હયાતી/૩૮. ગઈ


૩૮. ગઈ

જે કલ્પનાઓ મારી હકીકત હતી, ગઈ,
થોડાક દીવાનાઓમાં ઇજ્જત હતી, ગઈ!

બદનામીઓ તો ઠીક ફરી પણ મળી જશે,
એકાદ લાગણી કદી અંગત હતી, ગઈ.

શાયદ સમયનું માપ ભુલાઈ ગયું હવે
ગણવા સિતારા કેટલી ફુરસત હતી, ગઈ!

જીવનમાં રસ નથી, નથી મૃત્યુનો ઇંતેઝાર,
મરવાના ખ્યાલમાં ઘણી લિજ્જત હતી, ગઈ!

તારા પલકના પ્રેમની કથની છે આટલી,
દુનિયાની સાથે થોડી મહોબ્બત હતી, ગઈ.

૨૩–૪–૧૯૭૧