સાહિત્યિક તથ્યોની માવજત/મધ્યકાલીન સાહિત્યના મહાલયનો ભોમિયો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મધ્યકાલીન સાહિત્યના મહાલયનો ભોમિયો

ગુજરાતી સાહિત્યકોશના મુખ્ય સંપાદક તરીકેની જવાબદારી મેં સંભાળી તે પછી મારા વડીલ મિત્ર સદ્‌ગત ભૃગુરાય અંજારિયાને કોશ અંગેની સામગ્રી, એમનાં સૂચનોની અપેક્ષાએ, નિયમિતપણે હું મોકલતો રહેલો. પણ ભૃગુરાય તો મૂંગા જ રહ્યા. એમાં એમના અભિપ્રાયનો સંકેત હું જોઈ શકતો હતો, છતાં જે કંઈ પ્રતિભાવ હોય તે નિઃસંકોચ લખવા મેં એમને આગ્રહ કર્યો. છેવટે જવાબ આવ્યો કે “મારી priorityમાં ગુજરાતી ભાષાનો એક સાચો વૈજ્ઞાનિક કોશ – જે હજુ સુધી નથી, તે પહેલાં આવે છે. પછી સાહિત્યનો ઇતિહાસ અને સાહિત્યનો કોશ. તેમજ પહેલાં બધી જ છપાયેલી ગુજરાતી ચોપડીઓની પહેલી આવૃત્તિઓ અને જૂનાં સામયિકો–સાહિત્યિક તેમજ journalisticને સાચવતું લાઇબ્રેરીનું મકાન પહેલું આવે છે, પરિષદનું ગમે તે પ્રકારનું મકાન નહીં તેમજ ગયા સૈકામાં છપાયેલાં પુસ્તકોનું યથાતથ મુદ્રણ પહેલું આવે છે.” ભૃગુરાય હજુ અગ્રતાક્રમમાં કોશની પહેલાં આવતી એક અગત્યની વસ્તુ ભૂલી ગયા, જેના વિના તો કોશ થઈ જ ન શકે – ગ્રન્થસૂચિ અને સાહિત્યસંદર્ભસૂચિ. ગુજરાતી સાહિત્યકોશને પોતાની ગ્રંથસૂચિ અને સંદર્ભસૂચિ ઊભી કરતાંકરતાં જ કામ કરવાનું થયું. એની અગવડો તો અમે અંદર પડેલા જ જાણી શકીએ, પરંતુ કોશની કામગીરીનાં બે વર્ષ પછી મરાઠી વાઙ્‌મયકોશના મુખ્ય સંપાદક શ્રી ખાનોલકરને મળવાનું થયેલું ત્યારે એમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે તમારી પાસે ગ્રન્થસૂચિ અને સંદર્ભસૂચિ ન હતી છતાં તમે બે વર્ષમાં પ્રથમ ગ્રંથનું ૬૦ ટકા જેટલું લેખનકાર્ય કઈ રીતે કરી શક્યા? મરાઠી વાઙ્‌મયકોશને તો તૈયાર ગ્રંથસૂચિ મળી હતી અને લગભગ એકેએક મરાઠી ગ્રંથને સમાવતી વિશાળ મરાઠી ગ્રંથસંગ્રહાલયની નિશ્રામાં તો એનું કામ ચાલતું હતું, છતાં એ કોશનો પહેલો ગ્રંથ ૧૨ વર્ષે બહાર પડ્યો અને ૧૪મે વષે હજુ બીજો ગ્રંથ પ્રેસમાં મોકલાયો હતો અને ચોથા ગ્રંથનું સંપાદનકાર્ય ચાલુ હતું. કહેવાનો મુદ્દો એ છે કે ગ્રંથસૂચિ અને સાહિત્યસંદર્ભ-સૂચિનું કામ ઘણું અગ્રિમતા માંગતું કામ છે. અનેક વિદ્યાકીય કાર્યોનો એ પાયો છે. તમારે કોઈ પણ વિષય પર કામ કરવું હોય ત્યારે એનાં સાધનો તો ભેગાં કરવાં જ પડે. એ સાધનોની માહિતી આપતી સૂચિ તમને તૈયાર મળે તો કામ કેટલું સરળ થઈ જાય? દરેક વિદ્વાનને પોતાની અલગ સંદર્ભસૂચિનું નિર્માણ કરવાની ફરજ પડે ત્યારે પ્રજાકીય સમયશ્રમ કેટલાં નિરર્થક વેડફાય છે અને