કવિલોકમાં/આધુનિક સંદર્ભમાં કલાપીની પ્રસ્તુતતા


આધુનિક સંદર્ભમાં કલાપીની પ્રસ્તુતતા

આમ જોઈએ તો આ વિષય ઘણો વ્યાપક છે. એટલે જ તો ચિનુભાઈ મોદી કલાપીની કાવ્યવિભાવનાની વાત અહીં કરી શક્યા. પણ આપણને સાહિત્યના રસિકો તરીકે કવિ કલાપીમાં — કલાપીની કવિતામાં પહેલો અને વિશેષ રસ હોય. એટલે એની પ્રસ્તુતતાનો વિચાર આપણે મુખ્યપણે કરવાનો રહે. હું એ વિશે જ થોડી વાત કરવા ધારું છું. કલાપીની કવિતા વિશે બે મિત્રો મારી પહેલાં બોલી ગયા છે. એમનાં દૃષ્ટિબિંદુઓમાં થોડો વિરોધ પણ જણાયો હશે. ધીરુભાઈ ઠાકરે મારે માટે જમણી બાજુ પણ નહીં ડાબી બાજુ પણ નહીં એવું કંઈક કહેલું. ‘ટૂ નેગટિવ્ઝ મેઈક ઍન અફર્મેટિવ' (બે નકાર એક હકાર નિપજાવે છે.) એ સૂત્ર ટાંકેલું. એટલે હવે મારે શું કરવાનું છે તેનો વિચાર હું કરું છું પણ હું બન્ને ‘નેગટિવ્ઝ'ની સાથે રહું તો? મને તો બંને દૃષ્ટિબિંદુઓમાં કંઈક તથ્ય જણાય છે. ડૉ. દિલાવરસિંહ જાડેજાએ કેટલાક પાયાના પ્રશ્નો રજૂ કર્યા. કોઈ પણ કવિની પ્રસ્તુતતાનો આ રીતે વિચાર કરી શકાય? તો પછી એ સાહિત્યની જ પ્રસ્તુતતાનો પ્રશ્ન ન બની જાય? પ્રસ્તુતતાને એમણે ભાવકસાપેક્ષ ઘટના ગણાવી અને કોઈ કૃતિનો આપણી રુચિ સાથે મેળ ન બેસે તો એને સાહિત્યના ક્ષેત્રે અપ્રસ્તુત ગણી લેવાનું કેટલે અંશે યોગ્ય એવો પ્રશ્ન પણ ઉઠાવ્યો. અહીં એમ જરૂર દલીલ થઈ શકે કે જે કૃતિનો મારી રુચિ સાથે મેળ ન બેસે તે મારે માટે તો અપ્રસ્તુત જ બની જાય ને? એ જ રીતે આધુનિક સમયની જ જો કોઈ વિશિષ્ટ રુચિ હોય તો એની સાથે મેળ ન ધરાવતું સર્વ કંઈ એને માટે અપ્રસ્તુત બની જાય. સવાલ તો એ છે કે આધુનિક રુચિ એ ખરેખર એવી રુચિ હોઈ શકે કે જેમાં પરંપરાગત રુચિનાં સર્વ તત્ત્વોનો ઈનકાર હોય? બદલાતી સાહિત્યિક રુચિમાં કંઈક સામાન્ય દોર જેવું હોય છે કે નહીં? ચંદ્રકાંત ટોપીવાળાએ યુગચેતનાની વાત કરી અને ભાવક યુગચેતના વડે કૃતિનો મુકાબલો કેવી રીતે કરે તે સદૃષ્ટાંત સમજાવ્યું. વર્ઝવર્થ અને એલિઅટ સુધી કવિતાકલાનું