સાહિત્યિક તથ્યોની માવજત/ત્રણ નોંધ

Revision as of 03:26, 11 April 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ત્રણ નોંધ

૧. સ્ત્રીવિછોહ્યા કે શ્રીવિછોહ્યા?

નરસિંહ મહેતાકૃત ‘મામેરું’માં એક પદ નીચે મુજબ છપાયેલું મળે છે :

જનનીએ મેલ્યા નર જીવે, સ્ત્રીવિછોહ્યા મરી જાય રે, માય.
સંપત્યહીણ તે શબવત દીસે, મરે, ન જીવતા થાય રે, માય.
વિશ્વજનેતા સાગરતનયા, હરિઅર્ધાંગે તું, કમળાય.
કૃપાકટાક્ષે જુઓ અમ ઉપર, નરસિંયો કાં વિસારિલા, માય?

અહીં ‘નરસિંહ મહેતાકૃત આત્મચરિતનાં કાવ્યો’ (સંપા. કેશવરામ કા. શાસ્ત્રી, ૧૯૬૯)નો પાઠ લીધો છે, જે થોડાક ફેરફાર સાથે અન્યત્ર પણ મળે છે. આ પદની પહેલી પંક્તિ ધ્યાન ખેંચે એવી છે. ઉમાશંકર જોશી (ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, ગ્રંથ ૨, ૧૯૭૬) એ સંદર્ભે લખે છે કે – “એક માનવીની જેમ નરસિંહના ઉદ્‌ગારો નીકળે છે : ‘જનનીએ મેલ્યા નર જીવે, સ્ત્રીવિછોહ્યા મરી જાય રે માય.’ માણેકબાઈ જતાં ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ’ એવો ઉદ્‌ગાર નરસિંહના મુખમાં મૂકવામાં લોકજીભને પ્રેમાનંદ જેવાએ પણ અનુમોદન આપ્યું છે. પણ નરસિંહના હૃદયની સ્થિતિ જુદી જ હતી અને સ્વયં કવિને મુખે જ ગુજરાતી કવિતામાં એ અપૂર્વ આલેખન પામી છે.” (પૃ. ૯૮-૯૯) “નરસિંહની કૃતિમાં ‘સ્ત્રીવિછોહ્યા મરી જાય રે’માં ઘેરા કરુણની છાંટ છે.” (પૃ. ૧૦૩) દેખીતી રીતે જ, ઉમાશંકરે પહેલી પંક્તિનો એવો અર્થ કર્યો છે કે જનની માણસને છોડીને જાય, મૃત્યુ પામે તો માણસ જીવી જાય છે, પરંતુ સ્ત્રી એટલે કે પત્ની માણસને છોડીને જાય તો એ જીવી શકતો નથી. પ્રાપ્ત પાઠ આ જ અર્થ આપી શકે. એમાં માણસના જીવનમાં માતા કરતાં પત્નીનું વધારે મહત્ત્વનું સ્થાન છે એમ સ્થાપિત થાય છે. પત્નીપુત્રી મૃત્યુ પામતાં ‘ભલું થયું ભાંગી જંજાળ’ એમ બોલનાર તરીકે જેમને આપણે એળખીએ છીએ તે નરસિંહ પોતે આવું કહે ત્યારે એ વધારે ધ્યાન ખેંચે ને ઉમાશંકરની જેમ એ ઉદ્‌ગારનો મહિમા કરવાનું કોઈને ૫ણ મન થાય. આ પદ કુંવરબાઈના મામેરા પ્રસંગે પ્રાર્થના રૂપે આવેલું છે. પુત્રીના મામેરા પ્રસંગે પત્નીની ખોટ નરસિંહને સાલે છે એ રીતે આ ઉદ્‌ગારનું