વિદ્યાના વિકાસમાં કેટલી રુકાવટ થાય છે એનો આપણને અંદાજ નથી. વ્યક્તિગત પ્રયત્નની મર્યાદા હોવાની અને જરૂરી માહિતીને અભાવે અથડાવાનું પણ બનવાનું. થયેલા કામની માહિતી પ્રાપ્ત ન હોય ત્યારે કામ બેવડાય અથવા તો નવા કામમાં કચાશ રહી જાય એવું પણ બને. પૂર્વે થયેલા કામનો લાભ લઈએ ત્યારે જ આપણે ખરેખર આગળ જઈ શકીએ છીએ. આ રીતે, સંદર્ભસૂચિ એક અત્યંત મૂલ્યવાન અને અનિવાર્ય એવું જ્ઞાનસાધન છે. કેટલાક સમય પહેલાં નર્મદના શાસ્ત્રગ્રંથો વિશે મારે લખવાનું હતું ત્યારે ‘નર્મવ્યાકરણ’નો પહેલો ભાગ અને બીજા ભાગનો પહેલો ખંડ મારા હાથમાં આવ્યા. વ્યાકરણ તો એમાં ઠીકઠીક અધૂરું રહેતું હતું. પછીના ભાગો ને ખંડો વિશે હું તપાસ કરતો રહ્યો પણ કશું જ હાથમાં ન આવે. આપણા સાહિત્યના ઇતિહાસગ્રંથો તો આ બાબત ઉપર પ્રકાશ શાના પાડે? પણ પ્રકાશભાઈએ કરેલાં સૂચિકાર્ડમાં ‘નર્મવ્યાકરણ’ના નિર્દેશવાળાં સ્થાનો તપાસતાં નવલરામના ‘કવિચરિત્ર’માં ‘નર્મવ્યાકરણ’ બીજા ભાગના પહેલા ખંડ આગળ અધૂરું રહ્યું હોવાનો ઉલ્લેખ મળ્યો. આ સંદર્ભ મને મળ્યો ન હોત તો હું કેટલાં ફાંફાં મારતો રહ્યો હોત અને સતત એક વસવસામાં રહ્યો હોત કે ‘નર્મવ્યાકરણ’ના બધા ભાગો હું મેળવી ન શક્યો. આવશ્યક સંદર્ભ હાથમાં ન આવવાથી વિદ્વાનોનો શ્રમ કેવો બેવડાતો હોય છે એનું એક લાક્ષણિક ઉદાહરણ સાહિત્યકોશનું કામ કરતાંકરતાં ધ્યાનમાં આવ્યું. તખ્તસિંહ પરમારે વિનેચટની વાર્તાના કર્તૃત્વ વિશે એક લેખ લખ્યો છે (અક્ષરલોકની યાત્રા, પૃ. ૬૧). શામળને નામે છપાયેલી મળતી વિનેચટની વાર્તા લઘુ-સુખ નામના બે ભાઈઓની હોવાના અન્ય વિદ્વાનોના મતનો ઉલ્લેખ કરી એમણે પોતાને મળેલી હસ્તપ્રતનો આધાર આપી બતાવ્યું છે કે કૃતિ ખરેખર લઘુ-સુખની નથી, પણ ચંદ્ર-ઉદે નામના બે ભાઈઓની છે. કાવ્યમાં આવતી ‘લાધુ સુખ નિરધાર’ એ પંક્તિ ખોટી રીતે વંચાવાથી લઘુ-સુખ કર્તા હોવાનું મનાઈ ગયું છે. શ્રી પરમારે શોધેલી આ હકીકત વસ્તુતઃ ઘણાં વર્ષો પહેલાં નોંધાઈ ચૂકેલી છે અને પરમારને એ સંદર્ભો હાથવગા થયા નથી. ‘કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તકસંગ્રહની સૂચિ’માં ચંદ્ર-ઉદેની નામછાપવાળી બે હસ્તપ્રતો નોંધાયેલી છે, એ નામાક્ષરો સંપાદકે કાળાં બીબાંમાં છાપી કર્તાનામ હોવાનો સંકેત જાણે કર્યો છે, પણ એમને એની ખાતરી નહીં થવાથી કૃતિને અજ્ઞાતકર્તૃક ગણી છે અને એથી પાછળની નામસૂચિમાં ચંદ્ર-ઉદે એ નામ આ૫ણને મળતું નથી. ‘બુદ્ધિપ્રકાશ’, નવેમ્બર, ૧૯૨૭માં આ વિષય અંગે સંભવતઃ સંપાદકનો જ લેખ છે તેમાં પણ હકીકત આ રીતે મુકાયેલી છે. એટલે કે તખ્તસિંહ પરમારે જોઈ તે વસ્તુ વર્ષો પહેલાં ‘કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તકસંગ્રહની સૂચિ’ અને ‘બુદ્ધિપ્રકાશ’ના સંપાદક હીરાલાલ ત્રિ. પારેખે જોઈ છે.