કામ લાગણી કે વિચારનો ભાષામાં અનુવાદ કરવાનું છે એવી સમજ હતી અને માલાર્મેથી કવિતા-કલા કેવળ ભાષાપરક બની એ ઇતિહાસ પણ એમણે કહ્યો. ભાષાકર્મની આ સૂક્ષ્મ સમજ તે એમની દૃષ્ટિએ આધુનિક યુગચેતના. મારે કહેવું જોઈએ કે કેવળ ભાષાનો ખેલ કરતી કેટલીક કવિતા હોય છે. એનો હું સ્વીકાર કરું પરંતુ આધુનિક કહેવાતી બધી કૃતિઓ એ રીતે લખાય છે એમ હું માનતો નથી. રાજેન્દ્ર શુક્લના 'અવાજ' કાવ્યની પાછળ અવાજની સૃષ્ટિની કવિની સભર સંવેદનાઓ પડેલી છે જ. ટોપીવાળાએ પણ કલાપીની કવિતાની પોતાને ગમતી પંક્તિમાંથી અર્થો અને સંવેદનચિત્રો જ તારવી બતાવ્યાં ને? આ કેવળ ભાષા નથી, ભાષાથી ઇતર કંઈક છે. ભાષા દ્વારા એને આપણે પામીએ છીએ. અહીં એ નોંધવા જેવું છે કે કલાપી લાગણી કે વિચાર તરફથી ભાષા તરફ જનારા કવિ હતા. એમની કવિતામાં પણ ક્યાંક ટોપીવાળાને ઈષ્ટ પરિણામ આવ્યું હોય તો એનો અર્થ એ થાય કે કાવ્યરચનાની એ પ્રક્રિયા કંઈ ખોટી ન હતી. પણ વધારે મહત્ત્વનો મુદ્દો તો આ છે. યુગેયુગે કવિતાની સમજ - એને જોવાની દૃષ્ટિ થોડી બદલાય છે, પણ કવિતામાં - સાચી કવિતામાં એવા અંશો નથી હોતા કે જુદી દૃષ્ટિથી જોવાતાં પણ ટકી રહે? મને લાગે છે કે સાહિત્યને આપણે આજની દૃષ્ટિથી જોઈએ એ સ્વાભાવિક છે. પણ આપણી એ આજની દૃષ્ટિ સાહિત્યની દૃષ્ટિ હોય – એમાં સ્થિતિસ્થાપકતા હોય. સાંકડાપણું ન હોય અને સિદ્ધ સાહિત્યકૃતિ એવાં લક્ષણો પ્રગટાવે છે કે એને નવી દૃષ્ટિથી પણ જોઈ શકાય છે. આ રીતે કોઈ પણ સાહિત્યનો વિચાર થાય તો તેમાં ખોટું નથી. આધુનિક સંદર્ભમાં કલાપીની પ્રસ્તુતતાનો વિચાર કરીએ ત્યારે પહેલો સવાલ એ ઉપસ્થિત થાય કે આ 'આધુનિક' તે શું છે? તો, આધુનિક ભાવબોધ નામે પણ એક વસ્તુ છે. માનવીની એકલતા, શૂન્યતા, આંતરવિચ્છિન્નતા, નિરાલંબતા, એની હ્રાસની, નિરર્થતાની કે નકરા નિર્વેદની લાગણી તે આધુનિક ભાવબોધ. સંશોધકની અદાથી કલાપીની કવિતામાં ફરી વળીએ તો આ ભાવબોધને વ્યક્ત કરતી પંક્તિઓ આપણને જરૂર મળી આવે છે. થોડી પંક્તિઓ આપણે જોઈએ :

