રામચન્દ્ર પટેલની કવિતા/અંધારુ

Revision as of 02:06, 10 March 2025 by Meghdhanu (talk | contribs)
અંધારું

હતું એ અંધારું ધસમસ ધસી મોભ પરથી
પડ્યું એવું જામ્યું કળણ વસમું ચોક વચમાં.
થઈ ધૂવાં ધૂવાં ખળભળતું વ્યાપી ઘરમહીં.
નડ્યું, કંપી ભીંતો ઢચુંપચું બન્યું ભોંયતળિયું.

થયા ખૂણા લૂખા, છતછત છજાં ઉંબર કુંભી
ચડ્યા ઊધાઈએ : ઘરવખરી ઊંધે રહી સહી.
કમાડો સૌ વાગોળ સમ દિસતાં, ખેપટ તણા
પડાવે તો ચૂલા ઉપર રણ-શી ભૂખ સળગે.

છ નાનાં ભાંડૂડાં સહ સૂરજના, તામ્રકળશ–
જળે મા-એ કીધા તપ, સખત ખેંચ્યા ઢસરડા,
ઉલેચી માટી, ખેતર સીમ કરી એક, મઘમઘ
થતાં કોઠી, પાછું અડ્યું કપરું અંધારું ઘડીમાં.

હજીયે અંધારું અડધુપડધું આવી કનડે,
હટાવું છું મા-ના સ્મરણદીપના ઓજસ વડે.