[1] ૫ણ શ્રી પરમાર સુધી આ સંદર્ભો પહોંચ્યા ન હોય તો એ શું કરે? આવા કિસ્સાઓમાં સાહિત્યસંદર્ભસૂચિ પણ સીધી રીતે મદદરૂપ નહીં થઈ શકવાની. ચંદ્ર-ઉદે નામ જ કર્તાનામ તરીકે મુકાયાં ન હોય તો સૂચિમાં ક્યાંથી આવે? પણ આવા ગૂંચવણવાળા કિસ્સાઓમાં કૃતિનામથી પગેરું મેળવી શકાતું હોય છે. વિનેચટની વાર્તા વિશેનો ‘બુદ્ધિપ્રકાશ’વાળો લેખ સૂચિમાં નોંધાયેલો હોય તો તે દ્વારા ચંદ્ર-ઉદે સુધી પહોંચી શકાય. ‘કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તકસંગ્રહની સૂચિ’માંના ચંદ્ર-ઉદેના નિર્દેશો સુધી પાછળની શબ્દસૂચિમાંથી વિનેચટની વાર્તાના ઉલ્લેખ પકડીને પહોંચી શકાય અને અમે એ રીતે જ પહોંચ્યા. શાસ્ત્રીય ગ્રંથોમાં અંતે શબ્દસૂચિ એ પણ મોટું સંદર્ભસાધન છે. સંશોધકનું કામ એથી કેટલું બધું સરળ થતું હોય છે! કોશકાર્યમાં ‘જૈન ગૂર્જર કવિઓ’ની વિસ્તૃત શબ્દસૂચિઓથી અમારા એટલાબધા કોયડાઓ ઊકલ્યા છે કે એ અમારી ગુરુચાવી બની ગઈ છે. હજુ એમાં કર્તા સિવાયની રીતે-ગુરુપરંપરામાં, સમકાલીન વ્યક્તિ તરીકે કે લહિયા તરીકે – ઉલ્લેખાયેલાં વ્યક્તિનામોની સૂચિ હોત તો કેવી અદ્‌ભુત સંદર્ભસહાય ઊભી થઈ હોત! સ્થળનામોનેયે સૂચિમાં દાખલ કરનાર ‘જૈન ગૂર્જર કવિઓ’ના અસાધારણ સૂચિ-બુદ્ધિવાળા સંપાદકને આ કેમ ન સૂઝ્યું એ જ નવાઈ લાગે છે. એમ લાગે છે કે આવાં વ્યક્તિનામોની અસંખ્યતાથી એ અચકાઈ ગયા હશે. કદાચ એમને સૂચિનાં બીજાં પચાસ-સો પાનાં ઉમેરવાનાં આવ્યાં હોત. ‘કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તકસંગ્રહની સૂચિ’માં પાછળ આવી નામસૂચિ હોત તે ચંદ્ર-ઉદે સુધી પહોંચવામાં જરાયે અગવડ ન પડી હોત. અભ્યાસગ્રંથને અંતે શબ્દસૂચિઓ મૂકવાનું આપણે ત્યાં નિરપવાદપણે સ્વીકારાયું નથી. આની ચર્ચા થતી હતી ત્યારે એક મિત્રે એમ સૂચવ્યું કે શબ્દસૂચિને ફરજિયાત કરતો કાયદો કરવો જોઈએ. બીજા મિત્રે કહ્યું કે ગુજરાતી સાહિત્ય પરિષદ આ અંગે ઠરાવ તો જરૂર કરી શકે. ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી પોતાનાં પ્રકાશનોમાં આ ધોરણ અપનાવે તોપણ મોટો દાખલો બેસે. આપણા અભ્યાસીઓમાં ૫ણ સૂચિનો પૂરો ઉપયોગ કરવાની આદત પડી નથી. સૂચિગ્રંથો કેટલા અભ્યાસીઓના ટેબલ પર હશે! આ સૂચિગ્રંથ કેટલો વેચાય છે એના પરથી અંદાજ આવશે. વિદ્યાર્થીઓના અભ્યાસમાં જ સૂચિ-વિનિયોગ અને સૂચિકરણની તાલીમ ગૂંથાઈ જવી જોઈએ. ગ્રંથાલયવિજ્ઞાનના