રામચન્દ્ર પટેલની કવિતા/ખડકી

ખડકી

જડ્યાં બે છાતી શાં મજબૂત કમાડો, વડીલના
ઝગે થાપા! ખીલા કઠણ, ચણિયારાં હળુહળુ
વખાઈ ખૂલે ને હલચલ મચે રોજ ઊજળી
મથાળે મેડીમાળ, છજું-નળિયાં-મોભ-વળીઓ
અઢારે કુંભીઓ પર શરીર ઢાળી રસમઢ્યું
હસે બોલે, ખોલે સહજ વહીવંચો હૃદયથી...
સવારેથી સાંજે સૂરજનું લઈ ઓસ, હરખે
વહેંચે ને રાત્રે શશીમુખ વડે પી તિમિરને
ભરે કંઠે : ચોકી નવ દસ ઘરોની શિર પર
ધરી, થાળે પાડે અહીંતહીં થતા દ્વન્દ્વ કજિયા.
અને સારા-માઠા અવસર પતાવે ઘડીકમાં –
પછી છોરાં ભેગું રમત રમી લે, ધન્ય મનખો.

ગયો જો કોઈનો કુમકુમભર્યો હાથ અડકી,
હજારો દીવાથી ઝળહળ બની જાય ખડકી.