ઔચિત્ય બતાવી શકાય, પરંતુ આખા પદને ધ્યાનથી જોઈએ તો દેખાય છે કે આ પ્રાર્થના લક્ષ્મીજીને સંબોધાયેલી છે અને એની કૃપાની એમાં યાચના કરવામાં આવી છે. ‘સંપત્યહીણ તે શબવત્‌ દીસે’ એ બીજી પંક્તિ ધન વિના થતી દુર્દશાનું દુઃખ વર્ણવે છે, એટલું જ નહીં સંપત્તિ વિનાની દશાને મૃત્યુસદૃશ દશા જ કહે છે. આ બધું જોતાં પહેલી પંક્તિમાં સ્ત્રી વગરની દશાને મૃત્યુદશા કહેવામાં આવી છે તેમાં કંઈક અસંગત, અપ્રસ્તુત વાત થતી હોય એવું ન લાગે? કંઈ પાઠ, અર્થની ગરબડ હોય એવો વહેમ ન જાય? રજની કે. દીક્ષિત (“નરસિંહ મામેરા’માં સમાયેલી વિભિન્ન રચનાઓ’, ભાષાવિમર્શ, જુલાઈ-સપ્ટે. ૧૯૮૫, પૃ. ૪૩-૪૪)ને આવો વહેમ ગયો છે ને એમણે ‘શ્રીવિછોહ્યા મરી જાય રે માય’ એવો પાઠ કલ્પ્પો છે. ‘સંપત્યહીણ તે શબવત્‌ દીસે’ની સાથે આ પાઠ એકદમ સંગત બની રહે અને સમગ્ર પદના હેતુને પણ એ પાઠ ઉપકારક બને. જનની વિના માણસ જીવી શકે, ધન વિના નહીં એમ તાત્પર્ય નીકળે ને મામેરું કરવા માટે નરસિંહ ધનની આવશ્યકતા અનુભવે છે તે સંદર્ભમાં આ ઉદ્‌ગાર ઘણો સમુચિત બની જાય. આ પછીનાં તરતનાં બે પદમાં ‘નિર્ધન નર કાં સરજિયા, શ્રીહરિ?’ અને ‘નાગરી નાતમાં નિર્ધન સરજિયા’ એમ ધનહીન સ્થિતિનું દુઃખ વ્યક્ત કરતા ઉદ્‌ગારો મળે છે તે સૂચક છે. સૌથી વધુ નોંધપાત્ર હકીકત એ છે કે રજનીબહેનના તર્કને ટેકો આપતો પાઠ આ પદનો મળી આવ્યો છે. ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ, મુંબઈના વિ.સં. ૧૯૮૬ના મોટા કાર્તિકી પંચાંગમાં નટવરલાલ ઇચ્છારામ દેસાઈએ નરસિંહ મહેતાકૃત ‘કુંવરબાઈનું મામેરું’ને એક પાઠ – એક હસ્તપ્રતને આધારે – છાપ્યો છે તેમાં આ પદની પહેલી પંક્તિ આમ જ મળે છે – ‘જનુનીએ મેલ્યા તે નર જીવે, શ્રીવછોયાં મરી જાયે રે.’ નવાઈની વાત એ છે કે કે. કા. શાસ્ત્રી પાસે પંચાંગની વાચના આવેલી છે, છતાં એમને હાથે આગળથી ચાલતો આવેલો ભ્રષ્ટ પાઠ સુધર્યો નહીં! આ પાઠશુદ્ધિ પછી ઉમાશંકરે નરસિંહના હૃદયની જુદી સ્થિતિ વિશે જે મહિમાપૂર્વક લખ્યું તે બધું નિરાધાર ઠરે છે. સાચું પૂછો તો, મધ્યકાળમાં માતાને મુકાબલે પત્નીનો આવો મહિમા થવાનું ભાગ્યે જ સંભવિત ગણાય. વૈરાગી કવિને મોઢે તો એ અશક્યવત્‌ જ.