* વાંસવૃંદો આરડે ને પવન હાંકે જોરથી,
ને આંખ છે અંગાર જેવી સિંહની ત્યાં ચળકતી,
પણ ત્યાં ઊભું તટ પર દીસે કોઈ દબાયું દુ:ખથી,
માનવ હશે? એના વિના આ સુખી જગતમાં કો દુ:ખી?
* છે એક બાજુ દુનિયા સઘળી હઠીલી,
ને એકલો કવિ રહીશ તું એક બાજુ!
* નથી નથી મુજ તત્ત્વો વિશ્વથી મેળ લેતાં.
* હમોનેયે જગત ખારું થઈ ચૂક્યું! થઈ ચૂક્યું!

જોઈ શકાશે કે આ પંક્તિઓ વિશ્વથી અમેળ અને અલગતાનો, એકલતાનો, કટુતાનો ભાવ વ્યક્ત કરે છે. બીજી થોડીક પંક્તિઓ :

* હિનાના રંગથી પ્હાની સનમની રંગતો'તો હું,
ઝૂકીને બાલમાં તેના ગુલોને ગૂંથતો'તો હું,
મગર એ દાંતની મિસ્સી સનમના હાથમાં દેતાં,
અરેરે! કોઈ વા વાયો, સનમ, બો, રંગ, સૌ ફીટ્યાં.
* આ ખૂન છે પાણી બન્યું. ઢોળાઈને ચાલ્યું જતું,
એ ક્યાંય ના ઠેરે, ઠરે, ઠારનારું કોણ ક્યાં!
* પાણી બની ઢોળાઉં છું હું દમબદમ ગમને કૂવે,
અંધાર છે, લાચાર છું...

અહીં વિનાશત્વની, હ્રા સની, નિરાલંબતાની, લાચારીની, ઊંડી ગમગીનીની લાગણી વ્યક્ત થયેલી જણાશે. હવે જુઓ સંબંધોની અશક્યતા. સૌંદર્ય અને પ્રેમના મિથ્યાત્વ અને દર્દીના સત્યત્વને વાચા આપતી પંક્તિઓ :

* ઉર ઠલવવા ખાલી ઢૂંઢ્યાં સખા, લલના, અને,
ઉર ઠલવવા ખાલી શોધ્યાં, ઝરા, તરુઓ વને,
ઉર ઠલવવા પાળ્યાં પંખી બધાં જ વૃથા નકી.
ઉર ઠલવવું એ તો ક્યાંયે મળે જ મળે નહીં!
* સાકી, જે નશો મને દીધો, દિલદારને દીધી નહીં,
સાકી, જે નશો મુજને ચડ્યો, દિલદારનેય ચડ્યો નહીં.
* જૂઠું પુષ્પ! જૂઠી વાસ!
જૂઠો પ્રેમનો વિશ્વાસ!
સાચો એક આ નિઃશ્વાસ,
એ છે હજુ મારી પાસ!

છેલ્લે અનુભવોની અસંગતતા અને નિરર્થતાને વ્યક્ત કરતી એક પંક્તિ :

ક્યાંય ન શું અનુભવો મુજ સંકળાશે?

પણ આ બધું છતાં કલાપીને હું 'આધુનિક' કવિ કહેતો નથી. કહેવા માગતો નથી. જૂના કવિમાંથી પણ નવા યુગના ભાવબોધનાં તત્ત્વો કેવાં શોધી શકાય છે તેનો આ નમૂનો છે. કલાપીના જીવનસંઘર્ષે એમની પાસે અવારનવાર આવા ઉદ્ગારો કરાવ્યા હોવા છતાં, આપણે જાણીએ છીએ કે કલાપી પાસે આશા છે અને શ્રદ્ધા છે. પ્રકૃતિની સુંદરતા અને માનવસંબંધનું સુખ એમને ખરેખર પોકળ લાગ્યાં નથી. જીવનસંઘર્ષ શમી ગયા પછી તો ‘આપની રહમ' અને 'આપની યાદી'ના ધન્યતાભર્યા ઉદ્ગારો એમનું હૃદય કરે છે પણ તે પહેલાંયે આશાના મધુર-કડવા અંશને એ કદીયે છેદી શક્યા નથી. ‘નથી નથી મુજ તત્ત્વો વિશ્વથી મેળ લેતાં' એમ કહેવાની સાથેસાથે જ એ 'હૃદય મમ ઘડાયું અન્ય કો વિશ્વ માટે' એમ કહે છે. આ 'અન્ય વિશ્વ' એક શ્રદ્ધા છે અને આશા છે. પાણી બની ગમને કૂવે ઢોળાતી વખતે પણ ‘સિંચો હવે સિંચો સનમ!' એમ કહી ઉગારની આકાંક્ષા તો સેવે જ છે. કલાપીનો સમય-સંદર્ભ અને કલાપી પર જે વિક્ટૉ રિઅન કે રૉમેન્ટિ ક અંગ્રેજી કવિઓની અસર છે તે જોતાં આ સ્વાભાવિક પણ છે. કલાપીની કવિતામાં 'સ્વપ્ન'નું કલ્પન વારેવારે આવે છે? સ્વપ્ન મિથ્યાત્વને સૂચવે તેમ આશા-આકાંક્ષાની મોહક સૃષ્ટિને પણ દર્શાવે. ક્યારેક કલાપી સ્વપ્નનીચે પોકળતા અને તેથી જ્ઞાનને સ્થાને શંકાનો તીવ્ર ભાવ અનુભવ છે :

હું સ્વપ્નનો અનુભવી નવ જાણતો કૈં,
શંકા પરંતુ મુજને મુજ સ્વપ્નમાં કૈ.
જીવી શકું ન સુખથી, મરીયે શકું ના,
જાણી શકું ન જગ છે અથવા નહીં આ.

