કવિલોકમાં/દયારામની ગરબીઓનું કલાવિધાન
નરસિંહ, મીરાં, દયારામ - એ ત્રણ આપણા મધ્યકાળના પ્રમુખ ઊર્મિકવિઓ. ત્રણે ભક્તિશૃંગારના ગાયક પણ. કાન્તે કલાપી વિશે લખતાં 'સ્નેહી' અને 'કવિ' એ શબ્દોનો વિવેક કર્યો હતો તેમ અહીં પણ શબ્દવિવેક કરીએ તો કહી શકાય કે નરસિંહ અને મીરાં પ્રધાનપણે 'ભક્ત' છે; દયારામ પ્રધાનપણે 'કવિ' છે. મુનશીએ પણ દયારામને 'ભક્ત' નહીં પણ 'કવિ’ કહેલા - પણ ‘પ્રણયી કવિ’. અહીં આપણે દયારામને ભક્તને સ્થાનેથી ખસેડ્યા વગર એનામાં વિશેષપણે 'કવિ'ત્વનો આરોપ કરીએ છીએ. એનું તાત્પર્ય એટલું છે કે કવિની સજાગતા, સભાનતા દયારામમાં કંઈક વિશેષ છે. કૃતિ દયારામને હાથે કલામય આકારમાં વિશેષપણે ઢળી આવે છે. દયારામ આપણા કલાકાર કવિ, કહો કે કલાકાર ભક્તકવિ છે. ગોવર્ધનરામે દયારામને ખરેખર અત્યંત મહાન કવિ ગણાવેલા (ક્લૅસિકલ પોએટ્સ ઑવ્ ગુજરાત) અને ન્હાનાલાલે દયારામની ગરબીઓને ગુજરાતનાં સાચાં અને સર્વોપરિ 'લિરિક્સ' (ઊર્મિકાવ્યો) કહેલાં (આપણાં સાક્ષરરત્નો ભા.૨) એ આ સંદર્ભમાં યાદ આવે જ. આમ છતાં, દયારામ વિશેષભાવે કવિ છે એમ કહેવા પાછળનો મારો આશય એમને સૌથી ઊંચા કવિને સ્થાને સ્થાપવાનો નથી. દયારામમાં કવિપણું વિશેષ છે એનો અર્થ એવો નથી કે એમનું કવિત્વ પણ ઊંચું છે. જેમ ભક્તિભાવનાની તેમ કવિત્વની પણ, નરસિંહ-મીરાં- દયારામની આગવી લાક્ષણિકતાઓ છે, દર્શન-વર્ણનની વિશિષ્ટ શક્તિ-મર્યાદા છે. અમુક બાબતમાં દયારામનું કામ વિશેષ નોંધપાત્ર કે ચડિયાતું લાગે તો બીજી બાબતમાં નરસિંહ કે મીરાંનું કામ પ્રશસ્ય લાગે. રામનારાયણ પાઠકે દયારામ વિશે કહેલું : "માધુર્યમાં, લાલિત્યમાં, તરંગલીલામાં તેને ટપી જાય એવો કોઈ કવિ નથી.” (નભોવિહાર) મુનશીએ પણ દયારામની વિશેષતા બતાવતાં લખેલું, “ભાષાની સંસ્કારિતા, સમૃદ્ધિ કે સંગીતમાં, ઊર્મિઓની સચોટતા કે તરવરાટમાં, ભાવવૈવિધ્યની રંગબેરંગી ચમકમાં, હૃદયંગમ શબ્દમાધુર્યની મોહિનીમાં, પ્રણયના તલસાટની તીવ્રતામાં કોઈ કથનકાર ગુજરાતી સાહિત્યમાં એને સ્પર્શી શક્યો નથી.” (થોડાંક રસદર્શનો) પણ માધુર્ય, લાલિત્ય કે તરંગલીલામાં, ભાષાની સંસ્કારિતા, સમૃદ્ધિ કે સંગીતમાં, ઊર્મિઓના તરવરાટ કે વૈવિધ્યમાં, કવિત્વની પર્યાપ્તિ કે પરાકાષ્ઠા નથી. દયારામમાં, કદાચ, મીરાંના જેવી ભાવની ગહનતા નથી. એ જીવનની તરલ, કંઈક ઉપરછલ્લી ઊર્મિઓમાં વધારે રાચે છે; મીરાંની કલ્પનપ્રચુર કાવ્યશૈલીથી એની તળપદી ભાષાભંગિનો કસ કાઢતી કાવ્યશૈલી પણ જુદી તરી આવે. દયારામમાં નરસિંહનું ભવ્ય દર્શન અને એને સમર્થતાથી નિરૂપતી સૂત્રાત્મક-મંત્રકક્ષાની વાણી પણ નથી. દયારામ દયારામ જ છે અને એમની કવિતાનું આગવું આકર્ષણ છે. દયારામને એમની પૂર્વપરંપરાનો ઘણો લાભ મળેલો હોય એ સમજાય એવું છે. નરસિંહ તેમજ દયારામની કવિતા બહુધા ભાગવત-પ્રેરિત છે, પણ દયારામ પાસે વિભાવ—અનુભાવનું, પરિસ્થિતિ અને પ્રણયાભિવ્યક્તિનું જે વૈવિધ્ય છે તે નરસિંહમાં, એટલું દેખાતું નથી. દયારામે સાધેલા વિકાસની ઝાંખી એના પરથી થાય છે. પણ અહીં આપણે માટે વધારે પ્રસ્તુત વાત તો એ છે કે દયારામ પાસે રસિક કલા-વિધાનનો એક સહજ કસબ છે, જે પૂર્વપરંપરામાં એ રૂપે જોવા મળતો નથી, એ કલાવિધાનના કેટલાક અંશોની પૂર્વપરંપરામાં ઝાંખી થતી હોવા છતાં, દયારામને આપણે કલાકાર—કવિ કહીએ છીએ તે આ અર્થમાં. દયારામનો રસિક કલાવિધાનનો આ કસબ એટલે શું? બે-ત્રણ મુદ્દાઓ આપણે નોંધી શકીએ. એક તો, દયારામની કૃતિ સામાન્યતઃએકસૂત્ર અને એકરસ રચના હોય છે. ગજેન્દ્ર પંડ્યાએ નરસિહ અને દયારામની તુલના કરતાં એક વખતે નોંધેલું કે “નરસિંહની લોચન ઉપર ચારપાંચ કવિતાઓ છે. પરંતુ તે—તે કવિતામાં લોચનના વિષય ઉપરાથી કવિ મુખની મોહકતા વર્ણવવા મંડી જાય છે. દયારામ તે જ વિષયને વળગી અનેરી અસર કરે છે.” (નવમી-દશમી ગુજરાતી સાહિત્ય પરિષદ સંમેલનનો અહેવાલ અને નિબંધસંગ્રહ) ભાવવિચારની એકસૂત્રતા ઘણી વાર સચવાતી નથી. ભક્તિગાન કરવું એ જ જ્યા પ્રધાન લક્ષ્ય હોય ત્યાં આમ બનવું સ્વાભાવિક છે. નરસિંહમાં, એમની અત્યંત પ્રભાવક કૃતિમાં પણ, અમુક પંક્તિઓ દર્શનની કે કવિત્વની ઘણી ઊંચી કક્ષા બતાવતી હોય અને બીજી થોડીક પંક્તિઓ વ્યવહારની ભૂમિકાઓથી લખાતી હોય એવું જોવા મળે છે. બલવંતરાયે નરસિંહ (અને મીરાંની) કોઈકોઈ કૃતિને ‘ઇન્સ્પાયર્ડ' ‘ત્રીજા નેત્રની પ્રસાદી' કહેલી; વધારે સાચું કદાચ એ છે કે નરસિંહની કોઈકોઈ પંક્તિઓ એવી છે. આનું કારણ એટલું જ છે કે નરસિંહ કાવ્યરચનાની સભાનતાથી પ્રવર્ત્યા નથી. દયારામની રચનાઓ એકસૂત્ર તેમ એકરસ હોય છે. અતિ ઉચ્ચ કોટિના ઉદ્ગાર દયારામની કૃતિમાં જડતા નથી, પણ દયારામની આખી રચના રસની