વિદ્યાર્થીઓને આ તાલીમ કદાચ આપવામાં આવે છે, પણ આપણા સર્વ સ્નાતક-અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં આ વસ્તુ દાખલ કરવી જોઈએ. સૂચિ અનેક તથ્યોનાં તાળાં ઉઘાડી આપનારી કૂંચી છે. સૂચિ શુદ્ધ અને સંપૂર્ણ હકીકત તરફ જવાની સગવડ પૂરી પાડે છે. સૂચિ, એક બાજુથી, થયેલા કામનો અંદાજ આપી નિરર્થક શ્રમમાંથી આપણને ઉગારે તેમ બીજી બાજુથી અણઊકલ્યા કોયડાઓ તરફ આંગળી ચીંધે અને એ રીતે વિદ્યાવિકાસને વેગીલો બનાવે. જ્ઞાન વિજ્ઞાનના પ્રસ્ફોટના આ યુગમાં સૂચિનું જેટલું મહત્ત્વ આંકીએ એટલું ઓછું છે. આપણા હાથમાં આવતી સૂચિ પ્રાપ્ત હકીકતોના સીધાસાદા સંકલનની છાપ આપણા પર પાડે છે. એ આપણને ભાગ્યે જ પ્રભાવિત કરે, કેમકે સૂચિ સમયનો કેટલો ભોગ માગે છે, કેટલા ધૈર્યપૂર્વકના અને ચોકસાઈભર્યા ઉદ્યોગની અપેક્ષા રાખે છે એનો આ૫ણને ખ્યાલ હોતો નથી. સાહિત્યકોશમાં એક હસ્તપ્રતયાદીને સૂચિકાર્ડમાં નાખવાનું કેટલું ખર્ચ અમને થયું છે એ અમે જ જાણીએ છીએ. સામાન્ય રીતે એટલું ખર્ચ કરીને સૂચિઓ કરાવવાની આપણી હિંમત ન ચાલે. પણ સદ્‌ભાગ્યે ગુજરાતમાં નર્મદથી માંડીને પ્રકાશ વેગડ સુધી થોડાક – જોઈએ એટલા તો નહીં જ – લગનીવાળા માણસો નીકળ્યા કર્યા છે જેમણે કેવળ અંગત રુચિથી આવાં કામો માથે લઈ લીધાં છે, જાતને ઘસીને આવી નાની-મોટી વિદ્યાસેવા કરી છે. પ્રકાશભાઈ સાહિત્યના અભ્યાસી નથી. સાહિત્યના રસિક હોવાનો દાવો પણ એ કદાચ નહીં કરે. ગ્રંથાલયશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે પોતે લીધેલી તાલીમને કાર્યાન્વિત કરવાનો એક વિચાર, અભ્યાસવિષય પ્રત્યેની સહજ નિષ્ઠાથી, એમના મનમાં ઊગ્યો અને નસીબ ગુજરાતી સાહિત્યનું તે સાહિત્યની સૂચિ કરવા તરફ એ વળ્યા. એમણે વર્ષો સુધી છૂટોછવાયો સમય આપી કરેલી કામગીરીનો આ સૂચિ તો એક ખંડ માત્ર છે. એમની પાસે અર્વાચીન લેખકો તથા સાહિત્ય ને વિવેચનના વિવિધ વિષયો વગેરેની સૂચિસામગ્રી પણ સંચિત થયેલી છે. કેટલાક સમયથી એ સૌને સૂચિ-સેવા પણ પૂરી પાડતા થયા છે, ત્યાં સુધી કે ગુજરાતી સાહિત્યના તો એ સૂચિપુરુષ બની બેઠા છે. સાહિત્યની સૂચિની વાત આવતાં સૌને પ્રકાશભાઈનું નામ જ યાદ આવે છે. પ્રકાશભાઈના સામગ્રીસંચયનો વ્યાપ ઘણો મોટો છે એ તરત દેખાઈ આવે એવું છે. અનેક વિરલ ગ્રંથો ને સામયિકોની સામગ્રી અહીં નોંધાયેલી મળે છે તે બતાવે છે કે એમણે સહજપ્રાપ્ય સામગ્રીનો જ આધાર લઈને ચલાવ્યું નથી, જૂનાં પ્રકાશનોને સંઘરતાં ગ્રંથાલયો સુધી પણ એ પહોંચ્યા છે. ‘સુવર્ણમાલા’માં છપાયેલા છ. વિ. રાવળના ‘ગુજરાતના પ્રાચીન કવિઓનાં વસંતવર્ણન’ કે છેક ૧૮૬૨માં ‘બુદ્ધિપ્રકાશ’માં છપાયેલા કવિ દલપતરામ ડાહ્યાભાઈના ‘ગુજરાતી ભાષાના કવિઓનો ઇતિહાસ’ એ લેખો માંહેની સામગ્રીને પણ સૂચિબદ્ધ કરનારનો ઉત્સાહ ઘણો નોંધપાત્ર ગણાય. (જોકે આ પ્રકારના બધા જ લેખોની સામગ્રીને સૂચિબદ્ધ કરવાનું થયું હોવાનો સંભવ નથી; એ શક્ય પણ નથી, કદાચ ઉચિત પણ નથી.) અપ્રગટ મહાનિબંધોના શીર્ષકો સુધી જ નહીં પણ એની સામગ્રી સુધી પહોંચીને તથા મધ્યકાલીન કાવ્યોના આસ્વાદોને પણ આવરી લઈને પ્રકાશભાઈએ એક સર્વગ્રાહી અશેષ સૂચિનું જાણે લક્ષ્ય રાખ્યું છે. પ્રકાશભાઈનો આ પ્રયત્ન એટલો મહત્ત્વાકાંક્ષી છે કે કોશકાર્યાલયે મોટા પર સામગ્રીસંચય કર્યો હોવા છતાં પ્રકાશભાઈની સૂચિ એને પ્રારંભિક તબક્કામાં તો ઘણી ઉપયોગી થઈ અને પછીથી પણ માર્ગદર્શક બનતી રહી છે. આમ છતાં આ એક વૈયક્તિક પ્રયત્ન છે. એની કેટલીક મર્યાદાઓ સ્વાભાવિક હોવાની (જોકે આપણે ત્યાં અનેક સંસ્થાગત પ્રયત્નો આથી પણ નબળા થયા છે). કેટલુંક પ્રકાશિત જૈન સાહિત્ય, ભજનસાહિત્ય ને ‘રવિભાણ સંપ્રદાયની વાણી’ જેવા મહત્ત્વના ગ્રંથો પ્રકાશભાઈની પહોંચ બહાર રહ્યા છે. પણ એમ કહી શકાય કે વિશાળ સાહિત્યરસિક ને સાહિત્યાભ્યાસી સમાજને મધ્યકાળના જે કર્તાઓમાં વાચનનો કે અભ્યાસનો સામાન્યપણે રસ હોવાનો તેમના વિશેના ઉપયોગી સંદર્ભો આ સૂચિમાં બહુ ઓછા છૂટી ગયા હશે. જૈન સાહિત્યને ભજનસાહિત્યની વિપુલ છૂટી સામગ્રીને અહીં દાખલ કરવાથી તો કેટલીક ગૂંચવણો પણ સર્જાઈ હોત. દાખલા તરીકે, સંદર્ભગ્રંથોની સૂચિમાં ક્રમાંક આ ૬૧ પરના જે ગ્રંથના અહીંથી રદ કરવામાં આવ્યા છે એ ‘પ્રાચીન સ્તવનરત્ન સંગ્રહ ભા. ૨’માં અનુક્રમણિકામાં વિવિધ કૃતિઓનાં જે કર્તાનામો મૂકવામાં આવ્યાં છે તેમાં ઘણી ગરબડો છે. કૃતિમાંના કેટલાક શબ્દોને પૂરી સમજ વિના કર્તાનામ તરીકે મૂકી દેવામાં આવ્યા છે. (પહેલા ભાગમાંથી પણ ‘ગુણવિમલજિત’ જેવું વિચિત્ર નામ આ સૂચિમાં આવ્યું છે.) આવી કાચી સામગ્રીને સૂચિમાં દાખલ કરવાથી મદદ મળવાને બદલે મુશ્કેલી જ વધે. અહીં ઉપયોગમાં લેવાયેલા બધા સંદર્ભો બહુ ચોખ્ખા છે એવું નથી. જેમકે, ‘મોટું કાવ્યદોહન’ નામે બે ગ્રંથોનો પ્રકાશભાઈએ વિનિયોગ કર્યો છે એમાં કર્તાનામની થોડી ગરબડો હોવા સંભવ છે અને ‘ઋષિરાજ’ જેવા અર્વાચીન કર્તાઓનો પણ એમાં સમાવેશ છે (એટલે કોશકાર્યાલયે એના સંદર્ભો લેવાનું ટાળ્યું છે). પણ પ્રકાશભાઈએ ઉપયોગમાં લીધેલી સામગ્રી બહુધા અધિકૃત છે અને એથી એ સલામત માર્ગે રહ્યા છે એમ કહી શકાય. સામગ્રી બહુધા અધિકૃત છે એનો અર્થ એ છે કે પૂરી અધિકૃત નથી. એમાં ઘણી નાનીમોટી હકીકતશુદ્ધિને