ પોતાનો દાખલો પણ એ આપે છે. તેમ છતાં એ કહે છે કે આ ભૂલો જાણીજોઈને નહીં પણ સરતચૂકથી, પ્રતિભા સાથે જોડાયેલી બેકાળજીથી થયેલી અને તેથી આકસ્મિક ભૂલો છે. એમની દૃષ્ટિએ અંતે તો ગુણોત્કર્ષ જ, ભલે એ સાતત્યપૂર્વક જળવાયેલો ન હોય ને વચ્ચે વચ્ચે સ્ખલનો પણ થયાં હોય તોપણ, ચડિયાતી વસ્તુ છે, કેમ કે એ પ્રતિભાની ઉચ્ચતાની નિશાની છે. મહાન લેખકો પોતાનાં સર્વ સ્ખલનોનું સાટું ઉદાત્તતાના એક સ્પર્શમાત્રથી વાળી દે છે. આવા લેખકોનાં સર્વ સ્ખલનો એકઠાં કરીએ તોપણ તે એમણે હાંસલ કરેલા વિજયોના અલ્પતમ અંશ સમાં હોય છે. લૉંજાઇનસ જેમ દોષ પરત્વે વિવેક કરે છે તેમ ગુણો પરત્વે પણ કરે છે. એ પ્રશ્ન કરે છે કે શું પ્રશસ્ય છે – સાહિત્યગુણોની બહુલતા કે એની અસાધારણતા, ઉત્તમતા? લૉંજાઇનસનો અભિપ્રાય એવો છે કે રચનાની ઉત્કૃષ્ટતાનો નિર્ણય ગુણોની સંખ્યાથી નહીં કરવો જોઈએ. પણ ગુણો કઈ કોટિના છે તેના પરથી કરવો જોઈએ. પોતાનું આ દૃષ્ટિબિંદુ તેઓ હાઇપરાઇડીઝ અને ડિમૉસ્થનીઝની તુલના દ્વારા સ્ફુટ કરે છે. તે કહે છે કે હાઇપરાઇડીઝમાં કેટલાબધા ગુણો છે! – સૂરનું વૈવિધ્ય, મધુર-મૃદુ ચરિત્રચિત્રણ, શિષ્ટ વ્યંગ, અરુચિકર ને તોછડો નહીં એવો પરિહાસ, મજાકભરી આક્રમકતા, કરુણાભાવ જગાડવાનું કૌશલ, કથાકથનની પ્રાસાદિકતા વગેરેવગેરે. ડિમૉસ્થનીઝમાં આમાંનું ઘણું નથી – ચરિત્રચિત્રણની સૂઝ નથી. કથાકથનની પ્રવાહિતા ને સરલતા નથી. મજાક કરવા જતાં એ મજાકને પાત્ર બની જાય છે, મનોહર બનવા જતાં એ મનોહરતાથી દૂર ફેંકાઈ જાય છે વગેરે. આમ છતાં, હાઇપરાઇડીઝના ગુણો ઘણા છે પણ એમાં ઉચ્ચતા, મહત્તા નથી. એમના ઉદ્‌ગારો સ્વસ્થ મનુષ્યના સૌમ્ય ઉદ્‌ગારો છે, શ્રોતાને એ હલાવી મૂકતા નથી કે આતંકિત કરતા નથી. ત્યારે ડિમૉસ્થનીઝ જાણે કોઈ ખજાનામાંથી પોતાના ગુણો લઈ આવે છે. એ ગુણો ઉચ્ચ અને ઉમદા છે. મહાન પ્રતિભાને છાજતા ગુણો છે – અભિવ્યક્તિની ઉત્કટતા, જીવંત ભાવાવેગો, પ્રાચુર્ય, તીક્ષ્ણતા, વેગ, ઉગ્રતા ને બલિષ્ઠતા. આ ગુણોત્કર્ષ એવો છે કે એને માનવીય માનવો એ ભૂલ કહેવાય; એ દૈવી વરદાન છે. એ ગુણોત્કર્ષ એમનામાં નથી તેવા સઘળા ગુણોનો ખંગ વાળી દે છે. વીજપ્રપાતને અપલક આંખે હજુ જોઈ શકાય, પણ અવિરત ધસી આવતા આ ભાવપ્રસ્ફોટને ઝીલવો મુશ્કેલ છે. ગુણદોષના આ તારતમ્યની સ્થાપના કરીને લૉંજાઇનસ અટકી જતા નથી, એનું દાર્શનિક કે મનોવૈજ્ઞાનિક મૂળ શોધવા સુધી જાય છે. એ એવું દર્શાવે છે કે આપણે આ તારતમ્યો કરીએ છીએ એનું મૂળ આપણને માણસ તરીકે પ્રાપ્ત થયેલી પ્રકૃતિમાં, આપણી સહજવૃત્તિમાં જ છે. કુદરતે માણસને કોઈ ક્ષુદ્ર, અધમ પ્રાણી તરીકે નિરધારેલ નથી. એ માણસને આ વિરાટ વિશ્વસભામાં મોકલે છે – એક પ્રેક્ષક તરીકે કે એક ગૌરવ પુરસ્કાર