૨. શ્રીરંગ મહેતાના સમાચાર

નરસિંહ મહેતાકૃત ‘હૂંડી’માં એક પંક્તિ આ પ્રમાણે મળે છે :

સમાચાર શ્રીરંગ મ્હેતાના સાંભળી,
દેહ તણું દુક્રિત કોટિ વામું.

આ પંક્તિને સંદર્ભે કેશવરામ કા. શાસ્ત્રી (નરસિંહ મહેતો એક અધ્યયન, ૧૯૭૧) લખે છે – “હૂંડીના ત્રીજા પદમાં આવતા એક નિર્દેશથી સમજાય છે કે કુંવરબાઈ રંડાઈ નહોતી તે પહેલાંનો આ પ્રસંગ છે, કેમકે શ્રીરંગ મહેતાને ત્યાંથી કુશળ સમાચાર આવ્યા કરે છે : પુત્રી કુશળ છે એવી મતલબનું ‘હૂંડી’ માટેના પત્રમાં નરસિંહે સૂચવ્યું” (પૃ. ૧૭૦) “આમાં એક વાત ધ્યાનમાં લેવા જેવી છે કે નરસિંહ પુત્રી કુંવરબાઈના સસરા ‘શ્રીરંગ’ની કુશળતાની ખબર પ્રભુજોગ મોકલે એટલે હજી પુત્રી રંડાઈ નથી તેવા સમયનો ‘હૂંડી’નો પ્રસંગ અને એની રચના છે.” (પૃ. ૨૩૩) ધીરુ પરીખ (નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓ, સંપા. શિવલાલ જેસલપુરા, ૧૯૮૧ – ‘નરસિંહ મહેતા જીવન અને કવન’) પણ એ પંક્તિને અનુષંગે લખે છે કે – “અહીં શ્રીરંગ મહેતાનો ઉલ્લેખ કુંવરબાઈના લગ્નોત્તર કાળે આ ઘટના બની હોવાનો અંદાજ બાંધવામાં સહાયભૂત થાય છે, પરંતુ હૂંડીનો બનાવ કુંવરબાઈના સીમંતના પ્રસંગ પછી બન્યો હશે કે પહેલાં તે નક્કી કરવાને કોઈ આંતરિક પુરાવો મળતો નથી... શ્રીરંગ મહેતાના કુશળ-સમાચાર જો મામેરાના પ્રસંગ પછીના છે એમ ઘટાવવામાં આવે; – કારણ કે કુંવરબાઈનું સમૃદ્ધ મામેરું કર્યા પછી એનાં સાસરિયામાં નરસિંહની પ્રતિષ્ઠા વધી હોય અને કુંવરબાઈને સુખ આપવામાં આવતું હોય એ તર્કગમ્ય શક્યતા છે, – તો હૂંડીનો આ પ્રસંગ સીમંતના પ્રસંગ પછી, એટલે કે મામેરાના પ્રસંગ પછી બન્યો હશે એમ અનુમાન કરી શકાય.” (પૃ. ૪૧-૪૨) તો, રજની કે. દીક્ષિત (‘નરસિંહ મામેરા’માં સમાયેલી વિભિન્ન રચનાઓ’, ભાષાવિમર્શ, જુલાઈ-સપ્ટેમ્બર, ૧૯૮૫) આ પંક્તિ અંગે પ્રશ્નો ઉઠાવે છે કે – “પ્રશ્ન એ થાય છે કે શ્રીરંગ મહેતાને ‘હૂંડી’ સાથે શો સંબંધ છે? શ્રીરંગ મહેતાના શા સમાચાર ત્યાં નરસિંહે સાંભળ્યા? કોની પાસેથી સાંભળ્યા? દ્વારિકા જતા યાત્રાળુઓએ શ્રીરંગ મહેતાના સમાચાર આપ્યા એવો ઉલ્લેખ ક્યાં છે? તેઓ નરસિંહ માટે કંઈ જ જાણતા ન હતા અને એને શેઠ માની બેઠા હતા તે શ્રીરંગ મહેતાના વેવાઈ તરીકે એને ક્યાંથી ઓળખતા હોય? શ્રીરંગ મહેતાના સમાચાર લઈને જ આવ્યા હોય તો પહેલેથી જ નરસિંહનું ઘર શોધતા ન હોય? અર્થાત્‌ આ પંક્તિ ‘હૂંડી’ આખ્યાનમાં અસ્થાને લાગે છે.” (પૃ. ૪૭) અને તેઓ તર્ક કરે છે કે – “હવે આ જ પંક્તિઓ મામેરામાં ‘છાબ ઠાલી, મહીં મેલી હૂંડી’ પછી વાંચી જોઈએ. નરસિંહે છાબમાં આપવામાં વસ્ત્રો મૂકવાને બદલે માત્ર હૂંડી લખીને પહેલેથી જ મૂકી છે... ‘શામળા શેઠ પરસિદ્ધ નામ’ પર લખેલી એ હૂંડી આ પ્રમાણે હશે :

અત્ર છે ક્ષેત્ર ને કુશળતા તમ લહું
તે થકી પરમ સંતોષ પામું,
સમાચાર શ્રીરંગ મ્હેતાના સાંભળી
દેહ તણાં દુક્રિત ક્રોટિ વામું.

