રામચન્દ્ર પટેલની કવિતા/તમે તો

તમે તો

તમે કેવાં થોડું હૃદયથી જરા ઝૂકી નીરવ
હતાં સ્પર્શ્યાં ત્યારે ઝગમગતી સિંદૂર દીવડી
થશો મારાં જાણી અતલસ સુંવાળી વણી વણી
વિતાવી દા’ડા હું થઈ શરદનો ચન્દ્ર નભમાં
ચડી પાણિયારા પરની નવલી સૃષ્ટિ સજવા
અધીરો મ્હેંકતો વળી વરસતો આવું મળવા-
–તમે તો વૈશાખી કુમકુમ તણો છોડ કુમળો
થઈ બેઠેલાં કો અવરની જતી વ્હેલ ઉપર.
પછી ઊંચી વાડો બિચ ગવન-ઓઢ્યો ઝરણ શો
ગયો ડૂબી ચ્હેરો સ્ફટિક સમ રોપી તરસને
બધે રસ્તે રસ્તેઃ ફરફરતી આ મેઘધનું શી
ખીલેલી લીલાને પવન બની હું ખાલી સ્પરશું.
હવે એકાન્તોમાં નીલમ નભ આંખે ભરી ફરું;
અને વેળું શા આ સમય પર વંટોળ ચીતરું.