મેળવવા ઉત્સુક સ્પર્ધક તરીકે, ત્યારે, વિશ્વમાં એનાથી જે કંઈ ભવ્યતર અને દિવ્યતર છે એને માટેનો દુર્નિવાર પ્રેમ એના હૃદયમાં ભરીને જ એને મોકલે છે. એથી માનવબુદ્ધિ અને માનવકલ્પના માટે આ જગત – એની આસપાસનું જગત પૂરતું નીવડતું નથી, એ એનીયે પર ઊડે છે. વિશ્વ અપાર ભવ્યતાઓ, વૈભવો અને સૌંદર્યથી ભરેલું છે. ને આપણો માણસનો સ્વભાવ છે કે આપણે નાનાં ઝરણાંઓ માટે અહોભાવ અનુભવતા નથી. ભલે એ સ્વચ્છ અને ઉપયોગી હોય; આપણે અહોભાવ ધરાવીએ છીએ નાઇલ, ડૅન્યૂબ કે રાઇન જેવી મહાનદીઓ માટે ને એથીયે વધારે મહાસાગર માટે. આપણા દીવડાની નાનકડી જ્યોત – એનો પ્રકાશ કેવો ચોખ્ખો હોય છે!–થી આપણે એટલા અભિભૂત થતા નથી જેટલા આકાશી જ્યોતિઓથી થઈએ છીએ, ભલે એ ઘણી વાર અંધકારથી આવૃત્ત થતા હોય. એટનાનો જ્વાલામુખી આપણને અદ્‌ભુત ભાસે છે. ભલે એમાંથી શિલાઓ ફેંકાતી હોય ને આગ રેલાતી હોય. ટૂંકમાં, જે કંઈ ઉપયોગી ને જરૂરી છે એને આપણે સામાન્ય કે તુચ્છ લેખીએ છીએ. જ્યારે આપણા અહોભાવનું અધિકારી તો એ જ બને છે જે આશ્ચર્યજનક હોય છે, અસાધારણ હોય છે. અસાધારણતાનું આ આકર્ષણ જ રચનાની ઉત્કૃષ્ટતાનું લક્ષ્ય રાખનાર મહાન લેખકોનું પ્રેરકબળ હોય છે અને એ જ એમને યથાર્થતાની કે વીગતોની ચોકસાઈની ઉપેક્ષા કરવા તરફ લઈ જાય છે. આપણે પણ આ અસાધારણતાના આકર્ષણથી પ્રેરાઈને જ રચનાની ઉત્કૃષ્ટતા સિદ્ધ કરનાર લેખકોને, એ દોષોથી પર ન હોવા છતાં, મર્ત્ય માણસથી ઊંચી કોટિએ મૂકીએ છીએ, તેમનામાં દૈવી વિભૂતિનું આરોપણ કરીએ છીએ. ગુણદોષનું તારતમ્ય કરવાની આપણી વૃત્તિના મૂળ સુધી જવામાં લૉંજાઇનસની વિચારક પ્રતિભાની ઝાંખી થાય છે અને એ આપણામાં આદર જગવ્યા વિના રહેતી નથી. લૉંજાઇનસની આ ગુણદોષચર્ચા બતાવે છે કે એ કલા કરતાં નૈસર્ગિક પ્રતિભાને કેટલે ઊંચે સ્થાને બેસાડે છે અને કલાની સભાનતાથી આવતા સ્પષ્ટતા, યથાતથતા જેવા ગુણો કરતાં નૈસર્ગિક પ્રતિભાના ઉન્મેષને ઉદાત્તતા માટે કેવો અનિવાર્ય ગણે છે. પણ આ ગુણદોષચર્ચા વિશે થોડા પ્રશ્નો થાય એવું છે. કોઈને થયા પણ છે. દોષોને શું આટલાબધા ક્ષમ્ય ગણવા જેવા હતા? દોષ કૃતિની ઉદાત્તતાને હાનિકારક નીવડે એવું શું ન બને? આ સંબંધમાં લૉંજાઇનસે હોમર વગેરેના દોષો વિશે કરેલું વિધાન યાદ કરવા જેવું છે. એમણે એમ કહ્યું છે કે આ કવિઓના દોષો સભાનતાથી નહીં પણ સરતચૂકથી થયેલા અને તેથી આકસ્મિક છે. આનો અર્થ એ થયો કે આકસ્મિક દોષ અને અંતરંગ દોષ એવો કંઈક ભેદ લૉંજાઇનસના મનમાં છે, જે એમણે વ્યવસ્થિત રૂપે સ્ફુટ કરીને મૂક્યો નથી. એ નોંધપાત્ર છે કે લૉંજાઇનસે ઉદાત્તતા સાધવા જતાં પ્રવેશી જતા વાગાડમ્બર વગેરે ત્રણ દોષો વિશેની વીગતે વાત કરી છે ત્યાં સાહિત્યરચનામાં દોષના સ્થાન વિશેની આ ચર્ચા