શ્રીરંગ મહેતા તરફથી સમાચાર આવ્યા છે કે પુત્રીનું સીમંત છે તે સાંભળીને આ પ્રમાણે હૂંડી છાબમાં મૂકીને જ એ છાબ લઈ મહેતા મામેરું કરવા ગયા હશે.” (પૃ. ૪૭-૪૮) શ્રીરંગ મહેતા એ કુંવરબાઈના સસરાનું નામ મળતું હોવાથી સૌ એનો સંદર્ભ આ પંક્તિઓમાં વાંચવા પ્રેરાયા છે એ ઘણું સ્વાભાવિક છે. કેશવરામ શાસ્ત્રી ને કદાચ ધીરુ પરીખે પણ ‘શ્રીરંગ મહેતા’ દ્વારા કુંવરબાઈના કુશળસમાચારનો નિર્દેશ જોયો છે. પણ રજની દીક્ષિતે ઉઠાવેલો પ્રશ્ન સાચો છે કે હૂંડીને પ્રસંગે શ્રીરંગ મહેતા કે કુંવરબાઈના સમાચાર નરસિંહ મહેતાને ક્યાંથી મળ્યા? એમણે આ પંક્તિને મામેરાના સંદર્ભમાં ગોઠવવાનું સૂચવ્યું છે પણ એ તર્ક ઘણો દુરાકૃષ્ટ જણાય છે. મામેરામાં તો હૂંડી એટલે ટીપ, યાદી. મામેરાના એક પદમાં વડસાસુએ કરાવેલી પહેરામણીની યાદીનો કાગળ છાબમાં મૂકવાની વાત પણ આવે છે (જુઓ ‘આત્મચરિતનાં કાવ્યો’, પદ ૧૪, પૃ. ૬૨) ભગવાનને સંબોધીને લખાયેલો હૂંડીનો પત્ર નરસિંહ મહેતા સીમંતના સમાચાર સાંભળીને છાબમાં મૂકીને સાથે લેતા આવ્યા હોય એવું અર્થઘટન ઘણું સાહસિક છે. હવે, આ પંક્તિ અંગેની કેટલીક બાબતો ખાસ વિચારવા જેવી છે ને લક્ષમાં લેવાઈ નથી તે જોઈએ. એક, યાત્રાળુઓને માટે હૂંડી રૂપે ભગવાનને સંબોધીને નરસિંહ જે પત્ર લખે છે એમાં આ પંક્તિ આવે છે. એ પત્રમાં પોતાના વેવાઈ શ્રીરંગ મહેતાના સમાચારનો ઉલ્લેખ નરસિંહ શા માટે કરે? બે, આગલી પંક્તિમાં પોતાના કુશળસમાચાર આપી ભગવાનના કુશળસમાચાર પૂછ્યા છે. તે પછીની આ પંક્તિમાં એકાએક શ્રીરંગ મહેતાના સમાચારની વાત કેવી રીતે આવી પડે? ત્રણ, શ્રીરંગ મહેતાના સમાચાર સાંભળ્યા છે કે હવે સાંભળવાના છે? ‘શ્રીરંગ મહેતાના સમાચાર સાંભળી દેહનાં દુષ્કૃત્ય વામીશ’ એ વાક્ય સમાચાર સાંભળવાના છે એવો અર્થ સૂચવતું નથી? એટલે કે નરસિંહ જાણે કે ભગવાન પાસે શ્રીરંગ મહેતાના સમાચાર પુછાવે છે. આ ઉચિત લાગે છે? ચોથું, શ્રીરંગ મહેતાના સમાચાર સાંભળી મારા દેહનાં દુષ્કૃત્ય (પાપ) દૂર થશે એમ નરસિંહ કહે છે. વેવાઈ શ્રીરંગ મહેતાના સમાચારથી – એમના નામ કે સ્મરણથી – દેહનાં દુષ્કૃત્ય દૂર થાય? એમાં એવી પવિત્રતાનું આરોપણ શક્ય છે? છેલ્લો મુદ્દો જ આ પંક્તિના અર્થઘટનનો કોયડો ઉકેલવામાં ચાવીરૂપ બને તેવો છે. જેના નામસ્મરણથી દેહનાં દુષ્કૃત્ય દૂર થાય એ કોણ હોઈ શકે? દેખીતી રીતે જ, એ ભગવાન જ હોઈ શકે. તો પછી શ્રીરંગ મહેતા એટલે ભગવાન એવા અર્થ તરફ જવું ન જોઈએ? એ કેવી રીતે બની શકે એવો આપણને પ્રશ્ન થાય, તો શ્રીરંગ એટલે શ્રી(લક્ષ્મી) જેનું અંગ છે તે. વિષ્ણુનું, કૃષ્ણનું એ નામ છે જ. ‘મહેતા’ કહીને નરસિંહે એમને નાગર બનાવી દીધા એમ માનવું પડે. આમ તો આ શામળશા શેઠને નામે લખાયેલો પત્ર છે, ૫ણ એમાં રાય રણછોડ, કમલાપતિ વગેરે અન્ય નામો પણ વપરાયેલાં છે જ, તો પછી શ્રીરંગ પણ ભગવાનનું એક નામ માનવામાં શી મુશ્કેલી? વળી, આગળની પંક્તિમાં ભગવાનના કુશળસમાચાર પૂછ્યા પછી એ સમાચાર મળશે ત્યારે એ સાંભળીને પોતાનાં પાપોનો નાશ થશે એમ નરસિંહ કહે એ સંગત બંને છે. એટલે આ બધું વિચારતાં ‘શ્રીરંગ મહેતા’ એ નામમાં ભગવાનનો ઉલ્લેખ છે એમ માનવું જ સાર્થક જણાય છે.