એક ભૂમિકાએ અને કક્ષાએ ચાલતી હોય છે. ભાવ રેળાઈ જતો નથી, ફિસ્સો પડતો નથી. વીખરાઈ જતો નથી. કશું ઊભડક કે અધ્ધર કે અછડતું પણ આલેખાતું નથી. નરસિંહની ઘણી કવિતામાં એકાદ માર્મિક બિન્દુ આવે છે, પણ એ અછડતું રહી જાય છે. મીરાંની પણ ઘણી કવિતા ટૂંકી છે અને ભાવવિચારની માંડણી એમાં જોવા મળતી નથી. દયારામ એક ભાવબિન્દુ લે છે, એને સહેજ ઘૂંટે છે, યોગ્ય વિભાવઅનુભાવથી એને મૂર્ત કરે છે અને એમાં વધુ પડતા ખેંચાયા વિના કૃષ્ણશરણ્યતામાં એનું પર્યવસાન સાધે છે. દયારામનાં ઉત્તમ ઊર્મિકો જોતાં આ હકીકતની પ્રતીતિ થશે. સુઘડ, સફાઈદાર, ભાવપોષક રચનાવિધાન એ દયારામનો એક વિશિષ્ટ કવિગુણ છે. દયારામની પહેલાં ક્યાંક પ્રીતમમાં કે રાજેમાં આવું રચનાવિધાન ક્યારેક દેખાય પણ દયારામમાં એનો ઉત્કર્ષ છે. દયારામના કલાવિધાનની બીજી લાક્ષણિકતા છે ભાવ-વિચારનો રસિક ચમત્કારક વળાંક. ભાવપલટાની આ યુક્તિ નરસિંહમાં ક્વચિત્ જોવા મળશે. પ્રીતમમાં પણ એનું એકાદ સરસ ઉદાહરણ મળી આવે છે. પરંતુ દયારામે તો એનો વારંવાર અને કુશળતાપૂર્વક ઉપયોગ કર્યો છે. આ જ દયારામનું રસિકચાતુર્ય. મોઢાનો ભાવ જુદો અને હૃદયની લાગણી જુદી. આખા કાવ્યમાં વર્ણવાતો કૃતક, કોષ, રીસ, માન, તિરસ્કાર, ઈર્ષ્યાનો ભાવ અને એકાએક પ્રગટ થઈ જતી હૃદયની ખરી લાગણી. આનાં ઉદાહરણો તો કેટલાંબધાં જાણીતાં છે! ‘શ્યામ રંગ સમીપે ન જાવું' એવી પ્રતિજ્ઞાથી એકએક કાળી વસ્તુને છોડતી જતી ગોપીનો રીસનો ફુગ્ગો આમ ફુલાતાં જ ફૂટી જાય છે. છેલ્લી પંક્તિમાં કવિ કહે છે: 'દયાના પ્રીતમ સાથે મુખે નીમ લીધો. મન કહે જે પલક ના નિભાવું.' નેણ નચાવતાં નંદના કુંવરને ‘પાધરે પંથે જા' એમ તુચ્છકારની ગોપી છેલ્લે કાનમાં કહી દે છે કે ‘શીદ હઠીલા અટકે? હું તો તારી જ છું સદા.' મોહનલાલજીને મારગડો મૂકવા વિનવતી અને 'નહિતર મારા મુખની ખાશો ગાળ જો' એમ ધમકી આપતી રાધા મીઠા પ્રણયકલહને અંતે મનગમતું ગોરસ પાય છે; અને 'રાતલડી કોને સંગે જાગ્યા?' એમ ઈર્ષ્યાભાવથી કૃષ્ણની ઊલટતપાસ લેતી ગોપી નેહનાં નેન મળતાં, માન મૂકી કૃષ્ણને પોતાની જાત સમર્પે છે. આ જાતના ભાવપલટા ભાવની એકસૂત્રતાને બાધક નીવડતા નથી કેમકે એ આકસ્મિક નથી હોતા. રોષ કે રીસ બનાવટી છે એની પ્રતીતિ એ ઉદ્ગારોમાંથી જ આપણને થાય છે. અહીં ખરેખર જે ઘટના