ધ્વનિ/આયોજી વૈશાખ લાલ આયોજી
૨૯. આયોજી વૈશાખ લાલ આયોજી
આયોજી વૈશાખ લાલ આયોજી રે
આયોજી વૈશાખ લાલ,
આયોજી રે.
ટૂંકી એની પોતડી ને લાંબી એની ચાલ,
અંગરખું નહિ પ્હેરિયું...
ઉપરણે ઓઢી રે એણે અંદાવાદી શાલ;
આયોજી વૈશાખ લાલ, આયોજી રે.
જંગલનો રે'નાર જોગી લોચન એનાં લાલ,
રાખે રગદોળ્યું છતાં...
સો સૂરજનાં તેજે એનું ઝળકી ઉઠે ભાલ;
આયોજી વૈશાખ લાલ, આયોજી રે.
ભોળો રે મા’દેવ આયો બમ્બમ્ બોલે ગાલ.
પાછળ અંબા આવતી...
વાગે છે એના રથની હો ઝાઝી ઘૂઘરમાળ,
આયોજી વૈશાખ લાલ આયોજી રે.
૬-૯-૪૯