અવકાશ છે, જે કામ સાહિત્યકોશને નિમિત્તે થઈ રહ્યું છે. પણ સૂચિકારનું કામ તો પ્રાપ્ત સામગ્રીના સંકલનનું છે, સંશોધનનું નહીં. સંશોધિત સૂચિ જેવી કોઈ ચીજ હોય છે કે નહીં તે હું જાણતો નથી, પરંતુ આ એક ગ્રંથાલયશાસ્ત્રીની સૂચિ છે, એમાં એવી અપેક્ષા હોય નહીં. એ સિવાય પણ એવી અપેક્ષા કેવી રીતે વ્યવહારુ બનાવી શકાય એ કોયડો છે. જેમકે, ‘પ્રાચીન કાવ્યસુધા’ કીદરુજી ભક્તને નામે પદો છાપે છે. વસ્તુતઃ એમાં ‘કીદરુજી’ એ કર્તાનામ નથી, કૃતિ પ્રણામી સંપ્રદાયની (સંભવતઃ ઇન્દ્રાવતીના નામથી સર્જન કરતા પ્રાણનાથ સ્વામીની) જણાય છે ને ‘કીદરુજી’ (શ્રી ધ્રુવજી?) એ એમની ધાર્મિક પરિભાષા લેખે આવેલો શબ્દ છે. પણ સૂચિકાર અહીં શું કરે? એણે તો ‘પ્રાચીન કાવ્યસુધા’ની અનુક્રમણિકાને જ સૂચિમાં નાખવાની છે. અભિવિજયને નામે છપાયેલી કૃતિમાં નામછાપ સ્પષ્ટ રીતે ‘અમીવિજય’ મળતી હોય તોપણ સૂચિકાર ત્યાં સુધી શા માટે જાય? એ તો ‘અભિવિજય’ નામ જ ઉપાડી લે. ‘ધ્રુવાખ્યાન’માં કાલિદાસનું નામ ન મળતું હોવાથી તેમજ અન્ય કારણોથી સાહિત્યકોશ એને કાલિદાસની કૃતિ ગણવા સામે પ્રશ્ન ઉઠાવે પણ સર્વત્ર એ કાલિદાસને નામે નોંધાયેલી ને છપાયેલી મળતી હોય તો સૂચિમાં એનો એ રીતે જ નિર્દેશ આવી શકે. એટલે કે સૂચિકાર જેમ છે એમ સામગ્રીને સંકલિત કરી આપે છે, પોતાનાં અર્થઘટનોમાં જતો નથી. અર્થઘટનો ક્યાંક જોખમી પણ બની જાય. આ કારણે, એક હોવા છતાં અહીં અખઈદાસ અને અખૈયો કે તરુણપ્રભસૂરિ અને તરુણપ્રભાચાર્ય કે રવિરામ અને રવિદાસ અલગ ઉલ્લેખાય એ સ્વીકારી લેવું જોઈએ. ઇન્દ્રાવતી (=પ્રાણનાથ સ્વામી) અને મેહેરાજ (પ્રાણનાથ સ્વામીનું સંસારી નામ) એક જ વ્યક્તિ છે એવી આપણા સાહિત્યસંશોધકોને પણ ખબર પડી નથી તે પ્રકાશભાઈને ક્યાંથી ખબર પડે? મૂળજી અને મૂળજી ભક્તિને નામે મુકાયેલ પદ એક હોય તોપણ એ જોવાનું કામ એમનું નહીં જ. ‘સેલૈયા આખ્યાન’ ભોજાને તેમ ભોજલને નામે નોંધાયેલ મળે તો એ એ રીતે જ મૂકે. આમ છતાં કૃતિનામની મદદથી કેટલીક વાર એક જ કર્તાના નામભેદોને સાંકળી લેવાનું બન્યું હશે. ક્વચિત્‌ એક નામે જુદા કર્તાઓની કૃતિઓ પણ મુકાઈ ગઈ હશે. નામ એક જ હોય તો જુદી વ્યક્તિઓ હોવાનું સૂચિકાર કેવી રીતે નક્કી કરે? ‘ઓધવજીની ગરબી’ના કર્તા કલ્યાણ વૈષ્ણવ અને ‘વાસુપૂજ્ય મનોરમ ફાગ’ના કર્તા કલ્યાણ જૈન હોઈ જુદા છે તેમ પદોના કર્તા કલ્યાણ ત્રીજા જ કોઈ હોવા સંભવ છે, ૫રંતુ સૂચિકાર એક નામને કારણે એમને એક સાથે મૂકી દે તો એમનો દોષ ન ગણાય. ક્યાંક સરતચૂકથી ભેળસેળ થઈ ગઈ હોય એમ પણ બને. દાખલા તરીકે, આ સૂચિમાં કહાન (હરજીસુત)ને નામે ‘ગોવર્ધનરાસ’ ‘શ્રીકૃષ્ણજન્મબધાઈ’ નોંધાયેલ છે તે મૂળ સંદર્ભમાં પણ હરજીસુત કહાનને નામે નહીં, માત્ર કહાનને નામે હોવાની શક્યતા છે. કૃતિશીર્ષક પણ સૂચિકાર મૂળમાં હોય તેમ જ મૂકે. એક ઠેકાણે કાફી તરીકે ઓળખવાયેલી કૃતિ બીજે ઠેકાણે પદ તરીકે ઓળખાવાયેલી હોય એમ બને. ચતુર્ભુજની ‘ભ્રમરગીતા’ ‘કૃષ્ણગોપી વિરહમેલાપ ભ્રમરગીતા’ એવા નામથી પણ ઓળખાવાયેલી હોય તો સૂચિકાર બન્નેને જુદાં રાખે એની સામે વાંધો ન લઈ શકાય. પ્રકાશભાઈએ શીર્ષક ન મળ્યાં ત્યાં ‘કાવ્યો’ એ સંજ્ઞાથી નોંધ કરી છે. એમાં પદ, કાફી વગેરે અનેક પ્રકારની કૃતિઓનો સમાવેશ હોય એ સ્વાભાવિક છે. ટૂંકમાં, સૂચિકારનું કામ મૂળ સામગ્રીને યથાતથ રજૂ કરવાનું હોય છે. તેમાંથી ઉપર વર્ણવી એવી સ્થિતિ ઊભી થતી હોય છે, પરંતુ સૂચિનો ઉપયોગ કરનારે આ સ્થિતિને લક્ષમાં રાખીને જ ચાલવું જોઈએ. તો જ સૂચિ વધારે લાભદાયી થઈ શકે. એટલે કે અભ્યાસીએ કર્તાનામ, કૃતિનામ વગેરેમાં મૂળ વસ્તુ જોઈને છેવટનો નિર્ણય કરવો જોઈએ. સૂચિ તો આંગળી ચીંધ્યાનું પુણ્ય જ લઈ શકે. પ્રકાશભાઈએ પ્રાપ્ત સંદર્ભસૂચિઓને પણ પોતાની સૂચિમાં સમાવી લીધી છે. મૂળ સાધનમાં જ ભૂલ હોય તો અહીં ભૂલ આવ્યા વિના ન રહે. ક્યાંક પ્રકાશભાઈથી પણ ભૂલો થઈ હોય. (જેમકે, દાસી જીવણને નામે મુકાયેલી ‘અખો અને મધ્યકાલીન સંતપરંપરા’માં નિર્દેશાયેલી તેમજ અન્ય કેટલીક કૃતિઓ જીવણદાસની છે.) આથી આ સૂચિમાં જાણકારોને શુદ્ધિવૃદ્ધિ સૂઝે તો એમાં નવાઈ નથી. ‘ઉદ્‌ગાર’માં પ્રકાશભાઈની સંદર્ભસૂચિઓ છપાતી ત્યારે ભૃગુરાયે મનહર મોદીને લખેલું : “ઘણા વખતથી તેમની ઉત્તમ યાદીઓમાં વારંવાર શુદ્ધિવૃદ્ધિ સૂઝે છે...” શુદ્ધિવૃદ્ધિ સૂઝવા છતાં ભૃગુરાય જેવાએ એમની યાદીઓને ‘ઉત્તમ’ કહી છે એ ઘણું મોટું પ્રમાણપત્ર છે. જાણકારો શુદ્ધિવૃદ્ધિ સૂચવતા રહે અને આ સૂચિ પરિપૂર્ણ બનતી રહે એમાં જ આ સૂચિની સાર્થકતા છે. ગુજરાતી સાહિત્યકોશનો પહેલો ખંડ મધ્યકાલીન કર્તાઓ અને કૃતિઓને જ આવરે છે. કોશકાર્યાલયે એ માટે ઘણી વિશાળ સંદર્ભસામગ્રી જોઈ છે અને એનાં સૂચિકાર્ડ બનાવ્યાં છે. કોશમાં સંદર્ભસામગ્રીની નોંધ પણ આવવાની, એટલે એક તબક્કે તો પ્રકાશભાઈ પોતાની આ સંદર્ભસૂચિનું પ્રકાશન કરવા માટે સાશંક હતા. પણ વસ્તુતઃ કોશની સંદર્ભસૂચિ અને આ સૂચિ વચ્ચે પ્રયોજન, વ્યાપ, પદ્ધતિ વગેરેની દૃષ્ટિએ એટલો મોટો ફરક છે કે બન્ને એકબીજાની ગરજ સારી ન શકે. કોશમાં ૩૦૦૦ જેટલા કર્તાઓ આવવાના, જેમાંના ઘણા તો કેવળ હસ્તપ્રતયાદીઓમાં જ ઉલ્લેખાયા હશે. કોશ એ કર્તાઓ અને એમની કૃતિઓ વિશેની આવશ્યક હોય એટલી જ સંદર્ભ સૂચિ આપશે અને એ પણ કેવળ નિર્દેશ રૂપે, વર્ગીકૃત કરીને વીગતો સાથે નહીં. એટલે ‘અખાના છપ્પા’ વિશેના સઘળા સંદર્ભો કોશ નોંધશે નહીં તેમજ અખાની કૃતિઓ પરત્વે ‘બૃહત્‌ કાવ્યદોહન’ના ભાગોનો નિર્દેશ હશે પણ કયા ભાગમાં કઈ કૃતિ છપાયેલી છે અને કયાં પાનાંઓ પર તે કશું કોશ નહીં કહે. ‘બૃહત્‌ કાવ્યદોહન’માં તો અનુક્રમણિકા હોવાની પણ અનુક્રમણિકા વિનાના, કર્તાનામનાં શીર્ષકો વિનાના કૃતિસંચયોનો પણ આ જ રીતે ઉલ્લેખ થવાનો, એટલે મૂળ સ્થાન સુધી પહોંચવા ઇચ્છનારને અગવડો વેઠવાની આવવાની. દેશની પોતાની એક શિસ્ત હોય છે તે ઉપરાંત સંક્ષેપના હેતુથી પણ આમ કરવું આવશ્યક હતું. કોશ અને સંદર્ભસૂચિ (બિબ્લિઓગ્રાફી) બે જુદી ચીજો છે અને કોશ કદી સંદર્ભસૂચિની ગરજ સારી ન શકે. પ્રકાશ વેગડની આ સૂચિ આપણને સૌને જેમાં વિશેષ રસ હોવાનો એવા સાતસો જેટલા કર્તાઓને જ આવરે છે અને એ કર્તાઓ તથા તેમની કૃતિઓ વિશેના સર્વ પ્રાપ્ત સંદર્ભો નોંધે છે. સંદર્ભો વર્ગીકૃત કર્યા છે અને પૃષ્ઠાંક પણ આપ્યા છે તેથી આખી વસ્તુ અત્યંત સુગમ, ઉપયોગક્ષમ બની છે. આ જ સાચી સંદર્ભસૂચિ છે. કોશે એકઠી કરેલી સામગ્રીની આવી સંદર્ભસૂચિ તૈયાર કરવાની હોય તો એ જુદો જ પ્રયાસ માગે. કદાચ એકલે હાથે છૂટોછવાયો સમય આપીને એ કામ કાર્યક્ષમતાથી થઈ ન શકે, નાનકડું પણ વ્યવસ્થિત કાર્યાલય ઊભું કરવું પડે. એમાં ખાસ્સા સમય, શ્રમ અને આર્થિક જોગવાઈની જરૂર પડે. એવું કામ ક્યારે થશે એ કહી શકાય તેમ નથી. ત્યાં સુધી તો પ્રકાશભાઈની આ સૂચિ જ આપણને કામ આપવાની. કોશની સામગ્રીની સૂચિત બૃહત્‌સૂચિ થાય (જે આ સૂચિગ્રંથ જેવડા ચાર-પાંચ ગ્રંથોમાં ફેલાય એવી શક્યતા છે) તોપણ પ્રકાશભાઈની આ સૂચિ મહત્ત્વની સામગ્રીને જ વળગતી હોઈ સગવડભરી, સહેલાઈથી સમાવી શકાય એવી લાગવાની અને તેથી વિશાળ સાહિત્યસમાજને તો એની જ ગરજ રહેવાની. પ્રકાશભાઈ આ સૂચિ તૈયાર કરીને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના વિશાળ મહાલયમાં આપણા ભોમિયા બન્યા છે. એમને તો આપણાં અભિનંદન હોય જ, પરંતુ ગુજરાત સાહિત્ય અકાદમીએ પોતાના આરંભકાળમાં જ સાહિત્યવિદ્યાના આવા પાયાના કાર્યમાં રસ બતાવ્યો તે એની દીર્ઘદૃષ્ટિ બતાવે છે. એને પણ અભિનંદીએ અને આશા રાખીએ કે એ પ્રકાશભાઈ પાસેથી આની આગળની સૂચિઓ પણ વહેલામાં વહેલી તકે કઢાવે.

પાદટીપ :

  1. કૃતિ અજ્ઞાતકર્તૃક હોવાનું અને ચંદ્ર-ઉદે એ અજ્ઞાતનામા કવિને આશ્રય આપનારા જૈન ભાઈઓ હોવાનું મારું અનુમાન છે, પણ એ મુદ્દો ચર્ચવાનું આ સ્થાન નથી.

Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files