અનુષંગ/પત્રકારી નિબંધો

From Ekatra Wiki
Revision as of 09:44, 17 April 2025 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પત્રકારી નિબંધો

‘મારી બારીએથી ભા. ૧-૨’, સુરેશ દલાલ.
(વોરા, અમદાવાદ, ૧૯૭૫, પા. ૧૧૦, ૧૪૦, રૂ ૬-૫૦, રૂ. ૭-૫૦)

ગુજરાતીમાં ગંભીર નિબંધની અવસ્થા ‘ગંભીર’ જણાય છે, પણ લલિત નિબંધના ક્ષેત્રે કંઈક હલચલ દેખાય છે એ સુખદ સમાચાર છે. અંગ્રેજીમાં જેને ‘personal essay’ (વૈયક્તિક કે અંગત નિબંધ) કહેવામાં આવે છે તેનું ખેડાણ ગુજરાતીમાં હાસ્યનિબંધ રૂપે સાતત્યથી થતું રહ્યું છે – જોકે એમાં નવોન્મેષો બહુ જોવા મળ્યા નથી. હાસ્યની આછી લહર જેમાં ફરકતી હોય અથવા એવું પણ સ્ફુટ હાસ્ય જેમાં ન હોય એવાં હળવા મિજાજથી કે સર્જકની સંવેદનશીલતાથી અંગત ભાવે થયેલાં લખાણો તો આપણે ત્યાં છેલ્લાં વીસ-પચ્ચીસ વર્ષોનો ફાલ છે. એમાં પણ બે પ્રવાહો નજરે પડે છે – વિચાર, વ્યક્તિત્વ પ્રસંગ, પદાર્થને કેન્દ્રમાં રાખી ચાલતા વિનોદિની, ઉમાશંકર, દલાલ, કિશનસિંહ, સ્વામી આનંદના નિબંધો; અને અનુભવના સંકુલ જગતને વ્યક્ત કરવા મથતા અને કાવ્યાત્મકતાની કોટિએ પહોંચવા મથતા સુરેશ જોશી અને દિગીશના નિબંધો, દિગીશ આગળ જાણે આપણે થોભી ગયા લાગતા હતા, પણ હવે ‘મારી બારીએથી’ અને ‘શિયાળાની સવારનો તડકો’ના પ્રકાશનથી લાગે છે કે વૈયક્તિક નિબંધનાં નીર વહેતાં છે. ‘મારી બારીએથી’નો બીજો ભાગ તો વ્યક્તિચિત્રોનો જ છે, પણ પહેલા ભાગનાં લખાણોને કોઈ સંજ્ઞા કે સ્વરૂપવર્ણનમાં બાંધવાં મુશ્કેલ જણાય છે. એમાં લેખકના ચિત્તનો સ્વૈરવિહાર છે. કોઈક નિમિત્તનું આલંબન લઈ ચિત્ત આમતેમ ઘૂમી વળે છે અને જે કંઈ ઝડપાયું એને શબ્દસ્થ કરી લે છે. આ નિબંધોમાં વિચારો છે, પણ વિચારનો દોર ભાગ્યે જ જડે છે; જગતનું અવલોકન છે એટલું આંતરદર્શન નથી; અંગત અનુભવ અને સ્વકીય સંવેદનનાં છાંટણાં છે. પણ અંગતતાનો કોઈ નિબિડ સ્પર્શ નથી; વિચારવસ્તુનિષ્ઠતાની પ્રતીતિને લોપવાનો પ્રયાસ છે પણ કોઈ સ્વતંત્ર કાવ્યજગત સર્જાતું નથી. ઉમાશંકર-દલાલ અને સુરેશ જોશી-દિગીશની નિબંધશૈલીઓનું અહીં જાણે સંમિશ્રણ છે. સુરેશ દલાલ પાસે અવલોકન, અનુભવ, સંવેદન, સ્મરણ, ચિંતન, સાહિત્યાભ્યાસ અને શબ્દની, હજારેક શબ્દોની આવી નાનકડી નિબંધિકાઓ લોકપ્રિય રીતે લખી શકાય એટલી અને એવી મૂડી