આવતી નથી. એ તો પછીથી બીજા કોઈ નિમિત્તે થયેલી છે. એટલે સંભવ છે કે વાગાડમ્બર વગેરે દોષો લૉંજાઇનસની દૃષ્ટિએ અંતરંગ દોષો હોય, બીજા આકસ્મિક દોષો. અહીં આપણને સંસ્કૃત કાવ્યશાસ્ત્રી આનંદવર્ધન યાદ આવે. એમણે દોષો વચ્ચે તારતમ્ય કર્યું જ છે. એ અજ્ઞાનજન્ય દોષ અને પ્રતિભાશક્તિના અભાવથી થતા દોષ એવો ભેદ કરે છે અને કહે છે કે અજ્ઞાનજન્ય દોષ કવિપ્રતિભાથી ઢંકાઈ જાય છે, પણ પ્રતિભાશક્તિના અભાવથી જે દોષ જન્મે છે તે તો ઊડીને આંખે વળગે છે. આપણે એ લક્ષમાં રાખવું જોઈએ કે ગુણોને તો લૉંજાઇનસે સ્પષ્ટ રીતે બે વિભાગમાં વહેંચ્યા છે. સરેરાશ લેખકમાં જોવા મળતા ગુણોથી મહાન લેખકોમાં જોવા મળતા ગુણોને એમણે જુદી જ કોટિના ગણ્યા છે. સરેરાશ લેખકોમાં જોવા મળતા ગુણો કૃતિને સફાઈદાર બનાવે છે, પણ કૃતિમાં પ્રભાવાત્મકતા તો આવે છે મહાન લેખકોમાં જોવા મળતા ગુણોથી જ. દોષો પરત્વે પણ આવો કોઈ ભેદ લૉંજાઇનસના મનમાં હોય એ અસંભવિત નથી. બીજો પ્રશ્ન એવો પણ થાય કે મહાન લેખકની રચના પણ નિર્દોષ હોય એવું શું ન બની શકે? લૉંજાઇનસ તો જાણે એ હંમેશાં સદોષ હોય એવું માનતા હોય એમ લાગે છે. પણ હકીકતમાં લૉંજાઇનસ આવું માને છે એવું તારણ ઉતાવળે કાઢવા જેવું નથી. એમનો મુદ્દો કાવ્યમાં દોષના સ્થાન પૂરતો મર્યાદિત છે અને નિર્દોષતા પોતે કોઈ કાવ્યમૂલ્ય નથી એમ એમને સ્થાપવું છે. તેથી મહાન કૃતિઓની સદોષતાનો જ દાખલો એમણે આપવાનો થાય. દોષવિહીન મહાન કૃતિની વાત કરવાનું એમને માટે અહીં પ્રસ્તુત ન ગણાય. પણ આનો અર્થ એવો કરવાની જરૂર નથી કે મહાન કૃતિ કદી નિર્દોષ ન હોય એવું એ માને છે. આ જ રીતે, સરેરાશ લેખકની કૃતિ હંમેશાં નિર્દોષ હોય એવું લૉંજાઇનસ જાણે કહેતા હોય એવું લાગે છે. એ બરાબર છે? અહીં પણ ઉપરના જેવી દલીલ આપણે કરવાની રહે. સરેરાશ કૃતિની નિર્દોષતા પણ એને સદોષ મહાન કૃતિની તોલે નથી મૂકતી એ એમને બતાવવું છે. એમાં સદોષ સરેરાશ કૃતિની વાત કરવાનો એમને અવકાશ જ ક્યાંથી રહે? એથી સરેરાશ કૃતિ કદી સદોષ ન હોય એવું એ માને છે એમ કેમ ધારી લેવાય? વસ્તુતઃ એક સ્થળે એમણે લિસિઍસનો દાખલો આપ્યો છે કે એમનામાં પ્લેટો કરતાં ઊતરતી કક્ષાના ગુણો છે, એટલું જ નહીં પ્લેટો કરતાં ઘણા વધારે દોષો પણ છે. આ સદોષ સરેરાશ કૃતિનો જ દાખલો થયોને? આ સંદર્ભમાં એક અંગ્રેજ વિવેચકે કરેલું એક નિરીક્ષણ ઉપયોગી થાય એવું છે. એમણે કહ્યું છે કે રોમન કવિઓમાં ઍલિગઝાંડ્રિઆના મહાન કવિ કૅલિમકસનો સર્વાંગસંપૂર્ણ ને નાનકડી ઉત્તમ રચનાનો આદર્શ પ્રતિષ્ઠિત હતો; લૉંજાઇનસનું કાવ્યદોષ પરત્વેનું આ પ્રતિપાદન એની સામે મુકાયેલું છે. એટલે કે શ્રેષ્ઠતા સર્વાંગસંપૂર્ણ જ હોય એ આવશ્યક નથી, ઘણી વાર એ સદોષ હોય છે એવું સ્થાપવા એ તાકે છે.