છે તે પલટાની ઘટના નથી, આવરણ - પડદો હટવાની ઘટના છે, છદ્મવેશ સરકી પડવાની ઘટના છે. એમાં જ રચનાનો ચમત્કાર છે અને કાવ્યનો રસ છે. દયારામના કલાવિધાનનું ત્રીજું લક્ષણ તે એની ગરબીઓનું નાટ્યાત્મક ઊર્મિકાવ્યનું સ્વરૂપ. ગજેન્દ્ર પંડ્યાએ લખેલું : “દયારામ સખીને મોંએ બીજી સખીને કહેવડાવે છે. નરસિંહ કૃષ્ણ અને ગોપીની કથની લખે છે.” દયારામની ગરબીઓ સામાન્ય રીતે કોઈ પાત્રના ઉદ્ગાર રૂપે લખાયેલી છે - બહુધા ગોપીના, ક્વચિત્ કૃષ્ણના અને ક્વચિત્ ગોપીની સખીના. એટલું જ નહીં, એ ઉદ્ગાર કોઈ વ્યક્તિને સંબોધાયેલાં પણ છે. ગોપી કૃષ્ણને કે પોતાની સખીને ઉદ્દેશીને, તો ક્યારેક ઉદ્ધવને, વાંસળીને કે મધુકરને ઉદ્દેશીને પણ બોલતી હોય છે. આ રીતે આ કાવ્યો સંબોધનાત્મક કે પ્રચ્છન્નપણે સંવાદાત્મક છે. પાત્ર હવામાં ઉદ્ગારો કરતું નથી, આત્મચિંતન કરતું નથી, એની સામે કોઈ ઊભું છે અને એની સાથે વાર્તાલાપ ચાલી રહ્યો છે. આને કારણે, કાવ્યની પરિસ્થિતિ પણ ઘણી વાર વ્યાકૃત થાય છે. ‘નેણ નચાવતા નંદના કુંવર પાધરે પંથે જા' એમ ગોપી કહે છે ત્યારે મારગ રોકીને ઊભેલા અને આંખ નચાવતા નંદના કુંવરની આપણે કલ્પના કરી શકીએ છીએ. બહુધા કાવ્યની પહેલી પંક્તિમાં જ સંબોધન હોય છે તેથી ઘણી વાર પરિસ્થિતિને તરત સ્ફુટ થવાનો અવકાશ મળે છે. ઘણી વાર તો દયારામ બે પાત્રોના સંવાદ રૂપે પણ લખે છે. કૃષ્ણ-રાધાના કેટલાક સંવાદો છે પણ તે ઉપરાંત વહુજીને શીખ આપતી સાસુ અને સાસુને જવાબ આપતી વહુનો પણ દયારામે તો સંવાદ જ યોજ્યો છે. અરે, લોચન-મનના ઝઘડાને પણ દયારામ સંવાદરૂપમાં જ ઢાળે છે. દયારામનાં આ કાવ્યો આ રીતે બહુ સ્પષ્ટ રીતે નાટ્યાત્મક ઊર્મિકાવ્યો છે. નરસિંહ ઘણી વાર પોતે જ કૃષ્ણગોપીલીલાને વર્ણવતા હોય છે, પણ શૃંગારમાળાનાં ઘણાંબધાં પદો ગોપીને મુખે જ મુકાયેલાં છે. નરસિંહમાં સંબોધનશૈલીનું ખાસ વૈવિધ્ય દેખાતું નથી. પણ એ ઉપરાંત શૃંગારમાળામાં પણ ગોપી વિશેષે તો કૃષ્ણ સાથેના પોતાના વિહારને, સુરતક્રીડાને વર્ણવે છે. એ રીતે એ પદો વર્ણનાત્મક છે. દયારામમાં આ જાતની વર્ણનપરાયણતા - કથનપરાયણતા નથી. (છતાં પ્રણયી હોવાની ગાળ તો દયારામને જ લાગે છે.) દયારામનાં કાવ્યોમાં ઉદ્ગારો રૂપે પાત્રની લાગણીઓ અને ચિત્તવૃત્તિઓ જ આલેખાતી હોય છે. આથી મનની એક અંગત