છે જ. અવલોકન બહુધા આજના નગરજીવનનું – મુંબઈનું છે. મુંબઈ, મુંબઈનો માળો, મુંબઈના સામાન્ય નોકરિયાતનું જીવન (‘પેટે ચાલનાર પ્રાણી’), મુંબઈનો સવારનો સમય અને ક્યૂ વગેરે વિષયના તો અહીં નિબંધો જ છે. મુંબઈના નગરજીવનની વિષમતા, અર્થહીનતા અને ગૂઢ કરુણતા લેખકે કેવી સૂક્ષ્મ કટાક્ષોક્તિઓથી માર્મિક રીતે સૂચવી છે એ જુઓ : “ઝૂંપડપટ્ટીઓ અને ચાલીઓ તો મુંબઈના વૈભવને ઉપસાવવા માટે હોય, જેમ કરુણને ઉપસાવવા માટે હાસ્યની જરૂર હોય, એમ લાગે.” “કોઈકે તોરણમાં ‘વેલકમ’ શબ્દોને ગૂંથ્યા હોય, પણ પોતે જ બહાર ને બહાર હોય.” “અમારે પણ અમારા ઉત્સવો છે. ચંપલ ખરીદવાનો ઉત્સવ. પંદરેક દિવસથી તો એની વાત ચાલે. પછી સહકુટુંબ ખરીદવા જઈએ. પેન્ટ બુશશર્ટના કાપડની ખરીદીનો દિવસ તો મોટો અવસર ગણાય.” હોટેલમાં બેઠાબેઠા જોયેલાં દૃશ્યોના, ટ્રેનના પ્રવાસના, દરિયાના સાન્નિધ્યના અનુભવો અને શૈશવ પાસે હોય છે એ “કાચના પારદર્શક અવાજ”ની શોધ સુરેશની સંવેદનશીલતાનું માપ આપે છે. એમાં અસાધારણ આગવાપણું નથી, કંઈક સરેરાશપણું છે, છતાં અંગત સંવેદનશીલતાનો આ સ્પર્શ અંગત નિબંધની આબોહવા તે ઊભી કરે છે. નીચેના જેવું કોઈક અર્થસભર ચિત્ર આ૫ણા મનમાં વસી પણ જાય છે : “બારી ખુલ્લી રાખીએ તો સૂર્યચંદ્રનાં કિરણો – તેજનાં એ તરણાં – આપણી નાનકડી ઓરડીમાં પણ એક વિશાળ માળો બાંધી આપે છે.” જગત અને જીવનની સમીક્ષા, અનુભવોનું પર્યાલોચન એ પણ નિબંધનો એક આવશ્યક ભાગ છે અને સુરેશે એ ટાળ્યું નથી. પણ ચિંતન નિબંધની રીતે જ, રસળતી શૈલીમાં અને અંગત ભાવે, અનુભવ-અવલોકનના સંદર્ભમાં જ થયું અને ‘ચિંતન’ તરીકેનો કશો ભાર વરતાતો નથી. વિચારની ઘણી લોકપ્રિય લઢણો પણ જડે છે : “બારી હોવા છતાં બારી બંધ રાખવી એના જેવું કમભાગ્ય બીજું એકેય નથી.” “ટેબલની અને ટેબલ આસપાસની સૃષ્ટિ જેવી જ મનની સૃષ્ટિ ઓછેવત્તે અંશે હોય છે. આસપાસના કેટલાયે વિચારો ‘અરસપરસની અડખેપડખે બેફામ’ થઈને પડ્યા હોય છે. આ મન જાણે મોટી ધરમશાળા હોય એમ વિચારો આવ્યા જ કરે છે. કામ માણસને નથી થકવી દેતું, વિચારો માણસને લોથપોથ કરી મૂકે છે.” “માણસ પ્રેમ પોતાને માટે કરે છે – પછી એ નિભાવે છે લોકો માટે.” આ બધી સજ્જતા છતાં સુરેશના નિબંધો પૂરો સંતોષ આપતા નથી. એમાં કંઈક ખૂટે છે એમ લાગે છે. એ શું છે? એક તો, સુરેશ કંઈક