હયાતી/૩૯. હું નથી


૩૯. હું નથી

આથી વધુ શું હોય ખુલાસો કે હું નથી,
ચાલો, શરૂ કરી દો તમાશો કે હું નથી.

એ તો ફક્ત છે મારા વિચારો કે હું નથી,
થોડી વધારો મારી વ્યથાઓ કે હું નથી.

બેચેનીઓ તમારી ન જિરવી શકું હવે,
છોડો વિવેક, મુજને જવા દો કે હું નથી.

થોડું ઉદાસ મન હતું એ તો હવે ગયું,
શબ્દોમાં ગોઠવો ન દિલાસો કે હું નથી.

આ મારી આવજાનો ન મહિમા કરો તમે,
કહી દો જઈ રહ્યો છે જનાજો કે હું નથી.

જે જે હતી મિલનની વ્યથાઓ સહી લીધી,
ચાલો, હવે વિરહને સજાવો કે હું નથી.

ખંખેરી નાખો, એક હતું આવરણ – ગયું,
મિત્રો, શરૂ કરી દો પ્રવાસો કે હું નથી.

સળગી જવા દો, જેથી સ્વજન ઘેર જઈ શકે
મારી ચિતાને થોડી હવા દો કે હું નથી.

શબ્દો તો આ હવામાં રહ્યા છે, રહી જશે,
મારો અવાજ બંધ થવા દો કે હું નથી.

૧૧–૫–૧૯૭૧