પણ સામાન્ય રીતે સ્વપ્નમાં મિથ્યાત્વ અને ક્ષણિકતાની સાથે સાથે મીઠાશ અને ઉપભોગ્યતા કલાપી જુએ છે :

* આ તો સ્વપ્ન ટૂંકું છે, હું ગૂંજી લઉં, તું ખીલી લે!
થશે પલમાં અરે! હા! શું? હું તારો છું, તું મારું થા.
* મીઠું કિંતુ ક્ષણિક જ નકી સ્વપ્ન સંયોગ તો છે.
* ક્ષણિક શમણે લે સૌ લહેરો ભલે ઉપભોગની.

કલાપીએ પોતાને માટે એક વખત કહેલું : “હું ગમે તેવાં ભવ્ય પણ વ્યર્થ સ્વપ્નોનો આદમી છું.” આપણે આ ઉક્તિને જરા ફેરવીને કહી શકીએ કે કલાપી ગમે તેવાં વ્યર્થ પણ ભવ્ય સ્વપ્નોના આદમી હતા. આધુનિકો પાસે વ્યર્થ છતાંયે ભવ્ય સ્વપ્નોયે રહ્યાં નથી. આધુનિક સાહિત્યમાં કેવળ ભાવબોધ આધુનિક નથી, એમાં પ્રતીકયોજના અને ભાષાવ્યવસ્થા પણ પલટાઈ ગયેલી છે. એવું કશું તો કલાપીમાંથી શોધતાં પણ ભાગ્યે જ જડે. તો, આનો અર્થ એવો ખરો કે કલાપીની કવિતા આજે આપણા રસનો વિષય ન બની શકે? મને આ સંદર્ભમાં જેની જન્મશતાબ્દી હમણાં ઉજવાઈ ગઈ એ આ સદીના મહાન અમેરિકન કવિ રૉબર્ટ ફ્રૉસ્ટ યાદ આવે છે. એમણે આધુનિક યુગમાં આધુનિક સાહિત્યની સર્વ પરંપરાઓથી અલિપ્ત રહીને કવિતાનું સર્જન કર્યું; અને એ કવિતા ઉમળકાથી સ્વીકારાઈ, કલાપી પાસે યૌવનસુલભ મુગ્ધ પ્રેમ અને તેની પ્રતિક્રિયારૂપ લાગણીઓ છે. આ લાગણીઓથી આપણે સાવ વંચિત થઈ ગયા છીએ? તો, આધુનિક સમયમાં પણ પરંપરાગત સાહિત્ય ઘણુંબધું લખાય છે અને એમાંથી કેટલુંક ઉત્તમ નીપજી આવે છે તેનું શું? કલાપીનું દર્શન આજે આપણે માટે ભ્રાન્ત દર્શન બની ગયું હોય તોયે મોપાસાં કહે છે તેમ કવિ પોતાના કાવ્યબળથી પોતાની ભ્રાન્તિ પણ આપણા પર લાદી ન શકે? એ સ્વીકારવું જોઈએ કે કલાપીની કવિતાનું કેટલુંક મૂલ્ય ઐતિહાસિક છે. પ્રેમના ભાવોને આવી નિખાલસતાથી અને ઉત્કટતાથી, છંદની સફાઈથી અને સરળ કાવ્યબાનીમાં કલાપીએ પહેલી વાર ગાયા. કલાપીની ઘણી કવિતા પદ્યદેહી આત્મકથન છે, એટલે એનું કેટલુંક ચરિત્રલક્ષી મૂલ્ય પણ છે. છતાં કલાપીમાં આજે આપણને બેત્રણ કારણે રસ પડે. એક તો, કલાપીની પ્રેમભાવનામાં કેવળ હવાઈ આદર્શમયતા નથી પણ આજના યુગને અપીલ કરે એવી સ્પર્શક્ષમ પાર્થિવતા અને નિખાલસ વાસ્તવદૃષ્ટિ છે. બીજું, કલાપીની કવિતામાં ઇન્દ્રિયગોચરતા અને મૂર્તતાનો ગુણ ધ્યાન ખેંચે એવો છે. ટોપીવાળાએ એમના એક સરળ ચિત્રકલ્પનનું સરસ વિશ્લેષણ કરી બતાવ્યું તે આપણે જોયું. એમની આરંભકાળની ‘તુષાર'થી માંડીને છેલ્લી 'આપની યાદી' સુધીની ઘણી રચનાઓ કલાપીની કલ્પનનિર્માણની શક્તિની શાખ પૂરશે. કલાપીનાં કલ્પનોને કલ્પનો તરીકે સ્વતંત્ર રીતે આસ્વાદી શકાય એવાં છે. ત્રીજું આસ્વાદ્ય તત્ત્વ તે કલાપીની ભાષાશૈલી છે. કલાપીની ભાષામાં ખાસ ઊંડાણ નથી, એમાં ઘણી સરળતા છે. તેમ છતાં એમાં કશુંક ચમત્કારક તત્ત્વ રહેલું ઘણી વાર અનુભવાય છે. કલાપીનાં સૂત્રાત્મક કથનો ઘણાં જાણીતાં છે. સૂત્રાત્મક કથનો કાવ્યમાં આવી શકે કે કેમ એ વિશે મતભેદ હોવાનો સંભવ છે, પણ હું માનું છું કે કાવ્યગત સંદર્ભમાં સૂત્રાત્મક કથનનું સ્થાન છે અને એ પોતાની ભાષારચનાથી અસરકારક બની કાવ્યને ઉપકારક બની શકે. કલાપીનાં કથનોનું — અને એની કવિતાના બીજા પણ અસરકારક ખંડોનું — ભાષારચનાની દૃષ્ટિએ વિશ્લેષણ થવાની જરૂર છે. એમાંની શબ્દપસંદગી, વાક્યો કે પંક્તિઓની ભાતમાં રહેલા સંવાદ-વિસંવાદ, આવર્તનો વગેરે કલાપીની કાવ્યબાનીને અસરકારક બનાવવામાં ભાગ ભજવતાં હોવાનો સંભવ છે. એ સાચું છે કે કવિતામાં કલાપીની સિદ્ધિ કરતાં મથામણ વિશેષ દેખાય છે. પ્રસ્તાર અને એને કારણે આવતું ફિસ્સાપણું એ એમની કવિતાનો સર્વસામાન્ય દોષ, પણ તે ઉપરાંત ઘણી કવિતાઓમાં છંદની, ભાષાની, વર્ણનની કચાશ નજરે પડ્યા વિના રહેતી નથી. કલાપી પાસેથી આપણને આસ્વાદ્ય કાવ્યખંડો ઘણા મળે, પરિપૂર્ણ કાવ્યો ઓછાં. કલાપી આમાંથી કેવી રીતે બહાર નીકળતા આવ્યા એ એક અભ્યાસનો વિષય છે, પણ છેલ્લી થોડીક ગઝલો કલાપીની પરિપક્વ કલાનું દર્શન કરાવે છે. ચિનુભાઈ મોદીએ સાચું જ કહ્યું કે કલાપી ગઝલના આંતરરહસ્યને બરાબર સમજ્યા હતા. મને તો લાગે છે કે કલાપીના કવિમિજાજ અને કાવ્યશૈલીને માટે અનુકૂળ વાહન, કદાચ, ગઝલ હતું. આ છેલ્લી ગઝલો જેને કાન્તે ‘ભવ્ય ગઝલો’ કહી હતી તે આજે જ નહીં પણ આવતી કાલે પણ કાવ્યાસ્વાદની દૃષ્ટિએ અવશ્ય પ્રસ્તુત રહેશે.

મોડાસા કૉલેજમાં કલાપી જન્મશતાબ્દી નિમિત્તે
યોજાયેલા પરિસંવાદમાં તા. ૨૮-૧-૭૫ના રોજ
અપાયેલું વક્તવ્ય; બુદ્ધિપ્રકાશ, ઑક્ટોબર ૧૯૭૫

***