સપાટી ઉપર રહીને લખે છે – ‘હૉસ્પિટલ’ એ નિબંધ કેવો ચીલાચાલુ વીગતોથી ભરેલો નિબંધ બન્યો છે! એમાં લેખકના સ્મરણે ચડેલી કોઈની પંક્તિઓ જ માત્ર ધ્યાન ખેંચે છે! ‘આ થાક શાને છે?... આ થાક કોનો છે’ જેવા નિબંધમાં લેખક અંતર્મુખ થયા છે ત્યાંયે જીવનની અને આધુનિક જીવનની ઘરેડનું એક રેખાચિત્ર દોરાય છે પણ એથી વિશેષ ઊંડાણ આવતું નથી, કોઈ આગવું મૂલ્ય નીપજતું નથી. બીજું, આમાં સતત કંઈક ઉછીનાપણું લાગ્યા કરે છે. વાંચેલામાંથી ઘણું સીધી રીતે આવ્યું છે, કેટલુંક પરોક્ષ રૂપે પણ આવ્યું હશે. કેટલીક વાર અવતરણો નિબંધમાં ભળતાં નથી તે સ્મરણનો બોજ લેખક કેટલો વહે છે તે બતાવે છે અને નિબંધોમાં જે વેર-વિખેરપણું છે તે પણ સ્મરણે ચડેલું લેખક નોંધ્યા વિના રહી શક્યા નથી એમ બતાવે છે. ઉછીનું અન્ય પાસેથી જ નહીં, જાત પાસેથી પણ લઈ શકાય. ત્રીજું, ‘મુઝકો યારો માફ કરના’ જેવા કોઈક નિબંધને બાદ કરતાં, નિબંધોની આકૃતિ ઓછેવત્તે અંશે શિથિલ રહી છે. નિબંધમાં સ્વૈરવિહાર હોય પણ અંતે સમ પર આવવાનું પણ હોય. અહીં તો ખૂંચે એવા વિચારના કૂદકાઓ છે અને ઘણું અપ્રસ્તુત પણ છે. પહેલા જ નિબંધ ‘તરસી મારી આંખને માટે’માં ‘બારી’ શબ્દની વ્યંજકતાનો સુરેશે લાભ ઉઠાવીને એક રસિક લખાણ કર્યું છે. પણ “એક ચીની કવિની કવિતાની બારીમાંથી’ માનવહત્યાની વ્યથા આપણને બતાવતો ટુકડો છેલ્લે જે ફેંક્યો છે તે કોઈ રીતે જરૂરી લાગતો નથી અને એને અંતે પાછું “શિશિરની બારીમાંથી વસંત ક્યારેક તો આવશે જ!” એવું આશ્વાસન આપણને પકડાવ્યું છે તેયે એક લટકણિયું જ લાગે છે. ‘ટ્રેનની ગતિએ’માં પણ ૨૬મી જાન્યુઆરીએ સ્ટેશન પર ફરકતા રાષ્ટ્રધ્વજ પરથી જાન્યુઆરીનો અંત, પોષની ઠંડી, ગાંધીજીનું મૃત્યુ, અને ગાંધીજીને આપણે ચોકીમાં ભાષણોમાં કેદ કર્યા છે ત્યાં સુધી લેખક સરકી ગયા છે એમાં એમ લાગે છે કે ગાડી પાટા પરથી ઊતરી ગઈ છે. આ વાતો નિબંધમાંની અન્ય વાતો સાથે ભળતી જ નથી. ૯૬-૯૭ પાનાં પર લેખકની વાચાળતાએ શું લંબાવ્યું છે અને અંદર કેવું કેવું ભર્યું છે એ એમાંથી જ જોઈ લેવા ભલામણ છે. સુરેશે ઇલા પાલનું એક વિધાન ટાક્યું છે : “મારી પ્રારંભની ચિત્રકલામાં ન જોઈએ એવી કેટલીયે આસપાસની વીગતો આપમેળે ઊભરાઈ જતી.” સુરેશને પણ એમની નિબંધકલા પ્રારંભની હોવાના બચાવનો લાભ આપી શકાય, પણ કદાચ આ એમનો