સૃષ્ટિને આપણે જાણે સીધેસીધી પ્રત્યક્ષ કરીએ છીએ. આ અંગતતા, એ સાચું છે કે, મીરાંની કવિતાની અંગતતાથી જુદી ચીજ છે. મીરાં તો પોતાના જ હૃદયભાવોને સીધા પ્રગટ કરી રહ્યાં હતાં; પોતાના પ્રિયતમ કૃષ્ણ સાથે ગુજગોષ્ઠિ કરી રહ્યાં હતાં. એમને ગોપીનું ઓઠું લેવાનું નહોતું. એમની આત્મલક્ષી અંગતતા હતી, દયારામની પરલક્ષી અંગતતા છે. પણ બન્નેમાં સીધો સૂર છે એ નોંધપાત્ર છે. સીધો સૂર, વાર્તાલાપનો રચનાબંધ અને અંગત ભાવ-વિચારનું કથન : એ, દેખીતી રીતે, અમુક પ્રકારના વાક્યબંધ અને ભાષાપ્રયોગને અવકાશ આપે. તળપદી વાગ્ભંગિ દ્વારા કામ લેવાની દયારામની જે રીતિ છે તેને દયારામની કવિતાના આ વિશિષ્ટ સંવાદાત્મક રચના-વિધાન સાથે બહુ નિકટનો સંબંધ છે. ઘણીખરી ગરબીઓ ગોપીના ઉદ્ગાર રૂપે આવતી હોઈ, દયારામથી બૈરક બોલીનો કસ કાઢવાનું પણ અત્યંત મનોરમ રીતે બની આવ્યું છે. આ ઉપરાંત પણ નાજુક મનોભાવોને વ્યક્ત કરતા અનેક કાકુઓ અને સ્વાભાવિક તોયે વર્ણ સંગીતભરી શબ્દરચના દયારામની વિશેષતા છે. ગરબીઓની ગેયતાને અત્યંત પોષક લય-ઢાળ અને ધ્રુવાની નૂતન ને વિવિધ આકૃતિઓને પણ દયારામના કલાકાર-કવિસ્વભાવનું જ પરિણામ લેખવું જોઈએ. સંવાદાત્મક રચનાવિધાનનું દયારામને કેટલું આકર્ષણ હતું એનો ખ્યાલ એમનાં અન્ય પદો - ભક્તિબોધનાં અને નીતિનાં પદો તરફ નજર કરવાથી પણ આવશે. એ પદોમાં પણ શ્રીકૃષ્ણને સંબોધાયેલાં પદો ઘણાં છે અને ચિત્ત કે મનને સંબોધાયેલાં પદો પણ ઠીક પ્રમાણમાં છે. આ જૂની પરિપાટી હતી બેશક, પણ ધ્યાન ખેંચે છે તે તો દયારામમાં આ શૈલીનો કંઈક વિશેષપણે ઉપયોગ. અહીં હવે ગોપીનું ઓઠું નથી. એટલે જાણે સીધો દયારામનો જ અવાજ આપણે સાંભળીએ છીએ. ચિત્તને સંબોધીને ન લખ્યું હોય ત્યાં પણ દયારામનો મિજાજ તો જાત સાથે વાત કરવાનો જ દેખાઈ આવે છે. દયારામનો આ અંગત ભાવ ખાસ ધ્યાન ખેંચે છે અને કેટલાક ઠેકાણે તો હૃદયસ્પર્શી બને છે. એક સૂત્ર, એકરસ રચનાવિધાન, ચમત્કારક વળાંકનો કલાકસબ અને વૈયક્તિક લાગણીના ઉદ્ગારની અભિવ્યક્તિશૈલી – એવું કેટલુંક દયારામને ભક્તિકવિ ઉપરાંત કલાકાર-કવિ તરીકે સ્થાપવા પર્યાપ્ત છે.
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> *
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ગુર્જર ભારતી, જુલાઈ-ઑગસ્ટ, ૧૯૭૭
***