રામચન્દ્ર પટેલની કવિતા/જતાં મેં
જતાં મેં
જતાં મેં જોયેલું ઢળતી ઢળતી સાંજ સરખું
નમેલું ઝાઝેરું રૂપ કવન ઢાંક્યું શરીર; બે
દૃગોનાં ભીનેરાં ઝરણ ઝમતાં ઓષ્ઠ સરમાં,
હતો કેવો ભાલે કુમકુમ તણો ચાંદ ઝગતો?
અને છાતીએ તો મળસકું ઊગેલુંઃ સમીરના
વહેણે રેલાતાં રણઝણ થતાં ઝાંઝર સહ
સરંતા ચર્ણોથી ધરતી ખુશનુમા છલકતી
વળી મેંદી રંગ્યા કર ઉપર આયુષ્ય નવલું
ખીલી ઊઠેલું ને અમૂલખ મહોલાત સુરભિ
છટા રોમે રોમે હતી જળવતી, પાદર જતી
નિહાળી તારી આ સ્થિતિ રડી પડેલું શું ડૂસકે?
- ગયેલો એ ઊડી ઝબકી જરી અંબાર સઘળો...
અહીં જો કોઈને કદી લઈ જતી વ્હેલ ઊપડે;
મને ત્યારે લાગે રણ સહજમાં આવી જકડે.