ધ્વનિ/ઝરમરિયો મેહુલો શો આજ રમે રંગમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૦. ઝરમરિયો મેહુલો શો આજ રમે રંગમાં

ઝરમરિયો મેહુલો શો આજ રમે રંગમાં!
આજ રમે રંગમાં!
આજ રમે રંગમાં!
ઝરમરિયો મેહુલો શો આજ રમે રંગમાં!

ગરજે છે ક્યાંક અને વરસી ક્યાં જાય છે,
આછો ઝિલાય ત્યાં તો આઘો વહી જાય છે,
કોઈની તે કાય ઓરે તરસી રહી જાય છે,
છેડ્યો મલાર એણે ફાગના ઉમંગમાં!

કુંજ ભરી પાવા બોલે છે સોહાગિયા,
ઉરના અજંપાના ઊડે છે આગિયા,
દૂરની ભૂમિથી ઓરા આવે છે રાગિયા;
ધરણીનું હેત આજ વ્હેતું દિગંતમાં.

ઝરમરિયો મેહુલો શો આજ રમે રંગમાં!
આજ રમે રંગમાં!
આજ રમે રંગમાં!
ઝરમરિયો મેહુલો શો આજ રમે રંગમાં!
૧૮-૨-૪૭