રામચન્દ્ર પટેલની કવિતા/ન જાણું

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ન જાણું

અમે બે નોંધારાં લગન કરી આવ્યાં નગરમાં-
મજૂરીએ લાગ્યાં, બનતી જતી બિલ્ડિંગ વચમાં,
રહી સાથે, માટે લઈ તબડકાં રેત, કપચાં
ઉપાડ્યાં : ઈંટોના ઢગ ઢગ રચી, છાંટ્યું જળને.

પરોઢેથી કામે ચડું, દૃગ મળે શેઠની, છતાં
હું લજ્જાળુ રાખું મુખડું : ઉપલા માળ પરથી
પડી ટીંચાઈ ઈંટ શિર પર બેશુદ્ધ ધણી તો
દવાખાને કે ક્યાં? ન ખબર મને આજ સુધીમાં.

બધાંને જોડે તો હરું ફરું...ઠરું ભોંયતળિયે,
પછી ઊંચેથી બિલ્ડરની રમતી લિફ્ટ ઊતરી;
ચઢ્યા દા’ડા : કાચું અવતરી ગયું ભ્રૂણ ઊગરી
ગઈ, ત્યાં તો પેટાળ હચમચ્યું ભૂકંપ પ્રકટ્યો.

થયું, ઊંધી બિલ્ડિંગ ગબડી પડી... કાળ અડક્યો
ન જાણું શા કાજે શબ શબ પરે અગ્નિ ભભક્યો.?