સ્વભાવગત શૈલીદોષ પણ હોય. એક જ ફકરામાં પણ એ પરસ્પર અસંગત વિચારો મૂકી શકે છે. આગળ વિચારો વિશેનો એક પૅરા ઉતાર્યો છે અને એનું બાકીનું છેલ્લું વાક્ય આ છે : “આખા આકાશને વલોવવાની શક્તિ આ વિચારનાં પંખીઓમાં પડેલી છે.” માણસને લોથપોથ કરવો અને આખા આકાશને વલોવવું એ બાબતોને સાંકળવાનો કોઈ પ્રયત્ન અહીં નથી. ચોથું, ઘણે ઠેકાણે સુરેશ સ્થૂળ શબ્દચમત્કારથી પ્રેરાતા દેખાય છે. એમાં એક પ્રકારની કૃત્રિમતા છે, બાલિશતા છે. સુરેશની પોતાની એક મજાની ઉક્તિછટાને વાપરીએ તો એમાં “કશુંક કહેવા માટેનો મુદ્દો ન હોય તોપણ પોતાનો અવાજ સાંભળવાનો શોખ” પ્રગટ થાય છે. પણ એથીયે વિશેષ, સુરેશ એક ઠેકાણે પ્રેમ વિશે કહે છે – “શબ્દોમાં રજોટાયેલો પ્રેમ – એ પણ એક ભાગેડુ વૃત્તિ તો નથી ને?” – એ લાગુ પાડી આપણે પૂછી શકીએ – “શબ્દોમાં રજોટાયેલો વિચાર – એ પણ એક ભાગેડુ વૃત્તિ તો નથી ને?” શ્લેષ, યમક, અનુપ્રાસ વર્ણસગાઈ વગેરે પ્રકારના સ્થૂળ શબ્દચમત્કારનાં ઢગલાબંધ ઉદાહરણોમાંથી થોડાં આપણે નોંધીએ : “મુંબઈની ભૂગોળ એવી છે કે એમાં જાણે કે ભૂ પણ નથી અને, ગોળનું ગળપણ પણ નથી.” “સ્કોર પૂછવો એ અહીંનો વહેવાર અને તહેવાર છે.” ‘સરકસ અને સરઘસ સાથે મુંબઈને લોહીની સગાઈ છે અને હડતાલ એ મુંબઈનો તાલ છે.” “આપણે હનુમાન નથી. આપણે તો માત્ર અનુમાન છીએ.” “એમાંથી થોડાક સિક્કાઓનું ફિક્કા ચહેરે બહાર નીકળવું....” “કકળાટથી કથળે તો પછી એ દરિયો શાનો?” “છોકરાંઓ ઉંબરલાયક ન રહેતાં ઉંમરલાયક થાય છે.” “યુગલો પ્રેમનાં બ્યૂગલો વગાડે છે.” “પુસ્તકો ચાવનારા અને પચાવનારા.” આમાંથી કેટલાક શબ્દચમત્કારો પરાણે આણેલા છે અને અર્થહીન પણ છે એ જોઈ શકાશે. બીજા ભાગમાં વ્યક્તિઓનાં રેખાચિત્રો છે અને લેખકની પાસે એક દોર સતત રહ્યો છે. સમગ્ર સાથે ન ગંઠાતા હોય એવા ટુકડાઓ એમાં ક્યાંક-ક્યાંક મળે છે, છતાં અપ્રસ્તુતતા, આગંતુકતા કે વેરવિખેરપણાનો બહુ અનુભવ થતો નથી. પાંખાપણું લાગે છે. અને એનું કારણ એ છે કે આમાંની ઘણી વ્યક્તિઓ સાથે સુરેશને પ્રત્યક્ષ કે આત્મીય સંબંધ નથી અને પોતાની ઉપરછલ્લી જાણકારીથી ચલાવવું પડ્યું છે. લેખક રજૂઆત પોતાની રીતે કરી શકે પણ એનોયે કોઈ અસાધારણ કસબ અહીં દેખાતો નથી. જ્યાં અંગત સંબંધની ઉષ્મા આવી છે એવાં કેટલાંક વ્યક્તિચિત્રો – ‘બલ્લુભાઈ દેસાઈ’, ‘મુરલી ઠાકુર’, ‘મુરલી ઠાકુર અને મહેન્દ્ર ભગત’, ‘બરકત વીરાણી’ વગેરે – વિશેષપણે આસ્વાદ્ય બન્યાં છે. બાકી ઘણેબધે ઠેકાણે વ્યક્તિનાં જીવન, વિચાર કે સાહિત્યકર્મના આછા પરિચયથી વિશેષ આપણને ભાગ્યે જ કંઈ મળે છે. ‘મીનાકુમારી’માં તો કેવળ એક વાંચેલો પ્રસંગ જ છે! ‘મિયુકી ફ્યુરાટા’નો પરિચય એની નવીનતાથી આપણું ધ્યાન ખેંચે છે, તો બીજાં રેખાચિત્રોમાં ૫ણ આપણને સ્પર્શી’ જાય એવી રેખાઓ અવારનવાર ટપકી પડે છે. પૌરાણિક, ઐતિહાસિક, સમકાલીન, દેશી, વિદેશી, સાહિત્ય-સંગીત-ફિલ્મ-રાજકારણના ક્ષેત્રની વ્યક્તિઓને અને સાહિત્યસૃષ્ટિના પાત્રને પણ આવરી લેતા આ સંચયનું વૈવિધ્ય ધ્યાન ખેંચે એવું છે. પણ અંતે રેખાચિત્રોમાં સુરેશનો આગવો સ્પર્શ જવલ્લે જ દેખાય છે એમ કહેવાનું રહે. છાપાના કૉલમનો સ્થળસંકોચ થોડો નડ્યો હશે પણ આ વ્યક્તિઓ વિશેની અનુભવમૂડી – પ્રત્યક્ષ કે પરોક્ષ પણ – કંઈક અપર્યાપ્ત હોવાનો ભાસ થાય છે. વ્યક્તિઓના અંગત જીવનના માર્મિક પ્રસંગો પ્રમાણમાં બહુ ઓછા ગૂંથાયા છે. આ ભાગમાં પણ સ્થૂળ શબ્દમોહમાંથી તો સુરેશ બચી શક્યા નથી. એનાં ઉદાહરણો આપવાની જરૂર જણાતી નથી. પણ પોતાના આ શૈલીલક્ષણથી સુરેશ સભાન લાગે છે. એટલે જ એ એક વખત લખે છે કે “શબ્દરમત જેવું ન લાગે તો એમ કહું...” આ બધાં લખાણો છાપાની કૉલમમાં નિયમિત રૂપે થયેલાં લખાણો છે. એવા પત્રકારી નિબંધનાં ભયસ્થાનો ઉમાશંકરે સ્પષ્ટ રૂપે બતાવ્યાં છે : “નિયમિત અમુક શબ્દો લખવાની પ્રતિજ્ઞાને લીધે નિબંધકારને જરીક અમથી સ્ફુરણાના જોર ઉપર ઘણું બધું લખવાની પાળી આવે છે. મલાવી-મલાવીને – હુલાવી-ફુલાવીને વાત કરવાની એને આદત પડી જાય છે... પત્રકારત્વને લીધે આજે નિબંધનું પોત પાતળુ પડી ગયું છે. એ પાંખો અને ખાલીખમ જેવો બની બેઠો છે. ઘણી વાર એ એક ચમકીલી તુચ્છ વસ્તુથી વધુ નથી હોતો... પ્રજારંજન અર્થે ઉડાવવા પડતા રંગીન તરંગ-પરપોટા રૂપે નિબંધ ઘણું ખરું દેખાય છે તે માટે પત્રકારત્વ જવાબદાર છે.” સુરેશ પત્રકારી નિબંધના આ ભયસ્થાનોને નિરવકાશ ઠરાવી શક્યા નથી. તોપણ આ નિબંધોમાં વિચારગાંભીર્ય, સંવેદનસત્ત્વ, અભિવ્યક્તિ-સૌંદર્ય-સામર્થ્યની જે કંઈ અલપઝલપ ઝાંખી થાય છે એ ઘણા લોકોનું આ નિબંધો તરફ ધ્યાન ખેંચવામાં કામિયાબ નીવડશે એમ લાગે છે.

[૧૮, એપ્રિલ ૧૯૭૬; ‘ગ્રંથ’, જૂન ૧૯૭૬]