રામચન્દ્ર પટેલની કવિતા/અજાણ્યા પ્રદેશમાં - પરોઢ
અજાણ્યા પ્રદેશમાં – પરોઢ
ગઈ ખૂલી ધોરી નસ સરખી પૂર્વીય ક્ષિતિજ,
અને એમાં રાતો સૂરજ રણક્યો; વ્યોમ પરથી
ગયાં કાળાં અભ્રો ખરી, ઘડીકમાં રાત અસૂરી
ગઈ નાઠી ક્યાંયે - નીરવ જગ જાગ્યું વિહગના
ટહુકે : ખોલી પાંપળ તરુવરો સૌ મઘમઘી
રહ્યાં લ્હેરી; આછો હિમઝર બધે વાયુ વહતો.
પરોઢિયું પ્હેરી ધરતી હસતી – ધૂળ ઊજળી
ઝગે રસ્તાઓમાં – હળુ હળુ હવામાન ઊઘડ્યું
છૂટા મૂકીને શ્વાસ હીરકભર્યા ને હલી ઊઠી
ફૂલો સાથે નીચે લીલવ લયમાં ઘાસ નવલું.
દિશાઓ ખોલીને પિયળ મુખ મ્હેકે સુરભિલાં
લઈ સ્વપ્નાં આવ્યો મખમલી ધરી વેશ તડકો.
અહો જાગી ઊઠ્યું રુમઝુમ થતું નૃત્ય વગડે!
અને મારા હૈયે પગરવ ભરી કોક ઊઘડે!