રામચન્દ્ર પટેલની કવિતા/મરુસ્થલે શરદ

Revision as of 02:59, 10 March 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
મરુસ્થલે શરદ.

આ સ્થાન : ચોતરફ ગોરમટી છવાયી
રેણું પરે શરદ પૂનમ, રાત્રિ જામી.
જાણે પડી કપૂરવર્ણ શિલા, અહલ્યા!
ને આસપાસની સુહાગણસૃષ્ટિ જાગે.

ઊંચે ચડ્યો શશી અચાનક ભોંય જૂએ...
ખોવાયલું સસલું અભ્રનું, શોધવા નમે–
તૂટી પડેલું ધનુતારક ઝૂંમખું જડી
જાતાં, ઝગે બદરીનાં ચણિબોર રાતાં.

પાછાં અજાણ રણમાં દ્વય હંસહંસી
ચાંચે ધરી, મધુર એકલતા જતાં ઊડી...
જોડે લઈ ધબક નાભિની સ્વપ્નઉષ્મા,
–તો રોમરોમ મુજ સ્વાતિ સમાં ઝબૂકે...

વ્યાપી હતી નભ-ધરા વચમાં નિરાંત,
ખેચાઉં હું, ક્યહીંક સૌરભ શ્વાસ, સાથ.