૩. ‘ચાતુરી’ : સંજ્ઞા અને સ્વરૂપ

સ્નેહીશ્રી તેરૈયાસાહેબ, ‘નરસિંહ મહેતા અધ્યયન ગ્રંથ’માંના તમારા લેખમાં તમે ચાતુરીના કાવ્યપ્રકારનું નવું અર્થઘટન કર્યું છે એ વિશે તમે મારું બેત્રણ વાર ધ્યાન દોર્યું હતું. પણ તમારો એ લેખ જોવાનું મારાથી બની શક્યું નહોતું, હમણાં નિમિત્ત ઊભું થવાથી તમારો એ લેખ હું જોઈ ગયો. તમે વિષય અને પદ્યરચનાના મુદ્દાઓ છેડી આ પદમાળાની કેટલીક લાક્ષણિકતાઓ તરફ યોગ્ય રીતે જ ધ્યાન દોર્યું છે. પણ તમારા અર્થઘટન પરત્વે મારે થોડુંક વીગતે કહેવું છે. ચાતુરીયુક્ત શૃંગારવિહારના નિરૂપણને કારણે આ પદમાળાને ‘ચાતુરી’ નામ મળ્યું હોય એ અનુમાન તમને તર્કસંગત લાગતું નથી, કેમકે એમાં રાધા-કૃષ્ણની યુક્તિ-પ્રયુક્તિ, છલ, રમત કે બૌદ્ધિક ઉન્મેષો જોવા મળતાં નથી, જેવા દયારામના ‘તું મુજને અડતાં શ્યામ થઈશ તો હું ક્યમ નહિ થાઉં ગોરો’ જેવા પદમાં જોવા મળે છે (જોકે આ જાતની ઉક્તિ નરસિંહમાં અન્યત્ર મળે છે ખરી). તમે ‘ચાતુરી’ એ સ્વરૂપગત સંજ્ઞા હોવાનું અર્થઘટન કર્યું છે, કેમકે એની રચનામાં ઢાળ અને ઊથલો આવે છે તે ઉપરાંત ઢાળના પ્રારંભમાં આગળની પંક્તિના ઉત્તરાર્ધના અંશનું પુનરાવર્તન થાય એ જાતનું કવિકૌશલ પણ જોવા મળે છે. આ લખતી વખતે તમે આખ્યાનનાં ઢાળ-ઊથલો-વલણને યાદ કર્યાં છે, પણ એ કદાચ તમારા લક્ષમાં આવ્યું નથી કે તમે દર્શાવેલી આવર્તનની શૈલી આખ્યાનના રચનાબંધમાં અનિવાર્યપણે સ્વીકારાયેલી શૈલી છે. હું કડવાબંધ આખ્યાનના સૌ પ્રથમ કવિ ભાલણની ‘કાદંબરી’માંથી જ દાખલા આપું, જેથી આ રીતિ કડવાબંધના આરંભથી જ ઘડાયેલી હતી એની ખાતરી થાય.

કડવું ૨
હવિ સંક્ષેપિ કથા કહૂં, ઉપમા કેટલીએક ગ્રહૂં,
જે લહૂં બુદ્ધિ પ્રમાણિ માહરી રે.
ઢાળ
માહારી બુદ્ધિ પ્રમાણિ બોલૂં થોડૂં થોડૂં સાર.
કડવું ૩
તિહાર પછી મહૂરતમાત્ર જી, ઈક વૃહંદલ તે વૃદ્ધગાત્રજી
ઢાળ
વૃદ્ધગાત્ર કંચુકી, પિહિર્યું શ્વેત અંબર સાર.

નરસિંહની ચાતુરીઓમાં ઢાળબંધની સર્વમાન્ય પદ્ધતિ જોવા મળે છે એટલું જ કહી શકાય. એમાં કોઈ વિશેષ કવિકર્મગત ચાતુરી નથી. એટલે ‘ચાતુરી’ને સ્વરૂપગત સંજ્ઞા તરીકે જોવાનું મુશ્કેલ બની જાય છે. તમે પોતે લોકસાહિત્યના છકડિયા આદિ કાવ્યપ્રકારોમાં જોવા મળતી શબ્દોનું આવર્તન કરવાની આ રીતિની નોંધ લીધી જ છે. એ દૃષ્ટિએ પણ ચાતુરીઓનું એ વિશિષ્ટ લક્ષણ હોવાનું કહેવાય તેમ નથી. તમે ‘ચાતુરી’નો વસ્તુગત અર્થ ઘણો સીમિત કરો છો એમ લાગે છે, જેમાં યુક્તિપ્રયુક્તિ કે છલ કે બૌદ્ધિક રમતનો જ સમાવેશ થાય. રાધા દીપક ઓલવી નાખે ત્યારે કૃષ્ણ હાથમાં મણિ ધરી પ્રકાશ કરે – એમાં પણ તમને ચાતુરીની યુક્તિપ્રયુક્તિ દેખાતી નથી. ચાતુરી એટલે પ્રવીણતા, વિદગ્ધતા, કળાકૌશલ એટલો જ અર્થ કરીએ તો કેમ ન ચાલે? અહીં કામક્રીડાની કળાને જ ચાતુરી કહી હોય એમ માનવા માટે પૂરતાં કારણો છે. નાયક-નાયિકા માટે ચતુર-ચતુરા, અતિનિપુણ નાગર-નાગરી, પ્રવીણ ચતુરસુજાણ. એ શબ્દો વપરાયા છે કે એમનાં ચાતુરી, કળા, કેલકળા કે કામકળા, કૌતુક, રતિવિલાસવિનોદનો ઉલ્લેખ થયો છે અને કાવ્યગત વર્ણનને વિહારચરિત્ર-વિનોદલીલાના વર્ણન તરીકે ઓળખાવ્યું છે. ‘દાણલીલાચાતુરીનો ગરબો’ કે ‘વ્યવહારચાતુરીનો ગરબો’ જેવી તમે નિર્દેશેલી દયારામની કૃતિઓ પણ એવું જ બતાવે કે (૧) ‘ચાતુરી’ એ વિષયલક્ષી સંજ્ઞા છે, સ્વરૂપલક્ષી નહીં અને (૨) ચાતુરીનો સંકુચિત અર્થ નથી, એમાં સર્વે પ્રકારની વિદગ્ધતા ને રસિકતાનો સમાવેશ થાય છે. અલબત્ત, એવી દલીલ થઈ શકે કે કામકળાનું આવું ચિત્રણ તો નરસિંહના શૃંગારનાં અન્ય પદોમાં પણ જોવા મળે છે. એમને ‘ચાતુરી’ સંજ્ઞા કેમ નથી આપવામાં આવી? એનો જવાબ આટલો જ કે મધ્યકાળમાં પ્રકારનામો આમ આકસ્મિક રીતે પડતાં જ હતાં. દયારામ ઘણેબધે ઠેકાણે માત્ર ‘દાણલીલા’ કહે ને ક્યાંક ‘દાણલીલાચાતુરી’ કહે! નરસિંહની આ પદમાળામાં એક વિશિષ્ટ રૂપબંધ સાથે જોડાયેલો છે, પણ એને આકસ્મિક છે અને એથી ‘ચાતુરી’ એ વિષયનિર્દેશક સંજ્ઞા હોવાનું બતાવતી હકીકતોની ઉપેક્ષા કરવી એ યોગ્ય નથી. હવે થોડી બીજી વાત. તેરૈયાસાહેબ, તમારે તમારાં નિરીક્ષણોમાં અમુક સ્થાને અટકી જવાનું થયું છે, કેમકે તમે શિવલાલ જેસલપુરા સંપાદિત ‘નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓ’નો પાઠ જ નજર સામે રાખ્યો. ઇચ્છારામ દેસાઈ સંપાદિત ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’માં ‘ચાતુરી છત્રીસી’ અને ‘ચાતુરી ષોડ્‌શી’ એવાં બે જૂથમાં ચાતુરીઓ છપાઈ છે એ તો તમે જાણો છો. તમે એના તરફ જરા ધ્યાનથી જોયું હોત તો દેખાત કે ‘ષોડ્‌શી’નાં પદોમાં મુખબંધ અને ઢાળનો પદબંધ છે; જ્યારે ‘છત્રીસી’નાં પદોમાં ઊથલો પણ આવે છે, એટલું જ નહીં એક જ પદમાં એકથી વધુ વાર ઢાળ પણ આવે છે. (આ કારણે જ તમને શબ્દોનું આવર્તન કેટલીક વાર કડીએ કડીએ જણાયું છે.) ‘છત્રીસી’માં મુખબંધની પંક્તિ એક જ હોય ને ઢાળ એકબે કડીની હોય એવું પણ બને છે. એટલે કે ‘છત્રીસી’નાં પદો ‘ષોડ્‌શી’નાં પદથી રચનાબંધની દૃષ્ટિએ થોડાં જુદાં પડે છે. બીજું એ પણ દેખાયું હોત કે તમે જોયેલા પાઠમાં પ્રારંભની જે ચાતુરીઓમાં પ્રસંગનો દોર તમને જણાયો છે તે ‘ષોડ્‌શી’ની જ ચાતુરીઓ છે. વસ્તુતઃ એમાં જયદેવના ‘ગીતગોવિંદ’ને મળતું, વિરહી રાધાકૃષ્ણનું લલિતાના દૂતીકર્મથી મિલન થાય એ વૃત્તાંત ગૂંથાયેલું છે. ચાતુરીઓ હસ્તપ્રતોમાં સળંગ રૂપે મળે છે ને તેથી ચૈતન્યબાળા દીવેટિયા તથા શિવલાલ જેસલપુરાએ એ રીતે જ છાપી છે, પરંતુ હસ્તપ્રતોમાં તથા આ મુદ્રિત વાચનાઓમાં પણ ‘ષોડ્‌શી’નાં ૧૬ પદો સર્વસમાન છે, અને પ્રારંભમાં જ મળે છે. પછીથી જે પદો મળે છે તે બહુધા ‘છત્રીસી’નાં છે, જેમાં દાણી રૂપે કૃષ્ણ ગોપીને રોકે છે એવો આછો પ્રસંગસંદર્ભ આવે છે, પછી માત્ર શૃંગારવિહાર છે ને એમાં કોઈ સળંગસૂત્ર દોર નથી. આના પરથી એવું અનુમાન કદાચ થઈ શકે કે ‘ષોડ્‌શી’નાં પદો એ જ ચાતુરીનો મૂળ ભાગ છે. અન્ય પદો પાછળથી ઉમેરાતાં ગયાં હોય, કદાચ આ બે પદમાળા વચ્ચે અભિવ્યક્તિની સફાઈ ને પરિપક્વતાની દૃષ્ટિએ પણ ભેદ કરી શકાય. પણ એ એક સ્વતંત્ર અભ્યાસનો વિષય બને. અંતે એક પ્રશ્ન ઊઠ્યા વિના રહેતો નથી. નરસિંહની ‘મામેરું’ ‘સુદામાચરિત્ર’ જેવી કથાત્મક કૃતિઓમાં મુખબંધ-ઢાળ-ઊથલોનો રચનાબંધ જોવા ન મળે અને વિશેષે વર્ણનાત્મક કહેવાય એવી ચાતુરીઓમાં મળે એ કેવું કહેવાય? આ જાતને કડવાબંધ ભાલણનાં આખ્યાનોમાં જ પહેલી વાર જોવા મળે છે (ને ઊથલો તો નાકરમાં) એમ આપણે મનાવીએ છીએ તેનું શું? આ પદમાળાઓ પાછળના સમયની ને તેથી નરસિંહની ન હોવાની શંકા થઈ શકે ખરી? પણ જવા દે, નરસિંહની કેટલી કૃતિઓ વિશે શંકા કરીશું? ને આમાં તો ઘણા તાંતણા ગૂંચવાયેલા છે. કુશળ હશો.

જયંત કોઠારીનાં વંદન